નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ જોગ સંબોધન
મંગળવારે સવારે દસ વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરશે, એવું માનવામાં આવે છે કે આ સંબોધનમાં તેઓ લૉકડાઉન સંદર્ભે કોઈ મોટી જાહેરાત કરી શકે છે.
આ પહેલાં તેમણે રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વાત કરી હતી, જેમાં લૉકડાઉનને લંબાવવાની હિમાયત કરવામાં આવી હતી. અમુક મીડિયા રિપોર્ટ્સ મુજબ, લૉકડાઉનમાં કૃષિ તથા આનુષંગિક ક્ષેત્ર સાથે સંકળાયેલાઓને આંશિક રાહત આપવામાં આવશે.
આ પહેલાં તા. 19મી માર્ચે પ્રથમ વખત કોરોના સંદર્ભે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતું, જેમાં તેમણે એક દિવસ (22મી માર્ચે) માટે 'જનતા કર્ફ્યુ'નું પાલન કરવા તથા સાંજે પાંચ વાગ્યે પાંચ મિનિટ માટે આરોગ્યક્ષેત્રે સંકળાયેલા કર્મચારીઓ, પોલીસવાળા તથા મીડિયાકર્મીઓનું થાળી કે તાળી વગાડીને અભિવાદન કરવા આહ્વાન કર્યું હતું.
તા. 24મી માર્ચે સાંજે આઠ કલાકે તેમણે વધુ એક વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ, જેમાં તેમણે મધ્યરાત્રિથી દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી અને 'જે જ્યાં છે, ત્યાં રહે'નું આહ્વાન કર્યું.
તા. ત્રીજી એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ વીડિયો સંદેશ આપ્યો, જેમાં તેમણે તા. 5મી એપ્રિલના રાત્રે નવ વાગ્યે નવ મિનિટ માટે 'દીવા, મીણબત્તી કે મોબાઇલની ફ્લેશલાઇટ' દ્વારા એકજૂટ હોવાની તથા પ્રકાશ ફેલાવવાની અપીલ કરી.
હવે, 14મીએ 21 દિવસનું લૉકડાઉન પૂર્ણ થાય છે, ત્યારે ફરી એક વખત રાષ્ટ્રજોગ સંબોધન કરશે. અમુક અહેવાલ મુજબ, તેઓ લૉકડાઉનમાં કૃષિ તથા તેને આનુષંગિક ક્ષેત્રો માટે આંશિક રાહજોની જાહેરાત કરી શકે છે.
ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સોમવારે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે તેઓ મંગળવારે સવારે લૉકડાઉન અંગે નિર્ણય લેવામાં આવશે.