You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના સ્વાસ્થ્ય પર ભાજપના સવાલ પર શિવસેનાએ કેમ કરવી પડી સ્પષ્ટતા?
મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે અને મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે તેમાં ગેરહાજર રહેતા પ્રશ્નો ઊભા થયા છે.
લાઇવ કવરેજ
મુંબઈની લોકલ ટ્રેનમાં 'એક રૂપિયાવાળી અમારી રેખા'થી જાણીતાં કિન્નર કોણ છે?
હેડ ક્લાર્ક સહિતનાં કયાં-કયાં પેપર લીક થયાં, AAP નેતા મહેશ સવાણીએ ભાજપ સરકાર પર કર્યા આરોપ
આજનું કાર્ટૂન
મલેશિયામાં અત્યાર સુધીનું સૌથી ભયંકર પૂર
મલેશિયમાં અત્યાર સુધીનું સૌથી ભયાનક પૂર આવ્યું છે અને ભારે તબાહી સર્જાઈ છે.
નેતાઓ કૉમેડી અને કાર્ટૂનને કેમ પચાવી શકતાં નથી?
મહારાષ્ટ્રમાં ભાજપે ઉદ્ધવ ઠાકરેની તબિયત પર સવાલ કર્યો, શિવસેનાએ કહ્યું સ્વસ્થ છે સીએમ
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના સ્વાસ્થ્ય પર સવાલ ઉઠાવતા ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે "તેમણે તેમની જવાબદારી કોઈ અન્ય નેતાને સોંપવી જોઈએ."
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે વિધાનસભા સત્રમાં મુખ્ય મંત્રી હાજર ન રહે તે યોગ્ય નથી.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર ચંદ્રકાંત પાટીલે કહ્યું, "જો મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે વિધાનસભાના શિયાળુ સત્રમાં ભાગ ન લઈ શકતા હોય તો તેમણે કોઈ અન્યને જવાબદારી સોંપવી જોઈએ."
આજથી મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર શરૂ થઈ ગયું છે. શિયાળુ સત્ર નાગપુરમાં ચાલી રહ્યું છે પરંતુ આ વખતે તેનું આયોજન મુંબઈમાં થઈ રહ્યું છે અને તેનું કારણ મુખ્ય મંત્રી ઠાકરેની લથડેલી તબિયત જણાવવામાં આવી રહ્યું છે.
લગભગ એક મહિના પહેલા ઉદ્ધવ ઠાકરેની સર્જરી થઈ હતી. તે પછી તે જાહેરમાં જોવા મળ્યા નથી. વિપક્ષ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ અંગે સવાલો ઉઠાવી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં શિવસેના, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીની ગઠબંધન સરકાર છે.
'દીકરા આદિત્યને જવાબદારી સોંપશે'
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર ચંદ્રકાંત પાટીલે દાવો કર્યો કે ઉદ્ધવ ઠાકરેને સાથી પક્ષો પર વિશ્વાસ નથી.
ચંદ્રકાંત પાટીલે કહ્યું, “તેમને કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી ઉપર વિશ્વાસ નથી, કારણ કે જો તેમને પદ સોંપવામાં આવે તો તે પદ છોડશે નહીં. ઉદ્ધવ તેમના પુત્ર આદિત્ય ઠાકરેને જવાબદારી સોંપી શકે છે.
બીજી તરફ મહારાષ્ટ્ર સરકારના મંત્રી જયંત પાટીલે દાવો કર્યો છે કે મુખ્ય મંત્રીની તબિયત સારી છે.
જયંત પાટીલે કહ્યું, "મુખ્ય મંત્રી ઠાકરેની તબિયત સારી છે. તે ઘરેથી કામ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ વિધાનસભામાં આવી શકે છે.’’
શિવસેનાના નેતાઓએ એવો પણ દાવો કર્યો છે કે મુખ્યમંત્રીની તબિયત સારી છે અને આ બાબતે અટકળો લગાવવી યોગ્ય નથી.
Live : યુવતીઓ માટે લગ્નની વય 21 વર્ષ કરવા અંગે શું કહે છે મહિલાઓ?
સંસદનું શિયાળુ સત્ર નિર્ધારિત સમય કરતાં એક દિવસ પહેલાં પૂર્ણ થયું
29 નવેમ્બરે શરૂ થયેલા સંસદના શિયાળુ સત્રનો અંત આવી ગયો છે.
સંસદનાં બંને ગૃહોમાં 11 બિલ પસાર કરાયા પછી શિયાળુ સત્ર તેના નિર્ધારિત સમય કરતાં એક દિવસ પહેલાં સમાપ્ત થયું છે.
સંસદના અગાઉના સત્રમાં 12 રાજ્ય સભા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેના પર કોઈ નિર્ણય હજી આવ્યો નથી.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ સરકારે સંસદના શિયાળુ સત્રને ઉત્પાદક ગણાવ્યું. કેન્દ્ર સરકારે વિપક્ષની "વિક્ષેપની રણનીતિ" છતાં શિયાળુ સત્ર લોકસભામાં 82 ટકા અને રાજ્યસભામાં 48 ટકા ઉત્પાદક રહ્યું હોવાનો દાવો કર્યો છે.
સંસદીય બાબતોના મંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું કે 24 દિવસમાં સંસદની 18 બેઠકો મળી.
શિયાળુ સત્રમાં 13 બિલ ( લોકસભામાં 12 અને રાજ્યસભામાં એક) બિલ રજૂ કરવામાં આવ્યા હતા. સંસદનાં બને ગૃહોમાં 11 બિલ પસાર કરવામાં આવ્યા હતા.
આ બિલમાં ત્રણ કૃષિકાયદા પાછા ખેંચવા અંગેનું બિલ, ડૅમ સેફ્ટી બિલ, આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનૉલૉજી (રેગ્યુલેશન્સ) બિલ, સરોગેસી (રેગ્યુલેશન) બિલ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જજીઝ (સેલેરીઝ ઍન્ડ કન્ડીશન્સ ઑફ સર્વિસ) અમેન્ડમેન્ટ બિલ, ધ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (અમેન્ડમેન્ટ) બિલ, સેન્ટ્ર્લ વિજિલેન્સ કમિશન (અમેન્ડમેન્ટ) બિલ અને ચૂંટણી સુધાર સંબંધી બિલનો સમાવેશ થાય છે.
વિપક્ષે સરકાર પર વિવિધ બિલો પર યોગ્ય રીતે ચર્ચા ન કરાવવાનો આરોપ મૂક્યો હતો.
તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયા હતા.
તેમણે કહ્યું કે "સંસદનું સત્ર પૂર્ણ થઈ રહ્યું છે, જેનો દરેક દિવસ સરકારે વેળફી નાખ્યો, સરકાર હવે પ્રેસ વાર્તાઓ કરીને લોકશાહીની ઠંડે કાળજે કરેલી હત્યાને યોગ્ય ઠેરવશે. જ્યારે વિપક્ષને બોલવાનો વારો મળ્યો ત્યારે અને સરકારને નિયમાવલીની માસ્ટર ક્લાસ આપ્યો."
રવિ શાસ્ત્રીએ કુલદીપ યાદવ માટે એવું શું કહ્યું કે અશ્વિન સંન્યાસ લેવા વિશે વિચારવા લાગ્યા
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કુલદીપ યાદવ વિશે કરેલી ટિપ્પણીથી ભારતીય સ્પિનર આ રઅશ્વિનને ઘણી હતાશા થઈ હતી, તેમણે કહ્યું કે તેઓ એટલી હદે હતાશ થયા હતા કે તેઓ સંન્યાસ લેવા વિશે વિચારવા લાગ્યા હતા.
દક્ષિણ આફ્રિકાની સામે ટેસ્ટ સિરીઝ શરૂ થઈ તેના કેટલાક દિવસ પહેલાં ટેસ્ટ મૅચોમાં ભારત માટે અનિલ કુંબલે પછી સૌથી વધારે વિકેટ લેનાર બૉલર રવિચંદ્રન અશ્વિને એક ઇન્ટરવ્યૂ આપ્યો જેની ઘણી ચર્ચા છે.
તેમણે આ ઇન્ટરવ્યૂએ ફરી એક વાર ભારતીય ટીમની અંદર શું ચાલી રહ્યું છે તે અંગેની અટકળોને મજબૂતી આપી છે.
અશ્વિને ક્રિકેટ વેબસાઇટ 'ઈએસપીએન ક્રિકઇન્ફો'ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે કેટલાક વર્ષો પહેલાં રવિ શાસ્ત્રી એક એવી ટિપ્પણી કરી કે તેના તેમને લાગ્યું કે 'તેમને બસની નીચે ફેંકી દેવામાં આવ્યા હોય'.
અશ્વિન મુજબ આ વિચારો પાછળ કેટલાંક કારણો હતાં અને તેમાંથી એક હતું કે તેમને લાગતું હતું કે ટીમ માટે કેટલીય મૅચ જીત્યા પછી પણ મુશ્કેલીના સમયમાં કોઈ તેમની સાથે નથી.
રવિ શાસ્ત્રીની ટિપ્પણી જેનાથી 'અશ્વિનને ધક્કો લાગ્યો'
અશ્વિને ઈએસપીએન ક્રિકઇન્ફોને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાના કૅરિયર અને ઉપલબ્ધિઓ સાથે જોડાયેલા કેટલાક મુદ્દા પર વાત કરી હતી.
આ ઇન્ટરવ્યૂમાં તેમણે કુલદીપને લઈને રવિ શાસ્ત્રીની એક ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી.
શાસ્ત્રીએ 2019ના સિડની ટેસ્ટમાં પાંચ વિકેટ લેનાર કુલદીપ યાદવને વિદેશી જમીન પર ભારતના નંબર 1 સ્પિન કહ્યા હતા. આ મૅચ ડ્રૉ રહી હતી પરંતુ ભારત આ સિરીઝ 2-1થી જીતી ગયું હતું.
અશ્વિને હવે કહ્યું કે તેઓ 'કુલદીપ માટે ખુશ હતા' પરંતુ શાસ્ત્રીની આ ટિપ્પણીથી 'તેમને લાગ્યું કે તેઓ જમીનદોસ્ત થઈ ગયા હોય'.
તેમણે કહ્યું કે, '' હું રવિ ભાઈનું ખાસું સન્માન કરું છે. અમે બધાં તેમનું સન્માન કરીએ છીએ. હું જાણું છું કે બધાં પોતાની વાત કહી શકે છે અને પછી પાછી પણ ખેંચી શકે ચે પરંતુ એક પળ એવું લાગ્યું કે મને કચડી નાખવામાં આવ્યો હોય અને હું જમીનદોસ્ત થઈ ગયો છું."
તેમણે કહ્યું કે, " અમે બધા એ વાત કહીએ છીએ કે ટીમના સાથીની સફળતાની ઉજવણી કેટલી મહત્ત્વપૂર્ણ છે. હું કુલદીપ માટે ખુશ છું. હું પાંચ વિકેટ લેવામાં સફળ થયો નહોતો પરંતુ તેમણે ઑસ્ટ્રેલિયામાં પાંચ વિકેટ લીધી હતી.મને ખબર હતી કે આ કેટલી માટી વાત છે."
અશ્વિને આગળ કહ્યું કે, "પરંતુ, જો મારે તેમની અને ટીમની ખુશીમાં સામેલ થવું હોય તો મને લાગવું જોઈએ કે હું અહીંનો જ એક ભાગ છું. જો મને એમ લાગે કે મને નીચે ફેંકી દેવામાં આવ્યો છે તો મારી પાસે પાર્ટીમાં આવીને પછી ટીમની સાથે સફળતાની ઉજવણી કરવાની આશા કેવી રીતે રાખી શકાય."
તેમણે આગળ કહ્યું, "હું મારા રૂમમાં આવ્યો અને મારાં પત્ની સાથે વાત કરી. મારાં બાળકો પણ હતાં. અને પછી અમે આ વાતને પાછળ મૂકીને આગળ વધી શક્યાં. હું ત્યાર બાદ પાર્ટીમાં પણ સામેલ થયો. આખરે અમે એક મોટી સિરીઝ જીતી હતી."
આર અશ્વિને ટેસ્ટ મૅચમાં ભારત માટે 427 વિકેટ લીધી હતી. ટેસ્ટ મૅચોમાં તેઓ ભારતના બીજા નંબરના સૌથી સફળ સ્પિનર છે. તેમનાથી વધારે વિકેટ માત્ર અનિલ કુંબલેએ લીધી છે. કુંબલેએ 619 વિકેટ લીધી છે.
પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં ભારતના ભરોસાપાત્ર સ્પિનર માનવામાં આવતા અશ્વિનને 2017માં ટી-20 ટીમમાંથી બહાર કરાયા હતા.
ગુજરાત સરકારને કોના દબાણ હેઠળ પરીક્ષા રદ કરવી પડી?
હેડ ક્લાર્ક પેપર લીક : અસિત વોરાને હઠાવવાની માગ સાથે આમરણ અનશન કરી રહેલા આપ નેતાઓની અટકાયત
ગુજરાતમાં હેડ ક્લાર્ક પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ચૅરમૅન અસિત વોરાને પદ પરથી હઠાવવા અને પરીક્ષાર્થીઓને વળતર ચૂકવવાની માગ સાથે આમરણ અનશન શરૂ કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતાઓની અમદાવાદમાં અટકાયત કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના પ્રભારી અને દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવ અને મહેશ સવાણી બુધવારથી આમરણ ઉપવાસ શરૂ કરી રહ્યા હતા.
જોકે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે અમદાવાદમાં ગાંધી આશ્રમ કલેક્ટર કચેરી ખાતે પાર્ટીના પાંચ નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.
આપ ગુજરાતના મહાસચિવ સાગર રબારીએ કહ્યું કે આપના નેતાઓ ગુલાબસિંહ યાદવ, મહેશભાઈ સવાણી, ભેમાભાઈ ચૌધરી, મનોજભાઈ સોરઠિયાની રાણીપ પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે. તેમને ગુજરાતના યુવાનોને ન્યાય મળે તે માટે શાંતિપૂર્વક ઉપવાસ કરતા અટકાવ્યા છે.
આપે માગ કરી છે કે 'હેડ ક્લાર્ડ પરીક્ષામાં પેપર લીક કેસમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચૅરમૅન અસિત વોરાને પદ પરથી હઠાવવા જોઈએ અને તેમની જગ્યાએ એક નિષ્પક્ષ તથા પ્રમાણિક આઈએએસ અધિકારીની નિમણૂક કરવામાં આવે.'
આપે તેમના સહિત તમામ આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરી છે.
આપનો આરોપ છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાઓમાં પેપર ફૂટવાની આ લગભગ નવમી ઘટના છે.
તે સિવાય આપની માગ છે કે અગાઉના પેપર લીકને કારણે રદ થયેલી પરીક્ષાઓ સહિતના તમામ પરીક્ષાર્થીઓને ખર્ચ અને મહેનતનાં વળતર રૂપે રૂપિયા 50,000 ચૂકવવામાં આવે.
સોની અને ઝીનું મર્જર, કેવું હશે નવી કંપનીનું સ્વરૂપ?
સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇંડિયા પ્રાઇવેટ લિમિટેડ (SPNI) અને ઝી એન્ટરટેનમેન્ટ ઇંટરપ્રાઇઝ લિમિટેડ (ZEEL) એ વિલય પર હસ્તાક્ષર કર્યા છે.
સમાચાર સંસ્થા પીટીઆઈ મુજબ એક સંયુક્ત નિવેદનમાં બંને કંપનીઓએ કહ્યું છે કે લાંબી વાતચીત અને પરસ્પર વિચાર વિમર્શ પછી આ સમજૂતી થઈ છે.
નિવેદન અનુસાર બંને કંપનીઓએ પોતાના લિનિયર નેટવર્ક્સ, ડિજિટલ એસેટ્સ, પ્રોડક્શન ઑપરેશન અને પ્રોગ્રામ લાઇબ્રેરીઝનુું એકીકરણ કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
આ વર્ષે સપ્ટેમ્બરમાં બંને કંપનીઓએ સમજૂતી માટે ચાલી રહેલી વાતચીત વિશે માહિતી આપી હતી.
તે સમયે કહેવામાં આવ્યું હતું કે સોની આમાં 1.575 અબજ ડૉલરનું રોકાણ કરશે અને વિલય પછી બંને કંપનીઓની 52.93 ટકા ભાગીદારી રહેશે. પરંતુ અત્યાર સુધી થયેલા કરાર મુજબ સોની પાસે લગભગ 51 ટકા અને ઝીના સંસ્થાપક પાસે લગભગ ચાર ટકા ભાગીદારી રહેશે.
બાકી ભાગીદારી ZEELના શૅરહોલ્ડર્સ પાસે રહેશે. ઝીના પુનીત ગોયંકાને વિલય પછી બનનારી કંપનીના સીઈઓ બનાવવામાં આવ્યા છે.
નવી કંપનીના બોર્ડમાં કોણ સામેલ થશે તે નિર્ણય સોની કરશે.આમાં SPNIના સીઈઓ એનપી સિંહ પણ સામેલ થશે.
તેઓ આ બોર્ડમાં સોની પિક્ચર્સ ઇંડિયાના સીઈઓ તરીકે સામેલ થશે. નવી કંપનીની પાસે સોની મૅક્સ અને ઝી ટીવીની સાથે-સાથે સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ્સ ઝી5 અને સોની લિવની માલિકી રહેશે.
ગુજરાતમાં સરકારી નોકરીઓની પરીક્ષાપદ્ધતિમાં ફેરફારની જરૂર છે? તમે શું કહેશો
ચીનમાંથી સંપૂર્ણ રીતે સચવાયેલું ડાયનાસોરનું ભ્રૂણ મળી આવ્યું
વૈજ્ઞાનિકોએ એક ડાયનાસોરના સંપૂર્ણ રીતે સચવાયેલ ભ્રૂણની શોધની જાહેરાત કરી છે. આ ભ્રૂણ તેના ઇંડામાંથી મરઘીની જેમ જ બહાર આવવાની તૈયારી કરી રહ્યું હતું.
આ ભ્રૂણ દક્ષિણ ચીનના ગાંઝોઉમાં મળી આવ્યું હતું અને સંશોધકોનો અંદાજ છે કે તે ઓછામાં ઓછું 66 મિલિયન વર્ષ જૂનું છે.
તે દાંત રહિત થેરોપૉડ ડાયનાસોર અથવા ઓવિરૅપ્ટોરોસૉર હોવાનું માનવામાં આવે છે અને તેનું નામ બેબી યિંગલિયાંગ રાખવામાં આવ્યું છે.
સંશોધક ડૉ. ફિઓન વૈસુમ માએ જણાવ્યું હતું કે તે "ઇતિહાસમાં જોવા મળેલ સર્વશ્રેષ્ઠ ડાયનાસોર ભ્રૂણ છે."
ઓવિરૅપ્ટોરોસૉર‘ઇંડા ચોર ગરોળી’ તરીકે ઓળખાતા પીંછાવાળા ડાયનાસોર હતા. જે 66થી 100 મિલિયન વર્ષ પહેલા હાલના એશિયા અને ઉત્તર અમેરિકામાં રહેતા હતા.
આપ : જેને 'બી ટીમ' કહેવામાં આવી એ આગામી ચૂંટણીમાં ભાજપના જ મત તોડશે?
પાછલા બે દિવસની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના નેતાઓએ આ સમગ્ર મામલે ગુજરાતમાં સત્તા પક્ષ ભાજપ પર અસલ આરોપીઓને બચાવવાથી માંડીને જાતભાતના આરોપ કર્યા છે.
તેમાં પણ સોમવારે તો ગુજરાત આપના ટોચના નેતાઓ દ્વારા ભાજપના ગુજરાત મુખ્યાલય 'કમલમ્'નો ઘેરાવ કરાતાં મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.
ગુજરાતમાં અગાઉ યોજાયેલી જિલ્લા-તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓનાં પરિણામોમાં સુરત મહાનગરપાલિકામાં જ્યારે આપના ઉમેદવારોએ સારું પ્રદર્શન કર્યું ત્યારે ઘણા રાજકીય વિશ્લેષકોએ તેને ભાજપ દ્વારા જ કૉંગ્રેસતરફી મત રોકવા માટે ઊભી કરાયેલી પાર્ટી ગણાવી, તેનો ત્રીજા મોરચા તરીકે સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો હતો.
પરંતુ પાછલા અમુક દિવસોની પ્રવૃત્તિઓ પર નજર કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના નેતાઓ 'ભાજપની બી ટીમ' હોવાના આ આક્ષેપ સામે મજબૂત પડકાર ઊભો કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. પછી ભલે તે પેપરલીક કૌભાંડ બહાર પાડવાની વાત હોય કે 'કમલમ્'ના ઘેરાવની.
તાજેતરની રાજકીય પ્રવૃત્તિઓને જોતાં હવે એવી પણ ચર્ચા થવા લાગી છે કે હવે આપ ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જ નડી શકે છે.
મ્યાનમારમાં ભૂસ્ખલનમાં એક વ્યક્તિનું મૃત્યુ અને 70 લાપતા
મ્યાનમારમાં ભૂસ્ખલનમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 70 લોકો લાપતા છે.
ઉત્તરી મ્યાનમારમાં એક ખાણમાં ભૂસ્ખલન થતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
જેડ પથ્થરની ગેરકાયદેસર ખાણમાં કામ કરતા લોકો ફસાયેલા હોવાનું કહેવાઈ રહ્યું છે.
કાચિન રાજ્યમાં બુધવારે સવારે ચાર વાગ્યે ભૂસ્ખલન થયું હતું.
મ્યાનમાર દુનિયામાં જેડનો સૌથી મોટો સ્રોત છે પરંતુ અહીંની ખાણોમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં અનેક દુર્ઘટનાઓ થઈ છે.
જ્યાં દુર્ઘટના થઈ તે હ્પાકાંતમાં જેડના ખનન પર પ્રતિબંધ છે પરંતુ બેરોજગારી તથા કોરોનાને કારણે આર્થિક મુશ્કેલીઓ વધતાં સ્થાનિક લોકો નિયમોનું ઉલ્લંઘન કરતા હોય છે.
2020માં 160થી વધારે લોકો જેમાં મોટા ભાગના લોકો પ્રવાસી મજૂર હતા તેઓ આ વિસ્તારમાં જ ખાણમાંથી નીકળેલા પદાર્થો તળાવમાં ધસી પડતા મૃત્યુ પામ્યા હતા.
2018માં નવો જેમ સ્ટોન માઇનિંગ કાયજો પસાર થયો હતો પરંતુ ટીકાકારોનું કહેવું છે કે ખૂબ ઓછા નિરીક્ષકો મર્યાદિત અધિકારો સાથે ગેરકાયદેસર ખનનને રોકવાનું કામ કરે છે.
મ્યાનમારનો જેડનો વેપાર અનુમાન અનુસાર વાર્ષિક 30 અબજ ડૉલરનો છે. આ વિસ્તારમાં જેડ પથ્થરની સૌથી મોટી ખાણો આવેલી છે.
વાંદરાઓએ બદલો લેવા 200 ગલુડિયાઓને મારી નાખ્યાં? શું છે હકીકત?
મહારાષ્ટ્રના મરાઠવાડાના માજલગાંવ નજીકનું લવુલ ગામ છેલ્લા એક અઠવાડિયાથી દુનિયાભરમાં ચર્ચામાં છે. તેનું કારણ છે, વાંદરા અને કૂતરા વચ્ચેના સંઘર્ષના સમાચાર.
વાંદરા અને કૂતરા વચ્ચેના સંઘર્ષના સમાચારમાં ઘણા દાવા કરવામાં આવ્યા હતા. વાંદરાઓએ કૂતરાઓના 200 બચ્ચાંઓને મારી નાખ્યાં હોવાનું પણ ઘણા સમાચારમાં જણાવવામાં આવ્યું હતું.
જોકે, બીબીસી મરાઠીએ લવુલ ગામની મુલાકાત લીધી અને દાવાઓની હકીકત તપાસી ત્યારે થોડું અલગ ચિત્ર બહાર આવ્યું હતું.
ગુજરાતમાં મહિલાએ ગલૂડિયાંનું નામ સોનુ રાખતા પાડોશીઓએ જીવતાં સળગાવ્યાં
એક મહિલાએ પોતાના ગલૂડિયાંનું નામ સોનુ રાખ્યું હતું. તેના પાડોશીની પત્નીનું નામ પણ તે જ હોવાથી પાડોશીઓએ મહિલાને જીવતાં સળગાવી દીધાં હતાં.
હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, આ કિસ્સો ભાવનગરના પાલિતાણામાં સોમવારે બપોરે બન્યો હતો.
ભોગ બનનાર નીતા સરવૈયા ગંભીર રીતે દાઝી ગયાંં હોવાથી તેમની સરકારી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
અહેવાલમાં જણાવ્યા પ્રમાણે તેમના પડોશમાં રહેતા સુરાભાઈ ભરવાડે તેમના પર આરોપ લગાવ્યો હતો કે તેમણે પોતાના ગલૂડિયાંનું નામ તેમની પત્નીના નામ પરથી રાખ્યું છે.
આ આરોપો સાથે ઉશ્કેરાયેલા સુરાભાઈ સોમવારે બપોરે અન્ય પાંચ લોકો સાથે નીતાના ઘરે આવી પહોંચ્યા હતા અને તેમના પર કેરોસીન છાંટીને આગ લગાવી દીધી હતી.
અમદાવાદમાં નિર્માણાધીન બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો, કોઈને ઈજા નહીં
મંગળવાર રાત્રે ગુજરાતના અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર એક નિર્માણાધીન બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.