You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

રશિયા-યુક્રેન તણાવ : એ કયા દેશો છે જે પુતિનનો સાથ આપી રહ્યા છે

યુક્રેનમાં સૈન્ય મોકલવાના પુતિનના આદેશ બાદ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે રશિયાએ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે.

લાઇવ કવરેજ

  1. સુરતના ડભોલીની બિલ્ડિંગમાં ભીષણ આગ, 20 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા

  2. નવાબ મલિકની ED દ્વારા ધરપકડ, ભંગાર વેચનારની મહારાષ્ટ્રના મંત્રી બનવાની કહાણી

  3. પુતિને રશિયાને 30 વર્ષમાં 'મહાસત્તા' કઈ રીતે બનાવ્યું?

  4. જ્યારે પુતિને નાટોમાં સામેલ થવાની ઇચ્છા વ્યક્ત કરી...

    બીજા વિશ્વયુદ્ધ પછી અને શીતયુદ્ધ દરમિયાન દુનિયા બે પક્ષોમાં વહેંચાઈ ગઈ હતી. એકનું નેતૃત્વ અમેરિકા અને બીજાનું સોવિયેટ સંઘ કરી રહ્યું હતું.

    બીજા વિશ્વયદ્ધના ચાર વર્ષ બાદ નૉર્થ ઍટલાંટિક ટ્રીટી ઑરિગેનાઇઝેશન એટલે નાટોની 1949માં સ્થાપના કરાઈ હતી.

    આની સ્થાપના અમેરિકા, કૅનેડા અને અન્ય પશ્ચિમના દેશોએ કરહી હતી. સોવિયેટ યુનિયન સામે સુરક્ષા માટે આને બનાવવામાં આવ્યું હતું. ત્યારે દુનિયાના બે ધ્રુવ હતા. એક મહાશક્તિ અમેરિકા અને બીજું સોવિયેટ યુનિયન. શરૂઆતમાં નાટોના 12 સભ્ય દેશો હતા.

    અત્યારે નાટોમાં કુલ 30 દેશો છે. નાટોની સ્થાપના પણ નક્કી કરાયું હતું કે ઉત્તરી અમેરિકા અથવા યુરોપમાં કોઈ પણ એક દેશ પર હુમલો થશે તો સંગઠનમાં સામેલ બધા દેશો પર હુમલો માનવામાં આવશે અને આ દેશો એકબીજાની મદદ કરશે.

    પરંતુ ડિસેમ્બર 1991માં સોવિયેટ સંઘના પતન પછી કેટલીક વાતો બદલાઈ ગઈ. નાટો જે ઇરાદાથી સ્થાપિત થયું હતું, તેનું મોટું કારણ સોવિયેટ સંઘ વિખેરાઈ ગયું હતું. દુનિયામાં એક જ ધ્રુવ બચ્યો. અમેરિકા એકમાત્ર મહાશક્તિ બચ્યું. સોવિયેટ સંઘટના તૂટ્યા પછી રશિયા બન્યું અને રશિયા આર્થિક રૂપથી તૂટી ગયું હતું.

    રશિયા એક મહાશક્તિ તરીકે વિખેરાઈ જવાનો ગુસ્સો અને દુ:ખ વેઠી રહ્યું હતું. જાણકારો કહે છે કે અમેરિકા ઇચ્છતું તો રશિયાને પણ પોતાના પક્ષમાં સામેલ કરી શક્યું હોત પરંતુ શીતયુદ્ધની માનસિકતાથી મુક્ત ન થ યું અને રશિયાને સોવિયટ સંઘના રૂપમાં જ જોતું રહ્યું.

    નાટોને લઈને પુતિન પહેલેથી નકારાત્મક નહોતા.

    નાટો વિશે પુતિન શું વિચારતા

    જ્યોર્જ રૉબર્ટસન બ્રિટનના પૂર્વ રક્ષા મંત્રી છે અને તેઓ 1999થી 2003 વચ્ચે નાટોના મહાસચિવ હતા. તેમણે ગત નવેમ્બરમાં કહ્યું હતું કે પુતિન રશિયાને શરૂઆતમાં નાટોમાં સામેલ કરાવવા માગતા હતા પરંતુ તેઓ આમાં સામેલ થવાની સામાન્ય પ્રક્રિયામાંથી પસાર થવા નહોતા માગતા.

    જ્યોર્જ રૉબર્ટસને કહ્યું હતું કે, પુતિન સમૃદ્ધ, સ્થિર અને સંપન્ન પશ્ચિમનો ભાગ બનવા માગતા હતા.''

    પુતિન 2000ના વર્ષમાં રશિયાના રાષ્ટ્રપતિ બન્યા. જ્યોર્જ રૉબર્ટસને પુતિન સાથે પ્રારંભિક મુલાકાતને યાદ કરતાં કહ્યું કે, ''પુતિને કહ્યું કે તમે અમને નાટોમાં સામેલ થવા માટે ક્યારે આમંત્રિત કરી રહ્યા છો? મેં જવાબ આપ્યો – તમે નાટોમં સામેલ થવા માટે નથી બોલાવતા. જો આમાં સામેલ થવું હોય, તમે આવેદન કરી શકો છો. આના જવાબમાં પુતિને કહ્યું–હું એ દેશોમાં નથી કે આમાં સામેલ થવા માટે અરજી કરું.''

    લૉર્ડ રૉબર્ટસને આ વાત સીએનએનના પૂર્વ પત્રકાર માઇકલ કોસિંસ્કીના વન ડિસિઝન પૉડકાસ્ટમાં કહી હતી.'

    રૉબર્ટસનની વાતો પર એટલે ભરોસો કરી શકાય કારણ કે પુતિને પાંચ માર્ચ 2000ના બીબીસીના ડેવિડ ફ્રૉસ્ટને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આવું જ કંઈ કહ્યું હતું. ડેવિડ ફ્રૉસ્ટરે પુતિનને સવાલ કર્ય હતો,, " નાટોને લઈને તમે શું વિચારો? નાટોને તમે સંભાવિત ભાગીદાર તરીકે જુઓ છો કે પ્રતિદ્વન્દ્વીની જેમ?"

    પુતિને કહ્યું હતું, '' રશિયા યુરોપની સંસ્કૃતિનો ભાગ છે. હું પોતે રશિયાની કલ્પના યુરોપથી અલગ નથી કરી શકતો. આપણે આને જ સભ્ય દુનિયા કહીએ છીએ. એવામાં નાટોને દુશ્મન તરીકે જોવું મારા માટે મુશ્કેલ છે. મને લાગે છે આવા સવાલો કરવા દુનિયા અને રશિયા માટે યોગ્ય નથી. આવો સવાલ જ નુકસાન પહોંચાડવા માટે પર્યાપ્ત.''

  5. યુપી વિધાનસભી ચૂંટણીના ચોથા તબક્કામાં સાંજે પાંચ વાગ્યા સુધી 57.45 ટકા મતદાન થયું

    યુપીની ચૂંટણીમાં ચોથા તબક્કામાં સાંજે પાંચ વાગ્યા સુધી 57.45 ટકા મતદાન થયું હતું.

    ચોથા તબક્કામાં 59 બેઠકો પર સાંજે છ વાગ્યે મતદાન પૂર્ણ થયું હતું.

    10 માર્ચના યુપી વિધાનસભા ચૂંટણીની મતગણતરી થશે.

    લખીમપુર ખીરીમાં સૌથી વધારે 62.42 ટકા, પિલિભીતમાં 61.33 ટકા મતદાન નોંધાયું હતું. રાયબરેલીમાં 58.4 ટકા મતદાન થયું હતું.

  6. યુક્રેન સંકટમાં કોણ-કોણ આપી રહ્યું છે રશિયાનો સાથ?

    દુનિયામાં ત્યારે બે ધ્રુવ મજબૂત થશે જ્યારે વિશ્વના દેશો અમેરિકા અને રશિયાની તરફેણમાં જશે, જેવું કે શીતયુદ્ધ વખતે થયું હતું.

    અમેરિકાની સાથે નાટોમાં સામેલ 30 દેશો તો છે જ અને એશિયાની મહત્ત્વપૂર્ણ શક્તિઓ જાપાન અને ઑસ્ટ્રેલિયા પણ છે. પરંતુ રશિયા સાથે કયા દેશો છે?

    ચીન

    ચીન પણ રશિયાની જેમ નાટોનો વિસ્તાર નથી ઇચ્છતું.

    બેઇજિંગ વિંટર ઑલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાહિમીર પુતિન પણ સામેલ થયા હતા. ચાર ફેબ્રુઆરીએ બંને દેશોએ એક સંયુક્ત નિવેદન જારી કર્યું હતું. આ નિવેદનમાં ચીને પણ નાટોના વિસ્તાર પર આપત્તિ વ્યક્ત કરી હતી.

    મંગળવારે યુક્રેન પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક થઈ તો ચીને વાતચીત ચાલુ રાખવાની અપીલ કરી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના રાજદૂત ઝાંગ જુને કહ્યું કે તેમનો દેશ બધા પક્ષો વાતચીત અને સલાહ-સૂચન ચાલુ રાખે તેના પક્ષમાં છે.

    ચીને વિનંતી કરી કે બંને સમાનતા અને પરસ્પર સન્માનના આધાર પર જ એક બીજાની ચિંતાઓનું સમાધાન શોધવાનો પ્રયત્ન કરે. ચીનના રાજદૂતે કહ્યું કે હાલની પરિસ્થિતિ પાછળ કેટલાંક જટિલ કારણો છે.

    ચીને કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર હેઠળ બધા દેશો શાંતિપૂર્ણ માધ્યમોથી આંતરરાષ્ટ્રીય વિવાદોનું સમાધાન કાઢે. ગત દિવસોમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને વિનંતી કરી કે તેઓ નવા શીતયુદ્ધની કોઈ પણ કોશિશને નિષ્ફળ કરી દે.

    એવું પણ કહી શકાય કે રશિયા પર પશ્ચિમી દેશોના પ્રતિબંધો વધી રહ્યા છે એવામાં ચીન જ તેની મદદ કરશે. અત્યારે રશિયા અને ચીન અમેરિકાને વૈશ્વિક રાજકારણમાં કેટલાક મુદ્દે પડકારી રહ્યાં છે.

    ભારત

    ભારત દુનિયાના પાંચ મોટા અર્થતંત્રોમાં સામેલ છે અને એશિયાની ત્રીજી સૌથી મોટી તાકાત ધરાવતો દેશ છે.

    કહેવાઈ રહ્યું છે કે ભારત માટે રશિયા અથવા અમેરિકામાંથી કોઈ એકની તરફેણમાં જવું મુશ્કેલ છે. પરંતુ મંગળવારે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જે કહ્યું તેમાં રશિયાની ટીકા નહોતી કરવામાં આવી અને તેમાં યુક્રેનની સંપ્રુભતાનો ઉલ્લેખ પણ નહોતો.

    જોકે ભારતે પણ કહ્યું કે આ સમસ્યાનું સમાધાન વાટાઘાટો દ્વારા જ સંભવ છે. પરંતુ ઐતિહાસિક રીતે ભારત હંમેશાં રશિયાની પડખે રહ્યું છે.

    2014 પુતિને જ્યારે યુક્રેન પાસેથી ક્રિમિયાને હડપીને રશિયામાં સમાવી લીધું હતું ત્યારે ભારતે તેનો વિરોધ નહોતો કર્યો

    ભારત, અમેરિકાના પક્ષમાં નથી ઊભું પરંતુ રશિયાની સાથે પણ ખૂલીને નથી ઊભું દેખાતું પરંતુ ભારત માટે અત્યારે નિષ્પક્ષ રહેવું સરળ નથી.

    ક્રોએશિયા

    ક્રોએશિયા 2009માં નાટોમાં સામેલ થયું હતું. પરંતુ યુક્રેન સંકટ પર ક્રોએશિયાની ભાષા નાટોના આધિકારી નિવેદન કરતાં જુદી છે.

    ક્રોએશિયાના રાષ્ટ્રપતિ ઝોરાન મિલાનોવિકે ગત મહિને કહ્યું હતું કે રશિયાની સાથે સંઘર્ષ શરૂ થાય તો યુક્રેનથી પોતાની સેના પાછી બોલાવી લેશે.

    ક્રોએશિયાએ કહ્યું હતું કે, "રશિયાની સુરક્ષાની ચિંતાઓનો ખ્યાલ રાખવો જોઈએ." જોકે પુતિને મંગળવારના યુક્રેનના બે અલગતાવાદી વિસ્તારોને સ્વતંત્ર વિસ્તારના રૂપમાં માન્યતા આપી તો ક્રોએશિયાએ તેની ટીકા કરી હતી.

    અઝરબૈજાન

    અઝરબૈજાનના રાષ્ટ્રપતિ રશિયાની મુલાકાતે ગયા છે. તેમણે આ મુલાકાત દરમિયાન 'અલાઇ ડિક્લેરેશન' પર હસ્તાક્ષર કર્યા છે.

    પાકિસ્તાન

    પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન રશિયાની મુલાકાતે ગયા છે.

    આ મુલાકાતથી એ સંકેત મળે છે કે શીતયુદ્ધ દરમિયાન પાકિસ્તાન અમેરિકાના પક્ષમાં હતો પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે.

    ઇમરાન ખાન રશિયાની મુલાકાતે ત્યારે ગયા જ્યારે યુક્રેન સાથે રશિયાનો તણાવ ચરમ પર છે અને યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ છે.

    ઇમરાન ખાનની મુલાકાતના સમયને પણ ઘણો મહત્ત્વનો માનવામાં આવે છે. વિશ્લેષકો માને છે કે આનાથી એક સંકેત મળે છે કે પાકિસ્તાન પોતાનો પક્ષ પસંદ કરી રહ્યું છે અને અમેરિકા તથા પશ્ચિમ વિરોધી પક્ષમાં સામેલ થઈ રહ્યું છે.

  7. રશિયા-યુક્રેન સંકટ : તસવીરોમાં સમજો તાજેતરની પરિસ્થિતિ

  8. BBC ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર : સ્પૉર્ટ્સમાં મહિલાઓનાં પ્રદર્શન અને તેમને મળતા મહત્ત્વ વિશે આ લોકો શું માને છે?

    બીબીસી ફરી લાવ્યું છે ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર. પાંચ મહિલા નૉમિનીમાંથી તમારાં ફૅવરિટ કોણ છે? તેમને#BBCISWOTYનો ખિતાબ જિતાડવા માટે અહીં ક્લિક કરીને વોટ આપો -https://bbc.in/34sSzwz(વોટિંગ 28/02/22ની રાત્રે 23.30 પર બંધ થશે. વોટિંગ ટર્મ્સ ઑનલાઇન ઉપલબ્ધ છે.)

  9. બ્રેકિંગ, યુક્રેનમાં 30 દિવસ માટે લદાશે ઇમર્જન્સી

    યુક્રેન સરકારે રશિયા સાથે યુદ્ધની આશંકા વચ્ચે આવતા 30 દિવસો માટે ઇમર્જન્સીની જાહેરાત કરી છે.

    સમાચાર એજન્સી રૉયટર્સ અને એએફપી અનુસાર, હાલ આ ઇમર્જન્સી 30 દિવસ સુધી લાગુ રહેશે જે આગળ જતાં લંબાવાઈ શકે છે.

    દેશની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે નક્કી કર્યું છે કે યુક્રેનમાં સ્ટેટ ઑફ ઇમર્જન્સી જાહેર કરવામાં આવશે.

    સુરક્ષા પરિષદની બેઠક બાદ ટોચના સુરક્ષા અધિકારી ઓલેક્સી ડાનિલોવે કહ્યું કે દોનેત્સ્ક અને લુહાન્સ્ક સિવાય બાકીના બધા પ્રાંતોમાં ઇમર્જન્સી જાહેર કરી દેવાશે. દોનેત્સ્ક અને લુહાન્સ્કમાં પહેલેથી યુક્રેન અને રશિયા સમર્થિત અલગતાવાદીઓ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.

    તેમણે કહ્યું કે પ્રારંભિક તબક્કે 30 દિવસ માટે ઇમર્જન્સી જાહેર કરવામાં આવશે.

    જોકે, ઇમર્જન્સીના નિર્ણય પર સંસદની મંજૂરી જરૂરી છે.

  10. બ્રેકિંગ, યુક્રેને પોતાના નાગરિકોને તાત્કાલિક રશિયા છોડી દેવા કહ્યું

    યુક્રેને પોતાના નાગરિકોને રશિયા ન જવા અને જે રશિયામાં છે તેમને ત્યાંથી નીકળી જવાનું કહ્યું છે.

    યુક્રેન તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, " વિદેશ મંત્રાલય યુક્રેનના નાગરિકોને રશિયન સંઘની મુલાકાત ન લેવાની ભલામણ કરે છે અને જે ત્યાં છે તેમને તાત્કાલિક રશિયા છોડી દેવાની સલાહ આપવામાં આવે છે."

    આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે "રશિયાની આક્રામકતા જે રીતે વધી" છે તેનો અર્થ છે કે "યુક્રેન રશિયામાં યુક્રેનના નાગરિકોને કૉન્સ્યુલર મદદ આપવામાં અસમર્થ હશે."

    આનાથી રશિયામાં રહેતા લાખો યુક્રેનિયન લોકોને દેશ છોડી દેવાની ફરજ પડશે.

  11. નવાબ મલિકની ED દ્વારા ધરપકડ, ભંગાર વેચનારની મહારાષ્ટ્રના મંત્રી બનવા સુધીની સફર

    મહારાષ્ટ્ર રાજ્યના મંત્રી અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (NCP)ના નેતા નવાબ મલિકની મની લૉન્ડ્રિંગના કેસમાં ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

    ઈડીની ટીમ બુધવારે વહેલી સવારે જ તેમના ધરે પહોંચી ગઈ હતી અને પૂછતાછ માટે તેમને ઈડીના અધિકારીઓ લઈ ગયા હતા.

    ત્યારે વાંચો નવાબ મલિકની મહારાષ્ટ્રના મંત્રી બનવા સુધીની કહાણી

  12. યુક્રેનનો રિઝર્વ ડિફૅન્સ ફોર્સના સભ્યોને ફરજિયાત લશ્કરમાં કામ કરવાનો આદેશ

    યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીના આદેશાનુસાર દેશમાં રિઝર્વ ડિફૅન્સ ફોર્સના 18-60 વર્ષના સભ્યોને લશ્કરમાં ભરતી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

    યુક્રેનમાં સેનાએ કહ્યું કે, "તેમની સર્વિસ વધુમાં વધુ એક વર્ષની રહેશે અને મૅકેનિક્સ જેવી વિવિધ કુશળતાઓ ધરાવતા જવાનોને વિશેષ યુનિટમાં મોકલવામાં આવશે."

    સત્તાધીશોએ જણાવ્યું કે જે લોકો નહીં જોડાય તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

    તજજ્ઞો કહે છે કે, અંદાજે નવ લાખ લોકો યુક્રેનની રિઝર્વ ડિફૅન્સ ફોર્સમાં કામ કરે છે.

  13. ઉત્તર પ્રદેશમાં બપોરે એક વાગ્યા સુધીમાં 37.45 ટકા મતદાન

    ઉત્તર પ્રદેશમાં આજે ચોથા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ચોથા તબક્કામાં નવ જિલ્લાની 59 બેઠકો પર મતદાન હાથ ધરાઇ રહ્યું છે. આ 59 બેઠકો માટે 624 ઉમેદવારો મેદાને છે.

    આ 59 બેઠકોમાં પિલીભિત, લખીમપુર ખીરી, સીતાપુર, હરદોઈ, ઉન્નાવ, લખનૌ, રાયબરેલી, બાંદા અને ફતેહપુર જિલ્લામાં મતદાન ચાલી રહ્યું છે.

    ચૂંટણીપંચ દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, બપોરે એક વાગ્યા સુધી આ નવ જિલ્લામાં બપોરે એક વાગ્યા સુધીમા 37.45 ટકા મતદાન નોંધાયું છે.

    જેમાં સૌથી વધારે 41.23 ટકા મતદાન પિલીભિતમાં થયું છે. જ્યારે 40.90 ટકા સાથે લખીમપુર ખીરી બીજા નંબરે છે. બપોરે એક વાગ્યા સુધીમાં લખનૌમાં માત્ર 35 ટકા મતદાન થયું છે.

  14. દોનેત્સ્ક અને લુહાન્સ્કમાં હાલ શું પરિસ્થિતિ છે?, પૉલ ઍડમ્સ, બીબીસી રાજદ્વારી સંવાદદાતા, યુક્રેનની રાજધાની કીવથી

    રશિયાના વડા પ્રધાન વ્લાદિમીર પુતિને યુક્રેનના બે અલગતાવાદી વિસ્તારોમાં સેના મોકલવાની જાહેરાત કરી તે વાતને 36 કલાક થઇ ગયા છે, પરંતુ હજુ સુધી આ વિસ્તારમાં રશિયન સેના પહોંચી હોવાના કોઇ પુરાવા નથી.

    રશિયન સેનાનું છેલ્લાં આઠ વર્ષોમાં આ બે વિસ્તારમાં આવનજાવન રહ્યું છે, પણ ત્યાં સોમવારથી કંઇક પણ બદલાયું હોય તેવા કોઇ અહેવાલ સામે આવ્યા નથી.

    દોનેત્સ્ક અને લુહાન્સ્ક સાથે જોડાયેલી યુક્રેનની બૉર્ડર પર ગોળીબારના કિસ્સામાં વધારો તો થયો છે પરંતુ આ સિવાય અન્ય કોઇ બદલાવ જોવા મળ્યો નથી.

    તો શું એક નવું અને મોટું યુદ્ધ શરૂ થઇ ગયું છે?

    યુદ્ધને લઇને શુકન સારા દેખાઇ નથી રહ્યા. સંકટને લઇને રાજદ્વારી માર્ગો બંધ થતા દેખાઇ રહ્યા છે. સૅટેલાઇટ ઇમેજીસ બતાવે છે કે, રશિયન સેના સરહદની નજીક આવી રહી છે.

    પણ શું પુતિને 1945 બાદના સૌથી ખરાબ યુદ્ધની તૈયારી કરી લીધી છે?

    આ વિશે કોઇને ખબર નથી.

  15. યુક્રેન સંકટને લઇને અત્યાર સુધી શું-શું થયું?

    જો તમે બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં હાલ જોડાયા હો તો જાણો અત્યાર સુધી યુક્રેન-રશિયા સંકટમાં શું-શું થયું? કોણે શું કહ્યું?

    • વ્હાઇટ હાઉસે કહ્યું કે રાષ્ટ્રપતિ બાઇડન આ અઠવાડિયાના અંતમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે યોજાનારી સમિટ રદ કરશે.
    • અમેરિકાના સ્ટેટ સૅક્રેટરી ઍન્ટની બ્લિન્કેને પણ ગુરુવારે પોતાના રશિયન સમકક્ષ સાથે યોજાનારી બેઠક રદ કરી છે.
    • આ અંગે તેમણે કહ્યું કે, "વાતચીત બેકાર છે કારણ કે અમેરિકાને લાગે છે કે રશિયાએ યુક્રેનમાં ઘૂસણખોરી શરૂ કરી દીધી છે."
    • ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મૉરિસને બુધવારે ચેતવણી આપી કે આગામી 24 કલાકમાં રશિયા પૂરજોશમાં યુક્રેન પર હુમલો કરી શકે છે.
    • અમેરિકા અને યુરોપીયન યુનિયન બાદ કૅનેડા અને જાપાને પણ રશિયા પર પ્રતિબંધો લાદ્યા છે.
    • અમેરિકામાં રશિયાના રાજદૂતે ચેતવણી આપી કે પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોની સામાન્ય અમેરિકન લોકો પર પણ અસર પડશે.
    • રશિયાની સંસદે પુતિનને દેશની સેનાને દેશ બહાર ઉપયોગમાં લેવાની પરવાનગી આપી છે. જોકે, તેમાં એ વાતની ચોખવટ નથી કરવામાં આવી કે અત્યાર સુધીમાં સૈનિકો મોકલાયા છે કે કેમ.
  16. પુતિને ક્રિમિયાને કેવી રીતે રશિયામાં સમાવી લીધું એની સંપૂર્ણ કહાણી

    ક્રિમિયા ગણરાજ્ય સત્તાવાર રૂપે યુક્રેનનો ભાગ છે. એ યુક્રેનની દક્ષિણમાં આવેલા કાળા અને અઝોવ સાગર વચ્ચે ટાપુ જેવો પ્રદેશ છે.

    એ રશિયાની પૂર્વમાં સ્ટ્રેઇટ કર્ચ (સાંકડી જળમધ્યરેખા)થી છૂટો પડે છે. 2014ની શરૂઆતમાં, શીતયુદ્ધ પછી ક્રિમિયા પશ્ચિમ અને પૂર્વના સંકટનું કેન્દ્ર હતું.

    ત્યારે, પાટનગર કીવમાં હિંસક દેખાવો થયા પછી યુક્રેનના રશિયા સમર્થિત રાષ્ટ્રપતિ વિક્ટર યાનુકોવિચે સત્તા છોડી દેવી પડી હતી. ત્યાર બાદ રશિયાની સેનાએ ક્રિમિયાઈ દ્વીપકલ્પ અને વિસ્તારને પોતાના નિયંત્રણ હેઠળ લઈ લીધા હતા.

    ક્રિમિયામાં રશિયન બોલનારી વસતિ બહુમતીમાં છે, એમણે જનમત સંગ્રહ(સરવે)માં રશિયા સાથે જોડાવા માટે મત આપ્યો હતો. ક્રિમિયાને રશિયામાં ભેળવી દેવાય તેને યુક્રેન અને પશ્ચિમના દેશો ગેરબંધારણીય માને છે.

  17. શા માટે ભારત માટે યુક્રેન સંકટ પડકારજનક છે?, વિકાસ પાંડે, બીબીસી ન્યૂઝ, દિલ્હી

    યુક્રેન સંકટને લઇને પ્રતિક્રિયા આપવામાં ભારત અત્યાર સુધી સાવધ રહ્યું છે.

    ભારતે રશિયાની સ્પષ્ટ ટીકા કરી નથી, પરંતુ સતત આગ્રહ કરતું આવ્યું છે કે વાટાઘાટો દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવે.

    અમેરિકા અને યુરોપીયન દેશો ઇચ્છે છે કે, ભારત સ્પષ્ટ વલણ અપનાવે પરંતુ કેટલાક કારણોસર ભારત આમ કરી શકે તેમ નથી.

    એક તો, રશિયા સંરક્ષણ સાધનો માટે ભારતનું સૌથી મોટું સપ્લાયર છે અને બન્ને દેશો વચ્ચે સારા એવા સંબંધો પણ છે.

    આગામી દિવસોમાં પશ્ચિમી દેશો વધુ પ્રતિબંધો લાદે તો પક્ષ લેવા માટે ભારત પર દબાણ ઊભું થશે, પરંતુ જ્યારે પણ પક્ષ પસંદ કરવા માટે પ્રેરિત કરવામાં આવે ત્યારે ભારત તેની પ્રખ્યાત બિન-જોડાણ વ્યૂહરચના પર આધાર રાખે છે.

    ઝડપથી બદલાઈ રહેલી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ આ વખતે દિલ્હી માટે તટસ્થ રહેવાનું મુશ્કેલ બનાવી શકે છે. જો પશ્ચિમી દેશો દબાણ વધારશે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચુસ્ત રાજદ્વારી દોર પર ચાલવું પડશે.

    હાલની ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ આ વખતે ભારત માટે તટસ્થ રહેવાનું મુશ્કેલ બનાવી શકે છે. જો પશ્વિમી દેશો દબાણ વધારશે તો વડા પ્રધાન મોદીને કપરી પરિસ્થિતિમાં મૂકી શકે છે.

  18. યુક્રેનને લઇને રશિયાને આ દેશોએ આપ્યું સમર્થન

    છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલું યુક્રેન સંકટ હવે લગભગ યુદ્ધની સ્થિતિ સુધી પહોંચી ગયું છે. અમેરિકા, બ્રિટન જેવા દેશોનો દાવો છે કે 'યુદ્ધ શરુ થઇ ચૂક્યું છે.'

    રશિયાના વિદેશ મંત્રાલયે વિશ્વના અન્ય દેશોને વિનંતી કરી છે કે, તેઓ રશિયાના ઉદાહરણને ધ્યાનમાં રાખીને પૂર્વીય યુક્રેનમાં અલગતાવાદીઓના શાસનવાળા બે વિસ્તારો દોનેત્સ્ક અને લુહાનસ્કને માન્યતા આપે.

    પૂર્વીય યુક્રેનમાં સ્વઘોષિત પીપલ્સ રિપબ્લિક ઑફ દોનેત્સ્ક અને લુહાન્સ્ક રશિયા સમર્થિત વિદ્રોહીઓનું ઘર છે. આ વિદ્રોહીઓ 2014થી જ યુક્રેન સામે લડી રહ્યા છે.

    જોકે, રશિયાએ જે રીતે બે અલગતાવાદી ક્ષેત્રોને માન્યતા આપી છે, તે રીતે અન્ય દેશોએ માન્યતા આપી નથી.

    એક તરફ જ્યારે અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશો રશિયાની ટીકા કરી રહ્યા છે, ત્યારે રશિયાના સમર્થનમાં કેટલાક દેશો આવી રહ્યા છે.

    ક્યૂબાની કૉમ્યુનિસ્ટ સરકારે પશ્ચિમી દેશો પર યુદ્ધનો દુષ્પ્રચાર કરવા અને રશિયાને ટારગેટ કરવાનો આરોપ લગાવ્યો છે.

    ઉત્તર કોરિયાએ પણ રશિયાને લઇને અમેરિકા પર પહેલેથી આક્ષેપ કર્યા છે. ઉત્તર કોરિયાએ આ મહિનાની શરૂઆતમાં જ કહ્યું હતું કે, અમેરિકા ભાગલા પાડીને શત્રુતાપૂર્ણ રાજનીતિ અપનાવી રહ્યું છે.

    ઇરાની મીડિયા પણ યુક્રેન મામલે મૉસ્કોની કાર્યવાહી પ્રત્યે સહાનુભૂતિ દાખવી રહ્યું છે.

  19. યુપીમાં ખેડૂત આંદોલન વખતે જ્યાં પાંચ વ્યક્તિઓ મૃત્યુ પામી હતી તે લખીમપુર ખીરીમાં ચૂંટણીનો માહોલ કેવો છે?

    લખીમપુર ખીરીના શ્રીનગર મતવિસ્તારસ્થિત પીપરા મરોરા ગામમાં ચૂંટણીનો કેવો માહોલ છે? વધુ માહિતી આપી રહ્યા છે બીબીસી સંવાદદાતા રાઘવેન્દ્ર રાવ

  20. બ્રેકિંગ, યુક્રેન સરહદ પર સૈનિકોની સંખ્યા વધાર્યા બાદ પુતિને કહ્યું, 'પ્રામાણિક વાતચીત માટે રશિયા તૈયાર'

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે મૉસ્કો હજુ યુક્રેન સંકટના "રાજદ્વારી સમાધાન" માટે પશ્ચિમી દેશો સાથે વાત કરવા માટે તૈયાર છે- પરંતુ રશિયાનાં હિતો અને તેના નાગરિકોની સુરક્ષા અંગે કોઈ સમજૂતી શક્ય નથી.

    એક વીડિયો સંદેશમાં પુતિને કહ્યું કે તેઓ 'પ્રામાણિક વાતચીત' માટે હંમેશાં તૈયાર છે.

    તેમણે રશિયન સેનાની યુદ્ધ માટેની તૈયારીની સરાહના કરી અને કહ્યું કે તેઓ દેશનાં હિતો સાધવામાં સફળ થશે.

    રશિયન સેના યુક્રેનની સરહદ પર તહેનાત છે.

    યુએસની સ્પેસ ટેકનૉલૉજી કંપની મૅક્સર અનુસાર છેલ્લાં 24 કલાકની સૅટેલાઇટ તસવીરોમાં રશિયાના પશ્ચિમી મોરચે નવાં સૈન્યદળો અને સરંજામ દેખાયાં છે.

    બેલારુસમાં એક ઍરફીલ્ડ પર પણ 100 જેટલાં વાહનો તહેનાત છે, જે યુક્રેનની સરહદ પાસે સ્થિત છે.