નદીનાં કાઠે સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થયા છે.
મોટા ભાગના લોકોના ચહેરા પર હાલ ગમગીની છવાયેલી છે.
અંદાજે 200 લોકોએ આખી રાત બચાવની કામગીરી કરી છે.
રેસ્ક્યુ માટે એનડીઆરએફ, ફાયર, પોલીસ વગેરેની ટીમો અહીં હાજર છે.
મોટી સંખ્યામાં મીડિયાકર્મીઓ હાજર છે.
લોકોએ આખી રાત પાણીમાં પડીને મૃતદેહો બહાર કાઢ્યા હતા.
સ્થાનિકો સાથે વાત કરતા જાણવા મળ્યું કે દરેક સમુદાયના લોકો ઘટનાની જાણ થતા અહીં આવી પહોંચ્યા હતા.
લોકોએ જીવના જોખમે નદીમાં પડીને લોકોના મૃતદેહોને ખભે લઈને બહાર કાઢ્યા હતા, તો ઘાયલોને હૉસ્પિટલ પહોંચ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, મોરબીમાં પુલ તૂટી પડતાં અત્યાર સુધીમાં 141 લોકોનાં મોત થયાં છે.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી હાલ સ્થળ પર છે અને રેસ્ક્યુ ઑપરેશન પર સતત નજર રાખી રહ્યા છે. આજે સાંજે સુધીમાં રેસ્ક્યુ ઑપરેશન પૂરું થાય તેવી શક્યતા છે.
હજુ પણ નદીમાં એનડીઆરએફના લોકો ફરી રહ્યા છે.
રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકારપરિષદને સંબોધતા કહ્યું હતું કે "રવિવારે સાંજે 6.30 વાગ્યે પુલ તૂટવાની ઘટના ઘટી હતી."
મોરબી દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે અને હજુ પણ અનેક દળો બચાવમાં લાગેલાં છે.
બચાવકાર્ય માટે ભુજ અને જામનગરના 60 તથા નેવીના 50 જવાનો, 33 ઍમ્બ્યુલન્સ, 7 ફાયર એન્જિન તથા રાજકોટ મેડિકલ કૉલેજ અને જિલ્લા ગ્રામ્ય વિસ્તારના 30 ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ સામેલ.