'આજનો વિજય ઐતિહાસિક છે, અભૂતપૂર્વ છે' - વડા પ્રધાન નરેન્દ્ર મોદી

મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગણા અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ક્યાં છે કેવી સ્થિતિ?

લાઇવ કવરેજ

  1. મધ્યપ્રદેશ : અત્યાર સુધી કેવું રહ્યું છે કૉંગ્રેસ-ભાજપનું પ્રદર્શન?

    શિવરાજસિંહ ચૌહાણ (ડાબે) અને કમલનાથ (જમણે)

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, શિવરાજસિંહ ચૌહાણ (ડાબે) અને કમલનાથ (જમણે)

    મધ્યપ્રદેશમાં ગત 17 નવેમ્બરે મતદાન થયું હતું. હાલ રાજ્યમાં ભાજપની સરકાર છે અને શિવરાજસિંહ ચૌહાણ મુખ્યમંત્રી છે.

    પાછલાં અમુક વર્ષો પર નજર કરીએ તો કૉંગ્રેસ 1998માં વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી પરંતુ બીજા જ વર્ષે ભાજપે લોકસભા ચૂંટણીમાં સરસાઈ મેળવેલી.

    વર્ષ 2003-04માં ભાજપે વિધાનસભા અને લોકસભા બંને ચૂંટણી જીતી.

    તેમજ વર્ષ 2008માં ભાજપે રાજ્યમાં સરળતાથી બહુમતી મેળવી પરંતુ લોકસભામાં તેની સરસાઈમાં ઘટાડો થયો.

    જોકે, વર્ષ 2013માં ભાજપે વિધાનસભાની ચૂંટણી જીતી અને અગાઉ કરતાં વધુ અંતરથી લોકસભા ચૂંટણીમાં જીત મેળવી.

    વર્ષ 1998માં ભાજપ પાસે વિધાનસભાની ચૂંટણીમાં 37.2 ટકા વોટ હતા અને કૉંગ્રેસ પાસે 53.8 ટકા.

    તેમજ વર્ષ 2018ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 47.4 ટકા મત મળ્યા અને કૉંગ્રેસને 49.6 ટકા.

    વર્ષ 2018માં બેઠકોના મામલામાં કૉંગ્રેસે ભાજપને પાછળ મૂકીને સરકાર પણ ઘડી પરંતુ આ સરકાર માત્ર 20 મહિના જ ટકી શકી. તે બાદ ભાજપે ફરીથી સરકાર બનાવી લીધી.

    કૉંગ્રેસ પાર્ટીનું વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પ્રદર્શન ફીકું જ રહ્યું. ભાજપને આ ચૂંટણીમાં 96.6 ટકા મત મળ્યા.

    મધ્યપ્રદેશ
    મધ્યપ્રદેશ
  2. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગણામાં મતગણતરી શરૂ

    ચૂંટણીપરિણામ

    ઇમેજ સ્રોત, Getty Images

    રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગણા વિધાનસભા ચૂંટણીનાં પરિણામો માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે.

    તેલંગણા સિવાય અન્ય ત્રણેય રાજ્યોમાં કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી સ્પર્ધા છે. તેલંગણામાં બીઆરએસ, કૉંગ્રેસ અને ભાજપ ચૂંટણીમેદાને છે.

    રાજસ્થાનમાં કુલ 199 બેઠકો પર મતગણતરી થશે. બહુમતી માટે અહીં 101 બેઠક મેળવવાની હોય છે. રાજસ્થાનનાં લેટેસ્ટ વલણ જાણવા અહીં ક્લિક કરો.

    તેલંગણામાં 119 બેઠકો છે, રાજ્યમાં બહુમતીનો આંકડો 60 છે. તેલંગણાનાં લેટેસ્ટ વલણ જાણવા અહીં ક્લિક કરો.

    છત્તીસગઢમાં કુલ 90 બેઠકો છે અને બહુમતી માટે અહીં 46 સીટોની દરકાર હોય છે. છત્તીસગઢનાં તાજાં વલણ માટે અહીં ક્લિક કરો.

    મધ્યપ્રદેશમાં કુલ 230 બેઠકો છે, તેમજ રાજ્યમાં બહુમતીનો આંકડો 116 છે. મધ્યપ્રદેશનાં તાજાં વલણ જાણવા અહીં ક્લિક કરો.

    રાજસ્થાન
    તેલંગણા ચૂંટણી
    છત્તીસગઢ
    મધ્યપ્રદેશ
  3. ચાર રાજ્યોનાં ચૂંટણી પરિણામો આજે થશે જાહેર, ક્યા મુદ્દાઓ પર લડાઈ ચૂંટણી, કોની રચાશે સરકાર?

  4. મધ્યપ્રદેશ : મતગણતરી શરૂ થતાં પહેલાં નરોત્તમ મિશ્રાએ શું કહ્યું?

    નરોત્તમ મિશ્રા

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, નરોત્તમ મિશ્રા

    મધ્યપ્રદેશનાં ચૂંટણીપરિણામો આવવાનું થોડી વારમાં શરૂ થઈ જશે.

    રવિવારે સવારે મતગણતરી શરૂ થતાં પહેલાં મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ મીડિયા સાથે વાતચીત કરી.

    નરોત્તમ મિશ્રાએ કહ્યું, “લોકશાહીનું મહાપર્વ છે. જનતાએ ખૂબ ઉત્સાહભેર આમાં ભાગ લીધો. માતા-બહેનોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. મતદાન વધુ થયું.”

    તેમણે કહ્યું, “અમુક કલાકની વાત છે. ભાજપની જ સરકાર બનશે. 125થી 150 સુધી બેઠક અમને મળશે.”

    મધ્યપ્રદેશના દતિયાના નરોત્તમ મિશ્રા, શિવરાજસિંહ ચૌહાણના પ્રતિસ્પર્ધી મનાય છે અને એવો પણ દાવો કરાય છે કે તેઓ પોતાની જાતને શિવરાજસિંહ ચૌહાણનો વિકલ્પેય માને છે.

    દતિયા ગ્વાલિયર પાસે છે અને ભોપાલથી લગભગ 400 કિલોમીટર દૂર છે.

    દતિયા વિધાનસભા ક્ષેત્રની વસતિ લગભગ ત્રણ લાખ 35 હજાર છે, જ્યાં મુસ્લિમોની વસતિ માત્ર ચાર ટકાની આસપાસ છે.

    વર્ષ 2008થી મિશ્રા દતિયાથી ચૂંટણી જીતી રહ્યા છે.

  5. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગણાનાં ચૂંટણીપરિણામો આજે

    ચૂંટણીપરિણામ

    ઇમેજ સ્રોત, Getty Images

    મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી માટેની મતગણતરી આજે એટલે કે રવિવાર સવારે આઠ વાગ્યાથી શરૂ થશે.

    લોકસભા ચૂંટણીમાં છ મહિના કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે. આવી સ્થિતિમાં વિધાનસભાની આ ચૂંટણીને લોકસભાની ચૂંટણીની સેમિફાઇનલ ગણવામાં આવી રહી છે.

    મિઝોરમમાં થયેલી ચૂંટણી માટે મતગણતરીની તારીખમાં ફેરફાર કરાયો છે. હવે ત્યાંની મતગણતરી સોમવારે યોજાશે. ચૂંટણીપંચે જણાવ્યું છે કે મિઝોરમમાંથી મતગણતરીની તારીખ રવિવારથી બદલીને અઠવાડિયાના અન્ય કોઈ દિવસે યોજવાનો પ્રસ્તાવ મોકલાયો હતો. રવિવારનું મિઝોરમના લોકો માટે ખાસ મહત્ત્વ છે.

    કૉંગ્રેસ પાર્ટી હાલ રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તા પર છે. તેમજ મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે. આ ત્રણેય રાજ્યોમાં બંને પાર્ટીઓ વચ્ચે સીધી ટક્કર છે. તેમજ, તેલંગણામાં ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) સતત ત્રીજી વખત સત્તા પર આવવાની આશા સેવી રહી છે.

    સવારે આઠ વાગ્યાથી પોસ્ટલ બૅલેટમાંથી મતગણતરીની શરૂઆત થશે.

    મધ્યપ્રદેશમાં 230, છત્તીસગઢમાં 90, તેલંગણામાં 119 અને રાજસ્થાનમાં 199 બેઠકો પર મતદાન થયું છે. રાજસ્થાનમાં એક બેઠક પર ઉમેદવારના નિધનને કારણે ચૂંટણી નહોતી યોજાઈ.

  6. નમસ્કાર! બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ચાર રાજ્યોનાં ચૂંટણીપરિણામો સહિત ગુજરાત અને દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસ ભર જોડાયેલા રહો બીબીસી સાથે.