You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

તાલિબાનની પ્રથમ પ્રેસવાર્તા - 'અફઘાનિસ્તાનમાં મહિલાઓને ઇસ્લામિક કાનૂન મુજબ હક મળશે'

કાબુલ પર કબજા બાદ તાલિબાને પ્રથમ પ્રેસવાર્તા કરીને કહ્યું 'કોઈની સાથે વેર લેવામાં નહીં આવે'.

લાઇવ કવરેજ

  1. લાઇવ પેજને અહીં સમાપ્ત કરીએ છીએ, અમારી સાથે જોડાવા બદલ આભાર. કાલે ફરી મળીશું અફઘાનિસ્તાનનાં નવાં અપડેટ સાથે, ત્યાર સુધી શુભરાત્રી.

  2. 'કોઈની સાથે વેર લેવામાં નહીં આવે'- તાલિબાન

    તાલિબાને કહ્યું હતું કે વિદેશીઓ માટે કામ કરનારા પરવાનેદારો કે ઇજારદારો કે અનુવાદકો સાથે વેર લેવામાં નહીં આવે તથા તેમની પૂછપરછ કરવામાં નહીં આવે કે તેમનું પગેરું દાબવામાં નહીં આવે.

    "અફઘાનિસ્તાનમાં સ્થિરતા અને શાંતિ માટે અમે તમામને માફ કરી દીધા છે. ટૂંક સમયમાં નવી સરકારનું ગઠન થઈ જશે, તે પછી વધુ સ્પષ્ટતા આવી જશે. જે નવા કાયદાઓનું ગઠન કરશે."

    "20 વર્ષ અગાઉ પણ અફઘાનિસ્તાન મુસ્લિમ દેશ હતો અને અત્યારે પણ છે, પરંતુ હવે તેનામાં દૂરંદેશી અને પાકટતા આવ્યા છે. અમે ત્યારે જે પગલાં લીધા હતા અને અત્યારે જે લઈ રહ્યા છીએ, તેમાં ફેર છે."

    તાલિબાનના પ્રભુત્વવાળા વિસ્તારોમાં અપહરણ તથા હત્યાના આરોપોના જવાબમાં તેમણે કહ્યું, "દેશમાં પૂર્ણ સુરક્ષાનું વાતાવરણ છે. કોઈ કોઈનું અપહરણ નહીં કરી શકે. દેશમાં સુરક્ષા વધશે. અમે નથી ઇચ્છતા કે કોઈ દેશ છોડી જાય."

  3. 'ભવિષ્યમાં મહિલાઓની શું ભૂમિકા હશે?' તાલિબાને શું જવાબ આપ્યો

    ભવિષ્યમાં મહિલાઓની શું ભૂમિકા હશે અને તેઓ કેવી રીતે કામ કરશે, તે અંગે જવાબ આપવાનું પ્રવક્તા ઝબિહુલ્લા મુજાહીદ ટાળતા રહ્યા હતા.

    તેમણે વારંવાર એક જ વાત કહી હતી કે, "તે ઇસ્લામિક કાયદાની પરિઘમાં હશે."

    જ્યારે તેમને અલ-કાયદાના લડાકૂઓ અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે, "અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને ખાતરી આપવા માગીએ છીએ કે અફઘાનિસ્તાનની ધરતીનો કોઈની સામે ઉપયોગ નહીં થવા દેવામાં આવે."

    તેમણે સાંસ્કૃતિક પરિઘમાં રહીને ખાનગી મીડિયા મુક્ત અને સ્વતંત્ર રીતે કામ કરી શકે છે.

  4. તાલિબાનની પ્રેસવાર્તામાં એક અફઘાન મહિલા પત્રકારે પૂછ્યો પ્રશ્ન

    પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે ટ્વીટ કરીને કહ્યું કે "તાલિબાનના પ્રવક્તાની પ્રેસવાર્તામાં એક બહાદુર અફઘાન મહિલા પત્રકારને સવાલ પૂછતા જોઈને સારું લાગ્યું કે તેમણે અફઘાન મહિલા પત્રકારોના ભવિષ્ય વિશે પ્રશ્ન પૂછ્યો અને તાલિબાનના પ્રવક્તાએ કહ્યું મહિલાઓ સાથે કોઈ ભેદભાવ નહીં થાય, શ્રેષ્ઠની આશા રાખીએ."

    તાબિલાને કાબુલ પર કબજો કર્યા બાદ આ પ્રથમ પ્રેસવાર્તા કરી હતી.

  5. તાલિબાનની જાહેરાત : અમે કોઈ સાથે દુશ્મનાવટ નથી ઇચ્છતા

    કાબુલ ઉપર પ્રભુત્વ મેળવ્યા બાદ મંગળવારે અફઘાનિસ્તાને પ્રથમ વખત પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તાલિબાને કહ્યું હતું કે તેઓ આંતરિક કે બાહ્યા દુશ્મનાવટ નથી ઇચ્છતા.

    પ્રવક્તા ઝબિહુલ્લાહ મુજાહિદે પત્રકારપરિષદ સંબોધી અને કહ્યું, "20 વર્ષના સંઘર્ષ બાદ અમે દેશને મુક્ત કરાવ્યો છે અને વિદેશીઓને હાંકી કાઢ્યા છે."

    "અમે એ વાતની ખાતરી કરવા માગીએ છીએ કે દેશમાં યુદ્ધ જેવી સ્થિતિ વકરે નહીં. વેરઝેરનો અંત આવવો જોઈએ, એટલે જે લોકો અમારી સામે લડ્યા હતા, તેમને અમે માફ કરી દીધા છે. અમે કોઈ આંતરિક કે બાહ્યા દુશ્મન નથી ઇચ્છતા."

    તાલિબાનના પ્રવક્તાએ ઉમેર્યું, "અમે કાબુલમાં અંધાધૂંધી નથી ઇચ્છતા. અમારી યોજના કાબુલના દરવાજા બહાર અટકી જવાની હતી, જેથી કરીને સત્તાનું હસ્તાંતરણ સામાન્ય રીતે પાર પડે."

    "પરંતુ અગઉની સરકાર ખૂબ જ અક્ષમ હતી, તેના સુરક્ષાબળો સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે કશું ન કરી શક્યા, એટલે જ અમારે કંઇક કરવું પડે તેમ હતું. નાગરિકોની સુરક્ષા માટે અમારે કાબુલમાં પ્રવેશવું પડ્યું."

    પત્રકારો સાથે વાત કરતા ઝબિહુલ્લાહ મુજાહિદે કહ્યું, "હું આંતરરાષ્ટ્રીય સમુદાયને ખાતરી આપવા ચાહીશ કે કોઈને પણ નુકસાન પહોંચાડવામાં નહીં આવે.આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે અમારે કોઈ વાંધો નથી."

    "અમને અમારી ધાર્મિક માન્યતા મુજબ આચરણ કરવાનો અધિકાર છે. અલગ-અલગ દેશ અલગ-અલગ નિયમ, કાયદા અને અભિગમ ધરાવે છે. એવી જ રીતે અફઘાનો પણ પોતાના મૂલ્યો પર આધારિત નિયમ ઘડવાનો અધિકાર ધરાવે છે."

    તાલિબાનના પ્રવક્તાએ ખાતરી આપી હતી કે નવી વ્યવસ્થામાં શરિયત હેઠળ મહિલાઓને પૂર્ણ અધિકારો મળશે અને તેઓ પુરુષો સાથે મળીને કામ કરશે. તેમણે મીડિયાને તાલિબાન વિરુદ્ધ કામ નહીં કરવા તથા દેશની એકતા માટે પ્રયાસ કરવા હિમાયત કરી હતી.

  6. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું, 'હું કાર્યવાહક રાષ્ટ્રપતિ'

    અફઘાનિસ્તાનના પદભ્રષ્ટ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહે દાવો કર્યો છે કે તેઓ દેઓ દેશના નવા કાર્યવાહક રાષ્ટ્રપતિ છે. રવિવારે પૂર્વ નેતા અશરફ ગની દેશ છોડી નાસી ગયા હતા.

    તેમણે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ દેશમાં જ છે અને તેઓ "સહકાર તથા સહમતી માટે દેશના તમામ નેતાઓનો સંપર્ક સાધી રહ્યા છે."

    આ પહેલાં એક ટ્વીટમાં તેમણે લખ્યું કે તેમણે "જુસ્સો નથી ગુમાવ્યો" તેમણે અફઘાનોને "સાથે મળીને પ્રતિકાર કરવા" માટે આહ્વાન કર્યું હતું, જે તાલિબાનને માટે સંદેશ છે.

    સાલેહ અફઘાનની ગુપ્તચર સંસ્થાના પૂર્વ નિર્દેશક છે. તેમણે કહ્યું હતું કે, "કોઈપણ સંજોગોમાં" તાલિબાનોની સામે આત્મસમર્પણ નહીં કરે.

    આ પહેલાં એક ટ્વીટમાં સાલેહે ટ્વિટર ઉપર લખ્યું, "અફઘાનિસ્તાન મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે દલીલ કરવી હવે બેકાર છે. તેમને રહેવા દો. આપણે અફઘાનોએ સાબિત કરવું પડશે કે અફઘાનિસ્તાનએ વિયેતનામ નથી અને તાલિબાન કોઈપણ રીતે વિયેત કાંગ જેવું નથી."

    "અમરિકા/નાટોથી વિપરીત અમે હિંમત નથી હાર્યા. અમને અપાર સંભાવનાઓ દેખાઈ રહી છે. નકામી ચેતવણીઓ આપવાનો સમય જતો રહ્યો છે. આવો અને પ્રતિશોધમાં સામેલ થાઓ."

  7. તાલિબાન 2.0

  8. અફઘાનિસ્તાન પર તાબિલાનનો કબજો અને હિજરતની આઘાતજનક તસવીરો

    અફઘાનિસ્તાનથી નીકળેલા વિમાનની અંદર કેવી સ્થિતિ હતી? આ તસવીર તેનો જવાબ છે

    સોશિયલ મીડિયા પર ઘણા લોકો હાલ આ તસવીર શૅર કરી રહ્યા છે. આ તસવીર અમેરિકન ઍરફોર્સના વિમાનની છે જે ડિફેન્સ વન દ્વારા જાહેર કરવામાં આવી છે. ટ્વિટર પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ ઍરક્રાફ્ટમાં કુલ 640 લોકો સવાર હતા.

  9. 'અફઘાનિસ્તાનની આ હાલત માટે ત્યાંના નેતાઓ જવાબદાર' : જો બાઇડન

    અફઘાનિસ્તાનથી જે રીતે અમેરિકાએ પોતાની સેના પાછી બોલાવી તેને લઈને તેની ટીકા થઈ રહી છે.

    ત્યારે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું કે અફઘાનિસ્તાનની હાલત માટે તેના નેતાઓ જવાબદાર છે જે દેશ છોડીને ભાગી ગયા છે.

    તેમણે કહ્યું કે તાલિબાન ઝડપથી અફઘાનિસ્તાન પર કબજો કરી શક્યું કારણ કે ત્યાંના નેતાઓ દેશ છોડીને ભાગી ગયા અને અમેરિકન સૈનિકો દ્વારા પ્રશિક્ષિત અફઘાન સૈનિકો તેમની સામે લડવા નહોતા માગતા.

    તેમણે કહ્યું, "એ સત્ય છે કે ત્યાં ઝડપથી પરિસ્થિતિ બદલાઈ કારણ કે અફઘાન નેતાઓએ હથિયાર નાખી દીધા અને કેટલીક જગ્યાઓ પર અફઘાન સેનાએ સંઘર્ષ વગર હાર સ્વીકારી લીધી."

    જો બાઇડને અફઘાનિસ્તાનમાં અમેરિકાના નવા મિશનની જાહેરાત કરી છે.

    તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનથી અમેરિકાના નાગરિકો અને સામાન્ય અફઘાન નાગરિકોને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવા માટે છ હજાર અતિરિક્ત સૈનિકો મોકલવામાં આવ્યા છે.

  10. મલાલાના પિતા: 'તાલિબાનો માનવીય સભ્યતાના વિરોધી'

    બાળઅધિકાર કાર્યકર્તા અને નોબલ પારિતોષિક વિજેતા મલાલા યુસૂફઝઈના પિતા ઝિયાઉદ્દીન યુસૂફઝઈએ બીબીસી 5 સાથે વાત કરતાં જણાવ્યું હતું કે અફઘાનિસ્તાન ઉપર તાલિબાનનો કબજોએ "માનવી સભ્યતા માટે કાળા દિવસ સમાન છે."

    ઝિયાઉદ્દીને અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સેનાને ઝડપભેર પાછી ખેંચવાના નિર્ણયનો પણ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું :

    "તેઓ પાછા હઠી ગયા એ વાતનો મને ગુસ્સો નથી. દરેક રાષ્ટ્ર અને દેશની પોતાની સેના હોવી જોઈએ, જે પોતાના લોકો, લોકશાહી તથા માનવઅધિકારોની રક્ષા કરે છે. તેઓ જે રીતે પાછા હઠી ગયા, તેનાથી હું નારાજ છું."

    તેમણે કહ્યું હતું કે તેમની દીકરી મલાલા પણ તાજેતરના ઘટનાક્રમથી આઘાતમાં છે.

    ઝિયાઉદ્દીને ઉમેર્યું, "અમને તાલિબાનની વિચારસરણીનો અનુભવ છે. અમને ખબર છે કે તાલિબાનો કોણ છે. તેઓ કહે છે કે તેઓ અલગ લોકો છે, પરંતુ આપણે નથી જાણતા."

    "હું જે તાલિબાનોને ઓળખું છું, તે માનવીય સભ્યતાના વિરોધીઓ છે."

  11. 'તાલિબાનના કબજા બાદ કાબુલમાં જે શાંતિ છવાયેલી છે તેનાથી આશ્ચર્ય થયું'

  12. બંદૂકો વચ્ચે જીવતી અફઘાની મહિલાઓનો ગુજરાતને સાદ

    મનીષા પંડ્યા ગુજરાતની 'સેવા' (SEWA - સેલ્ફ એમ્પોલોય્ડ વુમન્સ ઍસોસિયેશન) સંસ્થા સાથે જોડાયેલાં છે. 2007થી 2020 દરમિયાન તેમણે 94 વખત અફઘાનિસ્તાનનો પ્રવાસ કર્યો છે.

    અફઘાનિસ્તાનની મહિલાઓ સાથે તેમણે અને 'સેવા'ની બીજી મહિલાઓએ છેલ્લા દોઢ દાયકાથી પણ વધુ સમય સુધી કામ કર્યું છે.

    જોકે હાલમાં આ કામના ભાવિ પર સવાલ સર્જાયો છે. અફઘાનિસ્તાનથી તેમને કેટલીક મહિલાઓનો સંદેશો આવ્યો છે કે હવે તેમનું આગળ શું થશે? તેના વિશે ત્યાંની મહિલાઓને કંઈ જ ખબર નથી.

    સેવા સંસ્થાની મદદથી કાબુલ અને બીજાં ચાર શહેરોમાં શરૂ થયેલી મહિલાઓની સંસ્થા 'સબા બાગ-એ-ખાજાના સોશિયલ ઍસોસિયેશન' હાલમાં બંધ થઈ ચૂકી છે, કારણ કે મહિલાઓ આ સેન્ટર પર આવી નથી શકતી.

    2007-2008થી સેવા સંસ્થાની બહેનો પ્રથમ તો ભારત સરકાર અને અફઘાનિસ્તાનની સરકાર અને પછી યુએસની મદદથી લગભગ 2017 સુધી સક્રિય રીતે આ મહિલાઓ સાથે કામ કરી રહી હતી.અહીં વાંચો - તાલિબાનના રાજમાં હવેકેવી છે અફઘાન મહિલાઓની સ્થિતિ?

  13. અફઘાનિસ્તાનમાં તાલિબાનનું ક્યાંક્યાં રાજ?

  14. માત્ર એ ત્રણ દેશ, જેમના દૂતાવાસ અફઘાનિસ્તાનમાં ખુલ્લા

    કાબુલ પર તાલિબાનનો કબજો થયા બાદ મોટા ભાગના દેશોએ પોતાના દૂતાવાસના કર્મચારીઓને બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે. ભારતે પણ મંગળવારે પોતાનો દૂતાવાસ ખાલી કરવાનો નિર્ણય લીધો છે.

    આ બાદ હવે અફઘાનિસ્તાનમાં માત્ર ત્રણ દેશના દૂતાવાસ જ ખુલ્લા છે.

    આ ત્રણ દેશ છે રશિયા, ચીન અને પાકિસ્તાન.

    ઇન્ડોનેશિયાએ કહ્યું છે કે કે તે અફઘાનિસ્તાનમાં પોતાનો દૂતાવાસ બંધ રાખશે, જોકે અહીંનું ‘નાનુ કૂટનૈતિક મિશન’ ચાલુ રહેશે.

    પાકિસ્તાન

    પાકિસ્તાન સતત કહેતું રહ્યું છે કે કાબુલમાં તેનો દૂતાવાસ સંપૂર્ણ રીતે કામ કરતો રહેશે.

    સોમવારે પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ ટ્વીટ કર્યું, "કાબુલમાં અમારો દૂતાવાસ સંપૂર્ણ રીતે કામ કરી રહ્યો છે અને તમામ પ્રકારની કૉન્સ્યુલર સુવિધા ઉપલબ્ધ કરાવી રહ્યો છે. આ ઉપરાંત ગૃહ મંત્રાલય તરફથી એક વિશેષ સુવિધાકેન્દ્ર પણ બનાવાયું છે."

    ચીન

    ચીને અફઘાનિસ્તાન અંગેની પોતાની યોજના અંગે હજુ સુધી કંઈ પણ સ્પષ્ટ નથી કર્યું. જોકે, તેણે પોતાના નાગરિકોને ઘરોની અંદર રહેવા અને સ્થિતિ પ્રત્યે સચેત રહેવા ચેતવણી આપી છે.

    તાલિબાનના પ્રતિનિધિઓ ગત મહિને ચીન ગયા હતા અને ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી.

    ચીને સોમવારે પણ કહ્યું હતું કે તે તાલિબાન સાથે ‘મૈત્રીપૂર્ણ સંબંધ’ બનાવી રાખશે.

    રશિયા

    રશિયન વિદેશ મંત્રાલયે રવિવારે સરકારી મીડિયાને કહ્યું હતું કે સરકારની દૂતાવાસના કર્મચારીઓને બહાર કાઢવાની કોઈ યોજના નથી.

    જોકે, તેણે એવું પણ કહ્યું હતું કે તે પોતાના દૂતાવાસના કેટલાક કર્મચારીઓને પરત બોલાવી લેશે.

  15. અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાનો બીજો દિવસ કેવો રહ્યો

  16. અફઘાન ટીવી ચેનલ પર મહિલાઓ પરત, તાલિબાનનો ઇન્ટરવ્યૂ

    અફઘાનિસ્તાનની એક મોટી ટીવી ચેનલ ટોલો પર એક વાર ફરી મહિલા ઍન્કર જોવા મળી.

    રવિવારે તાલિબાનના કાબુલ પર કબજા બાદ તમામ ટીવી ચેનલો પર મહિલાઓ જોવા મળતી બંધ થઈ ગઈ હતી.

    અફઘાનિસ્તાનના સરકારી ટીવી ચેનલની તસવીરો પણ શૅર થવા લાગી હતી જેમાં એક પુરુષ ઍન્કર તાલિબાનના ઝંડા આગળ બેઠો હતો.

    પરંતુ મંગળવારે ટોલો ન્યૂઝના પ્રમુખ મિરાક પોપલે ટ્વિટ શૅર કર્યું છે જેમાં એક મહિલા પ્રૅઝન્ટર સ્ટુડિયોમાં તાલિબાન મીડિયા ટીમના એક સભ્યનો લાઇવ ઇન્ટરવ્યૂ લે છે.

    ત્યાર બાદ તેમણે એક તસવીર શૅર કરી છે જેમાં એક મહિલા હિજાબ સાથે જોવા મળે છે.

    ટોલો ન્યૂઝની માલિક કંપની મોબીગ્રૂપના નિર્દેશક સાદ મોહસેનીએ પણ તસવીર ટ્વિટ કરી છે. તેમની સાથે એક મહિલા રિપોર્ટરની અફઘાનિસ્તાનના રસ્તા પરથી રિપોર્ટિંગ કરતી તસવીરો પણ ટ્વિટ કરી છે.

    તેમણે સાથે જ લખ્યું છે, “ટોલો ન્યૂઝ અને તાલિબાન એક વાર ફરી ઇતિહાસ રચી રહ્યાં છે. તાલિબાનના વરિષ્ઠ પ્રતિનિધિ અબ્દુલ હક હમ્માદ, આજે સવારે અમારી ઍન્કર બહિશ્તા સાથે વાત કરી રહ્યા છે. બે દાયકા પછી જ્યારે તેઓ સત્તામાં પહેલીવાર આવ્યા હતા, ત્યારે એ વિચારવું પણ અશક્ય હતું.”

    અફઘાનિસ્તાનમાં તાલિબાન પ્રભાવયુક્ત બન્યા બાદ સૌથી વધુ ચિંતા મહિલાઓની સ્થિતિ મામલે વ્યક્ત કરાઈ છે કેમ કે તાલિબાન કટ્ટર ઇસ્લામમાં માને છે અને મહિલાઓ પર રોકટોકની વકીલાત કરે છે.

    20 વર્ષ પહેલાં અફઘાનિસ્તાનમાં સત્તામાં આવ્યા બાદ તેણે મહિલાઓ પર કેટલાય પ્રતિબંધો લગાવી દીધા હતા.

    આ વખતે પણ કાબુલથી આવી રહેલી એ તસવીરોએ ચિંતા જગાવી છે જેમાં દુકાન બહારથી મહિલાઓનાં પૉસ્ટરો અને તસવીરો હટાવવામાં આવી રહ્યાં છે.

  17. ભય અને હતાશાની તસવીર

    અફઘાનિસ્તાનથી નીકળેલા વિમાનની અંદર કેવી સ્થિતિ હતી? આ તસવીર તેનો જવાબ છે

    સોશિયલ મીડિયા પર ઘણા લોકો હાલ આ તસવીર શૅર કરી રહ્યા છે. આ તસવીર અમેરિકન ઍરફોર્સના વિમાનની છે જે ડિફેન્સ વન દ્વારા જાહેર કરવામાં આવી છે. ટ્વિટર પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ ઍરક્રાફ્ટમાં કુલ 640 લોકો સવાર હતા.

  18. અફઘાનિસ્તાન મુદ્દે પાકિસ્તાનનું અમેરિકાને સમર્થન, “સૌથી સારી તક જતી રહી”

    પાકિસ્તાને અમેરિકન સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી પરત બોલાવવાના અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના નિર્ણયને સમર્થન આપ્યું છે.

    સોમવારે વડા પ્રધાન ઇમરાન ખાનની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સુરક્ષાસમિતિની બેઠકમાં કહેવાયું કે સંઘર્ષને ખતમ કરવાનો સૌથી યોગ્ય સમય એ હતો, જ્યારે અમેરિકા અને નાટો સૈન્ય પોતાની પૂરી ક્ષમતા સાથે અફઘાનિસ્તાનમાં હાજર હતાં.

    એવું પણ કહેવાયું કે વધારે સમય સુધી અફઘાનિસ્તાનમાં હાજર રહેવાથી વિદેશી સૈનિકો કોઈ અલગ પરિણામ લાવી શક્યા નહોત.

  19. અફઘાન મહિલાઓની ચિંતા કળામાં ઝળકી

    કાબુલ પર તાલિબાનીઓએ કબજો કર્યો એ પહેલાં શમસિયા હસ્સાની નામનાં અફઘાન કલાકારે કેટલીક ગ્રૅફિટી તૈયાર કરી હતી.

    શમસિયાના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર આ ચિત્રો પોસ્ટ કરાયાં છે, જેમાં તાલિબાનના શાસનમાં અફઘાન મહિલાઓની કેવી સ્થિતિ હતી એ દર્શાવાયું છે.

    એક ચિત્રમાં એક અફઘાન છોકરી હથિયારધારી તાલિબાની લડવૈયાના પડછાયામાં હાથમાં મીણબત્તી રાખીને ઊભેલી જોવા મળે છે.

    અન્ય એક ચિત્રમાં બુરખામાં એક યુવતી પિયાનો સાથે ઊભી છે

    90ના દાયકામાં અફઘાનિસ્તાનમાં જ્યારે તાલિબાનનું શાસન હતું ત્યારે મહિલાઓ માટે બુરખો પહેરવો ફરજિયાત કરી દેવાયો હતો. જે મહિલાઓનો પહેરવેશ ‘અયોગ્ય’ જણાય તેને કોરડા ફટકારવાની સજા કરવામાં આવી હતી.

    એ વખતે કન્યાશિક્ષણ પર પણ પ્રતિબંધ ફરમાવી દેવાયો હતો અને પુરુષની હાજરી વગર કોઈ મહિલાનું ઘરની બહાર નીકળવું પ્રતિબંધિત હતું.

    જોકે, આ વખતે તાલિબાને મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવાનું વચન આપ્યું છે. પણ, અફઘાનિસ્તાન પર ફરીથી તાલિબાનનો કબજો થતાં આંતરરાષ્ટ્રીય સંગઠનોએ દેશની મહિલાઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

  20. તાલિબાનનું શિર્ષ નેતૃત્વ કેવું છે અને કઈ રીતે કામ કરે છે સંગઠન?