ગુજરાત ભાજપ પ્રવાસી મજૂરોને યુપી જઈ પાર્ટીના ઉમેદવારોને વોટ આપવા માટે મનાવવામાં લાગ્યો
ગુજરાત ભાજપના ભાષા ભાષી સેલ દ્વારા રાજ્યમાં પ્રવાસી શ્રમિકોને ઉત્તર પ્રદેશ જઈને ભાજપના ઉમેદવારોને વોટ આપવા માટે મનાવવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ભાષા ભાષી સેલના રાજ્ય કન્વીનર રોહિત શર્માએ દાવો કર્યો કે "પ્રવાસીઓ પોતાની ઇચ્છાથી પોતાના ગૃહરાજ્ય જઈ રહ્યા છે. મંગળવારે યુપી જવા માટે ચાર બસો નીકળી હતી."
ભાષા ભાષી સેલ ગુજરાતમાં અનેક બેઠકો કરી રહી છે જેથી પ્રવાસીઓને યુપી જઈને ભાજપના ઉમેદવારોને વોટ આપવા માટે મનાવી શકાય. આ સેલે જામનગર, ભાવનગર, પોરબંદર અને અમદાવાદની મુલાકાત લેવાઈ છે અને મંગળવારથી દક્ષિણ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે.
ભાજપના મોરચાઓમાંથી એક ભાષા ભાષી સેલના 24 સભ્યો છે જેમાં એ કન્વીનર, બે કો-કન્વીનર અને 21 સભ્યો છે.
રોહિત શર્માએ જણાવ્યું કે, “આ સેલમાં ગુજરાતમાં રહેતા અન્ય રાજ્યોના લોકો સામેલ છે. જિલ્લા સ્તરે આ સેલમાં એક કન્વીનર અને સાત સભ્યો છે. અમે યુપીની ચૂંટણીમાં ગુજરાતથી બે લાખ લોકોને મોકલવાની યોજના બનાવી છે.”
આ સેલ દ્વારા નવસારી, ડાંગ, વાપી, તાપી, સુરત, નર્મદા જિલ્લામાં બેઠકો યોજવામાં આવી હતી.
રોહિત શર્માએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, “ વાપીની ફેકટરીઓમાં મોટી સંખ્યામાં યુપીના પ્રવાસી શ્રમિકો કામ કરે છે. મંગળવારે ચાર બસો વાપીથી નીકળી છે અને આવનારા દિવસોમાં વધુ લોકો યુપી જશે.“
તેઓ આગળ કહે છે કે, "નવસારી, વ્યારા, ડાંગમાં યોજાયેલી બેઠકોમાં સેંકડો લોકો સામેલ થયા છે. જે લોકો જવા માગે છે તે ભાષા ભાષી સેલમાં નામ નોંધાવી રહ્યા છે. લોકો પોતે પૈસા ખર્ચીને જઈ રહ્યા છે."
તેઓ કહે છે કે, "આવનારા દિવસોમાં અમે સુરતમાં બેઠકો કરશું જ્યાં મોટી સંખ્યામાં યુપીના લોકો રહે છે."
"અમારો ટાર્ગેટ છે કે ગુજરાતથી વધુમાં વધુ લોકોને યુપી મોકલીએ."