રશિયન સેનાનો વિશાળ કાફલો યુક્રેનની
રાજધાની કિએવ તરફ આગળ વધી રહ્યો છે, પરંતુ પ્રશ્ન એ છે કે તે ક્યારે પહોંચશે? અને શું આ
કાફલો કિએવ સુધી પહોંચી શકશે?
યુક્રેન પર રશિયન સેનાના આક્રમણના છ
દિવસ વીતી ચૂક્યા છે. મંગળવારે કિએવના એક ટીવી ટાવર પર હુમલો થયો,
જેમાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
રશિયાના સંરક્ષણમંત્રીએ કિએવના લોકોને
ગંભીર ચેતવણી આપતાં કહ્યું કે રશિયાની સેના હુમલો કરવા જઈ રહી છે અને લોકો મુખ્ય
સૈન્ય મથકોથી દૂર રહે.
આ વચ્ચે અમેરિકાનું કહેવું છે કે
રશિયાના કેટલાક સૈનિકોએ યુક્રેનમાં આત્મસમર્પણ કર્યું છે, પરંતુ સ્થિતિ ગંભીર છે.
એક વરિષ્ઠ અમેરિકન સૈન્ય અધિકારી પ્રમાણે,
આ સમયે રશિયાના કેટલાક સૈનિકો હતાશ છે, કારણ કે
છ દિવસ બાદ પણ રશિયા ખારકિએવ પર કબજો કરી શક્યું નથી.
અમેરિકન અધિકારી પ્રમાણે રશિયન સેનાની
કેટલીક ટુકડીઓએ આત્મસમર્પણ કર્યું છે. મારિયુપોલના બંદર પર પણ રશિયા હજુ સુધી કબજો
કરી શક્યું નથી.
જોકે, રશિયાએ દરિયાકાંઠે આવેલા શહેર બર્ડયાંસ્ક અને પશ્ચિમમાં મેલિતપોલ પર
કબજો કરી લીધો છે.
પૅન્ટાગનના અનુમાન પ્રમાણે રશિયા
અત્યાર સુધી યુક્રેન પર 400 મિસાઇલો છોડી ચૂક્યું છે. તેમ છતાં યુક્રેનની ઍન્ટિ-મિસાઇલ
ડિફેન્સ સિસ્ટમ હજુ કામ કરે છે.
અમેરિકાની ગુપ્તચર સંસ્થાનું એમ પણ
કહેવું છે કે થર્મોબૅરિક મિસાઇલ લૉન્ચર યુક્રેનની સરહદમાં જોવા મળ્યા છે, પરંતુ તે
હથિયારોનો ઉપયોગ થયો છે કે કેમ, તેની પુષ્ટિ કરવી મુશ્કેલ છે.
પૅન્ટાગનના અનુમાન પ્રમાણે, યુક્રેનની ઘેરાબંધી કરનાર 80 ટકા રશિયન સૈનિકો આ સમયે દેશમાં દાખલ થઈ
ચૂક્યા છે.
એવા અહેવાલો પણ સામે આવ્યા છે કે રશિયન
સેનાની કેટલીક ટુકડીઓની ગતિ ઇંધણ તેમજ પૂરતો ખોરાક ન હોવાથી ધીમી પડી ગઈ છે.