સુરતમાં ઓમિક્રૉનનો પ્રથમ કેસ આવતાં 100ના ટેસ્ટ કરાયા, બીજી લહેર વખતે સર્જાઈ હતી ભયાવહ સ્થિતિ, ટીમ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં કોરોના વાઇરસના ઓમિક્રૉન વૅરિયન્ટનો વધુ એક કેસ નોંધાયો છે. સુરતમાં રહેતા હીરાવેપારી દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા હતા અને તેઓ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે.
અત્યાર સુધી ગુજરાતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના ત્રણ કેસ નોંધાયા હતા અને આ ત્રણેય કેસ જામનગરમાં નોંધાયા હતા.
જે બાદ ચોથો કેસ સુરતમાં નોંધાયો છે અને તે 44 વર્ષીય હીરાવેપારી છે.
ઍરપૉર્ટ પર કોરોના ટેસ્ટ કરાયો હતો અને તેમનો રિપોર્ટ નૅગેટિવ આવ્યો હતો. જોકે ઘરે પહોંચ્યા બાદ આ હીરાવેપારીની તબિયત બગડી હતી, જે બાદ તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને તેઓ ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું.
આ 42 વર્ષીય હીરાવેપારી ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકાથી સુરત પરત ફર્યા હતા.
સંપર્કમાં આવેલા 100 લોકોના ટેસ્ટ કરાયા
સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ બીબીસીના સંવાદદાતા દિપલકુમાર શાહ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ”આ દર્દીની હાલત સ્થિર છે અને તેમની સારવાર ચાલી રહી છે.”
કમિશનર પાનીએ કહ્યું કે તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતાં જ ગુજરાત સરકારની જિનોમ સિક્વન્સિંગ લૅબમાં તેમના સૅમ્પલ મોકલવામાં આવ્યા હતા અને તેઓ ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત હોવાનું બહાર આવ્યું હતું.
આ રિપોર્ટ મળતાં જ તેમના સંપર્કમાં આવેલા તેમના પરિવારજનો, મિત્રો અને હૉસ્પિટલના સ્ટાફ સહિતના લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત તેમનાં બાળકો શાળાએ જતાં હોવાથી સ્કૂલના પણ અન્ય લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ દર્દીના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં આવેલા 100 જેટલા લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
સુરતમાં કોરોનાની સ્થિતિ
સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન પ્રમાણે રવિવારે સુરત શહેરમાં કોરોના વાઇરસના સંક્રમણના આઠ નવા કેસ નોંધાયા હતા, એ અગાઉ શનિવારે 11 કેસ નોંધાયા હતા.
આ સાથે જ સુરત જિલ્લાના વલસાડ અને નવસારીમાં કુલ ત્રણ નવા કેસ નોંધાયા હતા.
શનિવારે સુરતમાં એક આઠ વર્ષીય બાળક પણ કોરોના વાઇરસથી સંક્રમિત થયું હતું.
અહેવાલો પ્રમાણે આ બાળકના પરિવારજનો પણ પહેલાં સંક્રમિત થયા હતા અને તેઓ જે ઍપાર્ટમૅન્ટ રહે છે, એ ઍપાર્ટમૅન્ટમાં એક અઠવાડિયા દરમિયાન નવ કેસ નોંધાયા છે.
વધુ એક કેસ આવ્યા બાદ આ ઍપાર્ટમૅન્ટને ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યું હતું.







