રશિયાના કૉરિડૉરવાળા પ્રસ્તાવને યુક્રેને અનૈતિક કેમ ગણાવ્યો?
યુક્રેનને કહ્યું છે કે રશિયાનો યુદ્ધગ્રસ્ત શહેરોમાં માનવીય કૉરિડૉર ખોલવાના પ્રસ્તાવ એકદમ અનૈતિક છે, કેમ કે તેમાં શરણાર્થીઓને બેલારુસ લઈ જવાની વાત કરાઈ છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું છે કે યુક્રેનના લોકોને યુક્રેનના માર્ગે જ બહાર જવાની પરવાનગી આપવી જોઈએ.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના પ્રવક્તાને ટાંકીને રૉયટર્સે કહ્યું છે, "આ એકદમ અનૈતિક વાત છે. લોકોનાં દુઃખોનો ઉપયોગ ટીવી પર એક તસવીર તૈયાર કરવા માટે કરાઈ રહ્યો છે."
આ પહેલાં રશિયાના સરકારી મીડિયાએ કહ્યું હતું કે રશિયા શહેરોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે માનવીય કૉરિડૉર બનાવશે.
જોકે, સાથે એવું પણ કહ્યું હતું કે કિએવમાં બનનારો આ કૉરિડૉર સીધો જ યુક્રેન જશે, જ્યારે ખારકિએવવાળો કૉરિડૉર સીધો જ રશિયા જશે.
આ કૉરિડૉરની જાહેરાત કરાતાં જ સ્પષ્ટ થઈ ગયું હતું કે યુક્રેન તેનો સ્વીકાર નહીં કરે.