You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દેશમાં કોરોના વાઇરસના 400 કેસોનો સંબંધ તબલીગી જમાત સાથે
ગુજરાત અને ભારત સહિત વિશ્વભરના કોરોના વાઇરસ સંબંધિત અપડેટ્સ અહીં મેળવો.
લાઇવ કવરેજ
દેશમાં કોરોના વાઇરસના 400 કેસોનો સંબંધ તબલીગી જમાત સાથે
દેશમાં કુલ કોરોના વાઇરસ સંક્રમિતોના મામલાઓમાં 400 કેસોનો સંબંધ દિલ્હીની નિઝામુદ્દીન મરકઝના તબલીગી જમાત સાથે જોવા મળ્યો છે.
આરોગ્ય અને પરિવાર મંત્રાલયના જોઇન્ટ સૅક્રેટરી લવ કુમાર અગ્રવાલે મીડિયાને કહ્યું કે, અલગઅલગ રાજ્યોમાં સંપર્કોને ટ્રેસ કરવામાં આવ્યા છે અને અમને જાણવા મળ્યું છે કે કોરોના વાઇરસ સંબંધિત 400 કેસોનો સંબંધ તબલીગી જમાત સાથે છે.
એમણે કહ્યું છે કે, સૌથી વધારે તામિલનાડુમાં 173 કેસો છે. જ્યારે રાજસ્થાનમાં 11 કેસો, આંદામાન-નિકોબારમાં 9 કેસો, દિલ્હીમાં 47 કેસો, પુડ્ડુચેરીમાં 2 કેસો, જમ્મુ-કાશ્મીરમાં 22 કેસો, તેલંગણામાં 33 કેસો, આંધ્ર પ્રદેશમાં 67 કેસો અને 16 કેસો આસામમાં છે.
દિલ્હીસ્થિત નિઝામુદ્દીનની મરકઝના વડા મૌલાના સાદ અને અન્યો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
આજનું કાર્ટૂન : 'બ'થી બચાવો, 'બ'થી બચો
કોરોના વાઇરસના આકલન માટે ઍપ લૉન્ચ
કોરોના વાઇરસની ગંભીરતા અને આકલન માટે રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર દ્વારા 'આરોગ્ય સેતુ' નામની એક મોબાઇલ ઍપ્લિકેશન લૉન્ચ કરવામાં આવી છે.
આ ઍૅપ પરથી કોરોના વાઇરસ સંક્રમણના દર્દીઓ અને કોરોના સંબંધિત લેટેસ્ટ માહિતી મળી રહેશે.
સ્વાસ્થ્ય મંત્રાલયની પત્રકારપરિષદના મુખ્ય અંશ
- ટેસ્ટિંગ પ્રૉટોકોલમાં હજુ સુધી કોઈ બદલાવ નથી, પરંતુ બદલાવ પર ચર્ચા ચાલુ છે
- સ્વાસ્થ્યકર્મીઓની સુરક્ષા માટે દોઢ કરોડથી વધુ પીપીઈ (પર્સનલ પ્રોટેક્સન ઇક્વિપમેન્ટ્સ)ના ઑર્ડર
- વડા પ્રધાન મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સથી રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે વાત કરી
- મુખ્ય મંત્રીઓને જિલ્લાસ્તરે કડક રીતે કામ કરવાના નિર્દેશ આપ્યા
- આગામી દિવસોમાં ટેસ્ટિંગ, આઇસોલેશન, કૉન્ટેક્ટ ટ્રેસિંગ અને નિરીક્ષણ પર ભાર
- રાહતશિબિરો માટે ગાઇડલાઇન, શિબિરોમાં કાઉન્સલિંગ અને જરૂરી સામાનનો સપ્લાય અનિવાર્ય
- ભારત અને અન્ય દેશોમાં સંક્રમણ ફેલવાની રીતમાં કોઈ ખાસ તફાવત નહીં
નરેન્દ્ર મોદી સરકારે કોરોના વાઇરસ મહામારીમાં આ સવાલોના જવાબ આપવા પડશે
કેરળમાં પ્રવાસી મજૂરોને સૅનિટાઇઝ કરવા કેમિકલ છાંટવામાં આવ્યું?
કોરોના વાઇરસ ચીનની લૅબમાંથી લીક કરવામાં આવ્યો છે? શું છે હકીકત, ઇબોલા વાઇરસ સંક્રમણ વખતે પણ તેના જૈવિક શસ્ત્ર હોવાની વાતો થઈ હતી.
સોશિયલ મીડિયા પર દાવા કરવામાં આવી રહ્યા છે કે આ ચીનનું જૈવિક શસ્ત્ર છે. આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ આ દાવાની ચર્ચા થઈ છે.
ત્યારે જાણો કે મેડિકલ અને વૈજ્ઞાનિક નિષ્ણાતો આ વિશે શું કહે છે.
અમેરિકામાં કોવિડ19ના કારણે છ અઠવાડિયાનાં બાળકનું મૃત્યુ, અહીં મેડિકલ ઇક્વિપમેન્ટની કમીને કારણે મુશ્કેલી ઊભી થઈ છે.
અમેરિકામાં કોવિડ19ના કારણે છ અઠવાડિયાનાં બાળકનું મૃત્યુ થઈ ગયું છે.
કનેક્ટિકટ રાજ્યમાં આ બાળકના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે.
વૉશિંગટન પોસ્ટ મુજબ અમેરિકામાં રૅસ્પિરેટરી માસ્ક, ગ્લવ્ઝ અને અન્ય મેડિકલ ઇક્વિપમેન્ટની ભારે કમી સર્જાઈ છે જેના કારણે કેન્દ્રની સંઘીય સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે મેડિકલ ઇક્વિપમેન્ટને લઈને હોડ લાગી છે.
અમેરિકામાં બીબીસી સંવાદદાતા પીટર બૉવસ પ્રમાણે કોવિડ19ના દર્દીઓની સારવાર કરી રહેલા સ્વાસ્થ્યકર્મીઓએ દેશમાં પ્રોટૅક્ટિવ ઇક્વિપમેન્ટની અતિ ભારે કમીની ફરિયાદ કરી છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સ્વીકાર કર્યું છે કે ઇક્વિપમેન્ટના સ્ટૉકમાં અછત સર્જાઈ છે પરંતુ મૅન્યુફૅક્ચરિંગ યુનિટ્સમાંથી સીધી હૉસ્પિટલોને સપ્લાયની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
અનિયોજિત લૉકડાઉનથી લાખો મજૂરોને તકલીફ થઈ : સોનિયા ગાંધી
કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ કહ્યું કે લૉકડાઉન જરૂર હોઈ શકે પરંતુ તેને અનિયોજિત રીતે લાગુ કરવાને કારણે કરોડો મજૂરોને મુશ્કેલી વેઠવી પડી છે.
વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે બેઠકમાં તેમણે કહ્યું કોરોના વાઇરસ લૉકડાઉનથી ઊભા થયેલા સંકટથી લડવા માટે એક વ્યાપક રણનીતિની જરૂર છે.
મહારાષ્ટ્રમાં સંખ્યા 338 પહોંચી, રાજસ્થાનમાં 129, રાજસ્થાનમાં નવ નવા કેસ સામે આવ્યા છે.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે પુનામાં બે અને બુલઢાનામાં એક કોરોના વાઇરસના સંક્રમણનો કેસ સામે આવ્યો છે ત્યાર પછી સંક્રમિત દર્દીઓની સંખ્યા 338 થઈ ગઈ છે.
મુંબઈની અત્યંત ગીચ એવી ધારાવી ઝૂપડપટ્ટીમાં કોરોનાનો કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
ત્યારે, આસામના સ્વાસ્થ્ય મંત્રી હેમન્તા બિશ્વા શર્માએ કહ્યું કે ગ્વાલપાડા જિલ્લામાં ત્રણ નવા સંક્રમિત દર્દી મળ્યા છે, આમ આસામમાં કુલ દર્દીઓની સંખ્યા 16 થઈ છે.
રાજસ્થાનમાં કોરોના વાઇરસના સંક્રમણના નવ કેસ સામે આવ્યા છે જેથી કુલ સંખ્યા 129 થઈ છે.
રાજસ્થાનના સ્વાસ્થ્ય વિભાગે કહ્યું છે કે રામગંજમાં એક સંક્રમિત વ્યક્તિએ પોતાના નજીકના અન્ય સંબંધીઓને પણ ચેપ લગાડ્યો હતો.
ત્યારે ઇન્દોરમાં કોરોના વાઇરસથી સંક્રમિત 12 નવા દર્દી સામે આવ્યા છે, ત્યાર પછી મધ્ય પ્રદેશમાં કોવિડ19 દર્દીની સંખ્યા 98 થઈ ગઈ છે.
ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણને કારણે મરણાંક 50 થયો, અત્યાર સુધી દેશમાં 151 સારવાર પછી સાજા થયા છે
કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યાનો નવો આંકડો જાહેર કર્યો છે.
ભારતમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 1965 થઈ ગઈ છે.
મંત્રાલયના ડેટા પ્રમાણે, ગત 12 કલાકમાં 131 નવા કેસ સામે આવ્યા છે.
જેમાં અત્યારે 1764 દર્દી છે જ્યારે 151 સારવાર પછી સાજા થયા છે અને 50 લોકોનું મૃત્યુ થયું છે.
ગુરુવારે ગુજરાતની સ્થિતિ
ગુરુવારની પરિસ્થિતિ મુજબ ગુજરાતમાં હાલ કોરોના વાઇરસ પૉઝિટિવ કેસની સંખ્યા 87 છે અને મરણાંક સાત પર પહોંચ્યો છે.
ગુજરાતનાં આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યા મુજબ :
- ગુરુવાર સવારની સ્થિતિ મુજબ નવો કોઈ પૉઝિટિવ કેસ નહીં, વડોદરામાં 52 વર્ષીય આધેડનું મૃત્યુ, કુલ મરણાંક સાત
- કોરોના સામેની જંગમાં આગામી પાંચ-સાત દિવસ મહત્ત્વપૂર્ણ, આંતરરાષ્ટ્રીય કે આંતરરાજ્ય પ્રવાસ હોય અથવા સંક્રમિત વ્યક્તિના પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ સંપર્કમાં આવ્યા હોય તેઓ સામે આવે
- ગુજરાતમાં મેડિકલ કૉલેજના પ્રાધ્યાપકો તથા શૈક્ષણિક સ્ટાફને કોવિડ હૉસ્પિટલ્સમાં તહેનાત કરાશે
- ગુજરાતમાં મેડિકલ કૉલેજના પ્રાધ્યાપકો તથા શૈક્ષણિક સ્ટાફને કોવિડ હૉસ્પિટલ્સમાં તહેનાત કરાશે
- ગુજરાતમાં કુલ 18,852 લોકો ક્વૉરન્ટાઇન હેઠળ - ગુજરાતનાં સ્વાસ્થ્ય સચિવ જયંતી રવિહોમક્વૉરન્ટાઇન - 17,666 નાગરિકોસરકારી - 904 ખાનગી ક્વૉરન્ટાઇન - 282 દરદી ભરતી.
શું દુનિયાભરના સરમુખત્યારોને કોરોના વાઇરસથી નવું જોમ મળી રહ્યું છે?
અમેરિકામાં બે લાખ લોકોનાં મોતની આશંકા કેમ?, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે ચેતવણી આપી છે કે ઇટાલી જેની પરિસ્થિતિ થઈ શકે છે.
અમેરિકાના જાણીતા સંક્રામક બીમારી વિશેષજ્ઞ ડૉક્ટર ઍૅન્થોની ફાઉચીએ કહ્યું કે અમેરિકામાં કોરોના વાઇરસના સંક્રમણને લીધે એકથી બે લાખ લોકોનાં મૃત્યુ થઈ શકે છે.
વડોદરામાં 52 વર્ષીય દર્દીનું મૃત્યુ, તેમના પરિવારના ચાર લોકો પણ કોરોના વાઇરસ પૉઝિટિવ છે.
વડોદરામાં કોવિડ19 સંક્રમિત દર્દીનું ગુરુવારે સવારે મૃત્યુ થયું છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે 52 વર્ષીય દર્દી શ્રીલંકાની યાત્રા પર ગયા હતા અને વડોદરાની એસએસજી હૉસ્પિટલમાં 19 માર્ચથી દાખલ હતા.
વડોદરાના કલેક્ટર એસ. અગરવાલે જણાવ્યું કે તેમના ચાર પરિવારજનો પણ કોરોના પૉઝિટિવ છે અને તેમની સારવાર ચાલુ છે.
આની સાથે ગુજરાતમાં કોરોના સંક્રમણથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા સાત થઈ ગઈ છે.
કોરોના વાઇરસે અમેરિકાની ચિંતા વધારી છે
તબીબી સાધનોની અછતને પહોંચી વળવા અમેરિકામાં કેટલીક કંપનીઓ સરકારને મદદ કરવા સજ્જ થઈ છે.જનરલ મોટર્સ અને ફૉર્ડ સહિતની કેટલીક કમ્પનીઓ વૅન્ટિલેટર્સ બનવવા આગળ આવી છે. અમેરિકા કોરોના સામે કેવી રીતે જંગ લડી રહ્યું છે તથા દેશ-વિદેશના કોરોના સંબંધિત અન્ય સમાચાર અમે પ્રસારિત કર્યાં હતાં, જો આપ ચૂકી ગયા હો તો અહીં નિહાળી શકો છો.
સમગ્ર વિશ્વમાં મૃત્યાંક 50 હજારની નજીક પહોંચ્યો, સૌથી વધારે ઇટાલીમાં 13,155 મૃત્યુ થયા છે
સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમણથી મૃત્યુ પામનારનો આંકડો 50 હજારની નજીક પહોંચ્યો છે.
કોવિડ19ને કારણે અત્યાર સુધી 47,208નાં મૃત્યુ થઈ ગયા છે. સૌથી વધારે ઇટાલીમાં લોકોનો ભોગ લેવાયો છે.
ઇટાલી 13,155 મૃત્યુ
સ્પેન 9,387 મૃત્યુ
અમેરિકા 5,116 મૃત્યુ
ફ્રાન્સ 4,404 મૃત્યુ
ચીન 3,316 મૃત્યુ
ઇરાન 3,036 મૃત્યુ
બ્રિટન 2,357 મૃત્યુ
નેધરલૅન્ડ્સ1,173 મૃત્યુ
જર્મની931 મૃત્યુ
બેલ્જિયમ828 મૃત્યુ
કોરોના વાઇરસથી દુનિયામાં દસ લાખ લોકો સંક્રમિત થશે : WHO, હાલ વિશ્વમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા નવ લાખને પાર કરી ચુકી છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં દસ લાખ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થઈ જશે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વડાએ કહ્યું કે આવનારા દિવસોમાં કોરોના વાઇરસના સંક્રમણને કારણે લગભગ 50 હજાર લોકોનાં મૃત્યુ થશે.
તેમણે કહ્યું કે જે રીતે દુનિયામાં કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાઈ રહ્યું તેનાથી તેઓ ચિંતિત છે.
છેલ્લા એક અઠવાડિયામાં સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસને કારણે મૃત્યાંક લગભગ બમણો થઈ ગયો છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, વિશ્વ બૅન્ક અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે કહ્યું છે કે વિકાસશીલ દેશ આ સંકટથી પ્રભાવી રીતે પાર પાડી શકે અને ત્યાર પછી પોતાના અર્થતંત્રને પણ બચાવી શકે તેના માટે લોનમાફી જરૂરી છે.
અમેરિકામાં 24 કલાકમાં 800થી વધારે મૃત્યુ, અહીં કોરોના વાઇરસના સંક્રમણના સૌથી વધારે દર્દીઓ ન્યૂ યૉર્કમાં છે.
અમેરિકામાં કોરોના વાઇરસ સંક્રમણના કેસોની સંખ્યા બે લાખથી પણ વધારે થઈ ગઈ છે.
જોન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા મુજબ, અમેરિકામાં 213,000થી વધારે લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે, જ્યારે 4,700થી વધારે લોકોનાં મૃત્યુ થયા છે.
સૌથી વધારે દર્દીઓ ન્યૂ યૉર્કમાં છે. ન્યૂ યૉર્કના ગવર્નર ઍન્ડ્ર્યુ કુઓમોનું કહેવું છે કે બાકી પ્રદેશોમાં પણ પરિસ્થિતિ ભયાવહ છે.
આ પહેલાં મંગળવારે ઉપરાષ્ટ્ર પ્રમુખ ચેતવણી આપી હતી કે અમેરિકામાં મહામારીનું સ્વરૂપ ઇટાલી જેવું થઈ શકે છે.
જોન હૉપકિન્સ યુનિવર્સિટી દ્વારા ડેટા બુધવારે સાંજે જાહેર કરવામાં આવેલા ડેટા મુજબ, કોરોના વાઇરસને કારણે અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 884 મૃત્યુ નોંધાયાં હતાં.
અમેરિકામાં કોરોના વાઇરસને કારણે એક દિવસમાં આ સૌથી મોટો મૃત્યાંક છે.
ત્યારે છેલ્લા 24 કલાકમાં 25 હજાર 200 નવા કેસ સામે આવ્યા છે.
વ્હાઇટ હાઉસ કોરોના વાઇરસ ટાસ્ક ફોર્સનું અનુમાન છે કે અમેરિકામાં આ વાઇરસના સંક્રમણથી એક લાખથી 2,40,000 મૃત્યુ થઈ શકે છે.