You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ભૂપેન્દ્ર પટેલ : ફરી પાટીદાર ગુજરાતના નવા મુખ્ય મંત્રી બનતાં હાર્દિક પટેલે શું કહ્યું?

ગુજરાતના મુખ્ય મંત્રીપદેથી વિજય રૂપાણીએ કાલે રાજ્યપાલને મળીને રાજીનામું આપ્યું હતું અને ભાજપનો આભાર માન્યો હતો.

લાઇવ કવરેજ

  1. ગુજરાતને નરેન્દ્ર મોદીનો વિકલ્પ હજુ સુધી નથી મળ્યો?

    11 સપ્ટેમ્બર, 2021ના રોજ ફરીથી ગુજરાતના રાજકારણમાં મોટો ઊલટફેર થયો છે.

    પાંચ વર્ષ સુધી ગુજરાતના મુખ્ય મંત્રી રહેનાર વિજય રૂપાણીએ પદ પરથી રાજીનામું આપી દીધું છે.

    આ સાથે જ એવી ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે કે શું હજુ સુધી ગુજરાતમાં ભાજપને નરેન્દ્ર મોદીનો વિકલ્પ નથી મળ્યો?

    આ અંગે બીબીસી ગુજરાતીએ ગુજરાતના રાજકારણથી પરિચિત રાજકીય વિશ્લેષકોનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો.

  2. ભાજપમાં સતત બદલાવનું કારણ?

    ગત કેટલાક મહિનાથી કેન્દ્ર અને ભાજપમાં જે વસ્તુ સતત જોવા મળી રહી છે, એ છે બદલાવ. આ ફેરફાર કેન્દ્રીય મંત્રીમંડળમાં થયા છે. રાજ્યમાં પક્ષનું નેતૃત્વ બદલવામાં આવી રહ્યું છે.

    'ઇકૉનૉમિક ટાઇમ્સ'માં છપાયેલા એક રિપોર્ટ અનુસાર ભાજપ નવા ચહેરાઓનો સામે લાવવા પ્રયાસ કરી રહ્યો છે.

    આ જ પ્રયાસના ભાગરૂપે વિજય રૂપાણી રાજ્યના મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપીને ત્રિવેન્દ્રસિંહ રાવત, સર્બાનંદ સોનોવાલ અને બીએસ યેદિયુરપ્પાની જમાતમાં સામેલ થઈ ગયા છે. આ તમામે પોતપોતાનાં રાજ્યમાં નવા નેતૃત્વ માટે જગ્યા ખાલી કરી છે.

    અખબાર લખે છે કે નેતૃત્વમાં ફેરફારનાં કારણો રાજ્યો અને નેતાઓના હિસાબે ચોક્કસથી અલગઅલગ છે પણ પક્ષનો સંદેશ સ્પષ્ટ છે. ભાજપના મોટા ભાગના નેતાઓનું કહેવું છે કે નેતૃત્વમાં ફેરબદલ શાસનવિરોધી વલણો પર કાબૂ મેળવવા માટે કરાઈ રહી છે.

    અખબારે એવું પણ કહ્યું છે કે પક્ષ લોકોના અભિપ્રાયો અનુસાર પોતાને ઢાળી રહ્યો છે.

  3. અટકળોનો અંત

    છેલ્લા અઢી દાયકાથી ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીના રાજીનામાથી રાજકીય ગતિવિધિ તેજ થઈ ગઈ છે. વિજય રૂપાણી પછી એમની મુખ્ય મંત્રીની ખુરશી પર કોણ બેસશે, એ સવાલની સાથે જ બીજો સવાલ પુછાઈ રહ્યો છે કે વિજય રૂપાણીનું હવે શું થશે? આ અગાઉ ગુજરાતમાં પાટીદારોના આંદોલન પછી ભાજપ સરકાર પર દબાણ હતું, ત્યારે તત્કાલીન મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલે રાજીનામું આપ્યું હતું. એ વખતે નરેન્દ્ર મોદી અને અમિત શાહે નીતિન પટેલ સહિત અનેક નામો ચર્ચામાં હોવા છતાં વિજય રૂપાણીની પસંદગી કરી હતી. વિજય રૂપાણી નરેન્દ્ર મોદીના નિકટના નેતા રહ્યા છે અને તેમના પર સતત આરોપ લાગતો રહ્યો છે કે તેમની સરકારનું રિમોટકંટ્રોલ કેન્દ્રમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ પાસે છે. 2022માં વિધાનસભાની ચૂંટણી આવવાની છે, એ પહેલાં ગુજરાતમાં મુખ્ય મંત્રીના પરિવર્તનની અટકળો ચાલી રહી હતી અને આખરે એ અટકળોનો અંત આવ્યો છે.

  4. નમસ્કાર, બીબીસી ગુજરાતીના આ લાઇવ રિપોર્ટિંગ પેજ પર આપનું સ્વાગત છે. વિજય રૂપાણીએ મુખ્ય મંત્રી તરીકે રાજીનામું આપ્યા બાદ ગુજરાતમાં જે રાજકીય ભૂકંપ સર્જાયો છે એ અંગેની તમામ અપડેટ અહીં રજૂ કરાઈ રહી છે.