You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત બજેટ 2021-22 : બે લાખ યુવાનોની ભરતી કરાશે, કોઈ નવો ટેક્સ નહીં
નીતિન પટેલે કહ્યું, અર્થતંત્ર ફરી પાટા પર આવ્યું, કોરોનામાં સારી કામગીરીને લીધે જનતાએ આશિષ આપ્યા છે.
લાઇવ કવરેજ
ગુજરાતના બજેટમાં જાહેર થયેલી મેટ્રોલાઇટ અને મેટ્રોનિયો શું છે?
ધારાસભ્યોની ગ્રાન્ટને લઈને નીતિન પટેલ થયા ગુસ્સે
કોરોના વાઇરસની મહામારીને કારણે ધારાસભ્યને જે દોઢ કરોડ રૂપિયાની મતવિસ્તાર માટે ગ્રાન્ટ મળે છે તેને બંધ કરી દેવામાં હતી. જેને નીતિન પટેલે ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે.
જોકે વિપક્ષના નેતાઓએ જૂની ગ્રાન્ટ ફાળવવામાં આવે એવી વાત કરતા ભારે હોબાળો થયો હતો.
નીતિન પટેલે ગુસ્સે થઈને કહ્યું, "ના મળે, ભાઈ કોઈ જાતની ચર્ચા ન કરશો, પ્રજાએ ભોગ આપ્યો, વેપારી કારીગર બધાએ ભોગ આપ્યો છે, આપણે બધાએ પગારમાં 30 ટકાનો કાપ મૂકી ભોગ આપ્યો. ગયા વર્ષના કરકસરના પગલાંને મુક્ત કરતા નથી. તમારે ના માગવું એવી વિનંતી છે આપણે આપવાવાળી પ્રજા છીએ"
ફરીથી વિપક્ષ તરફથી કંઈક કૉમેન્ટ થતા નીતિન પટેલે કહ્યું, "તમારે જવું હોય તો નીચે જઈને કહો. હું તમારી પ્રતિષ્ઠા બચાવવા કહું છું. ના બોલશે નહીં સારા લાગો. નીચે જઈ બોલો મીડિયા છે."
બ્રેકિંગ, કોઈ નવા વેરા નહીં નાખવાની હું જાહેરાત કરું છું : નીતિન પટેલ
નીતિન પટેલે કહ્યું, "ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા પગલાંથી ગુજરાતનું અર્થતંત્ર વેગવંતુ બન્યું છે. ગુજરાતે કોરોનાના કપળાં કારમાં ભારતને નવી દિશા આપી આપવાનું કામ કર્યું છે."
તેમણે વધુમાં કહ્યું, "નાના વ્યવસાયકારો ફરી બેઠા થઈ રહ્યા છે. માટે આયાત વેરાના દરોમાં વધારો અને નવા કોઈ કરવેરા નહીં નાખવાની જાહેરાત કરું છું."
આમ ગુજરાતમાં કોઈ નવો કરવેરો કે વેરાના દરોમાં વધારાની કોઈ જાહેરાત કરી નથી.
અમદાવાદ સાયન્સ સિટીમાં રમકડાંનું મ્યુઝિયમ
અમદાવાદના સાયન્સ સિટી ખાતે ટૉય મ્યુઝિયમ બનાવવામાં આવશે.
નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે માતા-પિતા બાળકોને ત્યાં જઈને રમકડાં રમાડી શકે તે માટે રમકડાંનું મ્યુઝિયમ બનાવવામાં આવશે.
71 લાખ પરિવારને કપાસિયા તેલ સબસિડીથી અપાશે : નીતિન પટેલ
દિનદયાળ યોજના હેઠળ જન્માષ્ટમી અને દિવાળી પર બીપીએલ પરિવારને એક-એક લિટર તેલ સબસિડીથી આપતા હતા.
હવે બીપીએલથી ઉપર જઈ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ નોંધાયેલાં પરિવારોને 35 લાખ પરિવાર ઉપરાંત રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારાના 36 લાખ એમ કુલ 71 લાખ લોકોને એક લિટર કપાસિયાં તેલ મળશે.
બ્રેકિંગ, દિલ્હી એમસીડીની પેટાચૂંટણી : આપને 5માંથી 4 સીટ, ભાજપને શૂન્ય
દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પાંચમાંથી ચાર સીટ જીતી છે, જ્યારે એક સીટ કૉંગ્રેસે જીતી છે. દિલ્હી એમસીડીમાં ભાજપનો દબદબો હોવા છતાં ભાજપ પેટાચૂંટણીમાં પાર્ટી એક પણ સીટ જીતી શક્યું નથી.
દિલ્હીમાં 28 ફેબ્રુઆરીએ મ્યુનિસિપલ કૉર્પોરેશનના પાંચ વૉર્ડ - રોહિણી-સી, ઉત્તર શાલિમાર બાગ, ત્રિલોકપુરી, કલ્યાણપુરી અને ચૌહાન બાંગર માટે પેટાચૂંટણી થઈ હતી.
દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ આ સફળતા પર પાર્ટી કાર્યકર્તાઓને અભિનંદન આપ્યા અને કહ્યું "ભાજપના શાસનથી દિલ્હીની જનતા હવે દુ:ખી થઈ છે. આગામી વર્ષે યોજાનારી કૉર્પોરેશનની ચૂંટણીમાં આપને ચૂંટશે."
2017માં યોજાયેલી દિલ્હી કૉર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે 181 સીટ જીતી હતી, આપને 48 અને કૉંગ્રેસને 30 સીટ મળી હતી.
બ્રેકિંગ, તાપસી પન્નુ, અનુરાગ કશ્યપની કંપનીની બિલ્ડિંગમાં ઇન્કમટેક્સની રેડ
પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા જણાવે છે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે અભિનેત્રી તાપસી પન્નુ અને નિર્દેશક અનુરાગ કશ્યપની કંપની ફેન્ટમ ફિલ્મ ઍન્ડ ટેલેન્ટ હન્ટના પ્રિમાસિસ પર રેડ કરી છે.
ઉલ્લેખનીય છે કે તાપસી પન્નુ અને અનુરાગ કશ્પય અનેક બાબતો પર સરકાર સામે સંઘર્ષમાં આવેલા છે.
બ્રેકિંગ, સફાઈ કર્મચારીને મૅનહોલમાં ન ઊતરવું પડે તે માટે 50 કરોડના સાધનો ખરીદાશે
ગુજરાતમાં ગટરના મૅનહોલમાં સફાઈ દરમિયાન અનેક સફાઈ કર્મચારીઓનાં મોત થયા છે ત્યારે નીતિન પટેલે બજેટમાં એ અંગેના સાધનોની ખરીદી માટે 50 કરોડની ફાળવણી કરી છે.
ઉલ્લેખનીય છે કે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ અનેક વાર સરકાર સામે આ મુદ્દે રજૂઆત કરી હતી.
મેવાણીએ બીબીસી ગુજરાતીને સફાઈકર્મીના મોત અંગેના એક અહેવાલમાં કહ્યું હતું કે, 'સ્ટેચ્યૂ માટે 3000 કરોડ ખર્ચનારી સરકાર સફાઈની મશીનરીમાં રોકાણ કેમ નથી કરતી?'
નેશનલ સફાઈ કર્મચારી પંચની એક રિપોર્ટ મુજબ, 1993થી લઈને 2018 સુધીમાં ગુજરાતમાં ગટરમાં ઊતરવાને કારણે 122 લોકોનાં મૃત્યુ થયાં છે. આ પ્રકારની ઘટનાઓમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે.
આ જ ગાળામાં ભારતમાં સીવરમાં ઊતરવાને કારણે થયેલાં મૃત્યુનો કુલ આંકડો 676 છે અને તામિલનાડુમાં સૌથી વધુ 194 મૃત્યુ થયાં હતાં.
કોરોનામાં મોકૂફ કરાયેલી ધારાસભ્યોની દોઢ કરોડની મતવિસ્તાર ગ્રાન્ટ બહાલ
નીતિન પટેલે બજેટમાં જાહેરાત કરી છે કે ધારાસભ્યોને મતવિસ્તારના વિકાસ માટે અપાતી દોઢ કરોડની ગ્રાન્ટ બહાલ કરવામાં આ છે.
ઉલ્લેખનીય છે કે કોરોના દરમિયાન ધારાસભ્યોની રૂ. દોઢ કરોડની મતવિસ્તાર વિકાસની ગ્રાન્ટને મોકૂફ રાખવામાં આવી હતી.
બ્રેકિંગ, અમદાવાદ-ગાંધીનગર અને સુરતની મેટ્રો માટે રૂ. 568 કરોડની ફાળવણી
- અમદાવાદ-ગાંધીનગર અને સુરતની મેટ્રો માટે રૂ. 568 કરોડની ફાળવણી.
- વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં મેટ્રોલાઇટ-મેટ્રોનિઓ જેવી નવી ટેકનૉલૉજી દ્વારા મેટ્રોની સુવિધા પૂરી પાડવાના આયોજન માટે રૂ. 50 કરોડની ફાળવણી.
- શહેરી વિસ્તારોમાં આર્થિક રીતે નબળા લોકો માટે 55 હજાર આવાસના નિર્માણ માટે રૂ. 900 કરોડની ફાળવણી.
- ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક (ગિફ્ટ સિટી) માટે રૂ. 100 કરોડની ફાળવણી કરવામાં આવી.
- અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, વડોદરા, સુરત મહાનગરપાલિકા તથા દાહોદ નગરપાલિકાને સ્માર્ટસિટી બનાવવા માટે રૂ. 700 કરોડની ફાળવણી.
બ્રેકિંગ, નીતિન પટેલે ટાંકી અટલ બિહારી વાજપેયીની કવિતાની પંક્તિ
ભાજપના પ્રથમ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની કવિતાની પંક્તિ નીતિન પટેલે ટાંકી હતી.
તેમણે કહ્યું : વિપદાએ આતી હૈ આયેં, હમ ન રુકેંગે, હમ ન રુકેંગે. આઘાતો કી ક્યા ચિંતા હૈ? હમ ન ઝુકેંગે, હમ ન ઝુકેંગે.
બ્રેકિંગ, ઉત્તર ગુજરાતમાં 295 તળાવ સુધી પાઇપલાઇન નખાશે
ગુજરાતમાં સુજલામ સુફલામ યોજનાની જોગવાઈ પ્રમાણે બે કિલોમીટર સુધીના 730 તળાવ ભરવામાં આવતા હતા પરંતુ સરકારને માહિતી મળી હતી કે બીજા પણ અનેક તળાવ નજીકમાં હોવાથી રહી જતા હતા.
હવે બેના બદલે ત્રણ કિલોમીટરની મર્યાદા કરીને 295 તળાવો સરકાર પોતાના ખર્ચે પાઇપલાઇન નાખી ઉત્તર ગુજરાતમાં પાણી આપશે.
સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન (સૌની યોજનાના ત્રીજા તબક્કા માટે) રૂ. એક હજાર 71 કરોડની ફાળવણી. આ સિવાય નર્મદા સિંચાઈ યોજનાના બાકી કામો માટે રૂ. સાત હજાર 370 કરોડની ફાળવણી કરવામાં આવશે.
ભાડભૂત બૅરેજ ઉપર છ માર્ગીય બ્રિજ બનાવવા માટે રૂ. 1453 કરોડની ફાળવણી. જેના કારણે દહેજથી હજીરા-સુરત વચ્ચેના અંતરમાં 37 કિલોમીટરનો ઘટાડો થશે.
બ્રેકિંગ, ખેડૂતના નામે ફરનારા અને ચરનારા કેટલાંય આવ્યા અને ગયા : નીતિન પટેલ
મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું કે ખેડૂતો જાણે છે કે ભાજપ જ ખેડૂતોનો ઉદ્ધાર કરશે.
ખેડૂતો અંગેની જોગવાઈઓની જાહેરાત કરતા નીતિન પટેલે કહ્યું હતું કે ખેડૂતોને એક હજાર કરોડ રૂપિયાની સબસિડી આપીએ છીએ. ખેડૂતોને વ્યાજ ભરવા દેતા નથી.ખેડૂતો એમનેમ અમારી સાથે આવ્યા નથી.
તેમણે વધુમાં કહ્યું, "ખેડૂતોનો ઉદ્ધાર ભાજપ જ કરશે, ખેડૂતો માટે ફરનારા અને ચરનારાં કેટલાંય આવ્યા અને કેટલાંય ગયા"
નીતિન પટેલે હળવા મૂડમાં કહ્યું, "કોઈ માથે ના લેતા, હું બહારના માટે કહું છું. આ હાઉસમાં બધા ચોખ્ખા છે."
ખેતી વિષયક કેટલીક જોગવાઈઓ
- ડાંગ જિલ્લાને તબક્કાવાર રાસાયણિક ખેતીથી મુક્ત કરવા રૂ. 32 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
- સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠાની 50 હજાર એકરની બિનઉપજાઉ જમીનને તબક્કાવાર ઉપજાઉ બનાવીને બે લાખ મેટ્રિકટન અનાજ ઉત્પાદન વધારવા લક્ષ્યાંક. ચાલુ વર્ષે રૂ. 100 કરોડની ફાળવણી.
- અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં ઑર્ગેનિક ઉત્પાદનોના વેચાણ માટે રૂ. 20 કરોડનો ખર્ચ કરાશે.
બ્રેકિંગ, 2 લાખ યુવાનોની રાજ્ય સરકાર ભરતી કરશે : નીતિન પટેલ
નીતિન પટેલે આગામી પાંચ વર્ષમાં રાજ્ય સરકારની વિવિધ જગ્યાએ 2 લાખ યુવાનોની ભરતી કરવાની જાહેરાત કરી છે.
નીતિન પટેલે કહ્યું, "લાયકાત ધરાવતા બે લાખ યુવાનોને રોજગારી આપવામાં આવશે. સરકાર આમની સીધી ભરતી કરશે."
એન્જિનિયરિંગ, પ્રવાસન, આઇટી, હૉસ્પિટાલિટી, બૅન્કિંગ આવા બધામાં 20 લાખ યુવાનોની રોજગારી માટે પ્રોત્સાહન આપીશું
આ માર્કશીટ અમસ્તી નથી મળી : નીતિન પટેલ
નીતિન પટેલે રિસેશનો સમય ન રાખીને સળંગ ભાષણ ચલાવવા રજૂઆત કરી હતી. ત્યારે સભાધ્યક્ષે કહ્યું હતું, 'નીતિન ભાઈ પાણી પીધું, કે પીવડાવ્યું?'
ત્યારે નીતિન પટેલે કહ્યું હતું કે, 'અધ્યક્ષ શ્રી, મારે તો બધાને પાણી પીવડાવું છે. નર્મદા મૈયા બધે પહોંચે તેમ ઇચ્છીએ છીએ. એટલે તો જનતાએ અમને આ માર્કશીટ આપી છે. અમે જનતાની યુનિવર્સિટીમાંથી AAA ગ્રૅડ સાથે પાસ થયા છીએ.'
તેમના આ નિવેદનથી ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
જોકે, જળસંપત્તિ વિભાગ માટે ગત વર્ષે સાત હજાર 220 કરોડની ફાળવણી કરવામાં આવી હતી.
જ્યારે ચાલુ બજેટમાં પાંચ હજાર 500 કરોડ જેટલી જોગવાઈ કરવામાં આવી છે.
બ્રેકિંગ, કૉન્ટ્રૅક્ટના કર્મચારીઓનો પગાર વધારવા માગ
બીબીસી ગુજરાતીના બજેટ પરના ફેસબુક લાઇવમાં લોકોએ કોમેન્ટ કરી પોતાની માગ મૂકી હતી.
કે યુ જોશી નામના વ્યક્તિએ કૉમેન્ટ કરી છે કે કૉન્ટ્રૅકટ કર્મચારીઓ (11 માસ) માટે પણ કંઈક જોગવાઈ કરી વેતન વઘારવા વિનંતી છે.
મુકેશ પુરોહિત નામના વ્યક્તિએ કમેન્ટ કરી છે કે ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફૉર્સના જવાનો 23 વર્ષથી નિયમિત નોકરી કરે છે. તો પણ આજે 10000/- રૂપિયાના નજીવા પગારમાં જીવે છે એમને પણ પૂરા પગારધોરણનો લાભ આપો.
અર્થતંત્ર ફરી પાટા ઉપર
કોરોનાકાળના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન (ગતવર્ષની સરખામણીએ) વેરાની આવકમાં 40 ટકા, બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન 15 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
જ્યારે ત્રીજા માસિક ગાળામાં પાંચ ટકા વૃદ્ધિ નોંધાઈ છે અને રાજ્યને 3 હજાર 514 કરોડની અત્યાર સુધીની સર્વોચ્ચ આવક થઈ.
બ્રેકિંગ, 3400 કરોડના ખર્ચે 68 રેલવે ઑવરબ્રિજને મંજૂરી
- 16 હજાર 850 કરતાં વધુ કિલોમીટરના માર્ગોને રિસરફેસ કરવા માટે રૂ. ચાર હજાર 506 કરોડની જોગવાઈ
- રાજકોટ-અમદાવાદના હાઈવેને સિક્સલૅન કરવા માટે રૂ. 2,620 કરોડની ફાળવણી
- રૂ. 3400 કરોડના ખર્ચે 68 રેલવે ઑવરબ્રિજને મંજૂરી
- સરખેજથી અમદાવાદ અને ગાંધીનગરથી ચિલોડા સુધીના એસ.જી. હાઈવેને છ-માર્ગીય બનાવવા માટે રૂ. 867 કરોડની ફાળવણી.
બ્રેકિંગ, ગુજરાતના સાહસિકો, ઉદ્યોગપતિઓને બદનામ ના કરશો : નીતિન પટેલ
નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું કે ખાલી કોઈ નિવેદન કરીને ગુજરાતના સાહસિકો, ઉદ્યોગપિતઓને મહેરબાની કરીને બદનામ ન કરો, આ બધા લોકો ખેડૂતો, પશુપાલકોથી ગુજરાત ઉજળું છે."
તેમણે વધુમાં કહ્યું, "અમારી સાથે આવીને બેસો તો બધાને ફાયદો થશે, અમારી સાથે આવે એનો આવકાર છે અને ના આવે એમને તેમને આમંત્રણ છે."
નીતિન પટેલે કહ્યું, "નરેન્દ્ર ભાઈએ પાયો મજબૂત નાખ્યો છે, આપણે તો માળ જ બાંધવાના છે"