You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, હર્ષ સંઘવી સહિત કોને કયું ખાતું મળ્યું?

મંત્રીમંડળમાં મુકેશ પટેલ, નિમિષા સુથાર, કુબેર ડિંડોર, અરવિંદ રૈયાણી, કીર્તિ વાઘેલાના રાજયકક્ષાના મંત્રી તરીકે એકસાથે શપથ, 10 કૅબિનેટ, 5 રાજ્યકક્ષાના શપથ પૂર્ણ

લાઇવ કવરેજ

  1. આજે 4.30 વાગ્યે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રથમ કૅબિનેટ બેઠક

    ગુજરાત મુખ્ય મંત્રી કાર્યાલય તરફથી માહિતી આપવામાં આવી છે કે નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવા મંત્રીમંડળની કૅબિનેટ બેઠક આજે 4.30 વાગ્યે યોજાશે

  2. હાર્દિક પટેલનું ભાજપના નેતાઓને કૉંગ્રેસનો હાથ પકડવા આમંત્રણ, શું કહ્યું?

    ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી અપનાવીને જૂના મંત્રીઓને રજા અપાઈ હોવાની ચર્ચા છે, ત્યારે ગુજરાત કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે કહ્યું કે જનતા પણ ભાજપ માટે આવનારી ચૂંટણીમાં નો રિપીટ થિયરી અપનાવશે.

    તેમણે એમ પણ કહ્યું કે ભાજપના જૂના મંત્રીઓ તથા નીતિન પટેલ જો વિપક્ષનો હાથ પકડવા તૈયાર હોય તો તેમનું સ્વાગત છે.

    ગુજરાત કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલે જામનગરમાં ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની શપથવિધિ અંગે કહ્યું કે ભાજપ જે રીતે ગુજરાતમાં કામ કરી રહ્યો છે, તેને જોતાં એવું લાગી રહ્યું છે કે હવે ભાજપ પાસે નેતાઓ નથી.

    તેમણે કહ્યું કે ભાજપે ‘નો રિપીટ થિયરી’ના નામે મંત્રીઓનાં પત્તાં કાપ્યાં છે પણ ગુજરાતની જનતાએ ભાજપ માટે નો રિપીટ થિયરી અપનાવવાનું નક્કી કર્યું છે.

    તેમણે વધુમાં કહ્યું કે સારા મંત્રીઓને કાપીને નવા મંત્રીઓ લાવીને ભાજપ લોકોને ગુમરાહ કરી રહ્યો છે.

  3. બ્રેકિંગ, પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી

    ભૂપેન્દ્ર પટેલની સરકારની નવી કૅબિનેટની શપથવિધિ શરૂ થવાની તૈયારી છે, ત્યારે ભાજપના નારાજ ધારાસભ્યો બહાર આવી રહ્યા છે.

    ભાજપના સંસદસભ્ય મનસુખ વસાવાએ પોતાની નારાજગી વ્યક્ત કરતાં આ ટ્વીટ કર્યું છે.

  4. ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની આજે શપથવિધિ, ક્યા સમાજને મળશે કેટલું સ્થાન?

  5. શપથવિધિ પહેલાં કેવો છે માહોલ

    ગાંધીનગર ખાતે ભૂપેન્દ્ર પટેલની નવી કૅબિનેટની શપથવિધિ પહેલાં ત્યાં કેવો છે માહોલ.

    જુઓ બીબીસી ગુજરાતીના સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાનું FB Live.

  6. 'મને નો રિપીટ થિયરી પર ભરોસો છે' - ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલ

    ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલે કહ્યું છે કે મારી કૅબિનેટ મંત્રી બનવાની મહત્ત્વાકાંક્ષા પૂરી થઈ રહી છે, એ જોઈને મને ખુશી થઈ છે.

    તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે સો ટકા સાચો નિર્ણય કર્યો છે.

    સમાચાર સંસ્થા એએનઆઈ સાથેની વાતચીતમાં જામનગરથી ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલે આ વાત કરી હતી.

    જોકે ભાજપ દ્વારા આધિકૃત રીતે હજી સુધી મંત્રીમંડળના સભ્યોનાં નામની જાહેરાત કરવામાં આવી નથી.

  7. બ્રેકિંગ, ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીનું રાજીનામું

    ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી નવી સરકારના મંત્રીમંડળની શપથવિધિના ગણતરીના કલાકો પહેલાં ગુજરાત વિધાનસભાના સ્પીકર પદેથી રાજેન્દ્ર ત્રિવેદીએ રાજીનામું આપ્યું છે.

    સમાચાર સંસ્થા એએનઆઈએ આ અંગે માહિતી આપી છે.

  8. પટેલ પૉલિટિક્સથી ભાજપ સફળ નહીં થઈ શકે - હાર્દિક પટેલ

    કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે ભૂપેન્દ્ર પટેલને મુખ્ય મંત્રી બનાવવા સંદર્ભે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું છે કે "ભાજપ પટેલ પૉલિટિક્સ કરીને સફળ નહીં થાય."

    આ સાથે જ તેમણે કહ્યું છે કે, "ગુજરાતમાં છ કરોડની જનસંખ્યા છે. જો મુખ્ય મંત્રી તમામ વર્ગોનું ભલું ન કરી શકે, તો એક સમાજનું શું કરશે?"

    હાર્દિક પટેલની આ ટિપ્પણી અંગે ફેસબુક પર લોકો શું કહી રહ્યા છે, વાંચો અહીં.

  9. બ્રેકિંગ, ધારાસભ્ય નરેશ પટેલે કહ્યું 'મને સી.આર.પાટીલનો ફોન આવ્યો'

    ભાજપના ધારાસભ્ય નરેશ પટેલને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની નવા કૅબિનેટમાં સ્થાન મળ્યું હોવાનો દાવો મીડિયામાં અને સમાચાર એજન્સીઓ દ્વારા કરાઈ રહ્યો છે.

    સમાચાર સંસ્થા એએનઆઈ સાથેની વાતચીતમાં નરેશ પટેલે કહ્યું કે "મને થોડી વાર પહેલાં ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલેનો ફોન આવ્યો હતો."

    "હું નરેન્દ્ર મોદી, અમિત શાહ, જે. પી. નડ્ડાનો મને કૅબિનેટમાં સમાવવા માટે આભાર વ્યક્ત કરું છું."

  10. બ્રેકિંગ, ધારાસભ્યોને મંત્રીપદ માટે ફોન આવ્યા

    ગુજરાતની ન્યૂઝ ચેનલોના અહેવાલો પ્રમાણે રાજ્યના કેટલાક ધારાસભ્યોને મંત્રીપદ આપવા સંદર્ભે ફોન કરવામાં આવ્યા છે.

    કેટલાક ધારાસભ્યોએ ચેનલ સાથે વાત કરતાં આ અંગે ખરાઈ પણ કરી છે.

    જોકે નવી કૅબિનેટની હજી સુધી કોઈ અધિકૃત યાદી જાહેર કરવામાં આવી નથી.

  11. 'મને આગલા દિવસે ખબર પડી કે રાજીનામું આપવાનું છે' - વિજય રૂપાણી

    વિજય રૂપાણીએ અચાનક રાજીનામું કેમ આપવું પડ્યું?

    તેઓ હવે શું કરવા માગે છે? તેમને ક્યારે જાણ થઈ કે રાજીનામું આપવાનું છે?

    વિજય રૂપાણીએ જ આપ્યા આ પ્રશ્નોના જવાબ.

  12. રૂપાણી સરકારની કૅબિનેટમાં કોણ-કોણ હતું?

    • નીતિન પટેલ (નાયબ મુખ્ય મંત્રી, આરોગ્ય, નાણા, નર્મદા અને કલ્પસર, માર્ગનિર્માણ), આરસી ફળદુ (કૃષિ, મત્સ્ય, પરિવહન, ગ્રામીણ વિકાસ)
    • ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (શિક્ષણ, ન્યાય, સંસદીય બાબતો, નાગરિક ઉડ્ડયન, મીઠું)
    • કૌશિક પટેલ (મહેસૂલ)
    • સૌરભ પટેલ (ઊર્જા)
    • ગણપતભાઈ વસાવા (આદિવાસી, જંગલ, ગ્રામ્ય, મહિલા અને બાળકલ્યાણ)
    • જયેશ રાદડિયા (ખાદ્યાન્ન અને નાગરિક પુરવઠા)
    • દિલીપ ઠાકોર (શ્રમ અને રોજગાર, યાત્રાધામવિકાસ)
    • ઈશ્વરભાઈ પરમાર (સામાજિક ન્યાય અને સશક્તીકરણ)
    • કુંવરજી બાવળિયા (પશુપાલન, ગ્રામીણ વિકાસ અને જળસંશાધન)
    • જવહાર ચાવડા (મત્સ્ય અને પર્યટન) મંત્રી હતા.

    આમ મુખ્ય મંત્રી સહિત 12 કૅબિનેટ દરજ્જાના મંત્રી હતા. જેમાંથી પાંચ પાટીદાર હતા, જ્યારે કુલ સાત સવર્ણ કૅબિનેટ મંત્રી હતા.

    અનુસૂચિત જનજાતિ તથા અનુસૂચિત જાતિના એક-એક તથા અન્ય પછાત વર્ગના ત્રણ મંત્રી હતા.

  13. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નાયબ મુખ્ય મંત્રી કોણ? સૌનો સવાલ

    ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રીપદ પરથી શનિવારે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું, એ સાથે કૅબિનેટના તમામ સભ્યોએ પણ રાજીનામાં આપી દીધાં હતાં.

    હવે નવી કૅબિનેટનું ગઠન થાય, ત્યારે કેટલાંક પદો પર ખાસ નજર રહેશે.

    સૌથી પહેલો પ્રશ્ન એ રહેશે કે નાયબ મુખ્ય મંત્રી કોને બનાવવામાં આવે છે.

    નીતિન પટેલ અત્યાર સુધી ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી હતા, હવે તેમને ફરીથી પદ સોંપવામાં આવે છે કે કોઈ નવા ચહેરાને ભાજપ લઈ આવે છે, એ જોવાનું રહેશે.

    રાજકીય વિશ્લેષકો ટીવી ચેનલોની ડિબેટમાં એવી શક્યતા વ્યક્ત કરતા હતા કે આ વખતે બે નાયબ મુખ્ય મંત્રીની પસંદગી કરાય, એવી શક્યતા છે.

    જ્ઞાતિગત સમીકરણની દૃષ્ટિએ શક્યતા એવી પણ છે કે મુખ્ય મંત્રીનું પદ પાટીદારને આપ્યું છે, તો નાયબ મુખ્ય મંત્રીનું પદ કોઈ બિનપાટીદાર જ્ઞાતિમાંથી આવતી વ્યક્તિને આપવામાં આવી શકે છે.

  14. બીબીસી ન્યૂઝ ગુજરાતીના લાઇવ પેજમાં સૌનું સ્વાગત છે.

    ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી નવી સરકાર અને તેમના મંત્રીમંડળની શપથવિધિ અંગેની પળેપળની અપડેટ્સ માટે જોડાયેલા રહો.