You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસને લીધે ગુજરાત કૉંગ્રેસના નેતા બદરુદ્દીન શેખનું નિધન
ઇટાલી, સ્પેન, અમેરિકા અને ફ્રાન્સ બાદ યુ.કે.માં પણ મરણાંક 20 હજાર કરતાં વધુનો થયો.
લાઇવ કવરેજ
બ્રેકિંગ, કોરોના વાઇરસના લીધે બદરુદ્દીન શેખનું નિધન
કૉંગ્રેસના કૉર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોના વાઇરસને લીધે મૃત્યુ થયું છે. અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલમાં શેખની સારવાર ચાલતી હતી.
ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે આ દુઃખની ઘડીએ કૉંગ્રેસ પરિવારજનો સાથે છે.
ગુજરાત કૉંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે શોક વ્યક્ત કરતાં શેખને બિનસાંપ્રદાયિકતાની મિસાલ ગણાવ્યા હતા.
શેખ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કાઉન્સિલર, ખ્વાજા ગરીબ નવાઝ-અજમેરના ટ્રસ્ટી, વક્ફ બૉર્ડમાં સેવા આપી હતી.
કોરોના વાઇરસ અપડેટ્સ
- દુનિયાભરમાં કોરોના વાઇરસથી સંક્રમણના કેસની સંખ્યા બે લાખને પાર કરી ગઈ છે.
- જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટી અનુસાર, દુનિયાભરમાં કોરોના વાઇરસને લીધે મૃતકોની સંખ્યા બે લાખ, બે હજાર 368 થઈ ગઈ છે.
- ગુજરાતમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ત્રણ હજારને પાર કરી ગઈ છે. તેમજ અત્યાર સુધીમાં 151 લોકો મૃત્યુ પામ્યાં છે.
- ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસથી સંક્રમણના કુલ 26,917 કેસ છે, જ્યારે 826 લોકોનાં મૃત્યુ થયાં છે.
- મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના 8,068 કેસ થયા છે, જ્યારે 342 લોકોએ જીવ ગુમાવ્યો છે.
- કોરોના વાઇરસનું સંક્રમણ વધતાં વડા પ્રધાન મોદી સોમવારે ભારતનાં તમામ રાજ્યોનાં મુખ્ય મંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સ થકી બેઠક કરશે.
બીબીસી ગુજરાતીનું કોરોના વાઇરસ અંગેનું લાઇવ પેજ અહીંથી સમાપ્ત કરીએ છીએ. આવતી કાલે ફરીથી મળીશું. શુભ રાત્રિ.
બ્રેકિંગ, મહારાષ્ટ્રમાં 80 ટકા સંક્રમિતોમાં કોરોનાનાં લક્ષણો નહીં
મહારાષ્ટ્રમાં મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના સંક્રમણના 80 ટકા કેસમાં દરદીઓમાં કોઈ લક્ષણો જોવાં જ મળ્યાં નથી.
ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના સૌથી વધુ મામલા મહારાષ્ટ્રમાં નોંધાયા છે. રાજ્યમાં સંક્રમણના કુલ મામલા 7,628 સુધી પહોંચી ગયા છે.
જે દેશભરના કુલ 26 હજાર કેસના એક ચતુર્થાંશ કરતાં પણ વધારે છે. મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ એવું પણ કહ્યું છે કે આ મહિનાના અંત સુધી લૉકડાઉનને લઈને તેમની સરકાર નિર્ણય લેશે. ઠાકરેએ કહ્યું, “30 એપ્રિલ બાદ શું કરીશું એ અંગે નિર્ણય લઈશું. હાલમાં અમે લોકો કેટલીય વસ્તુઓ શરૂ કરી રહ્યા છીએ. અમે જોઈ રહ્યા છીએ કે સ્થિત કઈ રીતે સામાન્ય થશે.” તેમના મતે મહારાષ્ટ્રમાં તબીબોને ક્લિનિક ખોલવાની પરવાનગી અપાઈ રહી છે અને ડાયાલિસીસ સેન્ટરો પણ ખોલી શકાશે.
જોકે, ઉદ્ધવ ઠાકરેએ લોકોને ધીરજ રાખવાની અપીલ કરતાં કહ્યું છે કે હાલમાં લૉકડાઉન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તેમણે ઉમેર્યું, “કોરોના વાઇરસ તુરંત જ ગાયબ નહીં થાય. તમારે માસ્ક પહેરવા પડે. ભીડમાં એકઠા નથી થવાનું, ઘરોમાં રહેવાનું છે અને લક્ષણ જોવાં મળતાં સારવાર કરાવવાની છે.” ઠાકરેએ ઉમેર્યું કે આગામી ત્રણ-ચાર મહિના બહુ જ મહત્ત્વના રહેવાના છે.
ત્રીજી વખત મુખ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે વડા પ્રધાન મોદી
કોરોના વાઇરસના વધી રહેલા પ્રસારને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ભારતનાં તમામ રાજ્યોનાં મુખ્ય મંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સ થકી બેઠક કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય મંત્રીઓ વચ્ચેની આ ત્રીજી બેઠક હશે.
એવું માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં વડા પ્રધાન અને રાજ્યના મુખ્ય મંત્રીઓ લૉકડાઉનને તબક્કાવાર હઠાવવા અંગે વાત કરી શકે છે. રવિવારે પ્રસારિત થયેલા ‘મન કી બાત’ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહી ચૂક્યા છે કે દેશ આ વખતે યુદ્ધ વચ્ચે છે. લોકોએ સાવચેત રહેવાની અને બચાવનાં પગલાં ભરવાની જરૂર છે. આ પહેલાં ગત દિવસોમાં ગૃહ મંત્રાલય દ્વારા લૉકડાઉનમાં અલગઅલગ રીતે છૂટ આપવાની જાહેરાત કરાઈ હતી. એ બાદ કેન્દ્ર સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં તમામ પ્રકારની દુકાનોને ખોલવાની મંજૂરી આપી દીધી હતી.
સોમવારની બેઠક દરમિયાન આગામી સમયમાં કેવાં પગલાં લેવાં એ અંગે ચર્ચા કરવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
બ્રેકિંગ, કોરોના વાઇરસ : ગુજરાતમાં દરદીઓની સંખ્યા ત્રણ હજારને પાર
ભારતમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા 27 હજાર નજીક પહોંચવામાં આવી છે.
આ દરમિયાન ગુજરાતમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા ત્રણ હજારને પાર કરી ગઈ છે.
સમાચાર સંસ્થા એએનઆઈએ ગુજરાતના આરોગ્ય વિભાગને ટાંકીને જણાવ્યું છે કે ગત 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઇરસના નવા 230 કેસ સામે આવ્યા છે. અને વધુ 18 દરદીઓનાં મૃત્યુ થયાં છે. આ સાથે જ રાજ્યમાં ચેપગ્રસ્ત દરદીઓનો કુલ આંક 3301 થઈ ગયો છે.
જે નવા કેસો નોંધાયા છે એમાંથી સૌથી વધુ અમદાવાદમાં 178 કેસો નોંધાયા છે.
એ બાદ સુરતમાં 30, આણંદમાં આઠ, રાજકોટ અને વડોદરામાં ચાર-ચાર, ગાંધીનગરમાં બે, જ્યારે ખેડા, નવસારી અને પાટણમાં નવા એક-એક કેસ નોંધાયા છે.
બ્રેકિંગ, ગુજરાતમાં શું-શું ખુલ્લું રહેશે અને શું બંધ?
ગુજરાત સીએમઓ તરફથી જાણકારી આપવામાં આવી કે પ્રવર્તમાન કોરોના વાઇરસના વધતા કેસ સંદર્ભમાં મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર અને કલેકટરોએ સંયુકત રીતે નિર્ણય કર્યો છે કે આ ચારેય મહાનગરોમાં સમગ્રતયા તારીખ ત્રીજી મે સુધી દુકાનો-વ્યવસાયો ચાલુ કરવા દેવાશે નહીં અને બંધ રાખવામાં આવશે.
રાજ્યનાં ચાર મહાનગરોમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટનો સમાવેશ થાય છે.
અહીંના મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા કલેકટરોએ સ્થાનિક વેપારીઓ સાથે ચર્ચા-વિચારણા કરીને રાજ્ય સરકાર સાથે ચર્ચાવિચારણા કરી હતી.
લોકડાઉન દરમિયાન અગાઉ ચાલુ રહેલી જીવનજરૂરી અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને જ આ મહાનગરોમાં ચાલુ રાખવા દેવામાં આવશે.
રાજ્યમાં અન્ય જે વિસ્તારો-જિલ્લાઓમાં રવિવાર તારીખ 26 એપ્રિલથી ધંધા-વ્યવસાયો શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે , તેમાં પણ મૉલ, માર્કેટ કૉમ્પ્લેક્સ, હેર કટિંગ સલૂન, બ્યૂટી-પાલર્ર, પાન-ગુટકા-બીડી-સિગારેટનું વેચાણ કરતી દુકાનો, હોટલ-રેસ્ટોરાં ચાલુ કરી શકાશે નહીં.
તેમજ ટેક્સી, રિક્ષા, ઉબેર કે અન્ય બસસેવાઓ પણ રાજ્યમાં શરૂ થશે નહીં.
જ્યારે ગુજરાતમાં કોરોનાગ્રસ્ત ગુટકાચોરને કારણે આખો વિસ્તાર ક્વોરૅન્ટીન થયો
દરદીઓનાં કપડાંને જંતુમુક્ત કરવા રૂ. 6 કરોડના ખર્ચે લૉન્ડ્રીની વ્યવસ્થા
કોરોના વાઇરસની સામે લડવા માટે અમદાવાદમાં રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલી કોવિડ-19 હૉસ્પિટલમાં દરદીઓનાં કપડાં ધોવાં માટે 6 કરોડના ખર્ચે વૉશિંગ અને સ્ટરિલાઇઝેશનની સુવિધા ઊભી કરવામાં આવી છે.
આ મશીનમાં દરદીનાં કપડાં, ટુવાલ, બ્લૅન્કેટ તથા મેડિકલ-પૅરામેડિકલ સ્ટાફનાં 1000થી વધારે જોડી કપડાં રોજ ધોવાય છે.
હૉસ્પિટલના ડોક્ટર અગ્રવાલ કહે છે કે, 'આ મશીનમાં 121 ડિગ્રીના ઊંચા તાપમાને કપડાંને 45 મિનિટ સુધી રાખવામાં આવે છે કે જેથી તેમાં એક પણ વાઇરસ કે વિષાણુ ન રહે.
આ ઉપરાંત આ કપડાં ધોવાં માટે અલગથી લૉન્ડ્ર્રી એરિયા બનાવવામાં આવ્યો છે. જ્યાં વિષાણુનાશક કેમિકલના પાણીથી કપડાં ધોવામાં આવે છે."
બ્રેકિંગ, ભારતમાં અત્યાર સુધી 826 લોકોનાં મૃત્યુ
ભારતમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા 26,917 થઈ ગઈ છે. ભારત સરકારની આરોગ્ય અને કુટુંબકલ્યાણ મંત્રાલયની વેબસાઇટ અનુસાર દેશભરમાં 20177 ઍક્ટિવ કેસ છે. જ્યારે 826 લોકોનાં મૃત્યુ થયાં છે.
જોકે, દેશભરમાં અત્યાર સુધી 5914 લોકો આ વાઇરસની ઝપેટમાં આવ્યા બાદ સાજા પણ થઈ ગયા છે. ગત 24 કલાકમાં દેશભરમાં ચેપ લાગવાના 1975 નવા કેસો સામે આવ્યા છે. જ્યારે આ દરમિયાન 47 લોકોનાં મૃત્યુ થયાં છે.
જર્મનીએ કોરોના વાઇરસ પર કેવી રીતે અંકુલ લગાવ્યો?
કોરોના વાઇરસ સામે જારી જંગમાં જર્મનીને એક ઉદાહરણના રૂપમાં રજૂ કરાઈ રહ્યું છે.
જર્મનીની સાર્વજનિક સ્વાસ્થ્ય સંસ્થા રૉબર્ટ કૉચ ઇન્સ્ટિટ્યૂટના તાજા આંકડા પ્રમાણે, જર્મનીમાં 5500 લોકોનાં મૃત્યુ થયાં છે.
આ સંખ્યા બ્રિટન, સ્પેન, ઇટાલી, ફ્રાન્સ અને અમેરિકાથી ઘણી ઓછી છે.
જોકે જર્મનીમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા એક લાખ 56 હજારથી વધુ છે.
જર્મન વિદેશ મંત્રાલયના એક ઉચ્ચ અધિકારી એન્ડ્રેઇસ મિશેલિસે કહ્યું કે આ નસીબને કારણે થયું છે અને અમારી સરકારના આ નિર્ણયનું પણ યોગદાન છે કે કટોકટીની સેવાઓને ક્ષમતાથી વધુ માત્રા રાખવામાં આવી.
બીબીસીના એંડ્રુયુ મારના ન્યૂઝ ટૉક શોમાં તેઓએ કહ્યું, "જર્મની પાસે 40 હજાર આઈસીયુ બૅડ હતા, જેમાં 30 હજારને વૅન્ટિલેટર સાથે ઉપયોગમાં લઈ શકાય છે."
જર્મની સાવધાનીપૂર્વક લૉકડાઉન પણ ખોલી રહ્યું છે. પહેલાં ખાસ ઉંમરનાં બાળકો માટેની સ્કૂલો ખોલાશે અને જરૂરી સામાનની દુકાનો પણ ખોલાશે.
બ્રેકિંગ, જ્યાં સુધી કોરોના સમાપ્ત ન થાય ત્યાં સુધી ધૈર્ય રાખવું જોઈએ - મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે લોકોને અપીલ કરી છે કે જ્યાં સુધી કોરોના સમાપ્ત ન થાય ત્યાં સુધી ધૈર્ય રાખવું જોઈએ.
તેઓએ કોરોના સામે સંઘર્ષ કરી રહેલી કેન્દ્ર સરકારના કામનાં વખાણ કરતાં કહ્યું કે તત્પરતાપૂર્વક શાસને વ્યવસ્થા લાગુ કરી, લોકોએ પણ તેનો અમલ કર્યો છે.
મહારાષ્ટ્રના પાલઘરની ઘટના મુદ્દે મોહન ભાગવત બોલ્યા કે આવી ઘટનાઓ ન થવી જોઈએ.
- ભારતે નુકસાન વેઠીને દુનિયાને દવા મોકલી
- અમે માણસમાં કોઈ ભેદભાવ નથી કરતાં
- મહામારીથી ડરો નહીં એનો સામનો કરો
- ક્વૉરેન્ટીનમાં ધૈર્યથી રહો, ડૉક્ટરોને સાથ આપો
- સકારાત્મક ભાવથી લોકો નિર્દેશોનું પાલન કરે
- ભય અને ક્રોધ પર કાબૂ રાખો
- યોજના બનાવીને કોરોના સામે લડાઈ લડવાની છે
- બધા પોતાના છે, બધાની સેવા કરવાની છે
સાઉદી અરેબિયામાં પ્રતિબંધોમાં રાહત અપાઈ
દેશભરમાં 24 કલાકના કર્ફ્યુમાં થોડી ઢીલ અપાઈ છે અને સવારના નવ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી તેને હઠાવી લેવાયું છે.
બુધવારથી દેશભરમાં દુકાનો ખોલવામાં આવી રહી છે અને કેટલીક ફેકટરીઓમાં કામ શરૂ કરવાની પરવાનગી પણ અપાઈ છે. રમઝાન મહિનાના પ્રથમ બે સપ્તાહ દરમિયાન આ ઢીલ આપવામાં આવી છે. જોકે, આ ઢીલ એ જગ્યાઓ પર લાગુ નહીં થાય કે જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં ન આવે. એટલે જીમ કે રેસ્ટોરાં નહીં ખૂલે.
મક્કા અને મદીનામાં લૉકડાઉન ચાલુ રહેશે. સાઉદી અરેબિયામાં અત્યાર સુધી કોરોના વાઇરસના સંક્રમણના 16 હજાર મામલા સામે આવ્યા છે. જ્યારે 136 લોકોનાં મૃત્યુ થયાં છે.
ટ્રમ્પે દૈનિક પ્રેસ-કૉન્ફરન્સ કેમ બંધ કરી?
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કોરોના વાઇરસને લઈને થનારી દૈનિક પ્રેસ-કૉન્ફરન્સને બંધ કરી દીધી છે.
કહેવામાં આવી રહ્યું છે કે તેમના સલાહકારોએ કહ્યું કે દૈનિક પ્રેસ-કૉન્ફરન્સથી તેમના ચૂંટણી કેમ્પેનને ઝટકો લાગી શકે છે.
ખરેખર, પ્રેસ-કૉન્ફરન્સમાં ટ્રમ્પ પત્રકારો સાથે બોલાચાલીમાં સરી પડતા હતા અને એવું કહી દેતા કે તેમની ખૂબ જ ટીકા થતી હતી.
ટ્રમ્પે જાતે ટ્વિટર પર કહ્યું કે પ્રેસ-બ્રિફિંગનો કોઈ અર્થ નથી.
હાલના અઠવાડિયામાં ટ્રમ્પે પોતાના પ્રેસ-બ્રીફિંગમાં કોવિડ-19ના સંક્રમણને દૂર કરવા માટે અપ્રમાણિત અને ખોટી મેડિકલ સલાહ આપી છે.
તેમણે કોરોનાની સારવાર માટે તડકા અને મલેરિયાની દવાના ઉપયોગની સલાહ આપી હતી.
તેમના આ પ્રકારનાં નિવેદનોને કારણે તેમના તજજ્ઞોની ટીમે ચોખવટ કરવી પડતી હતી.
પરંતુ શુક્રવારે ટ્રમ્પે પ્રેસ-બ્રીફિંગમાં કોઈ પણ સવાલનો જવાબ ન આપીને લોકોને ચોંકાવી દીધા હતા. તે 22 મિનિટની બંધ રૂમમાં મળેવી મિટિંગમાં ચાલ્યા ગયા.
કેટલાક લોકો આને એ પ્રકારે જોઈ રહ્યા છે કે તેઓએ ગુરુવારે કહેલી વિવાદાસ્પદ વાતને આગળ વધારવા નથી માગતા.
તેમણે કહ્યું કે જંતુનાશક દવાનો ઉપયોગ કોવિડ-19ને ડામવા કરી શકાય છે.
તેમના આ નિવેદનની ઘણી ટીકા થઈ અને સ્વાસ્થ્ય જાણકારોએ આ વાતને લઈને ચેતવણી આપી.
બાદમાં ટ્રમ્પે ચોખવટ કરતા કહ્યું કે તેમણે આ વાત મજાકમાં કહી હતી જ્યારે વીડિયોમાં આવું નહોતું લાગ્યું.
હવે ટ્રમ્પે ટ્વીટ કર્યું છે, "વ્હાઇટ હાઉસની ન્યૂઝ કૉન્ફરન્સનો શું અર્થ રહે છે જ્યારે પક્ષપાતી મીડિયા શત્રુતાપૂર્ણ સવાલ છોડ્યા સિવાય કાંઈ પૂછતું નથી અને બાદમાં વસ્તુઓને ફૅક્ટની સાથે રિપોર્ટ કરતું નથી. તેમને આમાં રેટિંગ્સ મળે છે અને અમેરિકાના લોકોને ફેક ન્યૂઝ સિવાય કાંઈ નહીં. આમાં સમય આપવો અને પ્રયાસ કરવો બેકાર છે."
પ્રેસ-બ્રીફિંગ દ્વારા ટાસ્ક ફોર્સ દેશભરમાં કોરોનાને લઈને અપડેટ્સ આપે છે, પરંતુ આ બ્રીફિંગને લઈને હવે આખું ધ્યાન ટ્રમ્પના નિવેદન પર કેન્દ્રિત થઈ ગયું છે.
આફ્રિકન દેશ પણ હવે સક્રિય થયા
આફ્રિકી દેશો આક્રમક રીતે સ્ક્રિનિંગ અને ટેસ્ટિંગની રણનીતિ અપનાવી રહ્યા છે.
કોવિડ-19થી બચવા માટેની રીતમાં આ સૌથી મહત્ત્વની છે, જેને આફ્રિકન દેશો પોતાની પૂરી ક્ષમતા અનુસાર અપનાવી રહ્યા છે.
જોકે અહીં શરૂઆત ધીમી હતી, પણ છેલ્લા 10 દિવસમાં આફ્રિકી મહાદ્વીપમાં સંક્રમણના કેસ એકાએક 40 ટકાથી વધુ નોંધાયા છે.
ગત 10 દિવસમાં અહીં સંક્રમણના કેસ વધીને 28 હજાર થઈ ગયા છે અને મૃતકોની સંખ્યા પણ વધી છે.
મૃતકોની સંખ્યા વધીને 1300 પહોંચી છે, જે ચિંતાજનક છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ત્રણથી છ મહિનામાં મહાદ્વીપમાં સંક્રમણની સંખ્યા વધીને એક કરોડ થઈ શકે તેવી ચેતવણી આપી છે.
જોકે નિષ્ણાતોનું કહેવું છે કે જો આ પ્રકોપને રોકવા માટે અધિકારીઓ આક્રમક વલણ અપનાવે તો મૃત્યુનો આંક ઓછો થઈ શકે છે.
WHOના હેલ્થ ઇમરજન્સી પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉક્ટર માઇક રયાનનું કહેવું છે કે આફ્રિકામાં સંક્રમણ હજુ શરૂઆતના તબક્કામાં છે.
સિંગાપોરે શું હાઈટેક વ્યવસ્થા કરી?
સિંગાપોરમાં કોરોના વાઇરસના કેસ વધતાં કૈવર્નસ પ્રદર્શની હૉલમાં દર્દીઓ માટે બૅડની વ્યવસ્થાનું કામ ઝડપથી કરાઈ રહ્યું છે. સાથે જ અન્ય અસ્થાયી સુવિધાનો પણ બંદોબસ્ત કરાઈ રહ્યો છે.
સિંગાપોરમાં ઓછી આવકવાળા પ્રવાસી મજૂરોની સંખ્યા વધુ છે, જેમાં કોરોના વાઇરસ ફેલાવવાની આશંકા છે. અંદાજે 5700000 વસતીવાળા સિંગાપોરમાં અત્યાર સુધીમાં સંક્રમણના 12 હજાર કેસની પુષ્ટિ કરાઈ છે.
ન્યૂઝ એજન્સી રૉયટર્સ અનુસાર, આ એશિયાના સૌથી વધુ પ્રભાવિત દેશોમાં એક છે. એક તરફ સિંગાપોરમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 12 હજારથી વધુ છે અને મૃતકોની સંખ્યા ઘણા દેશોની તુલનામાં બહુ ઓછી છે. સિંગાપોરમાં કોવિડ-19ને કારણે અત્યાર સુધીમાં 12 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 24 દર્દીઓ આઈસીયુમાં છે.
અહીં રિમોર્ટ કંટ્રોલ રોબૉટ્સ લોકોને ખાવાનું આપે છે. આ રૂમમાં ટેલિકૉન્ફરન્સિંગની વ્યવસ્થા છે, જેથી હ્યુમન ટૂ હ્યુમન કૉન્ટેક્ટને વધુમાં વધુ ટાળી શકાય.
તેમજ અહીં ચાર પગવાળા રોબૉટ ડૉગ લઈને પણ ટ્રાયલ શરૂ કરાઈ રહી છે. બોસ્ટન ડાયનેમિક્સના આ રોબૉટ આવનારા સમયમાં લોકોને દવા આપવાના કામમાં ઉપયોગમાં લેવાઈ શકે છે. બની શકે કે આ દર્દીનું તાપમાન માપવાનું કામ પણ કરે.
કોરોના વાઇરસ સામે જંગ જીતી આ નવજાત બાળકી
સમગ્ર વિશ્વમાં હજારો લોકોનાં મોતનું કારણ બનનારા કોરોના વાઇરસને એક નવજાત બાળકીએ મહાત આપી વિશ્વને ચોંકાવી દીધું.
જુઓ, કોરોના વાઇરસને હરાવવા માટે બાળકીનાં માતા અને બાળકીએ કેટકેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. અંતે તેમના પરિશ્રમના ફળસ્વરૂપે બાળકીને જીવનદાન મળ્યો.
કોરોના કવરેજ
- 25મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે ક્લિક કરો
- 24મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે ક્લિક કરો.
- 23મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે ક્લિક કરો
- 22મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે ક્લિક કરો
- 21મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે ક્લિક કરો
- 20મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે ક્લિક કરો
- 19મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે ક્લિક કરો
- 18મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે ક્લિક કરો
- 17મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે ક્લિક કરો
- 16 મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે ક્લિક કરો
- 15 મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે ક્લિક કરો
- 14મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે ક્લિક કરો
- 13મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે ક્લિક કરો
- 12મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે ક્લિક કરો
- 11મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટ ક્લિક કરો
- 10મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે ક્લિક કરો
- નવમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે ક્લિક કરો
- આઠમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે ક્લિક કરો
- સાતમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે ક્લિક કરો
- છઠ્ઠી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે ક્લિક કરો
- પાંચમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે ક્લિક કરો
- ચોથી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે ક્લિક કરો
- ત્રીજી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે ક્લિક કરો
- બીજી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે ક્લિક કરો
- પહેલી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે ક્લિક કરો
- ભારતમાં લૉકડાઉનના પ્રથમ સપ્તાહ દરમિયાનના અપડેટ્સ જાણવા માટે ક્લિક કરો
ક્યૂબાની મેડિકલ ડિપ્લોમસી
ક્યૂબાએ બે અઠવાડિયાં દરમિયાન 19 દેશમાં પોતાની મેડિકલ ટીમને મોકલી છે.
અમેરિકાના પ્રતિબંધો છતાં પણ ક્યૂબા કોવિડ-19 સામેની લડાઈમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.
ક્યૂબાએ ઇટાલી, એંડોરા, અંગોલા, જમૈકા, મેક્સિકો અને વેનેઝુએલા સહિત 19 દેશમાં પોતાની મેડિકલ ટીમને મોકલી છે, જેમાં 900 ડૉક્ટર અને નર્સનો સમાવેશ થાય છે.
આ સિવાય આર્જેન્ટિના અને સ્પેન જેવા દેશોએ વિનંતી કરતા ત્યાં મોકલવા અંગે ચર્ચા ચાલી રહી છે.
ક્યૂબાની મેડિકલ ટીમે આ અગાઉ પણ સંકટના સમયમાં લોકોના જીવ બચાવ્યા છે.
ક્યૂબાએ 2004માં શ્રીલંકામાં આવેલા સુનામી, 2005માં પાકિસ્તાનમાં ભૂકંપ અને પછી 2006માં ઇન્ડોનેશિયામાં આવેલા ભૂકંપ સમયે પણ ભરપૂર મદદ કરી છે.
2006માં ઇન્ડોનેશિયાની ટીમના સભ્ય ડૉક્ટર ઑસ્કર પતોલેએ પોતાના અભિયાન વિશે ન્યૂઝ એજન્સી રૉઇટર્સને કહ્યું હતું કે આજે એક જ્વાળામુખી, કાલે કોઈ ભૂકંપ અને તે પછી પૂર કોઈ પણ દેશની મદદ માટે ક્યૂબા તૈયાર છે.
કોરોના વાઇરસની સૌથી ખરાબ અસર ઇટાલીમાં જોવા મળી છે. ક્યૂબાએ ઇટાલીમાં પોતાના 52 ડૉક્ટર અને નર્સ મોકલ્યા છે. ખરાબ પરિસ્થિતિમાં કામ કરવા ટેવાયેલા ક્યૂબાના ડૉક્ટર્સ અને નર્સોએ ઇટાલીમાં ઘણું મોટું યોગદાન આપ્યું છે.
અંદાજે છેલ્લાં 60 વર્ષથી ક્યૂબા આખી દુનિયામાં પોતાના ડૉક્ટર અને નર્સને મોકલી રહ્યું છે.
અહીં જરૂરિયાતમંદની મદદ કરવાના આશયથી ક્યૂબા કરે છે, પરંતુ કેટલાકના મતે આ તેમની 'મેડિકલ ડિપ્લોમસી'નો પણ ભાગ છે.
આનાથી અમેરિકાના પ્રતિબંધ હેઠળ રહેલા ક્યૂબાને આર્થિક મદદ મળતી રહે છે.
કોરોના અંગેની આ વાતો આપ જાણો છો?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- સેક્સ અને કોરોના વાઇરસ સંબંધિત સવાલ અને સાવચેતી જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- શું મચ્છરના કરડવાથી કોરોના વાઇરસનો ચેપ લાગી શકે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો