ભારતીય નૌસેનાએ કહ્યું છે કે દરિયાઈ તોફાન તૌકતેના કારણે મુંબઈની પાસે ડૂબેલા P305 બાર્જના 89 ઓએનજીસી કર્મચારી હજી સુધી ગાયબ છે.
નેવીએ કહ્યું છે કે અત્યાર સુધીમાં તેના પર રહેલા 273 લોકોમાંથી 184 લોકોને બચાવી લેવાયા છે.
બે અન્ય બાર્જ અને એક ઑઇલ રિગ પરથી કામ કરી રહેલા લોકો સુરક્ષિત છે.
નેવીના પ્રવક્તાએ કહ્યું, "બુધવારે સવારે P305ના 184 કર્મચારીઓને બચાવી લેવાયા છે અને તેમને લઈને આઈએનએસ કોચ્ચી અને આઈએનએસ કોલકાતા મુંબઈના કાંઠે પહોંચ્યા છે"
"આઈએનએસ તેગ, આઈએનએસ બેતવા, આઈએનએસ બ્યાસ, P81 વિમાન અને સીકિંગ હૅલિકૉપ્ટરથી બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે"
પ્રવક્તાએ કહ્યું કે નૌસેના અને દરિયાી કાંઠાના દળે મંગળવારે જીએએલ કન્સ્ટ્રક્ટરના બાર્જ પરના 137 કર્મચારીઓને બચાવી લીધા હતા.
સાથે જ ss-3 બાર્જ પર કામ કરી રહેલા 196 લોકો અને સાગર ભૂષણ ઑઈલ રિગ પર તહેનાત 101 લોકો સુરક્ષિત છે.
અધિકારીઓએ જાણકારી આપી હતી કે ઓએનજીસી અને એસસીઈના જહાજો પરથી બાર્જને ખેંચીને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યું.
એક બીજું વહાણ આઈએનએસ તલવાર મદદ માટે તહેનાત છે.
પ્રવક્તાએ કહ્યું કે સોમવારે તૌકતે વાવાઝોડાના કારણે ત્રણ બાર્જ અને એક ઑઇલ રિગ સમુદ્રમાં ભટકી ગયા છે જેના પર 707 લોકો કામ કરી રહ્યા હતા.