You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

કોરોના વાઇરસ : અમેરિકામાં 30 હજારથી વધુનાં મૃત્યુ

કોરોના વાઇરસની મહામારીની ગુજરાત અને દેશ-દુનિયાની અપડેટ અહીં મેળવો.

લાઇવ કવરેજ

  1. આવતીકાલે ફરી મળીશું

    આ સાથે જ કોરોના વાઇરસ સંબંધિત આજનું લાઇવ રિપોર્ટિંગ અહીં પૂર્ણ કરવામાં આવે છે.

    નવી અપડેટ્સ સાથે કાલે મળીશું બીબીસી ન્યૂઝ ગુજરાતી પર. શુભ રાત્રિ.

  2. અમેરિકામાં કોરોનાના પ્રકોપે લીધાં 30 હજાર જીવ અને 2.10 કરોડ નોકરીઓ

    અમેરિકામાં છેલ્લા ચાર અઠવાડિયા દરમિયાન 2.10 કરોડ લોકોએ નોકરી ગુમાીૃવી છે.

    આ બેરોજગારીના આંકડાનો નવો રૅકર્ડ છે.

    અમેરિકાનાં શ્રમ વિભાગ પ્રમાણે દેશમાં 11 એપ્રિલે પૂર્ણ થયેલાં અઠવાડિયામાં 52 લાખ લોકો બેરોજગાર થયા. ત્યાર પહેલાંના અઠવાડિયે 66 લાખ લોકોએ નોકરીઓ ગુમાવી હતી.

    અમેરિકામાં કોરોના વાઇરસનો પ્રકોપ સૌથી વધારે છે. અત્યાર સુધી અમેરિકામાં કોરોના સંક્રમણના છ લાખ 40 હજારથી વધારે કેસ આવ્યા છે ત્યારે 30 હજાર 985 લોકોનાં મૃત્યુ થયાં છે.

    અમેરિકાના મોટાભાગના રાજ્યો કોઈને કોઈ પ્રકારના લૉકડાઉનથી અસરગ્રસ્ત છે.

    અમેરિકાનાં શ્રમ વિભાગનાં અનુમાન મુજબ આ મહિનાના અંત સુધી અમેરિકામાં બેરોજગારી દર 20 ટકા સુધી પહોંચી જશે.

  3. ચીનમાં લોકલ ટ્રાંસમિશનના કેસ વધ્યા

    ચીનમાં દેશની બહારથી આવેલા કોરોના સંક્રમણમાં ઘટાડો થયો છે પરંતુ સ્થાનિક લોકો વચ્ચે સંક્રમણના કેસ વધ્યા છે.

    બુધવારે દેશની અંદર લોકલ ટ્રાંસમિશનના નવા કેસ 10થી વધીને 12 થઈ ગયા.

    આમાં ત્રણ કેસ રાજધાની બીજિંગના છે જ્યાં છેલ્લા કેટલાય અઠવાડિયામાં આ પ્રથમ કેસ સામે આવ્યો છે.

    જ્યારે બહારથી આવનારા સંક્રમિતોની સંખ્યા ઘટીને 34 થઈ ગઈ છેય

    મંગળવારે 46 નવા કેસ સામે આવ્યા છે જ્યારે ચીનના નૅશનલ હૅલ્થ કમિશન પ્રમાણે એક દિવસ પહેલા 89 કેસ સામે આવ્યા હતા.

  4. મોદીએ ડાઉનલોડ કરવાની સલાહ આપી તે આરોગ્ય સેતુ ઍપ શું છે?

    વડા પ્રધાન મોદીએ જ્યારે દેશમાં લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરી ત્યારે તેમણે સાત વાતો પર દેશવાસીઓનો સાથ માગ્યો હતો.

    આ સાત વાતોમાં દેશના તમામ નાગરિકોને આરોગ્ય સેતુ ઍપ ડાઉનલોડ કરવાની શીખામણ તેમણે આપી હતી.

    હવે અહીં પ્રશ્ન એ થાય છે કે આખરે આરોગ્ય સેતુ ઍપમાં એવું તો શું ખાસ છે કે કોરોના વાઇરસથી બચવા માટે સ્વયં વડા પ્રધાન નાગરિકોને આ ઍપનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે.

    તે કઈ રીતે કોરોનાની મહામારી સમયે નાગરિકો માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે?

    આ ઍપની આરોગ્યલક્ષી સુવિધાઓ છતાં કેટલાક નિષ્ણાતો આ ઍપને નાગરિકોની પ્રાઇવસી અને માહિતીની સુરક્ષા માટે સંપૂર્ણ સુરક્ષિત નથી માનતા.

    ઇકોનૉમિક ટાઇમ્સના એક અહેવાલ અનુસાર નાગરિકોની પ્રાઇવસી અંગે કામ કરતાં સમૂહ ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશન દ્વારા પોતાના રિપોર્ટમાં આરોગ્ય સેતુ ઍપ દ્વારા નાગરિકોને કોરોના અંગે જાગૃત કરવાના હેતુથી એકઠી કરાયેલી માહિતીની સુરક્ષા અને ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

    જોકે સંક્રમણને આગળ વધતું અટકાવવા માટે બનાવાયેલી આ ઍપ ભારતમાં કોરોના વાઇરસને ખતમ કરવા માટે કેટલી ઉપયોગી નીવડશે એ પ્રશ્નનો જવાબ તો સમય જ આપશે.

  5. ગુજરાતમાં કુલ 929 સંક્રમિતો, રાજ્ય અત્યારે લોકલ ટ્રાંસમિશનના તબક્કામાં

    ગુજરાતમાં કોરોના સંક્રમણના 58 નવા કેસ સામે આવતા સંક્રમિતોનો કુલ આંકડો 929 થઈ ગયો છે.

    હાલ રાજ્યના 24 જિલ્લાઓમાં કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે.

    રાજ્યમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં 545 છે, અહીં મરણાંક 17 છે.

    વડોદરામાં એક નવો કેસ સામે આવ્યો છે, ત્યાં સંક્રમિતોની કુલ સંખ્યા 128 થઈ ગઈ છે.

    સુરતમાં 88 અને રાજકોટમાં 28 કેસ છે.

    ત્યારે ભાવનગરમાં 26 કેસ છે, આણંદમાં 25 અને ગાંધીનગરમાં 17 કુલ કેસ છે.

    રાજ્યમાં અત્યાર સુધી સ્વાસ્થ્યકર્મીઓ,પોલીસ કર્મીઓ અને સફાઈકર્મીઓમાંથી 28 કર્મીઓ કોરોના પૉઝિટિવ મળ્યા છે.

    ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ રાજ્યમાં હાલ તબક્કે લોકલ ટ્રાંસમિશન જોવા મળી રહ્યું છે અને કોરોના પૉઝિટિવ દર્દીની આજુબાજુમાં કન્ટેનમેન્ટ ઝોન અથવા બફર ઝોનમાં ભારત સરકારની ગાઇડલાઇન્સ મુજબ કામગીરી હાથ ધરવામાં આવી છે.

    રાજ્યમાં કુલ 929 દર્દીઓમાંથી આઠ વૅન્ટીલેટર પર છે. રાજ્ય સરકારે આપેલી માહિતી મુજબ રાજ્યમાં સરકારી હૉસ્પિટલમાં 1061 વૅન્ટીલેટર અને ખાનગી હૉસ્પિટલમાં 1700 જેટલાં વૅન્ટીલેટર છે. રાજ્ય સરકાર પ્રમાણે એક હજાર જેટલા વૅન્ટીલેટરનો ઑર્ડર આપવામાં આવ્યો છે.

  6. કોરોના વાઇરસને પાંચ દાયકા પહેલાં ઓખળી કાઢનાર એ મહિલા કોણ હતાં?

    મનુષ્યોમાં પહેલી વખત કોરોના વાઇરસની શોધ કરનાર મહિલા સ્કૉટલૅન્ડના એક બસ ડ્રાઇવરના દીકરી હતાં જેમણે 16 વર્ષની ઉંમરે સ્કૂલ છોડી દીધી હતી.

    જૂન અલમેડા વાઇરસ ઇમેજિંગ ક્ષેત્રના પ્રખ્યાત લોકોની યાદીમાં પોતાનું નામ લખાવવા ઇચ્છતાં હતાં.

    હવે , કોવિડ-19ની મહામારીના સમયમાં જૂનનાં કામની ચર્ચા થઈ રહી છે અને તેમનું સંશોધન ચર્ચાનું કેન્દ્ર છે.

    કોવિડ-19 એક નવો વાઇરસ છે, પરંતુ આ કોરોના વાઇરસનો જ એક પ્રકાર છે જેની શોધ ડૉક્ટર જૂન અલમેડાએ સૌથી પહેલાં વર્ષ 1964માં લંડનની સેન્ટ થૉમસ હૉસ્પિટલની લૅબમાં કરી હતી.

  7. 'ભારતમાં એક કોરોના પૉઝિટિવ કેસ માટે 24 સૅમ્પલ ટેસ્ટ કરવામાં આવે છે'

    દેશમાં કોરોના સંક્રમણને ફેલાતો રોકવા માટે ટેસ્ટિંગના પ્રમાણ અંગે જ્યારે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે સ્પષ્ટતા કરી કે દેશમાં અત્યાર સુધી 2,90,401 લોકોના સૅમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 30,043 ટેસ્ટ બુધવારે કરવામાં આવ્યા.

    ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના ડૉ રમન આર ગંગાખેડેકરે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આમાંથી 26,331 ટેસ્ટ આઈસીએમઆરની 176 લૅબોરેટરીમાં કરવામાં આવ્યા અને 3,713 ટેસ્ટ 48 ખાનગી લૅબોરેટરીમાં કરવામાં આવ્યા છે.

    ડૉ રમન ગંગાખેડકરે કહ્યું કે રૅપિડ ઍન્ટી બૉડી ટેસ્ટ કોરોના સંક્રમણની શરૂઆતી તપાસમાં નથી વપરાતો પરંતુ તે માત્ર સર્વેલાન્સ માટે ઉપયોગી છે.

    કોરોના વાઇરસના સંક્રમણની સામે લડતમાં રૅપિડ ઍન્ટી બૉડી ટેસ્ટને ગેમચેન્જર માનવામાં આવી રહ્યું છે.

    તેમણે સ્પષતા કરી, "જાપાનમાં એક પૉઝિટિવ કેસ શોધવા માટે 11.7 વ્યક્તિના ટેસ્ટ કરવામાં આવે છે. ઇટાલીમાં 6.7, અમેરિકામાં 5.3, યુકેમાં 3.4 વ્યક્તિના સૅમ્પલ ટેસ્ટ કરવામાં આવે છે."

    "જ્યારે ભારતમાં એક પૉઝિટિવ કેસ શોધવા માટે 24 સૅમ્પલના ટેસ્ટ કરવામાં આવે છે."

    આ પહેલાં કૉંગ્રસ મહાસચિવ રાહુલ ગાંધીએ પણ ભારતમાં ટેસ્ટિંગ વધારવા પર જોર આપ્યું હતું અને કહ્યું હતું કે ભારતમાં લૉકડાઉન કોરોનાને નહીં હરાવે પરંતુ તેની સામે ટેસ્ટિંગ બહુ અગત્યનું છે.

  8. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 2,900ને પાર

    ભારતના આરોગ્ય મંત્રાલય મુજબ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 2,919 થઈ ગઈ છે અને મરણાંક 187 છે.

    મહારાષ્ટ્રમાં 290થી વધારે લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

    ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ મુંબઈની ઝૂંપડપટ્ટી ધારાવીમાં કોરોના સંક્રમિતોનો આંકડો 86એ પહોંચ્યો છે અને અહીં કોરોનાના સંક્રમણને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા નવ છે.

  9. ઈરાનમાં મૃતદેહોની અંતિમવિધિ માટે લોકો ખૂટી પડ્યા

    ઈરાનમાં 24 કલાકમાં કોરોના સંક્રમણના 1,606 કેસ સામે આવતા કુલ આંકડો 77,995 સુધી પહોંચ્યો છે.

    ઈરાનના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તાએ આ બાબતે માહિતી આપી.

    દેશમાં કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધી 4,869 મૃત્યુ નોંધાયાં છે. મધ્યપૂર્વ એશિયામાં કોરોના સંબંધિત સૌથી વઘારે મૃત્યુ ઈરાનમાં નોંધાયા છે.

    કૉમ શહેરમાં એક શબઘરમાં મોટી સંખ્યામાં પડેલા મૃતદેહોને જોઈને કહી શકાય કે મૃતદેહોની અંત્યેષ્ટિને લઈને અહીં સંકટ ઊભું થયું છે.

    અહીં મૃતદેહો એટલા છે કે ઇસ્લામિક પરંપરા મુજબ મૃતદેહોને નવડાવનારા ખૂટી પડ્યા છે, તેથી અહીં મૃતદેહોને નવડાવવા માટે હવે સ્વયંસેવીઓની મદદ લેવાઈ રહી છે.

    માનવામાં આવે છે કે અહીં મરણાંક સરકારી આંકડા કરતાં ઘણો વધારે હોઈ શકે છે.

  10. લૉકડાઉન 2.0 માં ગુજરાતમાં કોને-કોને છૂટ મળશે?

    ગુજરાત સરકારે કોરોના વાઇરસના સંક્રમણને જોતાં ત્રીજી મે સુધી લંબાવાયેલા લૉકડાઉન વચ્ચે વાણિજ્યિક અને ઉદ્યોગ સંબંધિત છૂટછાટ આપવાના નિર્ણયો કર્યો છે.

    ગુજરાતમાં હૉટસ્પૉટ અને કન્ટેનમેન્ટ ઝોન સિવાય 20 એપ્રિલથી આ છૂટછાટ લાગુ કરવામાં આવશે.

    આ છૂટછાટ સાથે અમુક શરતોનું પાલન પણ કરવાનું રહેશે.

    જેમકે વાણિજ્યિક - ઔદ્યોગિક એકમોમાં થર્મલ ગન, ફરજિયાત માસ્ક , સૅનિટાઇઝેશન તથા સોશિયલ ડિસ્ટન્સિંગ સુનિશ્ચિત કરવાની રહેશે.

    હૉટસ્પૉટ જાહેર થયેલા કોઈ પણ વિસ્તારના કર્મચારી, શ્રમિક અથવા અધિકારીઓ કામ પર ન આવે તેની કાળજી લેવાના નિર્દેશ કરવામાં આવ્યા છે.

    સરકારે ગ્રામીણ વિસ્તારમાં મનરેગાના કામો શરૂ કરવાની છૂટ આપી છે.

    તે સિવાય ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, કારપેન્ટર તથા મોટર મૅકેનિક જેવા સ્વરોજગાર મેળવતા કામદારોને 20 એપ્રિલથી કામકાજ શરૂ કરવાની મંજૂરી આપી છે.

    મહાનગરપાલિકા- નગરપાલિકા સિવાય બહારના વિસ્તારોમાં માર્ગ બાંધકામ, સિંચાઈ-બાંધકામ અને MSME સહિતના ઔદ્યોગિક પ્રૉજેકટ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે.

  11. પાકિસ્તાનના લોકોએ નરેન્દ્ર મોદીનો જ્યારે આભાર માન્યો

    માર્ચમાં જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી લૉકડાઉન જાહેર કર્યું હતું ત્યારે આ પાકિસ્તાની નાગરિકો ભારતમાં ફસાઈ ગયા હતા.

    પાકિસ્તાને દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોમાં ફસાયેલા પોતાના 41 નાગરિકોને સ્વદેશ આવવા દેવા માટે ભારત સરકારને વિનંતી કરી હતી.

    ગુરુવારે તેમને અટારી સરહદથી પાકિસ્તાન રવાના કરવામાં આવ્યા હતા.

  12. બ્રેકિંગ, ભારતમાં સંક્રમણના 12,380 કેસ

    ભારતના આરોગ્ય તથા પરિવારકલ્યાણ મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પત્રકાર પરિષદમાં કહ્યું કે અત્યાર સુધી ભારતમાં 414 લોકોનાં મૃત્યુ થયાં છે.

    આરોગ્ય મંત્રાલય મુજબ છેલ્લા 24 કલાકમાં 941 નવા કેસ સામે આવ્યા છે અને 37 લોકોનાં મૃત્યુ થયાં છે.

    આરોગ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં 325 જિલ્લાઓમાં કોરોના સંક્રમણનો એક પણ કેસ સામે નથી આવ્યો. તે સિવાય પીવાનાં પાણીની ઉપલબ્ધતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

    ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના અધિકારી રમણ ગંગાખેડકરે કહ્યું કે "દેશમાં અત્યાર સુધીમાં બે લાખ 90 હજાર લોકોના નમૂના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં પાંચ લાખ રૅપિડ ટેસ્ટ કિટ્સ આવી ગઈ છે અને જરૂર પડશે તો બે શિફ્ટમાં 78 હજાર ટેસ્ટ કરવાની ક્ષમતા છે ."

    ત્યારે ગૃહ મંત્રાલયનાં સંયુક્ત સચિવ પુણ્ય સલીલા શ્રીવાસ્તવે કહ્યું કે લૉકડાઉન દરમિયાન સામાન્ય લોકોને જરૂરી સામાન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે અને તેમાં ચૂક થવા પર પગલાં લેવામાં આવી રહ્યાં છે.

    તેમણે કહ્યું કે દેશમાં ટ્રેન, બસ, રેલવે પર પાબંદી રહેશે અને શિક્ષણ સંસ્થાઓ, મૉલ, જિમ જેવાં સ્થળો પણ બંધ રહેશે.

    એ સિવાય તેમણે કહ્યું કે લોકોએ સાર્વજનિક સ્થળ પર ફેસ માસ્ક વાપરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું.

  13. બ્રેકિંગ, IPLની 13મી સિઝન BCCIની આગામી સૂચના સુધી નહીં યોજાય

    ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના કારણે આગામી સૂચના સુધી ટાળી દેવામાં આવી છે.

    બીસીસીઆઈના સચિવ જય શાહે માહિતી આપી કે કોવિડ-19 સંકટને જોતાં ભારતમાં લૉકડાઉનને કારણે આઈપીએલ 2020 સિઝનને ટાળી દેવાઈ છે.

    ફ્રૅન્ચાઇઝી માલિકો, પ્રસારણકર્તાઓ, સ્પૉન્સર્સ અને સંબંધિત લોકો પણ એ મત ધરાવે છે કે સુરક્ષિત અને યોગ્ય સમયે જ IPL 2020 રમાશે.

    બીસીસીઆઈ IPL 2020 સિઝન શરૂ કરવા માટેની નવી તારીખ નક્કી કરવા માટે પરિસ્થિતિ પર નજર રાખશે અને કેન્દ્ર તથા રાજ્ય સરકારોની સલાહ પ્રમાણે નિર્ણય કરશે.

  14. ચીન અને ફ્રાન્સ વચ્ચે પણ એક આર્ટિકલ અંગે વિવાદ વધ્યો

    કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા ચીને લીધેલાં પગલાંનાં વખાણ થઈ રહ્યાં છે અને પશ્વિમના દેશોની ટીકા થઈ રહી છે.

    બુધવારે મોડી રાત્રે ફ્રાન્સના સૅનેટરોએ પૂછ્યું હતું કે ચીનના દૂતાવાસની વેબાઇટ પરથી ચીનનાં પગલાંનાં વખાણ અને પશ્ચિમના દેશોની ટીકા કરતાં આ લેખને કેમ હઠાવવામાં નથી આવ્યો, જેને લઈને વિવાદ શરૂ થયો છે.

    અગાઉ આ આર્ટિકલને લઈને ફ્રાન્સના વિદેશ મંત્રાલયે પેરિસ સ્થિત ચીનના રાજદૂતને બોલાવ્યા હતા. છતાં પણ આર્ટિકલ ન હઠતા સૅનેટરોએ વાંધો ઉઠાવ્યો હતો.

    આ વિવાદનો સમય ફ્રાન્સને અસહજ કરનારો છે, કારણ કે ફ્રાન્સે ચીનથી 60 કરોડ માસ્ક મગાવ્યા છે અને તે હજી સુધી આવવાના બાકી છે.

  15. બ્રેકિંગ, લૉકડાઉનથી વાઇરસને થોડો સમય અટકાવી શકાશે પણ હરાવી નહીં શકાય - રાહુલ ગાંધી

    રાહુલ ગાંધીએ વીડિયો દ્વારા પત્રકારપરિષદ ચાલી રહી છે. એમની પત્રકારપરિષદની મુખ્ય વાતો.

    • લૉકડાઉનથી થોડી વખત વાઇરસને પૉઝ કરી શકાશે પંરતુ લૉકડાઉનથી વાઇરસને હરાવી નહીં શકાય.
    • દેશની કુલ સરેરાશ ટેસ્ટિંગ પ્રતિજિલ્લા 350 જેટલી પણ નથી.
    • સરકારે મહત્ત્મ ટેસ્ટિંગ કરે અને તે ખાસ રણનીતિથી કરવું. ટેસ્ટિંગ લેવલ ઓછું થઈ રહ્યું છે અને કોઈ રણનીતિ વગર થઈ રહ્યું છે.
    • લૉકડાઉન પછી ઍક્ઝિટ રણનીતિ શું હશે એ નક્કી કરવું પડે અને એમાં વાર ન થવી જોઈએ.
    • મને દુખ થાય છે કે અનાજનો જથ્થો લોકો સુધી નથી પહોંચ્યો.
    • આ નેશનલ મુદ્દો છે, સુરક્ષાનો મુદ્દો છે અને કટોકટીની સ્થિતિ છે.
    • જો સરકાર કોઈ બાબતો ખોલવા પણ માગતી હોય તો પણ એમાં રણનીતિ હોવી જોઈએ. તમે દેશમાં બે બેઝિક ઝોન ક્રિએટ કરવા પડે.
    • જ્યારે તમે લોકોને લૉક કરો છો તો વાઇરસ લૉક થઈ જાય છે પંરતુ જેવું તમે લૉક ખોલો છો.
    • અર્થતંત્ર પર ભારણ વધશે. અર્થતંત્રનો મોટો હિસ્સો લોકોને બચાવવામાં લાગશે. એમાં ચોક્કસ રણનીતિ હોવી જોઈએ. એ પણ જોવું પડે કે લોકોને બચાવવામાં અર્થતંત્ર ન પડી ભાંગે.
    • કેન્દ્ર સરકારે મુખ્ય મંત્રીઓને વધારે સત્તા આપવી જોઈએ. જે થઈ ગયું છે એ થઈ ગયું છે પરંતુ હું ચોક્કસ રણનીતિથી લૉકડાઉન ખુલે તે જોવું જોઈએ. હું રણનીતિ આધારિત કામ થાય એની વકીલાત કરું છું.
    • ગરીબોને આપી શકાય એટલા પૈસા આપો પરંતુ આવનારા સમયમાં જે તંગી સર્જાવાની છે એના પર પણ ધ્યાન આપવું પડશે.
    • આ લડાઈ હજી શરૂ થઈ છે. એમાં આજે વિજય ઘોષિત કરવો ખૂબ ખોટું ગણાશે.
    • હું બાકીના દેશોની નહીં પરંતુ હિંદુસ્તાન જે કરી રહ્યું છે એની ફિકર કરું છું. બાકીના દેશો ભારત જેવા કૉમ્પિલિકેટેડ નથી અને મોટા નથી.
    • કોવિડ સામેની લડાઈ ટેસ્ટિંગ વગર નહીં જીતી શકાય. અત્યારે આપણે વાઇરસને ચૅઝ કરીને એની પાછળ દોડી રહ્યાં છે. આપણે રૅન્ડમ ટેસ્ટિંગ કરીશું તો એને રોકી શકીશું નહીં તો એ હાથમાં જ નહીં આવે.
    • ગોડાઉનમાં અનાજ છે એ લોકો સુધી 10 દિવસ પહેલાં જ આપી દેવાની જરૂર હતી. ગોડાઉનો ખૂબ ભરેલા છે અને એ આગામી સમયમાં તો ગોડાઉન વધારે ભરાશે.
    • નરેન્દ્ર મોદીએ શું ભૂલો કરી એ કોવિડને હરાવી દઈએ પછી કહીશ.
    • હું નરેન્દ્ર મોદી સાથે અનેક વાતે અસંમત છું પણ આ એમની સાથે લડવાનો ટાઇમ નથી.આ આપણા દેશની પરીક્ષા છે. જો હિંદુસ્તાન એકસાથે રહેશે તો આપણે આસાનીથી કોરોનાને હરાવી દેશે.
    • કૅડ્રિટ જેને લેવી હોય એ લઈ લે, અમારું કામ આવા સમયે રચનાત્મક સૂચન કરવાનું છે. સરકાર માને કે ના માને અમે અમારુ કામ કરતા રહીશું.
    • કોરોના પછી ભારતીય લોકતંત્ર બદલાશે એવી શક્યતા છે ખરી પરંતુ હાલ વાઇરસને હરાવવો જરૂરી.
    • સરકારના પૅકેજ બાબતે કહ્યું કે જે લોકોને આપવામાં આવ્યું છે તે પૂરતું નથી. એમાં મોટો વધારો થવો જોઈએ.
    • જો સરકાર ઝડપથી પગલાં નહીં લે તો સામાજિક સંઘર્ષ ઊભો થશે.
    • હું નરેન્દ્ર મોદી સાથે અનેક વાતે અસંમત છું પણ આ એમની સાથે લડવાનો ટાઇમ નથી. જો હિંદુસ્તાન એકસાથે રહેશે તો આપણે કોરોનાને હરાવી દઇશું.
    • જો કોરોના સામે લડવું હશે તો હિંદુસ્તાને જાત-કોમ-ધરમ છોડીને એક થવું પડશે.
    • ઉતાવળમાં વિજય મેળવી લીધો એવા મૂડમાં આવી જવાની જરૂર નથી. છેલ્લી ઘડી સુધી લડવું પડવું.
  16. બ્રેકિંગ, લૉકડાઉનમાં પોતાના ઘરે પહોંચેલાં પાકિસ્તાની નાગરિકોએ ભારતનો આભાર માન્યો

    ભારતમાં લૉકડાઉનના કારણે ફસાયેલાં પાકિસ્તાનના નાગરિકો હવે પોતાના ઘરે પહોંચી ગયા છે.

    અમૃતસરથી વરિષ્ઠ પત્રકાર રવિંદર સિંહ રૉબિને બીબીસીને કહ્યું કે પાકિસ્તાન હાઈ કમિશને 14 એપ્રિલે ભારત સરકારને વિનંતી કરી હતી કે દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ફસાયેલાં તેમના નાગરિકોને અટારી-વાઘા બૉર્ડરથી જવા દેવામાં આવે.

    ભારત સરકારે તેમની આ વિનંતીનો સ્વીકાર કરીને તેમના માટે વ્યવસ્થા કરી દીધી અને ગુરુવાર 41 પાાકિસ્તાનના નાગરિકો પોતાના ઘરે પહોંચી ગયા.

    પાકિસ્તાન પહોંચ્યા પછી તેમણે ભારત અને પાકિસ્તાન બંને દેશોનો આભાર માન્ય છે.

    હાલ 205 ભારતીય નાગરિકો પાકિસ્તાનમાં ફસાયેલાં છે જ્યારે અંદાજે 100 પાકિસ્તાનના નાગરિકો ભારતમાં ફસાયેલાં છે.

  17. ભારતમાં 20 એપ્રિલ બાદ કોને કેટલી છૂટ મળશે?

    દેશમાં તા. ત્રીજી મે સુધી લૉકડાઉનને લંબાવી દેવામાં આવ્યું છે,જેના પરિણામે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા નવેસરથી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

    જેમાં કોરોનાની અસરથી મુક્ત હોય તેવા વિસ્તારોમાં અમુક પ્રવૃત્તિઓને સશર્ત આંશિક છૂટછાટો આપવામાં આવી છે, જેનો હેતુ 'ખેડૂતો તથા રોજમદારોને રાહત આપવા'નો હોવાનું જણાવવામાં આવ્યું છે.

  18. બ્રેકિંગ, ગુજરાતમાં કેસોની સંખ્યામાં 105 કેસોનો મોટો ઉછાળો, ત્રણ લોકોનાં મૃત્યુ

    ગુજરાતમાં છેલ્લાં 18 કલાકમાં કોરોના વાઇરસથી સંક્રમિત 105 નવા પૉઝિટિવ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના સચિવ જયંતિ રવિ આ અંગે માહિતી આપી હતી.

    જ્યારે ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે.

    ગુજરાતમાં 105 નવા કેસ નોંધાતા કોરોના વાઇરસના પૉઝિટિવ કેસની કુલ સંખ્યા 871એ પહોંચી છે.

    ગુજરાતમાં બીજા ત્રણ દરદીઓનાં મૃત્યુ થતાં મૃતકાંક 36એ પહોંચ્યો છે. જ્યારે હાલ સુધીમાં 64 દરદીને રજા આપવામાં આવી છે.

    કચ્છમાં કોરોના વાઇરસના કારણે પહેલી વખત દરદીનું મૃત્યુ થયું છે. જ્યારે બોટાદ અને અમદાવાદમાં એક-એક મૃત્યુ થયું છે.

    આજે નોંધાયેલાં 105 પૉઝિટિવ કેસમાંથી અમદાવાદમાં 42, સુરતમાં 35, આણંદમાં 8, વડોદરામાં 6 કેસ નોંધાયા છે.

    ગત 24 કલાકમાં 2971 ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 176 પૉઝિટિવ અને 2795 નેગેટિવ આવ્યા છે. હાલ સુધી 20204 ટેસ્ટ કરાયા છે.

  19. બ્રેકિંગ, ચીનથી 6.5 લાખ રેપિડ ટેસ્ટિંગ કિટ્સ ભારત માટે રવાના

    ચીનના ગુનગઝોઉ ઍરપૉર્ટથી 6.5 લાખ રેપિડ ટેસ્ટિંગ કિટ્સ ભારત મોકલવા માટે રવાના કરવામાં આવી છે એવી માહિતી સમાચાર સંસ્થા સરકારી સૂત્રોને ટાંકીને આપે છે.

    ઉલ્લેખનીય છે કે ચીને અગાઉ કિટ્સ અમેરિકાને મોકલી દેતા ભારતને તેનો જથ્થો મળવામાં વાર લાગી રહી હોવાની ફરિયાદો થઈ હતી.

    આજે સવારે ચીન ખાતેના ભારતના રાજૂદત વિક્રમ મિસરીએ ટ્વીટ કરીને કહ્યું કે, કુલ 6.5 લાખ કિટ્સ રસ્તામાં છે અને તે આજે સાંજ સુધી ભારત પહોંચશે.

  20. બ્રેકિંગ, કોરોના વાઇરસ : ભારતમા કોવિડ-19ના કારણે મૃત્યુ પામનારની સંખ્યા 414 થઈ

    ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસ વધીને 12380એ પહોંચી ગઈ છે.

    જ્યારે મૃત્યુ પામનારની સંખ્યા વધીને 414 થઈ ગઈ છે.

    સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરેલાં નવા આંકડા પ્રમાણે, દેશમાં સંક્રમણના કેસ જ્યારે 12 હજારની પાર પહોંચી ગયા છે ત્યારે સ્વસ્થ થનારની સંખ્યા 1489 છે. દેશમાં સંક્રમણના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે.

    મહારાષ્ટ્રમાં સંક્રમિતોના 2916 કેસ છે જ્યારે 187 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.

    દિલ્હીમાં કોરોના સંક્રમણની બાબતમાં બીજા ક્રમે છે. દિલ્હીમાં સંક્રમણના 1578 કેસ છે. મૃત્યુ પામનારની સંખ્યા 32 છે.