You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ગુજરાતના ચૂંટાયેલા 182 ધારાસભ્યમાંથી 40 સામે ગુનાહિત કેસ- એડીઆર

ગુજરાતમાં 182 સભ્યોની વિધાનસભામાં ઓછામાં ઓછા 40 નવા ધારાસભ્યો સામે ગુનાહિત કેસ દાખલ છે. આ માહિતી એડીઆરે ઉમેદવારોની એફિડેવિટને આધારે આપી છે.

લાઇવ કવરેજ

  1. ગુજરાતના ચૂંટાયેલા 182 ધારાસભ્યમાંથી 40 સામે ગુનાહિત કેસ- એડીઆર

    ગુજરાતમાં 182 સભ્યોની વિધાનસભામાં ઓછામાં ઓછા 40 નવા ધારાસભ્યો સામે ગુનાહિત કેસ દાખલ છે. આ માહિતી એડીઆરે ઉમેદવારોની એફિડેવિટને આધારે આપી છે.

    આ 40 ધારાસભ્યોમાંથી 29 સામે ગંભીર કેસ દાખલ છે. તેમાં હત્યાના પ્રયાસ અને બળાત્કારના આરોપ પણ સામેલ છે.

    આ 29 ધારાસભ્યોમાંથી 20 ભાજપના, ચાર કૉંગ્રેસના અને બે આમ આદમી પાર્ટીના છે, બે અપક્ષ અને એક સમાજવાદી પાર્ટીના છે.

    ગુજરાતમાં થયેલી ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવીને 182માંથી 156 સીટ જીતી છે.

    એડીઆરની તપાસ અનુસાર, ગુનાહિત કેસનો સામનો કરી રહેલા ધારાસભ્યોની સંખ્યા 2017 કરતાં ઓછી થઈ છે, ત્યારે 47 ધારાસભ્યો પર ગુનાહિત કેસ નોંધાયેલા હતા.

    ધારાસભ્ય બનેલા કમસે કમ ત્રણ સભ્યોએ પોતાની એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમની સામે હત્યાનો પ્રયાસ જેવા ગંભીર કેસ ચાલી રહ્યા છે. આ ધારાસભ્ય વાંસદાના કૉંગ્રેસના અનંત પટેલ, પાટણના કૉંગ્રેસના કીર્તિ પટેલ અને ઉનાના ભાજપના કાળુ રાઠોડ છે.

    તપાસ અનુસાર, ચૂંટણી જીતનારા ચાર ધારાસભ્યો સામે મહિલાઓ વિરુદ્ધ ગુનાના કેસ પણ ચાલી રહ્યા છે.

    આ ચાર ધારાસભ્યોમાં ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડ સામે બળાત્કારનો કેસ છે, જ્યારે કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પર આઈપીસીની કલમ 254 હેઠળ કેસ છે.

  2. ગુજરાત ચૂંટણી : ભાજપની ઐતિહાસિક જીત વચ્ચે વિજેતા બનેલા કૉંગ્રેસના આદિવાસી નેતા અનંત પટેલ કોણ છે?

  3. 'ઇતિહાસનું ચક્ર ફરી રહ્યું છે... આ ભારતના ઉદયનો સમય છે...' વિદેશમંત્રી એસ. જયશંકર

    ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે વારાણસીમાં કહ્યું છે કે ઇતિહાસનું ચક્ર ફરી રહ્યું છે અને ભારતનાં સમૃદ્ધ વારસા અને સંસ્કૃતિની અવગણના ન કરી શકાય.

    એસ. જયશંકર ભારતીય સમાજમાં મંદિરોની ભૂમિકા પર વાત કરી રહ્યા હતા.

    જયશંકરે કહ્યું, "આપણને અહેસાસ હોવો જોઈએ કે ઇતિહાસનું પૈડું ફરી રહ્યું છે. સમય પાછો ફરી રહ્યો છે. ભારતનો ઉદય થઈ રહ્યો છે. એક યુગ હતો જ્યારે મંદિરોને નજરઅંદાજ કરાયાં, એ યુગ આપણી વિરુદ્ધ હતો. હવે આપણી પાછળ છે."

    જયશંકરે કહ્યું કે મંદિર માત્ર વિશ્વાસ કે આસ્થાનું કેન્દ્ર નથી પણ સામાજિક સામુદાયિકતાનું કેન્દ્ર પણ છે.

    "આ એકઠા થવાનું સ્થળ છે અને જ્ઞાનનું કેન્દ્ર છે. આ સંસ્કૃતિ અને કળાને પ્રોત્સાહન આપે છે."

    તેમણે કહ્યું, "મંદિર આપણી જીવનશૈલી છે, આપણે મંદિરો વિના જીવી ન શકીએ."

    જયશંકરે કહ્યું કે ભારતીય સંસ્કૃતિને વિસ્તારવાની જરૂર છે. ભારતે પોતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું જોઈએ અને તેને બાકીની દુનિયામાં લઈ જવી જોઈએ.

    જયશંકરે એમ પણ કહ્યું કે ભારતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે કંબોડિયા અને વિશ્વનાં અન્ય સ્થળોએ પણ મંદિરોના જીર્ણોદ્ધારનું કામ કર્યું છે.

  4. હિમાચલ પ્રદેશ : સુખવિંદરસિંહ સુક્ખૂએ લીધા મુખ્ય મંત્રીપદના શપથ

    સુખવિંદરસિંહ સુક્ખૂએ હિમાચલ પ્રદેશના નવા મુખ્ય મંત્રી તરીકે આજે શપથ લઈ લીધા છે.

    હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે બહુમત મેળવ્યા બાદ કૉંગ્રેસ ઑબ્ઝર્વરોની હાજરીમાં શનિવારે ધારાસભ્યદળની બેઠકમાં સુખવિંદર સુક્ખૂને નેતા ચૂંટી લેવાયા.

    સુખવિંદરસિંહ સુક્ખૂ સાથે મુકેશ અગ્નિહોત્રીએ ઉપમુખ્ય મંત્રીપદના શપથ લીધા. શપથગ્રહણ સમારોહમાં કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાજર રહ્યાં હતાં.

    હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના નાદૌન તાલુકાના સેરા ગામના સુખવિંદરસિંહ સુક્ખૂનો જન્મ 26 માર્ચ 1964ના રોજ થયો હતો.

    સુક્ખૂ કૉલેજકાળથી કૉંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા છે અને ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.

    સુક્ખૂ હિમાચલ પ્રદેશના પાટનગર શિમલામાં શરૂઆતથી માંડીને એલએલ. બી. સુધી ભણ્યા છે.

    પ્રતિભાસિંહે શું કહ્યું?

    રવિવારે કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પ્રદેશમાં મુખ્ય મંત્રીપદનાં દાવેદાર મનાતાં પ્રતિભાસિંહે કહ્યું કે પ્રદેશમાં એક સ્થિર સરકાર હશે અને અમે એમાં સંપૂર્ણ સહયોગ કરીશું.

    આ પહેલાં શનિવારે પ્રતિભાસિંહે કહ્યું હતું કે તેઓ કૉંગ્રેસ હાઇકમાન્ડના આ નિર્ણયને સ્વીકારે છે.

  5. ભાજપમાં જોડાવા અંગે AAPના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ શું કહ્યું?

    આમ આદમી પાર્ટીની ટિકિટ પર વિસાવદર વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા ધારાસભ્ય ભૂપત ભાયાણીની ગાંધીનગર મુલાકાત બાદ તેઓ ભાજપમાં સામેલ થઈ રહ્યા હોવાની વાતો વહેતી થઈ હતી.

    ભાયાણીએ સ્થાનિક પત્રકારો સાથેની વાતચીતમાં તેમના ભાજપમાં સામેલ થવાની વાતોને ‘અફવા’ ગણાવી હતી. પરંતુ આ વાતચીતમાં તેમણે પોતે ‘ભાજપના પરિવારના સભ્ય’ હોવાનું, ‘વડા પ્રધાન મોદી માટે ગૌરવ અનુભવતા’ હોવાનું અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી સાથે ‘અંગત સંબંધો’ હોવાની વાત સ્વીકારી, ભાજપ પ્રત્યે ‘ઝોક’ના સ્પષ્ટ સંકેત આપ્યા હતા.

    તેમણે કહ્યું હતું કે, “મારે આમ આદમી પાર્ટી સાથે કોઈ અણબનાવ નથી. હું મારા કાર્યકરો અને મારા મતવિસ્તારની જનતા સાથે વાત કરીને આગળનો નિર્ણય કરીશ. હજુ સુધી મેં ભાજપમાં સામેલ થવાનું નથી વિચાર્યું. પરંતુ હું મારા મતવિસ્તારના ખેડૂતો માટે કામ કરી શકું તેને કેન્દ્રમાં રાખીને આગળનો નિર્ણય કરીશ.”

  6. કૉંગ્રેસની હારમાં 'આપની મોટી ભૂમિકા', ગેહલોતે પરાજયની જવાબદારી કોના પર નાખી?

    ગુજરાતમાં કૉંગ્રેસને મળેલી કારમી હારમાં આમ આદમી પાર્ટીએ 'મોટી ભૂમિકા' ભજવી હોવાનું ગુજરાત કૉંગ્રેસના ચૂંટણીપ્રભારી અને રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે જણાવ્યું છે.

    'એનડીટીવી' સાથેની વાતચીતમાં ગેહલોતે એવું પણ કહ્યું કે 'આપ જ્યાં પણ ગઈ ત્યાં ખોટું બોલી અને અરવિંદ કેજરીવાલે ભારે નુકસાન કર્યું.'

    જ્યારે ભાજપને મળેલા ભવ્ય વિજય પાછળ વડા પ્રધાન 'નરેન્દ્ર મોદીના ઉત્સાહી પ્રચાર'ને તેમણે શ્રેય આપ્યું.તેમણે કહ્યું, "વડા પ્રધાને ત્રણ મહિના સુધી પ્રચાર કર્યો, કેટલીય રેલીઓ સંબોધી એ પણ એક કારણ હતું."

    તેમણે કૉંગ્રેસ પાસે નાણાકીય ભંડોળની અછત હોવાનું કારણ દર્શાવતાં કહ્યું, "ઇલેક્ટોરલ બૉન્ડ મોટું કૌભાંડ છે.ભાજપને એનાથી એકતરફી ભંડોળ મળે છે અને કૉંગ્રેસને જે દાન કરે છે એને ધમકી મળે છે."

  7. ગુજરાતના મુસ્લિમોએ પણ ભાજપને મત આપ્યા હોવાનો દાવો કેટલો સાચો?

  8. #AUSvWI: ઑસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને 419 રનના રેકૉર્ડ માર્જિનથી હરાવ્યું

    ઑસ્ટ્રેલિયાના એડિલેડમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમેચમાં યજમાન ટીમે વેસ્ટ ઈન્ડિઝને 419 રનથી હરાવ્યું હતું.

    આ સાથે ઑસ્ટ્રેલિયાએ આ શ્રેણી 2-0થી જીતી લીધી છે.

    વેસ્ટ ઈન્ડિઝની આ હાર રેકૉર્ડ માર્જિનથી થઈ છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં રનના તફાવતની દૃષ્ટિએ આ નવમી સૌથી મોટી હાર છે.

    ઑસ્ટ્રેલિયાના 497 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી મુલાકાતી ટીમ મૅચના અંતિમ દિવસે પ્રથમ સત્રમાં જ 77 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

    બીજી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝ ટી. ચંદ્રપૉલના 17 રન ટીમનો સર્વોચ્ચ સ્કોર હતો.

  9. ઈસુદાને સોશિયલ મીડિયા પર લખ્યું, “સત્તા માટે રાજનીતિમાં નથી આવ્યો, સત્તા તો પહેલા પણ હતી”

    ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીના આમ આદમી પાર્ટીના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ ફેસબૂક પોસ્ટ લખીને મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.

    ઈસુદાને ફેસબુક પોસ્ટમાં ફોટા સાથે લખ્યું છે કે “ખંભાળિયાની જનતાએ 60 હજાર જેટલા મત આપીને મારા પર વિશ્વાસ મૂક્યો જેને પગલે લોકોનો અને કાર્યકર્તાઓનો આભાર માનવા ભાણવડ અને સલાયામાં મુલાકાત લીધી! ભલે ચૂંટણી હાર્યો પણ લોકો માટે કામ કરવા સતત લોકોની વચ્ચે રહીશ! સત્તા માટે રાજનીતિમાં નથી આવ્યો! સત્તા તો પહેલાં પણ હતી જ એને છોડીને આવ્યો છું!”

    ઉલ્લેખનીય છે કે ખંભાળિયા બેઠક પર ઈસુદાન ગઢવીનો ભાજપના મુળુભાઈ બેરા સામે પરાજય થયો હતો. ઈસુદાનને 59089 મત મળ્યા હતા જ્યારે મૂળુભાઈને 77,834 મત મળ્યા હતા.

  10. ગુજરાત હાઈકોર્ટે ફરી સાબરમતીના પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો

    ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદીના પ્રદૂષણ પર 16 ડિસેમ્બરે પીઆઈએલની સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.

    આ પીઆઈએલની આઠ મહિના પહેલા હાઈકોર્ટ દ્વારા વિસ્તૃત સુનાવણી હાથ ધરાઈ હતી.

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અનુસાર, મે મહિનામાં જસ્ટિસ જેબી પારડીવાલાની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક થયા બાદ આ મામલાને પાછળ મૂકવામાં આવ્યો હતો.2021માં, જસ્ટિસ પારડીવાલાએ પીરાણા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી)ની ખામી વિશેના સમાચાર અહેવાલનું સ્વ-સંજ્ઞાન લીધું હતું. આ અહેવાલ અનુસાર, સાબરમતી નદીમાં ટ્રિટમૅન્ટ ન કરાયેલ ગંદુ પાણી છોડવાના કારણે જળપ્રદૂષણમાં વધારો થયો હતો.

    એમિકસ ક્યૂરી હેમાંગ શાહે શુક્રવારે જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ વીડી નાણાવટીની ખંડપીઠને પીઆઈએલની સુનાવણી કરવા વિનંતી કરી હતી, જેના પરિણામે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન (એએમસી) દ્વારા 300થી વધુ ઔદ્યોગિક એકમોના ડ્રેનેજ કનેક્શનને બંધ કરી દેવામાં આવ્યાં હતાં. આ એકમો ટ્રિટમૅન્ટ ન કરાયેલા અથવા અપૂરતી રીતે ટ્રિટમૅન્ટ કરાયેલા ઉદ્યોગના ગંદા પાણીનો શહેરની ગટરવ્યવસ્થામાં નિકાલ કરતાં હતાં. આમ ઔદ્યોગિક કચરો નદીમાં ઠલવાતો હતો. જેના કારણે હાઈકોર્ટે એએમસી અને ગુજરાત પૉલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી)ને કડક તકેદારી રાખવાનો આદેશ આપ્યો હતો. જેના કારણે શહેરની હદમાં આવેલાં મોટાં ટૅક્સટાઇલ એકમોને બંધ કરવામાં આવ્યાં હતાં.

    અમદાવાદ મેગા ક્લીન ઍસોસિયેશન (એએમસીએ)એ તેના ટ્રીટમેન્ટ કરેલા ગંદા પાણીને મેગા પાઈપલાઈનમાં ડિસ્ચાર્જ કરવાની પરવાનગી આપ્યા બાદ અમદાવાદ શહેરની હદમાં આવેલા મુખ્ય કાપડ એકમો પૈકીના એક 'આશિમા લિમિટેડેટ' કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. શુક્રવારે, હાઈકોર્ટે જીપીસીબીને મેગા પાઈપલાઈન સાથે ડિસ્ચાર્જ કનેક્શનની પરવાનગી માટે આશિમાની અરજી પર વિચાર કરવા જણાવ્યું હતું.

    પર્યાવરણવાદી અને હાઈકોર્ટ દ્વારા નિયુક્ત સંયુક્ત કાર્યસમિતિના સભ્ય રોહિત પ્રજાપતિએ મેગા પાઇપલાઇનના પર્યાવરણીય ધોરણોનું પાલન કરવા અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.

    તેમણે કહ્યું કે ભલે એવો દાવો કરવામાં આવે કે મેગા પાઈપલાઈનમાં ઉદ્યોગોના ગંદા પાણીને કૉમન ઍફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (સીઈપીટી) પર સંપૂર્ણ રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, પરંતુ નદીના વહેણમાં પ્રદૂષણ અલગ જ સ્થિતિ બયાન કરે છે.

  11. સુખવિંદરસિંહ સુક્ખુ બનશે હિમાચલ પ્રદેશના નવા મુખ્ય મંત્રી

    કૉંગ્રેસે હિમાચલ પ્રદેશમાં તેમના મુખ્ય મંત્રીપદના નેતા તરીકે સુખવિંદર સુક્ખુને પસંદ કર્યા છે.

    સુખવિંદર સુક્ખુ રવિવારે (આજે) શપથ લેશે. કૉંગ્રેસના નિરિક્ષકોની હાજરીમાં કૉંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં સુખવિંદર સુક્ખુને ચૂંટાયેલી પાંખના નેતા તરીકે ચૂંટી લેવામાં આવ્યા હતા.

    હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રીપદના દાવેદારમાં કૉંગ્રેસના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી રહી ચૂકેલા વીરભદ્રસિંહનાં પત્ની પ્રતિભા વીરભદ્રસિંહ પણ હતાં. તેમના સમર્થકોએ શિમલામાં કૉંગ્રેસ પક્ષની બેઠક પહેલાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

    જોકે, પ્રતિભા સિંહે જણાવ્યું હતું કે, તેઓ કૉંગ્રેસના હાઈ કમાન્ડનો નિર્ણય સ્વીકારે છે.

    મીડિયા સાથે વાત કરતા છત્તીતગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલે જણાવ્યું હતું કે, સુખવિંદરસિંહ સુક્ખુ મુખ્ય મંત્રી બનશે અને 'મુકેશ અગ્નિહોત્રી ઉપમુખ્ય મંત્રી પદની શપથ લેશે.'

  12. ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે મુખ્ય મંત્રીપદના શપથ લેશે

    ગુજરાત વિધાસભાની ચૂંટણીમાં 156 બેઠકો સાથે વિજેતા બનેલા ભારતીય જનતા પક્ષના ચૂંટાયેલા ઉમેદવારોની ગાંધીનગરમાં પક્ષના વડા મથક 'શ્રી કમલમ' ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં વિધાનસભામાં ચૂંટાયેલી પાંખના વડા અને મુખ્ય મંત્રી પદ માટે સર્વાનુમતે ભૂપેન્દ્ર પટેલના પ્રસ્તાવનું અનુમોદન કરવામાં આવ્યું હતું.

    આ બેઠક બાદ ભૂપેન્દ્ર પટેલ તથા ભાજપના વરિષ્ઠ નેતાઓએ ગાંધીનગર ખાતે આવેલા રાજભવનમાં પહોંચી રાજ્યપાલ સમક્ષ નવી સરકાર રચવાનો દાવો કર્યો હતો.

    પક્ષે રાજ્યપાલને વિનંતી કરી છે કે ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે મુખ્ય મંત્રીપદના શપથ લેશે, પરંતુ મંત્રીમંડળના અન્ય સભ્યોની શપથવિધિ માટેની તારીખ પછી નક્કી કરવામાં આવશે.

  13. મોરોક્કોએ પોર્ટુગલને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશી ઇતિહાસ રચ્યો

    મોરોક્કોએ ફિફા વર્લ્ડકપની ક્વાર્ટર ફાઇનલમાં પોર્ટુગલને હરાવીને ઇતિહાસ રચી દીધો છે.

    એવું પ્રથમ વખત બન્યું છે કે આરબ વિશ્વ અથવા આફ્રિકાની કોઈ ટીમ ફૂટબોલ વર્લ્ડકપની સેમિફાઇનલમાં પહોંચી હોય.

    મોરોક્કોએ પ્રથમ હાફની 42મી મિનિટે ગોલ કરીને અજેય લીડ મેળવી હતી, આ લીડને પોર્ટુગલ મૅચ પૂરી થઈ ગઈ ત્યા સુધી કાપી શક્યું ન હતું.

    પોર્ટુગલે પ્રથમ હાફમાં તેમના સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને બૅન્ચ પર રાખ્યા હતા. બીજા હાફમાં રોનાલ્ડોએ મેદાનમાં પ્રવેશ કર્યો પરંતુ તે કંઈ ખાસ કરી શક્યા નહીં.

    મૅચની છેલ્લી મિનિટોમાં પોર્ટુગલના ખેલાડીઓએ ગોલ કરવાના અનેક પ્રયાસો કર્યા પરંતુ તેઓ મોરોક્કોના ગોલકીપર બોનોને થાપ આપી શક્યા નહીં.

    અંતિમ મિનિટોમાં પોર્ટુગલના જોઆઓ ફેલિક્સે બૉક્સની બહારથી ધારદાર કિક વડે બૉલને ગોલમાં પૉસ્ટમાં નાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોનોએ કૂદકો મારીને બોલને લપકી લીધો હતો.

    પોર્ટુગલને પણ 88મી મિનિટે કોર્નર મળ્યો પરંતુ તેને ગોલમાં ફેરવી શક્યું નહીં.

    રમતની 90 મિનિટ પૂરી થયા બાદ 8 મિનિટનો વધારાનો સમય આપવામાં આવ્યો હતો.

    90મી મિનિટે, રોનાલ્ડો બોલને ગોલની ખૂબ નજીક લઈ જવામાં સફળ રહ્યા, પરંતુ તેની શાનદાર કિકને બોનોએ કેચ કરી લીધી.

    ઇન્જરી ટાઇમની 6 મિનિટ બાકી હતી ત્યારે મોરોક્કોના વલીદ ચિદારાને રેફરી દ્વારા બીજો યલો ગાર્ડ બતાવવામાં આવ્યો હતો અને આ સાથે મોરોક્કોના માત્ર દસ ખેલાડીઓ મેદાનમાં રહ્યા હતા.

    વલીદ ચિદારાને 60 સેકન્ડના સમયગાળામાં રેફરીએ બે યલો કાર્ડ બતાવ્યા હતા અને તેમને બહાર મોકલી દેવામાં આવ્યા હતા.

    સમગ્ર આરબ વિશ્વની નજર આ મૅચ પર ટકેલી હતી. મોરોક્કોના મુખ્ય શહેર કાસાબ્લાન્કામાં મૅચ દરમિયાન સમય જાણે કે થંભી ગયો હતો.

    અંતિમ સીટી વાગી કે તરત જ પોર્ટુગીઝ ટીમ અને ચાહકોમાં નિરાશા ફેલાઈ ગઈ. પોર્ટુગલના સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો રડતારડતા સીધો મેદાનની બહાર ગયા હતા.

    મોરોક્કોના હાથે આ હાર સાથે રોનાલ્ડોનું પોતાની ટીમ માટે વર્લ્ડકપ જીતવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું છે.

    મોરોક્કો સેમિફાઇનલમાં પહોંચતાં જ મોરોક્કોમાં જ નહીં પરંતુ સમગ્ર આરબ જગતમાં જશ્નનો માહોલ છવાઈ ગયો હતો.

    મૅચ પુરી થયા બાદ પણ મોરક્કોના સમર્થકો મેદાન પર જ રહ્યા હતા અને ઉજવણી કરી હતી.

    મોરોક્કન સ્ટ્રાઇકર અશરફ હકીમી ભીડમાં તેમનાં માતાને મુશ્કેલીથી શોધી કાઢ્યાં અને તેમણે જીતની ઉજવણી કરતાં માતાને ચુંબન કર્યું.

    અશરફ હકીમીની તેમનાં માતા સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

    જીત બાદ મોરક્કોના ખેલાડીઓએ મેદાનમાં જ સજદા કર્યા અને ઘૂંટણિયે બેસીને દર્શકોનું અભિવાદન કર્યું.

  14. નમસ્કાર! બીબીસી ન્યૂઝ ગુજરાતીના આ લાઇવ કવરેજ પેજ પર આપનું સ્વાગત છે. અહીં આપને ગુજરાત અને દેશદુનિયાના મહત્ત્વના સમચારોની અપડેટ રજૂ કરાશે. ગઈકાલનું લાઇવ પેજ જોવા માટે અહીં ક્લિક કરો :