યુક્રેનના થિયેટરમાં 300 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયા : અધિકારીઓ

શહેરના મેયરના સલાહકાર પીટર ઍન્ડ્ર્યુસ્કેન્કોએ બીબીસી વર્લ્ડ ન્યૂઝના કાર્યક્રમ 'ન્યૂઝ અવર'માં વાત કરતાં જણાવ્યું કે હુમલા પહેલાં થિયેટરમાં 600 લોકો હતા, જેમાંથી 300 લોકો થિયેટરમાં આશરો લઈ રહ્યા હતા.

લાઇવ કવરેજ

  1. અમેરિકા-ઈયુ વચ્ચે ગૅસ કરાર, યુરોપિયન સંઘ તેની ગૅસની જરૂરિયાતો માટે રશિયા ઉપર મોટાપાયે આધાર રાખે છે, જેના નિરાકરણ માટે અમેરિકા તથા ઈયુએ લિક્વિફાઇલ પેટ્રોલિયમ ગૅસની (એલપીજી) ખરીદીના કરાર કર્યા છે.

    રશિયા પાસેથી ગૅસની આયાત બંધ કરશે યુરોપ?

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, રશિયા પાસેથી ગૅસની આયાત બંધ કરશે યુરોપ?

    યુરોપિયન સંઘ તેની ગૅસની જરૂરિયાતો માટે રશિયા ઉપર મોટાપાયે આધાર રાખે છે. જેના નિરાકરણ માટે અમેરિકા તથા ઈયુએ લિક્વિફાઇલ પેટ્રોલિયમ ગૅસની (એલપીજી) ખરીદીના કરાર કર્યા છે.

    આ કરાર મુજબ અમેરિકા વર્ષના અંતભાગ સુધીમાં યુરોપિયન દેશોને વધારાનો 15 અબજ ક્યૂબિક મિટર ગૅસ પૂરો પાડશે.

    સંઘે અગાઉ જ જાહેરાત કરી છે કે રશિયા દ્વારા યુક્રેનની ઉપર આક્રમણ કરવામાં આવ્યું, તેના વિરોધમાં તેઓ રશિયન ગૅસનો વપરાશ અટકાવી દેશે. આને કારણે બીજા વિશ્વયુદ્ધ પછી સૌપ્રથમ વખત યુરોપમાં સૌથી મોટું સુરક્ષાસંકટ ઊભું થયું છે.

    યુરોપિયન સંઘે ઊર્જાના અન્ય વિકલ્પો તથા પુનઃપ્રાપ્ય સ્રોતો તરફ નજર દોડાવી છે, જેથી કરીને રશિયન ગૅસ પરનો આધાર ઘટાડી શકાય. ગત વર્ષે 27 દેશોના સમૂહે 155 અબજ ક્યુબિક મિટર ગૅસ રશિયા પાસેથી ખરીદ્યો હતો, જે તેની કુલ જરૂરિયાતના માત્ર 40 ટકા હતો. આમ અમેરિકા સાથેના કરારને કારણે તેની ઊર્જાસમસ્યા કેટલાક અંશે હળવી થશે. ગત વર્ષે અમેરિકાએ કુલ જરૂરિયાતના 25 ટકા જેટલો ગૅસ પૂરો પાડ્યો હતો.

    અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન ત્રણ દિવસની બ્રસેલ્સ યાત્રા પર છે, જ્યાં શુક્રવારે આ કરારની જાહેરાત કરવામાં આવી હતી.

  2. યુક્રેનના થિયેટરમાં 300 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં : અધિકારીઓ, શહેરના મેયરના સલાહકાર પીટર ઍન્ડ્ર્યુસ્કેન્કોએબીબીસી વર્લ્ડ ન્યૂઝના કાર્યક્રમ 'ન્યૂઝ અવર' સાથે વાત કરતાં જણાવ્યું કે હુમલા પહેલાં થિયેટરમાં 600 લોકો હતા, જેમાંથી 300 લોકોએ થિયેટરમાં આશરો લીધો હતો.

    થિયેટરમાં થયેલા હુમલામાં 300નાં મૃત્યુ (પ્રતીકાત્મક તસવીર)

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, થિયેટરમાં થયેલા હુમલામાં 300નાં મૃત્યુ (પ્રતીકાત્મક તસવીર)

    ગત સપ્તાહે યુક્રેનના મારિયુપોલમાં થિયેટરમાં આશ્રય લઈ રહેલા લોકોની ઉપર રશિયન મિસાઇલ ત્રાટકતાં લગભગ 300 લોકોનાં મૃત્યુ થયાં છે.

    શહેરના મેયરના સલાહકાર પીટર ઍન્ડ્ર્યુસ્કેન્કોએબીબીસી વર્લ્ડ ન્યૂઝના કાર્યક્રમ 'ન્યૂઝ અવર' સાથે વાત કરતાં જણાવ્યું કે હુમલા પહેલાં થિયેટરમાં 600 લોકો હતા, જેમાંથી 300 લોકોએ થિયેટરમાં આશરો લીધો હતો.

    તેમના કહેવા પ્રમાણે, થિયેટરમાં કોણ-કોણ આશ્રય લઈ રહ્યું છે, તેની યાદી હોવાથી તેઓ ખાતરીપૂર્વક કહી શકે છે કે ત્યાં 300 લોકોનાં મૃત્યુ થયાં છે. થિયેટરની પાસેના વિસ્તારમાં રશિયન સેનાની સાથે અથડામણ ચાલુ હતી, એટલે તાત્કાલિક બચાવકામગીરી શરૂ કરી શકાય તેમ ન હતી.

    બીજી બાજુ, સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે રશિયાની કાર્યવાહી બાદ ઓછામાં ઓછા એક હજાર 80 નાગરિકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે 1700 કરતાં વધુ ઘાયલ થયા છે.

    યુએનના કહેવા પ્રમાણે, અલગ-અલગ અહેવાલો અને સ્રોતો પાસેથી માહિતીનું મૉનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. યુદ્ધ ચાલુ હોવાને કારણે અમુક વિસ્તારોમાંથી નક્કર માહિતી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

    આ સિવાય યુએનને દક્ષિણ મારિયુપોલમાં એક સામૂહિક કબર જોવા મળી છે, જેમાં લગભગ 200 લોકોને દાટવામાં આવ્યા હોવાની સંભાવના છે. જોકે અધિકારીઓ ઉમેરે છે કે તમામ મૃતક નાગરિક હોય તે જરૂરી નથી, તેમાં કેટલાક સૈનિકો પણ હોઈ શકે છે.

  3. યોગીના ફરી CM બનવા પર અખિલેશ યાદવે કંઈક આ રીતે પાઠવી શુભેચ્છા

    ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ

    ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે યોગી આદિત્યનાથ સરકારને અભિનંદન પાઠવ્યાં છે.

    તેમણે યાદ અપાવ્યું કે જે ઇકાના સ્ટેડિયમમાં નવી સરકારે શપથગ્રહણ કર્યા, તે સમાજવાદી પાર્ટીના શાસનકાળમાં બન્યું છે.

    ટ્વિટર પર અખિલેશ યાદવે લખ્યું છે કે, “નવી સરકારને અભિનંદન કે તેમનો શપથગ્રહણ સમારોહ સમાજવાદી પાર્ટી દ્વારા બનાવાયેલ સ્ટેડિયમમાં યોજાયો છે. શપથ માત્ર સરકાર બનવા અંગેના નહીં, પરંતુ જનતાની સાચા અર્થમાં સેવા કરવાના પણ લેવા જોઈએ.”

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  4. ભારત અને ચીનના વિદેશ મંત્રી વચ્ચે શું વાત થઈ?

    વાંગ યી

    ઇમેજ સ્રોત, Getty Images

    શુક્રવારે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર તથા ચીનના વિદેશમંત્રી વાંગ યી વચ્ચે મુલાકાત થઈ હતી.જેમાં સરહદ પર ભારત-ચીન સૈન્યજમાવડા સહિત અનેક મુદ્દે વાત કરવામાં આવી હતી.

    આ અંગે પત્રકારોને માહિતી આપતાં ભારતના વિદેશમંત્રીએ કહ્યું, "મારી અને વાંગ યે વચ્ચે લગભગ ત્રણ કલાક સુધી નક્કર મુદ્દા ઉપર ખુલ્લી અને નિખાલસ રીતે ચર્ચા થઈ. એપ્રિલ-2020માં ચીનના આચરણને કારણે દ્વિપક્ષીય સંબંધોમાં જે મુશ્કેલી ઊભી થઈ છે, તેના વિશે અમે ચર્ચા કરી."

    જયશંકરે ઉમેર્યું કે આ તકે અફઘાનિસ્તાન અને યુક્રેન જેવા આંતરરાષ્ટ્રીય મુદ્દા ઉપર પણ વાત થઈ હતી.જોકે, ક્વાડ (ભારત, જાપાન, ઑસ્ટ્રેલિયા અને અમેરિકાના અનૌપચારિક ગઠબંધન) વિશે વાત થઈ નહોતી.સાથે જ સ્વીકાર્યુ હતું કે ચીન અને ભારત વચ્ચે હાલ દ્વિપક્ષીય સંબંધ સામાન્ય નથી.

    કોવિડ-19 મહામારી પછી ચીનમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ સ્વદેશ આવી ગયા હતા તે હજુ સુધી પરત ફરી શક્યા નથી અને તેમનો અભ્યાસ બગડી રહ્યો છે.આ અંગે એસ. જયશંકરે ચીનના વિદેશમંત્રીને વાત કરી હતી. જેમણે આ મુદ્દે સંબંધિત સત્તાધીશો સાથે વાત કરવાની ખાતરી આપી છે.

    ઉલ્લેખનીય છે કે ચાલુ સપ્તાહે ચીનના વિદેશમંત્રીએ ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કંટ્રીઝની બેઠકમાં ભાષણ આપતી વખતે કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો.

    તેના જવાબમાં ભારતે કહ્યું હતું કે, 'જમ્મુ-કાશ્મીર ભારતની આંતરિક બાબત છે. અમે કોઈની આંતરિક બાબતોમાં દખલ દેતા નથી તો ચીન સહિત અન્ય કોઈને પણ આ વિશે બોલવાનો અધિકાર નથી.'

  5. યોગી આદિત્યનાથનો શપથસમારોહ, સમારોહ પહેલાં કેટલાય ધારાસભ્યો મળવા પહોંચ્યા

    ઉત્તર પ્રદેશ

    યોગી આદિત્યનાથ આજે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.શપથગ્રહણ સમારોહ ચાર વાગ્યે શરૂ થશે.

    આ દરમિયાન કેટલાય ધારાસભ્યોની તેમના નિવાસે આવજા શરૂ થઈ ગઈ છે.આને પગલે નવા મંત્રીઓ અંગેની ચર્ચાઓ તેજ છે.યોગી આદિત્યનાથના નિવાસ પર જઈને તેમને મળનારા કેશવપ્રસાદ મૌર્ય, જિતિન પ્રસાદ, એ.કે.શર્મા, બૃજેશ પાઠક, અસીમ અરુણ, સ્વતંત્રદેવ સિંહ, પ્રમીલા પાંડે સહિત કેટલાય નેતાઓ સામેલ હતા.

    આ ઉપરાંત સંજય નિષાદ, દિનેશ ખટીક, સંદીપસિંહ, અરુણ વાલ્મીકિ, આશિષ પટેલે પણ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી છે.

    માનવામાં આવી રહ્યું છે કે કૅબિનેટની રચના પહેલાં પરંપરા અનુસાર મુખ્ય મંત્રી 45 મંત્રીઓ સાથે શપથ લેશે.

  6. ઉત્તર કોરિયાએ અમેરિકા સુધી પહોંચે તેવી બૅલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું

    Getty Images

    ઇમેજ સ્રોત, Getty Images

    ઉત્તર કોરિયાએ જાહેરાત કરી છે કે તેમણે ગુરુવારે પોતાની સૌથી મોટી બૅલેસ્ટિક મિસાઇલ (આઈસીબીએમ)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.

    2017 બાદ ઉત્તર કોરિયાએ ફરી એક વખત આ પ્રતિબંધિત આઈસીબીએમનું પરીક્ષણ કર્યું છે.

    આઈસીબીએમ લાંબું અંતર કાપી શકે તેવી મિસાઇલ છે, જે અમેરિકા સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે.ઉત્તર કોરિયા પર આ મિસાઇલના પરીક્ષણ માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. પહેલાં પણ તેમના પર પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

    દેશનાં સરકારી મીડિયાએ જણાવ્યું કે કિમ જોંગ-ઉને ખુદ આ પરીક્ષણનું માર્ગદર્શન કર્યું અને આ હથિયાર પરમાણુ યુદ્ધને રોકવા મહત્ત્વપૂર્ણ છે.

    હ્યાસોંગ-17 આઈસીબીએમને પહેલી વખત 2020માં એક સૈન્ય પરેડમાં રજૂ કરવામાં આવી હતી.જ્યાં તેના મોટા કદને જોઈને દેશના સંરક્ષણ અને હથિયારોના જાણકારો પણ ચોંકી ગયા હતા.

    મિસાઇલ લૉન્ચ પર જાપાન અને દક્ષિણ કોરિયાની નજર હતી.

    જાપાની અધિકારીઓનું કહેવું છે કે આ મિસાઇલ છ હજાર કિલોમીટરની ઊંચાઈ સુધી ગઈ હતી અને એક કલાકથી પણ વધારે સમય સુધી હવામાં રહ્યા બાદ જાપાનના સાગરમાં પડી હતી.

  7. ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, ચાર દિવસમાં 2.40 રૂપિયાનો વધારો

    પેટ્રોલ ડીઝલ ભાવ વધ્યા

    ઇમેજ સ્રોત, Getty Images

    દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાનો સિલસિલો યથાવત્ છે. શુક્રવારે ભારતીય ઑઇલ માર્કેટિંગ કંપનીઓએ ફરી કિંમત વધારી છે.

    દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો 80 પૈસા પ્રતિ લીટર વધારવામાં આવી છે.

    ચાર મહિનાથી વધારેના અંતર બાદ મંગળવારે પહેલી વખત પેટ્રોલ-ડીઝલની કિંમતોને વધારવામાં આવી હતી.એ બાદ સતત ભાવ વધી રહ્યા છે.

    છેલ્લા ચાર દિવસોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત 2.40 રૂપિયા વધી છે.

    આ વધેલી કિંમત સાથે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 97.81 રૂપિયા અને ડીઝલની કિંમત 89.07 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

    મુંબઈમાં પેટ્રોલની કિંમત 84 પૈસા વધી છે અને આ સાથે નવી કિંમત 112.51 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. જ્યારે ચેન્નઈમાં કિંમત 76 પૈસા વધીને 103.67 રૂપિયા પ્રતિ લીટર થઈ છે.

    દરેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત અલગઅલગ હોય છે કારણ કે સ્થાનિક કર રાજ્ય પ્રમાણે બદલાયા કરે છે.જેના આધારે કિંમત નક્કી કરવામાં આવે છે.

  8. ઝૅલેન્સ્કીએ યુરોપિયન નેતાઓને કહ્યું, “તમે રશિયાને રોકવામાં મોડું કર્યું”

    યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી

    ઇમેજ સ્રોત, UKRAINE PRESIDENT'S OFFICE

    ઇમેજ કૅપ્શન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી

    યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ બ્રસેલ્સમાં યુરોપિયન શિખરમંત્રણામાં સંબોધન કર્યું હતું.

    પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું કે રશિયાએ તેમના દેશમાં ભારે તબાહી સર્જી છે. સાથે જ તેમણે યુક્રેનનાં સમર્થનમાં એકઠા થવા માટે યુરોપના દેશોનો આભાર માન્યો હતો.

    ત્યાર બાદ પોતાની સ્પષ્ટ શૈલીમાં ઝૅલેન્સ્કીએ યુરોપિયન નેતાઓને કહ્યું કે તેમણે રશિયાને રોકવામાં બહુ મોડું કામ શરૂ કર્યું છે.

    તેમણે કહ્યું, “તમે પ્રતિબંધ લગાવ્યા, તેના માટે અમે આભારી છીએ. આ શક્તિશાળી પગલું છે પરંતુ તેમાં ઘણું મોડું થઈ ગયું.”

    તેમણે કહ્યું કે જો પ્રતિબંધ પહેલા લાદવામાં આવ્યા હોત તો કદાચ યુદ્ધ શરૂ જ ન થયું હોત.

    તેમણે નૉર્ડ સ્ટ્રીમ-2 ગૅસ પાઇપ લાઇન તરફ ઈશારો કરતાં કહ્યું કે જો તેને પહેલા જ બ્લૉક કરી દેવાઈ હોત તો રશિયાએ ગૅસ સંકટ પેદા ન કર્યો હોત.

    ત્યાર બાદ ઝૅલેન્સ્કીએ પાડોશી દેશોને યુક્રેનને યુરોપિયન યુનિયનમાં જોડવા માટે અનુરોધ કર્યો.

  9. બાઇડને બ્રસેલ્સમાં કહ્યું, “નૅટો સંપૂર્ણ રીતે સંગઠિત, પુતિનને તેની આશા ન હતી”

    અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન

    અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને બ્રસેલ્સમાં નેટોના શિખરમંત્રણામાં મીડિયાને સંબોધિત કરતાં કહ્યું કે નેટોમાં આજે જેટલી એકતા છે તેટલી પહેલાં ક્યારેય જોવામાં નથી મળી, પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને તેનો અંદાજ નહોતો. તેઓ માનતા હતા કે નૅટોના સભ્યો યુદ્ધને લઈને વહેંચાઈ જશે.

    અમેરિકાએ ગુરુવારે નૅટો શિખરમંત્રણામાં 400 વ્યક્તિઓ અને કંપનીઓ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી જેમાં 400 લોકો ડ્યૂમા (રશિયન સંસદનું નીચલું ગૃહ)ના સભ્યો છે, કેટલાક ઑલિગાર્ક્સ છે અને સંરક્ષણને લગતી કેટલીક કંપનીઓ છે.

    પત્રકારપરિષદમાં બાઇડને કહ્યું, “જો રશિયા રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ કરશે તો અમેરિકા જવાબ આપશે અને આ જવાબ ઉપયોગમાં લેવાયેલા હથિયારોના પ્રકાર પર નિર્ભર હશે.”

    બાઇડને કહ્યું કે તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને સ્પષ્ટપણ જણાવ્યું છે કે જો તેઓ રશિયાની મદદ કરશે તો તેનીં અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથે ચીનના આર્થિક સંબંધો પર ગંભીર અસર પડશે.

    તેમણે પશ્ચિમી દેશોને સંગઠિત રહેવાની સલાહ આપતાં કહ્યું કે રશિયા પર પ્રતિબંધોની ગંભીર અસર સુનિશ્ચિત કરવા માટે તેને લાંબા સમય સુધી જારી રાખવા પડશે. તે જ રીતે તેમને (પુતિન)ને રોકી શકાશે.

  10. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજ પર આપનું સ્વાગત છે. અહીં આપને રશિયા-યુક્રેન યુદ્ધ ઉપરાંત દેશ અને દુનિયાના તમામ મહત્ત્વના સમાચારો તથા લાઇવ અપડેટ રજૂ કરાશે.