અમેરિકા-ઈયુ વચ્ચે ગૅસ કરાર, યુરોપિયન સંઘ તેની ગૅસની જરૂરિયાતો માટે રશિયા ઉપર મોટાપાયે આધાર રાખે છે, જેના નિરાકરણ માટે અમેરિકા તથા ઈયુએ લિક્વિફાઇલ પેટ્રોલિયમ ગૅસની (એલપીજી) ખરીદીના કરાર કર્યા છે.
યુરોપિયન સંઘ તેની ગૅસની જરૂરિયાતો માટે રશિયા ઉપર મોટાપાયે આધાર રાખે છે. જેના નિરાકરણ માટે અમેરિકા તથા ઈયુએ લિક્વિફાઇલ પેટ્રોલિયમ ગૅસની (એલપીજી) ખરીદીના કરાર કર્યા છે.
આ કરાર મુજબ અમેરિકા વર્ષના અંતભાગ સુધીમાં યુરોપિયન દેશોને વધારાનો 15 અબજ ક્યૂબિક મિટર ગૅસ પૂરો પાડશે.
સંઘે અગાઉ જ જાહેરાત કરી છે કે રશિયા દ્વારા યુક્રેનની ઉપર આક્રમણ કરવામાં આવ્યું, તેના વિરોધમાં તેઓ રશિયન ગૅસનો વપરાશ અટકાવી દેશે. આને કારણે બીજા વિશ્વયુદ્ધ પછી સૌપ્રથમ વખત યુરોપમાં સૌથી મોટું સુરક્ષાસંકટ ઊભું થયું છે.
યુરોપિયન સંઘે ઊર્જાના અન્ય વિકલ્પો તથા પુનઃપ્રાપ્ય સ્રોતો તરફ નજર દોડાવી છે, જેથી કરીને રશિયન ગૅસ પરનો આધાર ઘટાડી શકાય. ગત વર્ષે 27 દેશોના સમૂહે 155 અબજ ક્યુબિક મિટર ગૅસ રશિયા પાસેથી ખરીદ્યો હતો, જે તેની કુલ જરૂરિયાતના માત્ર 40 ટકા હતો. આમ અમેરિકા સાથેના કરારને કારણે તેની ઊર્જાસમસ્યા કેટલાક અંશે હળવી થશે. ગત વર્ષે અમેરિકાએ કુલ જરૂરિયાતના 25 ટકા જેટલો ગૅસ પૂરો પાડ્યો હતો.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન ત્રણ દિવસની બ્રસેલ્સ યાત્રા પર છે, જ્યાં શુક્રવારે આ કરારની જાહેરાત કરવામાં આવી હતી.