You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

કોરોના વાઇરસ : ભારતમાં 5000 કરતાં વધુને ચેપ, જર્મનીમાં એક જ દિવસમાં 4000 કેસ

ગુજરાત સહિત દેશ-વિદેશમાં કોરોના અંગેની સ્થિતિ તથા સંબંધિત સમાચાર અહીં વાચો.

લાઇવ કવરેજ

  1. સુરતમાં માસ્ક ન પહેરવા બદલ લોકોને દંડ ફટકારવામાં આવ્યો

    કોરોના વાઇરસનું સંક્રમણ રોકવા માટે લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે સુરતમાં 86 લોકોને માસ્ક નહીં પહેરવા બદલ દંડ કરવામાં આવ્યો છે.

    સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશને મંગળવારે રસ્તા પર માસ્ક વગર આવેલા લોકોને દંડ કર્યો હતો.

    સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન બંછનિધી પાનીએ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને કહ્યું, “માસ્ક પહેર્યા વગર રસ્તા પર ચાલતા લોકોને અમે દંડ કરવાનું શરુ કર્યું છે. મંગળવારે અનેક સાર્વજનિક સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં પાળનારા 167 લોકોને પણ દંડ કરવામાં આવ્યો હતો. કોવિડ-19ને ફેલાતો રોકવા માટે આ બહુ મહત્ત્વપૂર્ણ છે.”

    સુરતમાં બેગમપુરા અને રાંદેર વિસ્તારને કોવિડ-19 હૉટસ્પૉટ જાહેર કરવામાં આવ્યા છે.

    સુરત પોલીસની સ્પેશિયલ બ્રાન્ચના ડીસીપી ચેતન તેરૈયાએ કહ્યું કે મંગળવારે નિર્દેશોનું પાલન નહીં કરવા બદલ 304 કેસ દાખલ કર્યા અને 479 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

    તેમણે અખબારને માહિતી આપી કે અત્યાર સુધી સુરત પોલીસે 1,840 કેસ દાખલ કર્યા અને 3,118 લોકોની ધરપકડ કરી હતી.

  2. લૉકડાઉનને કારણે બેરોજગારી વધશે

    સીએમઆઈઈ ડેટા બતાવે છે કે કોરોના વાઇરસને કારણે જાહેર કરવામાં આવેલા લૉકડાઉનને લીધે શહેરી વિસ્તારોમાં 22 માર્ચથી પાંચ એપ્રિલ સુધી બેરોજગારી વધી છે.

    જેનાથી સ્પષ્ટ થાય છે કે છેલ્લા ત્રણ દાયકામાં ભારતે કરોડો લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં જે સફળતા હાંસલ કરી હતી તેના પર લૉકડાઉનને કારણે પાણી ફરી વળશે.

    ઇન્ડિય એક્સપ્રેસ અખબાર લખે છે કે 2006 અને 2016 વચ્ચે ભારતમાં 27 કરોડ દસ લાખ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા હતા.

    લૉકડાઉનને કારણે લાખો લોકોને શહેરમાં કામકાજ છોડીને પોતાના ગામ જવાની ફરજ પડી હતી, હવે તેમનું ભવિષ્ય અંધકારમય હશે.

    જિનેવા સ્થિત ઇન્ટરનૅશનલ લેબર ઑર્ગનાઇઝેશને કહ્યું છે કે કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે લાગુ કરવામાં આવેલ લૉકડાઉનને કારણે એક અબજથી વધારે લોકોની રોજગારી પર ખતરો છે અથવા સૅલેરી કટનો ખતરો છે.

  3. જે દવાની પાછળ અમેરિકા પડ્યું છે, ગુજરાતમાંથી મોકલાશે એ દવા

    ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે ગુજરાતની ત્રણ કપનીઓ અમેરિકાને કોવિડ-19ની સારવાર માટે હાઇડ્રૉક્સીક્લોરોક્વિન દવા મોકલશે.

    અમેરિકાએ ભારત પાસેથી હાઇડ્રૉક્સીક્લોરોક્વિન દવા માગી હતી.

    જોકે ભારતે તેના નિકાસ પર પ્રતિબંધ મૂકેલો હતો પરંતુ પછી તેને આંશિક રૂપે હઠાવવાની વાત ભારત સરકારે કહી હતી.

    ગુજરાત ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓનું હબ ગણાય છે.

    ઇકોનૉમિક ટાઇમ્સના એક અહેવાલ પ્રમાણે વિજય રૂપાણીએ કહ્યું છે કે સરકારે ગુજરાત માટે હાઇડ્રૉક્સીક્લોરોક્વિનની એક કરોડ ટૅબલેટ રાખી છે.

    આ દવા મલેરિયાની સારવારમાં કામ આવે છે અને ભારત તેનો પ્રમુખ ઉત્પાદક દેશ છે.

  4. ગુજરાતી ખેલાડીની સોશિયલ મીડિયા પર અપીલ

    ગુજરાતનાં પૅરાઍથ્લીટ માનસી જોશીએ પોતાની એક તસવીર પોસ્ટ કરી છે.

    તેમણે લખ્યું છે કે નાના સ્કાર્ફ અને હૅયર બેન્ડ વડે એક માસ્ક બનાવ્યો છે. આપણે સાધારણ માસ્ક પહેરીએ અને N95 માસ્ક સ્વાસ્થ્યકર્મીઓ માટે રાખીએ. તમારું આ એક પગલું આપણા સમુદાયને બચાવવામાં મદદ કરશે. #maskindia

    માનસી જોશી પૅરાબેડમિન્ટન ખેલાડી છે અને તેઓ ગત વર્ષે વર્લ્ડ ચૅમ્પિયન બન્યાં હતાં.

  5. કોરોના વાઇરસનું એક પણ લક્ષણ નહીં પણ રિપોર્ટ પૉઝિટિવ

    કેરળના પથાનામથિત્તા જિલ્લામાં કોવિડ-19ના એવા બે પૉઝિટિવ કેસ એવા સામે આવ્યા છે જેમનામાં કોરોના વાઇરસનું એક પણ લક્ષણ દેખાતું ન હતું.

    એનડીટીવીનેઅધિકારીઓનું કહેવું છે કે દુબઈથી આવેલા 60 વર્ષના વૃદ્ધ અને દિલ્હીથી આવેલા એક 19 વર્ષના વિદ્યાર્થીનો ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

    કોઈ પણ પ્રકારના લક્ષણ વિના કોરોના ટેસ્ટમાં પૉઝિટિવ આવેલા દર્દીઓને લઈને કેરળ પ્રશાસન ચિંતામાં પડી ગયું છે.

    જિલ્લાધિકારી પીબી નૂહે એનડીટીવીને કહ્યું, આ ચેતવણી સમાન છે. એસિમ્પ્ટોમૅટિક કૅરિયરના સંપર્કમાં કેટલાક અજાણ્યા લોકો આવ્યા હશે. એ લોકો ક્વૉરન્ટાઇનમાં 14 સુધી રહ્યા પણ હતા પરંતુ કોઈ લક્ષણ નહોતા દેખાયા, એ વધારે ચિંતાની વાત છે. આનો અર્થ છે કે આપણે વધારે સાવચેતી રાખવાની જરૂર છે.

    ઉલ્લેખનીય છે કે ભારતમાં સૌ પ્રથમ કેરળમાં જ કોરોના વાઇરસના સંક્રમણનો કેસ સામે આવ્યો હતો. જોકે કોરોના વાઇરસના સંક્રમણના ફેલાવવા પર નિયંત્રણ કરવા માટે કેરળના વખાણ પણ થઈ રહ્યા છે.

  6. ગુજરાતમાં કોવિડ-19ના કુલ 179 કેસ, 16 લોકોનાં મૃત્યુ

    ગુજરાતમાં કોવિડ-19ના કુલ 179 કેસ સામે આવ્યા છે અને રાજ્યમાં મરણાંક 16 છે.

    અમદાવાદ 83

    ગાંધીનગર 13

    સુરત 23

    વડોદરા 13

    રાજકોટ 11

    કચ્છ 02

    પોરબંદર 03

    ભાવનગર 16

    મહેસાણા 02

    જામનગર, મોરબી, હિંમતનગર, આણંદ, છોટાઉદેપુર, પાટણ અને પંચમહાલમાં એક-એક કેસ સામે આવ્યો છે.

    સ્રોત- સીએમઓ

  7. કોરોનામાં માસ્ક પહેરવા પર નવું રિસર્ચ શું કહે છે?

    કોરોના વાઇરસથી બચાવ માટે માસ્કનો ઉપયોગ વધી રહ્યો છે.

    એક મીડિયા અહેવાલ મુજબ ગુજરાતના સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશને માસ્ક ન પહેરવા બદલ 86 લોકોને દંડ કર્યો છે ત્યારે જાણો નિષ્ણાતો તે અંગે શું કહી રહ્યા છે.

  8. અમેરિકાની વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને ચેતવણી

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને થોડી મહામારી અંગે વહેલી ચેતવણી જાહેર કરવી જોઈતી હતી.

    જોકે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાઇરસના વૈશ્વિક ખતરાને લઈને ચેતવણી જાહેર કરી હતી એ વખતે રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ વાઇરસને બોગસ કરાર જાહેર કર્યો દીધો હતો.

    ટ્રમ્પે કહ્યું, “અમેરિકા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને અપાતા ભંડોળ પર રોક લગાવવા જઈ રહ્યું છે.”

    જોકે પછી તેમણે કહ્યું, “મેં એવું નથી કહ્યું કે હું આ કરવા જઈ રહ્યો છું.”

    હાલ અમેરિકામાં કોરોના વાઇરસ સંક્રમણના સૌથી વધારે દર્દી છે, આ સંખ્યા ચાર લાખને અડવા જઈ રહી છે.

    મંગળવારના દિવસે અમેરિકામાં 1,736 લોકોનાં મૃત્યુ થયાં છે.

  9. ગુજરાતમાં કોરોના સંક્રમિત 14 મહિનાના એક બાળકનું મૃત્યુ

    ગુજરાતમાં કોરોના સંક્રમિત 14 મહિનાના એક બાળકનું મૃત્યુ થયું છે.

    જામનગરમાં કોવિડ-19 પૉઝિટિવ સૌથી નાની વયના દર્દીનું પાંચ એપ્રિલે મૃત્યુ થયું.

    ઇન્ડિયનઍક્સપ્રેસ અખબારના એક અહેવાલ મુજબ બાળકનું મૃત્યુ કિડની અને લિવર ફેલિયર તથા સેપ્સિસને કારણે થયું.

    જામનગરના જિલ્લાધિકારી રવિ શંકરે ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું, “ જ્યારે બાળકને લાવવામાં આવ્યું ત્યારથી તેને વૅન્ટિલેટર પર મૂકવામાં આવ્યું હતું. ત્યારે લાગતું હતું કે માત્ર અમુક કલાક જીવિત રહેશે પરંતુ તે બે દિવસ જીવતું રહ્યું .”

    તેમણે આગળ કહ્યું, મંગળવારે ફરી ટેસ્ટ કરવામાં આવ્યો પરંતુ તેના નાક અને મોઢામાંથી લોહી નીકળતું હોવાને કારણે ટેસ્ટનું રિઝલ્ટ ન મળ્યું.”

    અધિકારીઓ પ્રમાણે બાળકનાં 21 વર્ષીય માતાનો કોરોના વાઇરસનો રિપોર્ટ નૅગેટિવ આવ્યો છે.

    બાળકનાં માતા-પિતા બંને ક્વોરૅન્ટીનમાં છે અને પિતાને પીપીઈ કિટ પહેરાવીને અંતિમસંસ્કારમાં સામેલ થવા દેવાશે. તે લોકો ઉત્તર પ્રદેશના છે અને તેઓ જામનગરમાં મજૂરી કામ કરતા હતા.

  10. ચીનમાં ફરી સામે આવ્યા સંક્રમણના કેસો

    ચીનમાં ફરી સામે આવ્યા સંક્રમણના કેસો અને ટ્રમ્પની WHOને ધમકી

    ચીનના નેશનલ હેલ્થ કમિશનનું કહેવું છે કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસ સંક્રમણના 62 નવા કેસો સામે આવ્યા છે. આ ઉપરાંત 137 કેસો એવા છે કે જેના કોઈ ચોક્કસ લક્ષણો નથી.

    આ આંકડો છેલ્લા દિવસોની સરખામણીમાં વધારે છે. સોમવારે કોરોના વાઇરસ સંક્રમણના ફક્ત 32 કેસો સામે આવ્યા હતા અને પહેલીવાર એક પણ મૃત્યુની ઘટના નહોતી બની.

    જોકે, મંગળવારે ચીનમાં મૃત્યુની બે ઘટના બની. એક મૃત્યુ શાંઘાઈમાં થયું અને એક હૂબે પ્રાંતમાં થયું. ઉલ્લેખનીય છે કે હૂબે પ્રાંતનું વુહાન શહેર શરૂઆતમાં કોરોના વાઇરસનું એપી સેન્ટર હતું.

  11. કોરોના વાઇરસ સામે દુનિયાના દેશો રણનીતિ બદલી રહ્યા છે?

    કોરોના વાઇરસ સંક્રમિતોની સંખ્યા 14 લાખને પાર કરી ગઈ છે ત્યારે બીબીસી સમાચારમાં જુઓ દુનિયાના દેશોમાં શું ચાલી રહ્યું છે?

  12. ભારતમાં મરણાંક 124 થયો

    ભારતમાં સરકારી ડૅશબોર્ડ મુજબ કોરોના સંક્રમણના 4,312 ઍક્ટિવ કેસ છે.

    કોરોના સંક્રમિત દર્દીઓમાંથી 352 એવા હતા જેમને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

    ભારતમાં મરણાંક 124 સુધી પહોંચ્યો છે.

    24 કલાકની અંદર દેશમાં કોરોના સંક્રમણના 508 નવા કેસ આવ્યા હતા અને 13 મૃત્યુ નોંધાયા હતા.

    જોકે સોમવાર કરતા મંગળવારે આવેલા કોરોના સંક્રમણના નવા કેસની સંખ્યા ઓછી હતી. સોમવારે ભારતમાં 704 નવા કેસ સામે આવ્યા હતા.

  13. કોવિડ-19 વિશેની એ વાતો જેનાથી આપણે હજી અજાણ છીએ

    કોરના વાઇરસ કોવિડ-19ની મહામારી સતત વકરી રહી છે. ભારત સહિત દુનિયામાં સંક્રમિતોની સંખ્યા અને મૃતકોની સંખ્યા સતત વધી રહી છે.

    કોવિડ-19 વિશે અનેક ભ્રામક વાતો પણ ફેલાવાઈ રહી છે ત્યારે બીબીસીના આરોગ્ય અને વિજ્ઞાન સંવાદદાતા પાસેથી જાણો કે કોવિડ-19 વિશે હજી એવી કઈ કઈ બાબતો છે જેનાથી આપણે અજાણ છીએ.

  14. 11 અઠવાડિયાના લૉકડાઉન પછી વુહાન ખોલવામાં આવ્યું

    દુનિયાના કેટલાય દેશો લૉકડાઉનમાં છે ત્યારે ચીનનું વુહાન શહેર જ્યાં સૌ પ્રથમ કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા હતા, તેને ખોલવામાં આવ્યું છે.

    ડિસેમ્બર 2019માં અહીં સૌ પ્રથમ કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા હતા.

    વુહાનના જે રહેવાસીઓ પાસે એક હૅલ્થ ઍપ પર ગ્રીન કોડ છે, તે લોકો જ આ શહેરમાંથી બહાર નીકળી શકશે.

    હવે અહીં વાહનવ્યવહારને ફરી શરુ કરવામાં આવ્યો છે.

    કોરોના સંક્રમણનો રોગચાળો ફાટી નીકળતા 11 અઠવાડિયા સુધી વહાનના એક કરોડ દસ લાખ લોકોને લૉકડાઉનમાં રાખવામાં આવ્યા હતા.

    આધિકારિક આકંડા મુજબ ચીનમાં કોરોના વાઇરસ સંક્રમણના 81,740 કેસ છે.

  15. કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?

    દુનિયાભરમાં કોરના વાઇરસની મહામારી દિનપ્રતિદિન વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યારે તેના લક્ષણો શું છે અને તેનાથી કેવી રીતે બચી શકાય તે સમજવા માટે અંહી ક્લિક કરો.

  16. ન્યૂ યૉર્કમાં એક દિવસમાં સૌથી વધારે મૃત્યુ

    અમેરિકાના ન્યૂ યૉર્કમાં મંગળવારે એક દિવસમાં સૌથી વધારે મૃત્યુ નોંધાયા.

    અહીં મંગળવારે 731 મૃત્યુ નોંધાયા જેથી ન્યૂ યૉર્કમાં મરણાંક કુલ 5,489 થઈ ગયો છે. એક લાખ 38 હજાર સંક્રમિત દર્દીઓ છે.

    ન્યૂ યૉર્ક સિટીની જેલોમાં કોરોના સંક્રમણને કારણે પ્રશાસન પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જેલના એક સંક્રમિત દર્દીનું મૃત્યુ પછી હાઈ રિસ્ક પર આવેલા કેદીઓ બાબતે પ્રશાસને જે પગલાં લીધા તેને લઈને પ્રશ્ન પૂછાઈ રહ્યા છે.

    અહીં સોમવાર સુધી 286 કેદીઓ અને 331 કર્મીઓ કોરોના પૉઝિટિવ મળ્યા છે.

    • દુનિયામાં 82 હજારથી વધારે મરણાંક

      વિશ્વ ભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 14 લાખ 28 હજાર કરતા વધારે થઈ, મરણાંક 82 હજારથી પાર થઈ ચૂક્યો છે.

      અમેરિકામાં સૌથી વધારે સંક્રમિતોની સંખ્યા છે. અમેરિકામાં 3,98,185 દર્દીઓને કોરોના સંક્રમણ છે.

      ઇટાલીમાં મરણાંક 17,127 પહોંચ્યો છે, ત્યારે સ્પેનમાં 14,045 લોકોના મૃત્યુ થયું છે. ફ્રાન્સમાં મરણાંક દસ હજારથી ઉપર પહોંચ્યો છે.

      બ્રિટનમાં મરણાંક છ હજારની પાર પહોંચ્યો છે.

    • પ્રથમવાર ચીનમાં એક પણ મૃત્યુ નહીં

      પ્રથમવાર ચીનમાં એક પણ મૃત્યુ નહીં. અંહી ક્લિક કરો.8 એપ્રિલની અપડેટ