You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

તાલિબાનની પ્રથમ પ્રેસવાર્તા - 'અફઘાનિસ્તાનમાં મહિલાઓને ઇસ્લામિક કાનૂન મુજબ હક મળશે'

કાબુલ પર કબજા બાદ તાલિબાને પ્રથમ પ્રેસવાર્તા કરીને કહ્યું 'કોઈની સાથે વેર લેવામાં નહીં આવે'.

લાઇવ કવરેજ

  1. અફઘાનિસ્તાન મુદ્દે ભારત-પાકિસ્તાન સામસામે

    સોમવારે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષાપરિષદમાં અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચર્ચા કરવા માટે એક વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી, જેને લઈને ભારત અને પાકિસ્તાન સામસામે નજરે પડ્યાં.

    પાકિસ્તાન આ બેઠકમાં સામેલ થવા માગતું હતું પણ એને અટકાવી દેવાયું.

    ગત સપ્તાહે પણ સુરક્ષાપરિષદે અફઘાનિસ્તાન પર ઇમરજન્સી બેઠક બોલાવી હતી અને એમાં પણ પાકિસ્તાનને પ્રવેશતાં અટકાવી દેવાયું હતું.

    પાકિસ્તાન આ માટે ભારતને જવાબદાર ઠેરવે છે, કેમ કે ભારત ઑગસ્ટ મહિનાથી સુરક્ષાપરિષદનું અધ્યક્ષ છે. સુરક્ષાપરિષદમાં ભારત અધ્યક્ષ બન્યું એ બાદ દસ દિવસની અંદર અફઘાનિસ્તાનના મુદ્દે બે વખત બેઠક બોલાવાઈ છે. ભારત પાકિસ્તાનના આરોપ પર મૌન રહ્યું છે. જોકે, પાકિસ્તાન સતત ભારત પર હુમલો કરતું રહ્યું છે.

  2. તાલિબાને મઝાર-એ-શરીફ 23 વર્ષ પહેલાં કબજે કર્યું ત્યારે શું થયું હતું?

  3. કયો ઇસ્લામિક દેશ તાલિબાનની સામે છે અને કોણ આપી રહ્યું છે ટેકો?

    આખી દુનિયા અફઘાનિસ્તાન પર નજર રાખી રહી છે પરંતુ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોની આ ઘટનાક્રમ પર ખાસ નજર છે. કેટલાક દેશો આ સંકટમાં સક્રિય ભૂમિકામાં છે તો અમુક દેશોએ રણનીતિ હેઠળ મૌન રહેવાનું પસંદ કર્યું છે.

    ઑર્ગનાઇઝેશન ઑફ ઇસ્લામિક કો-ઑપરશન એટલે ઇસ્લામિક સહયોગ સંગઠને એક નિવેદન આપ્યું કે તેઓ અફઘાનિસ્તાનના સંકટથી ચિંતામાં છે.

    ઓઆઈસીએ પોતાના નિવેદનમાં બધા પક્ષોને હિંસા રોકવા અને પૂર્ણ સંઘર્ષવિરામ લાગુ કરવાની માગ કરી છે.

  4. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં 20 વર્ષ જેટલા લાંબા યુદ્ધમાં કેટલા ડૉલર ખર્ચી નાખ્યા?

    20 વર્ષ લાંબા યુદ્ધ પછી અફઘાનિસ્તાને ફરી એ જ દિવસો જોવાના આવ્યા છે જે તેણે અમેરિકા અને પશ્ચિમી દેશોની સેનાના દેશમાં આવ્યા પહેલાં જોયા હતા.

    તો આટલા લાંબા યુદ્ધનું પરિણામ આજે બધાની સામે છે કે તેની પાછળ કેટલો ખર્ચ થયો છે. અમેરિકા અને તેના નાટો સહયોગીઓએ બે દાયકાના આ યુદ્ધમાં કેટલો ખર્ચ કર્યો?

    અમેરિકાએ ઑક્ટોબર 2001માં તાલિબાનની હકાલપટ્ટી માટે અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો. અમેરિકાનો દાવો હતો કે તાલિબાન ઓસામા બિન લાદેન અને તેના સાથીઓને શરણ આપી રહ્યું છે જે 9/11 હુમલાના મુખ્ય આરોપીઓ હતા.

    અમેરિકાના સૈનિકોની સંખ્યા ધીમેધીમે વધતી ગઈ જેમજેમ વૉશિંગ્ટને તાલિબાન સામેની લડાઈમાં અબજો ડૉલર રોકવાનું શરૂ કર્યું અને વર્ષોના યુદ્ધથી તબાહ થયેલા અફઘાનિસ્તાનના પુનર્નિર્માણ માટે પણ અમેરિકાએ કરોડો ડૉલર ખર્ચ કરવાનું શરૂ કર્યું.

    બે દાયકામાં અફઘાનિસ્તાનમાંથી તાલિબાનની હકાલપટ્ટી અને દેશના પુનર્નિર્માણમાં થયેલા અબજોના ખર્ચમાં મોટો ફાળો અમેરિકાનો હતો.

    2010થી 2012 વચ્ચે જ્યારે અમેરિકાના એક લાખથી વધુ સૈનિકો અફઘાનિસ્તાનમાં હતા, ત્યારે અમેરિકાના પ્રશાસનના આંકડા મુજબ દર વર્ષે આ યુદ્ધ પર અમેરિકા 100 અબજ ડૉલર ખર્ચી રહ્યું હતું.

  5. બ્રેકિંગ, અફઘાનિસ્તાનથી આવેલા ભારતીયોએ 'ભારત માતા કી જય'ના નારા પોકાર્યા

    અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવામાં આવેલા ભારતીયો જામનગર પહોંચ્યા હતા.

    સમાચાર સંસ્થા એએનઆઈએ પોસ્ટ કરેલા એક વીડિયોમાં આ ભારતીયોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને તેઓ 'ભારત માતા કી જય'ના નારા પોકારી રહ્યા હતા.

    ગુજરાતના માહિતીખાતાના જણાવ્યા અનુસાર આ વિમાનમાં કુલ 150 ભારતીયો હતા, જેઓ આજે દિલ્હી પહોંચી રહ્યા છે.

  6. બ્રેકિંગ, કાબુલમાંથી ભારતીયોને લઈને આવેલું વિમાન જામનગરમાં ઊતર્યું

    અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાંથી ભારતીય અધિકારીઓને લઈને આવી રહેલું વિમાન જામનગરમાં ઊતર્યું છે.

    સમાચાર સંસ્થા એએનઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે ભારતીય વાયુસેનાનું વિમાન C17 જામનગરમાં ઊતર્યું છે.

    આ વિમાન કાબુલમાંથી ભારતીય અધિકારીઓને લઈને આવી રહ્યું હતું.

  7. #InterpolArrestGhani અફઘાન સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં

    અફઘાન સોશિયલ મીડિયા પર #InterpolArrestGhani ટ્રેન્ડ થઈ રહ્યું છે અને કેટલાય લોકો ઇન્ટનેશનલ પોલીસિંગ યુનિટ સમક્ષ રાષ્ટ્રપતિની ધરપકડની માગ કરી રહ્યા છે. અફઘાન સોશિયલ મીડિયામાં મોટી સંખ્યામાં અશરફ ઘનીની ટીકા કરવામાં આવી રહી છે અને કેટલાય લોકો તેમને ‘ભાગેડુ’ ગણાવી રહ્યા છે. રવિવારે અશરફ ઘની કાબુલ છોડીને નાસી છૂટ્યા હતા અને એ બાદ દેશની રાજધાની પર તાલિબાને કબજો કરી લીધો હતો.

  8. અફઘાન રાષ્ટ્રપતિ ચાર કારમાં પૈસા ભરીને ભાગી ગયા?

    અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ઘની ચાર કાર અને એક હેલિકૉપ્ટરમાં પૈસા ભરીને કાબુલ છોડીને નાસી ગયા હોવાનું રશિયાની સરકારી સમાચાર સંસ્થા RIAએ જણાવ્યું છે. રશિયન દૂતાવાસના પ્રવક્તા નિકિતા ઈશ્શેન્કોએ જણાવ્યું છે, "ચાર કારમાં રોકડ ભર્યા બાદ તેમણે હેલિકૉપ્ટરમાં પૈસા ભરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બધી જ રોકડ તેઓ હેલિકૉપ્ટરમા સમાવી શક્યા નહોતા અને થોડી નીચે પણ પડી ગઈ હતી." આ ઘટનાને નજરે જોનારા એક ‘સાક્ષી’ને સૂત્ર તરીકે ટાંકીને તેમણે વાત જણાવી છે. જોકે, આ દાવાની પુષ્ટિ કરી શકાઈ નથી.

    અફાનિસ્તાનસ્થિત રશિયાના રાજદૂત દમિત્રી ઝીરનોવે આ પહેલાં જણાવ્યું હતું, "કાબુલ અશરફ ઘનીના શાસન કરતાં તાલિબાનના શાસનમાં બહેતર હતું.

  9. બ્રેકિંગ, ભારતીય રાજદૂત અને દૂતાવાસના કર્મચારીઓને પરત લવાશે : વિદેશ મંત્રાલય

    ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં વર્તમાન સ્થિતિને જોતાં કાબુલમાં હાજર ભારતીય રાજદૂત અને દૂતાવાસના કર્મચારીઓને તત્કાલ ભારત લાવવાનો નિર્ણય કરાયો છે.

  10. ‘અપેક્ષા કરતાં ઝડપી સ્થિતિ બદલાઈ’

    ટીવી પર લાઇવ પ્રસારિત પોતાના ભાષણમાં બાઇડને કહ્યું કે તેઓ સંપૂર્ણ પોતાના નિર્ણયના પક્ષમાં છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા મામલે તેમણે માન્યું કે "જેવી અપેક્ષા હતી એના કરતાં વધુ ઝડપી અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિઓ બદલાઈ છે."

    તેમણે કહ્યું, "જ્યારે અફઘાન ખુદ તેમના માટે લડવા માગતા નથી તો અમેરિકનોએ આવી લડાઈમાં પડવું ન જોઈએ અને પોતાનો જીવ ન ગુમાવવો જોઈએ."

    પોતાના નિર્ણય અંગે બાઇડને કહ્યું કે તાલિબાન સાથે વાતચીત ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં શરૂ થઈ હતી, બાદમાં અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિકોની સંખ્યા ઓછી થઈ હતી. એક સમયે અફઘાનિસ્તાનમાં 15,500 અમેરિકન સૈનિકો તહેનાત હતા. કરાર બાદ સૈનિકોની સંખ્યા ઘટાડીને 2,500 કરી દેવાઈ હતી.

    તેમણે કહ્યું, "તાલિબાનોએ કહ્યું હતું કે એક મે સુધી અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળે. 2001 બાદ તાલિબાન હાલના સમયમાં સૌથી વધુ શક્તિશાળી રહ્યા છે."

  11. હું મારા નિર્ણય પર અડગ : જો બાઇડન

    અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને રાષ્ટ્રને સંબોધિત કરતાં કહ્યું કે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ માટે ત્યાંના નેતાઓ જવાબદાર છે, જે દેશ છોડીને ભાગી ગયા છે.

    તેમણે કહ્યું કે તાલિબાન ઝડપથી અફઘાનિસ્તાન પર કબજો એટલે કરી શક્યું, કેમ કે ત્યાંના નેતાઓ દેશ છોડીને ભાગી ગયા અને અમેરિકન સૈનિકો દ્વારા પ્રશિક્ષિત અફઘાન સૈનિકો તાલિબાનીઓ સામે લડવા નથી માગતા.

    તેમણે કહ્યું, "એ સાચું છે કે ત્યાં ઝડપથી સ્થિતિ બદલાઈ, પણ આવું એટલે થયું કે અફઘાન નેતાઓએ હથિયાર હેઠાં મૂકી દીધાં. કેટલીય જગ્યાએ અફઘાન સૈન્યે સંઘર્ષ કર્યા વગર જ હાર સ્વીકારી લીધી."

    "હું મારા નિર્ણય પર અડગ છું."

  12. નમસ્કાર!

    બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે. અહીં અમે આપને અફઘાનિસ્તાનમાં ઘટી રહેલી મહત્ત્વની ઘટનાઓ વિશેની લેટેસ્ટ અપડેટ આપીશું. અગત્યના મુદ્દાઓ પર સ્થાનિકથી લઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દૃષ્ટિકોણ પણ આપને અહીં વાંચવા મળશે.

    સોમવારની અપડેટ વાંચવા માટે અહીં ક્લિક કરો