You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

વિજય રૂપાણી સામે મતદાન માટે સરકારી હેલિકૉપ્ટરના દુરુપયોગની ફરિયાદ, રાજ્યમાં 41.75 ટકા સરેરાશ મતદાન

છ મહાનગરપાલિકાઓની કુલ 575 બેઠકો માટે મતદાન, જેમાં ભાવનગરની 52, જામનગરની 64, સુરતની 120, અમદાવાદની 191, વડોદરાની 76, રાજકોટની 72 બેઠકો સામેલ છે.

લાઇવ કવરેજ

  1. બ્રેકિંગ, આ ચૂંટણી પછી ગુજરાત ભાજપના મજબૂત ગઢ તરીકે પ્રસ્થાપિત થશે : અમિત શાહ

    ગૃહમંત્રી અમિત શાહે નારણપુરામાં મતદાન કર્યા પછી પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે “આજે ભારે સંખ્યામાં ગુજરાતના મતદારો મતદાન કરશે અને અંતે વિજય ભાજપનો થશે.”

    “નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભાજપે સમગ્ર દેશમાં પરચમ ફેરાવ્યો છે. આ વિકાસયાત્રાની શરૂઆત ગુજરાતથી થઈ હતી. આ ચૂંટણી પછી ગુજરાત ભાજપના મજબૂત ગઢ તરીકે પ્રસ્થાપિત થશે.”

    અમિત શાહે વધુમાં કહ્યું, "ગુજરાતના ખૂણેખૂણે વિકાસ પહોંચ્યો છે. ગુજરાતથી જંગલ વિસ્તાર હોય, શહેર હોય, પહાડ, સાગરકિનારો હોય, ગામ હોય, સર્વ સમાવેશી સર્વ સ્પર્શી વિકાસની શરૂઆત થઈ. આ સમગ્ર ભારત માટે અનુકરણીય યાત્રા બની છે. ભારતમાંથી અનેક રાજ્યો સંપૂર્ણ વિકાસની પ્રેરણા લઈ આગળ વધ્યાં છે."

  2. મતદાન વખતે મહારાજ ભગવતસિંહજીની કહાણી

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં હજુ પણ પાયાની સવલતોની વાત થાય છે ત્યારે વાંચો એ ગુજરાતી રાજવીની કહાણી જેમણે દોઢસો વર્ષ પહેલાં પ્રજાકલ્યાણનાં અઢળક કામો કર્યાં હતાં

  3. બ્રેકિંગ, અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરા વૉર્ડમાં પુત્ર જય શાહ અને પરિવાર સાથે મતદાન કર્યું હતું.

  4. અમિત શાહ કરશે આજે મતદાન

    એનડીટીવીના અહેવાલ અનુસાર ગૃહ મંત્રી અને અમિત શાહ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરવા અમદાવાદ આવશે.

    અમિત શાહ ગાંધીનગરના સંસદસભ્ય છે.

  5. રાજકોટ જિલ્લા કલેક્ટર રૅમ્યા મોહનને મતદાન કર્યું

    રાજકોટ જિલ્લાનાં ચૂંટણીઅધિકારી અને કલેક્ટર રૅમ્યા મોહને મહાનગરપાલિકાની ચૂંટણી માટે વૉર્ડ ન.3માં આવેલી ઠક્કરબાપા પ્રાથમિક શાળા ખાતે મતદાનમંથ 62 ખાતે મતદાન કર્યું હતું.

  6. મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મોટી સંખ્યમાં મતદાન કરવા અપીલ કરી

    મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મહાનગર પાલિકાની ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી હતી.

    મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કર્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત 6 કૉર્પોરેશનની 575 બેઠકો માટે અત્યારે મતદાન થઈ રહ્યું છે, મારી તમામ મતદારોને અપીલ છે કે તેઓ લોકશાહીના આ પર્વને મોટી સંખ્યામાં મતદાન કરીને અને કરાવીને સફળ બનાવે.

    મતદાન સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અને માસ્ક પહેરીને જ કરવા સર્વે મતદાતાઓને અપીલ કરું છું.

  7. મોદી સરકારના નિર્યણથી તમારા હાથમાં આવતો પગાર ઘટી જશે?

  8. સુરતમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ

    સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં 30 વૉર્ડની 120 બેઠકો પર 484 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

    તમામ બુથ પર હેન્ડ ગલ્વઝ, સૅનેટાઈઝર અને થર્મલ ગનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તથા સોશિયલલ ડિસ્ટન્સ સાથે લોકો મતદાન કરી રહ્યા છે.

    સવારથી જ લોકો મતદાન કરવા મતદાનમથકે પહોંચી રહ્યા છે. નેતાઓ અને ઉમેદવારોએ મતદાન કર્યું છે. અને મતદાન કરી તેની સૅલ્ફી પણ સોશિયલ મીડિયામાં અપલૉડ કરાઈ રહી છે.

    મતદાનપ્રક્રિયા શાંતિપૂર્ણ થાય તે માટે સુરત પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

    એસીપી, ડીસીપી તથા સુરતના તમામ પીઆઈ સહિત સુરતમાં સતત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.

  9. બ્રેકિંગ, અમદાવાદમાં કેવી સ્થિતિ?

    અમદાવાદ મહાનગરપાલિકાની 48 વૉર્ડની 192 બેઠકમાંથી 191 બેઠકો મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ભારતીય જનતા પાર્ટીએ નારણપુરાની એક બેઠક પર પહેલાંથી જબિનહરિફ જીત મેળવી છે. શહેરમાં કુલ 771 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

    અમદવાદમાં કુલ 4536 મતદાનમથક છે. 22680 કર્મચારીઓ મતદાનની પ્રવૃતિમાં લાગેલા છે. જ્યારે કુલ 2414483 પુરુષો અને 2209942 મહિલા મતદારો છે.

    અમદાવાદ ક્લેક્ટર સંદીપ સાંગલે બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં 16 રિટર્નિંગ ઑફિસર, 16 આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, 22680 પૉલિંગસ્ટાફ, 370 સૅક્ટર ઑફિસ સ્ટાફ, 18144 પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 10960 ઈવીએમ, 5460 કંટ્રૉલ યુનિટ છે.

    અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય કિરિટ સોલંકીએ સવારે પરિવાર સાથે મતદાન કર્યું હતું.

    કિરિટ સોલંકી ઉપરાંત કૉંગ્રેસ પ્રવક્તા મનિષ દોશી અને ભાજપના નેતા સૌરભ પટેલે પણ મતદાન કર્યું હતું.

  10. કોરોનાકાળ વચ્ચે મતદાન

    ગુજરાતમાં આ વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણી કોરોનાકાળ વચ્ચે યોજાઈ રહી છે. રાજ્યમાં છેલ્લા 24કલાક દરમિયાન કોરોનાના 258દરદીઓ નોંધાયા છે. જ્યારે 270દરદીઓ સાજા થયા છે.

    કોરોનાના જે નવા કેસો નોંધાયા છે, તેમાંથી સુરતમાં 51, અમદાવાદમાં 45, વડોદરામાં 49, રાજકોટમાં 5, ભાવનગરમાં 3,જામનગરમાં 3 કેસોનો સમાવેશ થાય છે.

  11. જામનગરમાં કેવી સ્થિતિ?

    જામનગરમાં 16 વોર્ડની 64 બેઠકો માટે 236 ઉમેદવારોનો ભાગ્નો ફેંસલો આજે મતદારો કરશે. કોરોનાકાળ બાદ ગુજરાતમાં યોજાઈ રહેલી આ ચૂંટણીમાં જામનગરના 645 મતદાનમથકો પર આજે સવારે મતદાનનો પ્રારંભ થઈ ગયો. જામનગરથી બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર દર્શન ઠક્કરના જણાવ્યા અનુસાર મતદાન કરવા આવી રહેલા મતદારોને સૅનેટાઇઝ કરીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવાઈ રહ્યું છે. સાથે જ હૅન્ડ ગ્લવ્ઝ પણ આપવામાં આવી રહ્યાં છે.

  12. આ વખતની રસાકસી

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે બે બાબતો રસપ્રદ છે. કેમ કે આ વખતે મુકાબલો માત્ર ભાજપ-કૉંગ્રેસ વચ્ચે નથી. આ વખતે અરવિંદ કેજરીવાલની ‘આમ આદમી પાર્ટી’અને અસદુદ્દીન ઓવૈસીનો પક્ષ એઆઈએમઆઈએમ પણ મેદાને છે.

    આમ આદમી પાર્ટીએ પણ આ વખતે તમામ જગ્યાએ પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે. તો બીજી તરફ ઓલ ઇન્ડિયા મજિલિસ-એ-ઇત્તેહાદુલ મુસલિમીને પણ ગુજરાતની ચૂંટણીમાં પ્રથમ વખત ઝંપલાવ્યું છે. તેમણે સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓમાં કુલ 21 ઉમેદવારો ઊભા રાખ્યા છે. અમદાવાદના છ વૉર્ડમાં તેમણે ઉમેદવારો ઊભા રાખ્યા છે.

    આમ આ વખતે ચતુષ્કોણિય ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે. જોકે ભાજપના ઘણા ઉમેદવારો બિન-હરિફ ચૂંટાયા છે. પરંતુ હજુ પણ આ વખતની ચૂંટણી રસાકરીભરી જોવા મળી રહી છે. કેમ કે ચાર રાજકીય પક્ષો આ વખતે ટકરાઈ રહ્યાં છે.

  13. બ્રેકિંગ, રાજકોટમાં ઈવીએમ બગડ્યું

    રાજકોટમાં મતદાનની શરૂઆત થાય એ સાથે જ ઈવીએમ બગડ્યું હોવાના સમાચાર આવ્યા છે. રાજકોટથી બીબીસીના સહયોગી પત્રકાર બિપિન ટંકારિયાના જણાવ્યા અનુસાર શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતેના મતદાન મથક પર એક ઈવીએમ ચાલુ થયું ત્યાં જ બંધ પડી ગયું હતું. જે અંગે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રાજભા ઝાલાએ ચૂંટણીઅધિકારીઓ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. જોકે, જાણ થતાં જ ચૂંટણીઅધિકારીઓએ તત્કાલ ઈવીએમ બદલી દીધું હતું.

  14. બ્રેકિંગ, છ મહાનગરપાલિકા માટે આજે મતદાન

    આજે ગુજરાતમાં સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓનું મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગરની મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ માટે મતદાન થશે.

    આ મહિનામાં 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતની ચૂંટણી અલગ-અલગ બે તબક્કામાંઓમાં યોજાઈ રહી છે.

    પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, જ્યારે બીજા તબક્કામાં નગરપાલિકાની સાથે પંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી છે. ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા EVM મશીન દ્વારા જ કરવામાં આવશે.

    કુલ છ મહાનગરપાલિકાઓની કુલ 576 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. જેમાં ભાવનગરની 52, જામનગરની 64, સુરતની 120, અમદાવાદની 191, વડોદરાની 76, રાજકોટની 72 બેઠકો સામેલ છે.

    સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન હાથ ધરવામાં આવશે. જેના માટે 25 હજારથી વધુ સુરક્ષાકર્મીઓનો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે.

    23મી ફેબ્રુઆરીએ મતગણતરી છે. જ્યારે 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાશે અને 2જી માર્ચે તેની મતગણતરી થશે.

  15. નમસ્કાર! બીબીસીની ગુજરાતી સેવા પરના આ લાઇવ રિપોર્ટિંગ પેજ પર આપનું સ્વાગત છે. અહીં દિવસ દમિયાન ગુજરાતની છ મહાનગરપાલિકાના ચૂંટણીલક્ષી સમાચારો રજૂ કરવામાં આવશે.