You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો આદેશ, 'સ્પેશિયલ ઍલર્ટ' પર ન્યૂક્લિયર ફોર્સ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયન સેનાને આદેશ આપ્યો છે કે તેઓ ન્યૂક્લિયર ફોર્સને સ્પેશિયલ ઍલર્ટ પર રાખે, રશિયાની વ્યૂહાત્મક મિસાઇલ ફોર્સિસ માટે સૌથી મોટું ઍલર્ટ છે.
લાઇવ કવરેજ
રશિયા-યુક્રેન વચ્ચે જમીનની સાથેસાથે ઇન્ટરનેટ પણ છેડાયો જંગ
હૅકર્સના એક ગ્રૂપ 'ઍનોનિમસ'એ દાવો કર્યો છે કે તેમણે ચેચેન્યાની સરકારી વેબસાઇટ હૅક કરી છે.
હાલમાં વેબસાઇટ ખૂલી નથી રહી અને સતત ઍરર પેજ જોવા મળી રહ્યું છે.
ચેચેન્યાની સરકારી વેબસાઇટ હૅક થઈ તેના થોડા સમય પહેલા જ ત્યાંના નેતા રમઝાન કાદિરોવે કહ્યું હતું કે યુક્રેન વિરુદ્ધ રશિયાના સમર્થનમાં તેમના સૈનિકો તહેનાત કરવામાં આવ્યા છે.
કાદિરોવે એક વીડિયોમાં કહ્યું હતું કે ચેચેન્યાના સૈનિકોએ સરળતાથી એક યુક્રેનિયન સૈન્યમથક પર કબજો કરી લીધો છે.
હૅકર ગ્રૂપ ઍનોનિમસે શુક્રવારે રશિયા વિરુદ્ધ સાયબર વૉરની જાહેરાત કરી હતી. ત્યાર બાદથી રશિયાની સરકારી વેબસાઇટો પર સાયબર ઍટેક થયા હતા.
રશિયાના સંરક્ષણ મંત્રાલયની વેબસાઇટ પણ થોડાક સમય માટે બંધ થઈ ગઈ હતી. કિએવ ઇન્ડિપેન્ડન્ટના એક અહેવાલ પ્રમાણે, રશિયાની છ સરકારી વેબસાઇટ ડાઉન હતી.
મુંબઈના કેટલાક વિસ્તારોમાં પાવરકટ, લોકલ ટ્રેન બંધ થઈ
બ્રેકિંગ, યુક્રેનના ઓખટિર્કામાં સાત વર્ષની બાળકી સહિત છ નાગરિકોનાં મૃત્યુ
સુમી રાજ્યના ગવર્નર દિમિત્રી ઝિવિત્સકીએ કહ્યું કે, યુક્રેનના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલ ઓખટિર્કા શહેરમાં શુક્રવારે રશિયા દ્વારા કરાયેલા હુમલામાં સાત વર્ષની બાળકી સહિત કુલ છ લોકોનાં મૃત્યુ થયાં છે.
રશિયા દ્વારા હુમલો કરાયો હતો, તે જગ્યાઓમાં એક બાલવાડી અને અનાથાશ્રમનો પણ સમાવેશ થાય છે. જોકે રશિયાએ આ દાવો ફગાવ્યો હતો.
યુક્રેનના વિદેશમંત્રીએ આરોપ લગાવ્યો કે આ 'વૉર-ક્રાઇમ' છે અને તેની સામે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટમાં તપાસ થવી જોઇએ.
ખાર્વિવમાં રશિયન અને યુક્રેનિયન સેના વચ્ચે અથડામણના અહેવાલો
યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્વિવમાં રશિયન આર્મી પ્રવેશી હોવાની સ્થાનિક સત્તાધીશોએ પુષ્ટિ કરી તેના ગણતરીના સમયમાં જ શહેરની સડકો પર રશિયન અને યુક્રેનિયન સેના વચ્ચે અથડામણ શરૂ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે.
સોશિયલ મીડિયા પર જોવા મળેલી તસવીરો અને વીડિયોમાં રશિયન સેના ખાર્વિવની સડકો પર જોવા મળી રહી છે.
કેટલાક સ્થળે આગની ચપેટમાં આવેલા રશિયન 'ટાઇગર' વાહનો પણ વીડિયો અને ફોટોઝમાં જોવા મળે છે.
બીબીસી હજુ સુધી આ તસવીરો અને વીડિયોની પુષ્ટિ કરી શક્યું નથી.
ઉત્તર પ્રદેશ ચૂંટણી: સવારે 11 વાગ્યા સુધીમાં 21.39 ટકા મતદાન
પૂર્વી ઉત્તર પ્રદેશના 12 જિલ્લાઓમાં ફેલાયેલા 61 વિધાનસભા મતવિસ્તારોમાં રવિવારે પાંચમા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.
ચૂંટણી પંચના આંકડા મુંજબ, ઉત્તર પ્રદેશ વિધાનસભાની પાંચમા તબક્કાની ચૂંટણીમાં આજે મતદારો 61 મતવિસ્તારોમાં 693 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.
હાલમાં ચાલી રહેલા આ મતદાનમાં સવારે 11 વાગ્યા સુધીમાં 21.39 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધારે 25.59 ટકા મતદાન ચિત્રકૂટમાં નોંધાયું છે.
બ્રેકિંગ, યુક્રેનનો દાવો : રશિયન સેના બીજા સૌથી મોટા શહેર ખાર્વિવ પહોંચી
યુક્રેનિયન સત્તાધીશોએ દાવો કર્યો છે કે રશિયન સેના યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્વિવમાં પ્રવેશી ચૂકી છે.
ખાર્વિવના સ્થાનિક તંત્રના વડા ઓલેગ સિન્ગુબોવે કહ્યું કે, સૈન્ય વાહનો શહેરમાં પ્રવેશી ચૂક્યાં છે.
તેમના નિવેદન પહેલાં વીડિયો ફરતા થયા હતા. જેમાં રશિયન મિલિટરીનાં વાહનો ઉત્તર પૂર્વમાં આવેલા ખાર્વિવના રસ્તા પર ફરતાં જોવા મળ્યાં હતાં.
રશિયન સૈનિકો શહેરના મધ્ય સુધી પહોંચી ગયા હોવાથી ઓલેગ સિંગુબોવે સ્થાનિકોને ઘરમાં જ રહેવા અપીલ કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "શૅલ્ટરમાંથી નીકળશો નહીં, યુક્રેનિયન સેના દુશ્મનોને હઠાવી રહી છે. નાગરિકોએ રસ્તા પર ઊતરવું નહીં."
ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન પર હુમલાની કરી નિંદા, કહ્યું- ઝૅલેન્સ્કી 'નિડર નેતા'
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન પર રશિયાના હુમલાની નિંદા કરી, કહ્યું કે તેઓ યુક્રેનના લોકો માટે પ્રાર્થના કરી રહ્યા છે.
અગાઉ જ્યારે રશિયાએ યુક્રેનમાં સૈનિકો મોકલવાનું શરૂ કર્યું હતું, ત્યારે ટ્રમ્પે પુતિનના આદેશને 'જિનિયસ' ગણાવ્યો હતો.
સાથે એમ પણ કહ્યું હતું કે તેઓ માને છે કે અમેરિકા પણ તેની દક્ષિણ સરહદની સુરક્ષા માટે આવી "પીસકીપિંગ" સેનાનો ઉપયોગ કરી શકે છે.
ન્યૂઝ એજન્સી રૉયટર્સ અનુસાર, ફ્લોરિડામાં એક સભાને સંબોધતા ટ્રમ્પે રશિયાના હુમલાની નિંદા કરી છે અને યુક્રેનના લોકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે.
તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીની પણ પ્રશંસા કરી.
તેમના સંબોધન દરમિયાન તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન પર પણ નિશાન સાધતાં જોવા મળ્યા હતા.
તેમણે કહ્યું કે, "સૌ જાણે છે કે જો ચૂંટણીમાં ધાંધલી ન થઈ હોત અને હું રાષ્ટ્રપતિ હોત તો આ ભયંકર કટોકટી સર્જાઈ ન હોત."
યુક્રેન પર રશિયાના હુમલાનો ચોથો દિવસ : યુક્રેનનાં ઘણાં શહેરોમાં ભીષણ જંગ
યુક્રેન પર રશિયાના હુમલાના અનુસંધાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે યુક્રેનમાં અત્યાર સુધી 64 લોકોનાં મોત થયાં છે.
અનેક હુમલાના કારણે અહીં મકાનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઘણું નુકસાન થયું છે. જેના કારણે સેંકડો લોકોને વીજળી અને પાણી વિના જીવવું પડે છે.
સંયુક્ત રાષ્ટ્રે એમ પણ કહ્યું કે 1,60,000થી વધુ યુક્રેનવાસીઓએ તેમનાં ઘર છોડી દીધાં છે, તેઓ વિસ્થાપિત થયા છે અને હવે આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરીને દેશ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
યુક્રેન સરકારના અંદાજ પ્રમાણે રશિયાના આ હુમલાથી શરણાર્થીઓનું મોટું સંકટ સર્જાઈ શકે છે. આ હુમલાથી 50 લાખ શરણાર્થીઓ પેદા થઈ શકે છે.
બીબીસીએ એવા ઘણા લોકો સાથે વાત કરી છે કે જેઓ છેલ્લા કેટલાક દિવસોથી દેશ છોડવા માટે આંતરરાષ્ટ્રીય સરહદ પર 15 કિલોમીટર લાંબી કતારોમાં ઊભા છે.
યુક્રેનમાં ફસાયેલા આ વિદ્યાર્થીઓ ભારત સરકારથી નારાજ કેમ?
યુક્રેન માટે જર્મનીએ બદલી નીતિ, મોકલશે ઍન્ટિ-ટૅન્ક હથિયાર અને મિસાઇલ
રશિયાના યુક્રેન પર હુમલા જારી છે અને સતત ત્રીજા દિવસે સ્થિતિ સંવેદનશીલ રહી હતી.
આ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી અલગ-અલગ દેશોનું સમર્થન માગી રહ્યા છે.
જ્યારે જર્મનીએ યુક્રેન અંગેની પોતાની નીતિમાં ફેરફાર કર્યો છે. જર્મની યુક્રેન માટે હથિયાર મોકલશે. જર્મનીના ચાન્સેલર ઓલાફ શલ્ટ્સે આ અંગે પુષ્ટિ કરી છે.
તેમણે કહ્યું છે કે જર્મની એક હજાર ઍન્ટિ-ટૅન્ક હથિયાર અને પાંચ સો મિસાઇલ યુક્રેનને મોકલશે.
યુક્રેનના રાષ્ટ્રપતિએ જર્મનીના આ નિર્ણયને બિરદાવ્યો છે.
બીબીસી ન્યૂઝ ગુજરાતીના લાઇવમાં તમારું સ્વાગત છે.
યુક્રેન-રશિયા સંકટ તથા ઉત્તર પ્રદેશ અને મણિપુરની વિધાનસભા ચૂંટણીના મતદાન અંગેની અપડેટ્સ અહીં દિવસભર મળશે.
જોડાયેલા રહો બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે.