You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

પાકિસ્તાનમાં રાજકીય સંકટ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મંગળવાર સુધી સ્થગિત

શ્રીલંકામાં અત્યાર સુધીનું સૌથી મોટું આર્થિક સંકટ સર્જાયું છે, જેના પગલે રવિવારે મોડી રાત્રે શ્રીલંકાના તમામ 26 કૅબિનેટ મંત્રીઓએ રાજીનામાં આપી દીધાં હતાં.

લાઇવ કવરેજ

  1. આ ગુજરાતી યુવતી પોતાની ઓળખમાંથી જ્ઞાતિ અને ધર્મ કેમ કાઢવા માગે છે?

  2. AAPની પંજાબની જીતના 'એ હીરો' જેમને ગુજરાતના પ્રભારી બનાવાયા

  3. ગુજરાતમાં માલધારીઓ જેના વિરોધમાં રસ્તા પર ઊતર્યા એ 'ઢોર નિયંત્રણ બિલ' શું?

  4. પાકિસ્તાનમાં રાજકીય સંકટ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મંગળવાર સુધી સ્થગિત

    પાકિસ્તાનમાં નેશનલ ઍસેમ્બલીને ભંગ કરવાના મામલામાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી મંગળવાર બપોરે 12 વાગ્યા સુધી મોકૂફ રાખવામાં આવી છે.

    સોમવારના ઇમરાન ખાનની સરકારની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને નેશનલ ઍસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર તરફથી ફગાવી દેવાની માન્યતા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની હતી પરંતુ આને મંગળવાર સુધી સ્થગિત કરી દેવાઈ.

    પાકિસ્તાની અખબાર ડૉનની વેબસાઇટ અનુસાર પાકિસ્તાનના ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલે કહ્યું કે કોર્ટ આ મામલામાં આજે કોઈ આદેશ નહીં આપે. એક મોટી બૅન્ચ તરફથી મામલાની સુનાવણી માટે મંજૂર કર્યા બાદ તેમણે આ ટિપ્પણી કરી છે.

    આની પહેલાં વિપક્ષનાં દળો પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ એક અરજી દાખલ કરી જેમાં કહેવામાં આવ્યું છે કે આ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટના બધા 16 જજની બૅન્ચની રચના કરવી જોઈએ પરંતુ આ માગને ફગાવી દેવામાં આવી. બૅન્ચે કહ્યું, 'વિપક્ષને જો અમારા પર ભરોસો ન હોય તો અમારા અહીં હોવાનો કોઈ અર્થ નથી.'

    પીપીપીના વકીલ ફારૂક એક નાઇકે જ્યારે સમગ્ર કોર્ટના ગઠનની માગ કરી તો ચીફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું, ''જો આ બૅન્ચના કોઈ જજની કાબેલિયત પર કોઈ શંકા હોય તો અમે અત્યારે ઉઠી જઈશું.'' ત્યાર બાદ ફારૂક એચ નાઇકે આની પર જોર આપ્યું નહીં.

    સોમવારની સુનાવણી દરમિયાન નાઇકે જલદી નિર્ણય સાંભળવાની અરજી કરતાં કહ્યું કે, 'રાષ્ટ્રપતિએ કાર્યવાહક વડા પ્રધાન માટે બે લોકોના નામ માગ્યા છે. પરંતુ જસ્ટિસ અહસાને કહ્યું કે,'' આજ નિર્ણય આપવો શક્ય નથી કારણ કે સુપ્રીમ કોર્ટના નિર્ણયની દૂરગામી અસર થશે. અમે રાજકીય પક્ષોના મતનું સન્માન કરીએ છીએ.'

    જસ્ટિસ બાંદિયાલે કહ્યું, ''અમે હવામાં નિર્ણય નથી આપતા.' ત્યાર બાદ સુનાવણી કાલે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.''

  5. શ્રીનગર ચરમપંથી હુમલામાં સીઆરપીએફના એક જવાનનું મૃત્યુ, એક ઈજાગ્રસ્ત

    કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં સોમવારે ચરમપંથીઓ શ્રીનગરના મૈસુમા વિસ્તારમાં સીઆરપીએફના જવાનો પર ગોળીબાર કર્યો. ફાયરિંગની આ ઘટનામાં બે જવાન ઈજાગ્રસ્ત થઈ ગયા છે.

    બંને ઈજાગ્રસ્ત જવાનોને શ્રીનગરના શ્રી મહારાજા હરિસિંહ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. સીઆરપીએફના અધિકારીઓએ જણાવ્યું કે ઈજાગ્રસ્ત જવાનોમાંથી એકનું મૃત્યુ થઈ ગયું છે. સુરક્ષાદળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે અને હુમલાખોરોની શોધખોળ શરૂ કરી દેવાઈ છે.

  6. નવજોતસિંહ સિદ્ધુએ કહ્યું – ચંડિગઢ માત્ર પંજાબનું છે અને રહેશે

    પંજાબની ભગવંત માન સરકારે તાજેતરમાં જ વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર બોલાવીને કહ્યું હતું કે કેન્દ્ર સરકારે ચંડિગઢને માત્ર પંજાબની રાજધાની જાહેર કરવી જોઈએ.

    હવે તેનાં પર કૉંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું છે કે, “ચંડિગઢ માત્ર પંજાબનું છે અને રહેશે.”

    તેમણે ટ્વીટ કર્યું, “પંજાબના 27 ગામોની જગ્યાએ બનેલું ચંડિગઢ પંજાબનું છે અને રહેશે.”

    તેમણે આગળ લખ્યું છે કે ચંડિગઢ તો બહાનું છે, પંજાબના દરિયાઈ પાણી પર નિશાન છે. સાવધાન રહો. આગળની મોટી લડાઈ પંજાબની નદીઓના પાણી માટે થશે.

  7. પાકિસ્તાનઃ ઇમરાન ખાન અને સેનાના નિવેદન અલગ-અલગ કેમ છે?

  8. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ પર રાહુલ ગાંધીએ કહ્યું, “આ પીએમ જન ધન લૂટ યોજના”

    કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને લઈને મોદી સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે.

    રાહુલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે 2014ની સરખામણીએ વિવિધ વાહનોની ટાંકી ભરાવવી હવે કેટલી મોંઘી થઈ ગઈ છે.

    તેમણે આ ભાવવધારાને ‘પ્રધાનમંત્રી જન ધન લૂંટ યોજના’ ગણાવી છે.

    લિસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2014માં બાઇકની ટાંકી ફૂલ કરાવવા 714 રૂપિયા થતા હતા, પરંતુ હવે તેના માટે 1,038 રુપિયા ચૂકવવા પડે છે.

    પેટ્રોલ-ડીઝલના ભાવમાં સોમવારે 40 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લાં બે અઠવાડિયાંમાં ભાવમાં 8.40 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

    સરકારી ઑઇલ કંપનીઓ તરફથી જારી કરવામાં આવેલી યાદી અનુસાર, દિલ્હીમાં પેટ્રોલની કિંમત હવે 103.81 રૂપિયા પ્રતિ લિટર હશે, જ્યારે ડીઝલ 94.67 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 95.07 રૂપિયા પ્રતિ લિટર મળશે.

  9. ગુજરાત આમ આદમી પાર્ટીના નવનિયુક્ત પ્રભારીએ લીધો ચાર્જ, કહ્યું - અમે 58 બેઠકો પર જીતી રહ્યાં છીએ

    પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત પાછળનો ચહેરો અને રાજ્યસભાના સભ્ય ડૉ. સંદીપ પાઠકે આજે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રભારી તરીકે ચાર્જ સંભાળ્યો છે.

    જ્યાર બાદ યોજાયેલી પત્રકારપરિષદમાં તેમણે જણાવ્યું કે, “ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. 27 વર્ષથી ભાજપનું શાસન જોયા બાદ હવે તેમને ‘બદલાવ’ જોઈએ છીએ.”

    તેમના મતે કૉંગ્રેસ એવી સ્થિતિમાં નથી કે ભાજપને ગુજરાતમાં હરાવી શકે.

    તેથી તેમણે કહ્યું, “જે રીતે કેજરીવાલજીએ દિલ્હીમાં કામ કર્યું છે અને પંજાબમાં પણ કરી રહ્યાં છે. તે જનતાએ જોયું છે અને તેથી જ ગુજરાતની જનતાને લાગે છે કે ભાજપને માત્ર આમ આદમી પાર્ટી જ હરાવી શકે તેમ છે.”

    જોકે, આમ આદમી પાર્ટીનો ઉદ્દેશ કોઈને હરાવવાનો નહીં પરંતુ જનતાની જીતનો હોવાનું જણાવતા ડૉ. પાઠકે જણાવ્યું કે, “અમારો ઉદ્દેશ માત્ર એક જ છે કે રાજ્યમાં સારી સ્કૂલો બને, હૉસ્પિટલો બને, લોકોને પૂરતી રોજગારી મળે અને સારુ જીવન જીવવા મળે.”

    તેમણે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, “હમણાં જ ગુજરાતની સરકારનો એક ઇન્ટર્નલ રિપોર્ટ આવ્યો, જેમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 55 સીટો મળશે, પણ હું તમને જણાવી દઉં કે અમારી ખુદની એજન્સી છે અને અમે વૈજ્ઞાનિક ઢબે સરવે કરીએ છીએ. તેના રિપોર્ટ પ્રમાણે અમે 58 બેઠકો પર જીતી રહ્યા છીએ.”

  10. 'પેટ્રોલના ભાવ ભલે ભડકે બળે, કોઈ ચિંતા નથી, વિકાસ તો જુઓ બૉસ', ગુજરાતીઓ ભાવવધારા અંગે શું બોલ્યા?

  11. શ્રીલંકામાં ચાર નવા મંત્રીઓએ લીધા શપથ, રાષ્ટ્રપતિએ પોતાના ભાઈને જગ્યા ન આપી

    શ્રીલંકામાં સર્જાયેલા અત્યાર સુધીના સૌથી ભયાવહ આર્થિક સંકટ વચ્ચે રવિવારે મોડી રાત્રે શ્રીલંકાના તમામ 26 કૅબિનેટ મંત્રીઓએ રાજીનામાં આપ્યાં હતાં. જોકે, તે પાછળનું કોઈ કારણ જણાવ્યું ન હતું.

    ત્યાર બાદ શ્રીલંકાની સૅન્ટ્રલ બૅન્કના ગવર્નર અજિત નિવાર્દ કબરાલે રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપ્યું હતું.

    તમામ મંત્રીઓએ રાજીનામું આપ્યા બાદ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ વિપક્ષી દળો સમક્ષ મંત્રીમંડળમાં સામેલ થવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

    જ્યાર બાદ સોમવારે સવારે ચાર મંત્રીઓને રાષ્ટ્રપતિએ શપથ લેવડાવી હતી.

    જોકે, તેમાં પાછલી કૅબિનેટના મંત્રી અને રાષ્ટ્રપતિ તેમજ વડા પ્રધાનના ભાઈ બાસિલ રાજપક્ષેનો સમાવેશ કરાયો નથી.

    નવા મંત્રીઓમાં અલી સાબરી, જીએલ પેઇરિસ, દિનેશ ગુનાવર્દને અને જૉન્સટન ફર્નાન્ડોનો સમાવેશ થાય છે.

  12. શ્રીલંકાના નેતાએ વડા પ્રધાન મોદી પાસે મદદની કરી ભાવુક અપીલ

    આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા શ્રીલંકામાં અત્યારે રાજકી અસ્થિરતા છે. એવામાં વિપક્ષના નેતા સજિથ પ્રેમદાસાએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મદદની અપીલ કરી છે.

    શ્રીલંકામાં વડા પ્રધાનને બાદ કરતાં સમગ્ર કૅબિનેટે રાજીનામું આપી દીધું છે.

    સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં સજિથ પ્રેમદાસાએ વડા પ્રધાન મોદીને અપીલ કરતાં કહ્યું કે “કૃપયા જેટલી વધારે સંભવ હોય એટલી મદદ કરવાનો પ્રયત્ન કરો."

    "આ અમારી માતૃભૂમિ છે. અમારે અમારી માતૃભૂમિ બચાવવાની આવશ્યકતા છે.”

  13. ભારતના સંગીતકાર રિકી કેજને મળ્યો ગ્રૅમી ઍવોર્ડ

    અમેરિકાના લાસ વેગાસમાં આયોજિત 64મા ગ્રૅમી ઍવૉર્ડ્સમાં ભારતના સંગીતકાર રિકી કેજ પુરસ્કૃત થયા છે. આ બીજી વખત છે, જ્યારે રિકીને ગ્રૅમી ઍવૉર્ડ મળ્યો હોય.

    આ ઍવૉર્ડ તેમના આલ્બમ ‘ડિવાઇન ટાઇડ્સ’ માટે આપવામાં આવ્યો છે.

    રિકી કેજનો જન્મ અમેરિકામાં થયો છે પરંતુ તેઓ અત્યારે બૅંગ્લુરુમાં રહે છે.

  14. શ્રીલંકામાં સૅન્ટ્રલ બૅન્કના ગવર્નરે આપ્યું રાજીનામું, રાષ્ટ્રપતિએ વિપક્ષને સરકારમાં જોડાવા આપ્યું આમંત્રણ

    શ્રીલંકામાં જારી આર્થિક સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ દેશના તમામ રાજકીય પક્ષોને અત્યાર સુધીના સૌથી ખરાબ આર્થિક સંકટ સામે લડવા સરકારમાં સામેલ થવા આમંત્રણ આપ્યું છે.

    આ પહેલાં શ્રીલંકાની સૅન્ટ્રલ બૅન્કના ગવર્નર અજિત નિવાર્દ કબરાલે રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપ્યું હતું.

    તેમણે ટ્વીટ કરીને જણાવ્યું, ”દેશના તમામ કૅબિનેટ મંત્રીઓનાં રાજીનામાંને જોતા મેં પણ ગવર્નર તરીકે રાજીનામું રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને આપી દીધું છે.”

  15. ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાઓમાં 42 ડિગ્રી પહોંચશે પારો

  16. ઇમરાન ખાન વડા પ્રધાન નહીં રહે, કાર્યવાહક પીએમની પસંદગી સુધી પદ સંભાળશે

    પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે ઇમરાન ખાન પાકિસ્તાનમાં કાર્યવાહક વડા પ્રધાનની પસંદગી થાય, ત્યાં સુધી પદ સંભાળશે.

    રવિવારે રાત્રે રાષ્ટ્રપતિ દ્વારા દેશની સંસદભંગ કરવામાં આવી, એ બાદ ઇમરાન ખાન સત્તાવાર રીતે વડા પ્રધાન રહ્યા નથી.

    ઇમરાન ખાને જ રવિવારે બપોરે રાષ્ટ્રપતિને અનુચ્છેદ 58 (1) અંતર્ગત સંસદભંગ કરવા અપીલ કરી હતી.

    જયાર બાદ મોડી રાત્રે ઇમરાન ખાનના રાજકીય સંચાર મામલાના સલાહકાર શાહબાઝ ગિલે એક ટ્વીટમાં કૅબિનેટ ડિવિઝનનું નૉટિફિકેશન જારી કર્યું હતું.

    હવે પાકિસ્તાનમાં કાર્યવાહક વડા પ્રધાનની નિયુક્તિ અનુચ્છેદ 224 એ (4) અંતર્ગત થશે અને જ્યાં સુધી આ કાર્યવાહી પૂર્ણ નહીં થાય, ત્યાં સુધી ઇમરાન ખાન જ વડા પ્રધાન તરીકે જવાબદારી નિભાવશે.

  17. રશિયા યુક્રેનને કેમ પૂર્વ તરફથી ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે?

  18. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, બે અઠવાડિયાંમાં 12મી વખત કિંમત વધી

    પેટ્રોલ-ડીઝલના ભાવમાં સોમવારે 40 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લાં બે અઠવાડિયાંમાં ભાવમાં 8.40 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

    સરકારી ઑઇલ કંપનીઓ તરફથી જારી કરવામાં આવેલી યાદી અનુસાર, દિલ્હીમાં પેટ્રોલની કિંમત હવે 103.81 રૂપિયા પ્રતિ લિટર હશે, જ્યારે ડીઝલ 94.67 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 95.07 રૂપિયા પ્રતિ લિટર મળશે.

    પેટ્રોલ અને ડીઝલના ભાવ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી લાદવામાં આવતા ટૅક્સના આધારે નક્કી થાય છે.

    દરેક રાજ્યનો ટૅક્સ અલગઅલગ હોવાથી વિવિધ રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના જુદાજુદા ભાવ જોવા મળે છે.

    જોકે, કિંમતમાં ફેરફાર પણ નજીવો જોવા મળે છે.

  19. શ્રીલંકામાં કથળી રહેલી સ્થિતિ વચ્ચે આખી કૅબિનેટનું રાજીનામું

    શ્રીલંકામાં સર્જાયેલા અત્યાર સુધીના સૌથી ભયાવહ આર્થિક સંકટ વચ્ચે રવિવારે મોડી રાત્રે શ્રીલંકાના તમામ 26 કૅબિનેટ મંત્રીઓએ રાજીનામાં આપ્યાં છે.

    પત્રકારો સાથે વાત કરતા દેશના શિક્ષણમંત્રી અને સદનના નેતા દિનેશ ગુણાવર્ધનાએ કહ્યું કે કૅબિનેટના મંત્રીઓએ વડા પ્રધાન મહિંદા રાજપક્ષેને રાજીનામાં આપ્યાં છે.

    જોકે, તેમણે આ પાછળનું કોઈ કારણ જણાવ્યું ન હતું.

    રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે આર્થિક સંકટને દૂર કરવાની રીતને લઈને મંત્રીઓ પર જનતા તરફથી ભારે દબાણ હતું.

    રવિવારે સાંજે શ્રીલંકાના રસ્તા પર સામાન્ય લોકોનાં વ્યાપક વિરોધપ્રદર્શનો જોવા મળ્યાં હતાં.

    દેશની હાલની પરિસ્થિતિથી નારાજ જનતા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માગ કરી રહી છે.

  20. ગુડ મૉર્નિંગ, બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે.

    અહીં તમને શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે આખી કૅબિનેટનું રાજીનામું, પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકાર પર રાજકીય સંકટ, રશિયા-યુક્રેન સંઘર્ષ જેવા મહત્ત્વના સમાચારની સાથે દેશ, દુનિયા અને ગુજરાતની અપડેટ્સ મળશે. આ પહેલાંની અપડેટ્સ માટે અહીં ક્લિક કરો.

    બીબીસી ગુજરાતીના લાઇવ પેજ સાથે જોડાયેલા રહો.