બ્રેકિંગ, ભારતની કોવૅક્સિન કોરોનાના જીવલેણ B.1.617 વેરિયેન્ટ પર પણ સફળ : ડૉ. ફાઉચી
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે વ્હાઇટ હાઉસના મેડિકલ સલાહકાર અને અમેરિકાના ટોચના મહામારી નિષ્ણાત ડૉ. એન્થની ફાઉચીએ કહ્યું છે કે ભારતમાં બનેલી કોવૅક્સિન કોરોના વાઇરસના જીવલેણ વેરિયેન્ટ B.1.617 ને નિષ્ક્રિય કરવામાં કામયાબ રહી છે. ડૉ. ફાઉચીએ મંગળવારે એક પત્રકાર પરિષદમાં આ વાત કહી હતી.
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે ડૉ. ફાઉચીએ કહ્યું, “અમે લોકો દૈનિક આધાર પર ડેટા હજી પણ જોઈ રહ્યા છીએ. પરંતુ હાલના ડેટા પરથી જાણવા મળે છે કે કોવેક્સિન ઉપયોગ કરનારાઓને ફાયદો થયો છે. આ B.1.617 વેરિયન્ટ પર પણ સફળ રહી છે. એવામાં ભારતમાં રસીકરણ ખૂબ જ મહત્ત્વનું છે.”
ન્યૂયૉર્ક ટાઇમ્સના રિપોર્ટમાં પણ મંગળવારે કહેવામાં આવ્યું હતું કે કોવેક્સિન ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવામાં અને એન્ટિબૉડી બનાવવામાં મદદ કરી રહી છે. કોવેક્સિનને ભારત બાયોટેકના નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ વાઇરોલૉજી અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્સે સાથે મળીને તૈયાર કરી છે. કોવેક્સિનની ઇમરજન્સી ઉપયોગની મંજૂરી ત્રણ જાન્યુઆરીના રોજ મળી હતી. ટ્રાયલના પરિણામોના આધારે તેેને 78 ટકા સફળ ગણાવવામાં આવી હતી.