You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

વિધાનસભા ચૂંટણી : મહારાષ્ટ્રમાં 59.01 ટકા અને હરિયાણામાં 65.49 ટકા મતદાન

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 અને હરિયાણા વિધાનસભાની 90 બેઠકો પર મતદાન પૂર્ણ.

લાઇવ કવરેજ

  1. સુપ્રિયા સૂલેએ મતદાન કર્યું

    રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા સુપ્રિયા સૂલેએ બારામતી ખાતે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમના પિત્રાઈ ભાઈ અજીત પવાર આ બેઠક ઉપરથી એનસીપીના ઉમેદવાર છે. તેમની સામે ભાજપના ગોપીચંદ પડળકર ઉમેદવાર છે. અજીત પવાર તથા સુપ્રિયા સૂલેને રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાં શરદ પવારના રાજકીય વારસ માનવામાં આવે છે.

  2. મુંબઈમાં મતદાન કેવું ?

    ન્યૂઝ એજન્સી એએનઆઈના અહેવાલ પ્રમાણે, દેશના આર્થિક મહાનગર વર્ષ 1999થી 2009 સુધીની લોકસભા ચૂંટણી દરમિયાન મતદાનની ટકાવારી 50 ટકા કરતાં ઓછી રહી હતી.

    2014માં લોકસભા તથા ત્યારબાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન સરેરાશ 50 ટકા કરતાં વધુ મતદાન યોજાયું હતું.

    ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણી દરમિયાન 55 ટકા મતદાન થયું હતું, ત્યારે આજે પણ મુંબઈકર બહાર નીકળીને વોટ કરે છે કે જૂના ટ્રૅકરેકર્ડનું પુનરાવર્તન કરે છે, તેની ઉપર નજર રહેશે.

  3. અલ્પેશ ઠાકોરનું રાજકીય ભાવિ

    ગુરુવારે EVM (ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીન) ખુલશે ત્યારે ઠાકોરસેના સાથે સંકળાયેલા અલ્પેશ ઠાકોર તથા તેમના સાથી ધવલસિંહ રાઠોડનું રાજકીય ભાવિ નક્કી થશે.

    2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ઠાકોર તથા ઝાલા કૉંગ્રેસમાં જોડાયા હતા તથા અનુક્રમે રાધનપુર તથા બાયડની બેઠક ઉપરથી ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા હતા.

    જોકે, લોકસભા ચૂંટણી બાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા અને ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું, જેના કારણે આ બંને બેઠક ખાલી પડી હતી.

  4. કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ મતદાન કર્યું

    કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ તેમનાં પત્ની સાથે નાગપુરમાં મતદાન કર્યું હતું. ગડકરી મહારાષ્ટ્રની ચૂંટણીમાં મોડે-મોડેથી સક્રિય થયા હોવાની ચર્ચા થઈ હતી, પરંતુ બીબીસી સાથેની વાતચીતમાં તેમણે આ વાતને નકારી હતી.

  5. હરિયાણાનાં ટિકટૉક સ્ટાર અને ભાજપનાં ઉમેદવારે મત આપ્યો

    હરિયાણાના ટિકટૉક સ્ટાર સોનાલી ફોગટે મતદાન કર્યું. સોનાલી હરિયાણાની આદમપુર વિધાસભા બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર છે.

  6. મોદીએ મતદાનની અપીલ કરી

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને મહારાષ્ટ્ર તથા હરિયાણાના નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીની પ્રક્રિયામાં ભાગીદાર બનવા અપીલ કરી હતી. હરિયાણા માટે વડા પ્રધાને હિંદીમાં તથા મહારાષ્ટ્ર માટે મરાઠીમાં ટ્વીટ કર્યું હતું.

    આ સિવાય અંગ્રેજીમાં ટ્વીટ કરીને દેશના અન્ય ભાગોમાં યોજાઈ રહેલી ચૂંટણીમાં મતદાન કરવા નાગરિકોને અપીલ કરી હતી. તેમણે યુવાને આગળ આવીને મતદાન કરવા આહ્વાન કર્યું હતું.

  7. મહારાષ્ટ્ર : એનસીપીના નેતા અને શરદ પવારના ભત્રીજાએ મતદાન કર્યું

    મહારાષ્ટ્રના એનસીપીના વરિષ્ઠ નેતા અને શરદ પવારના ભત્રીજા અજીત પવાર બારામતી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે ભાજપના ગોપીચંદ પડળકર ચૂંટણી લડી રહ્યા છે.

  8. કુલ 51 બેઠક ઉપર પેટાચૂંટણી

    સોમવારે ગુજરાતની છ ઉપરાંત ઉત્તરપ્રદેશની 11, બિહારની પાંચ, કેરળની પાંચ, પંજાબની ચાર, આસામની ચાર, સિક્કિમની ત્રણ, રાજસ્થાનની બે, હિમાચલપ્રદેશની બે તથા તામિલનાડુની બે બેઠક ઉપર પેટાચૂંટણી યોજાઈ રહી છે.

    મહારાષ્ટ્રમાં સતારાની લોકસભાની બેઠક ઉપર પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ બેઠક ઉપર ઉદયરાજે ભોંસલે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના સંસદસભ્ય હતા, પરંતુ તેઓ ભાજપમાં જોડાયા એટલે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આથી આ બેઠક ઉપર પેટાચૂંટણી યોજાઈ રહી છે.

    જ્યારે બિહારની સમસ્તીપુર બેઠક લોક જનશક્તિ પાર્ટીના રામચંદ્ર પાસવાનના નિધન બાદ ખાલી પડી હતી.

  9. ગુજરાત પેટાચૂંટણી : કોણ કોની સામે લડી રહ્યું છે?

  10. RSSના પ્રમુખ મોહન ભાગવતે મહારાષ્ટ્રના નાગપુરમાં મતદાન કર્યું

  11. મહારાષ્ટ્ર-હરિયાણામાં મતદાન શરૂ

    મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીઓમાં મતદાન શરૂ થઈ ગયું છે. મહારાષ્ટ્રની 288 અને હરિયાણાની 90 બેઠકો પર સાંજ સુધી મતદાન થશે.

  12. ગુજરાતમાં પેટાચૂંટણી

    મહારાષ્ટ્ર તથા હરિયાણાની વિધાનસભાની સાથે ગુજરાતમાં પણ છ વિધાનસભા બેઠક ઉપર પેટાચૂંટણી યોજાઈ રહી છે.

    જેમાં રાધનપુર, બાયડ, અમરાઈવાડી, લુણાવાડા, ખેરાલુ તથા થરાદનો સમાવેશ થાય છે.

    આમાંથી બેઠક (રાધનપુર તથા બાયડ) કૉંગ્રેસ પાસે હતી, જ્યારે ભાજપ પાસે બાકીની ચાર બેઠકો છે.

  13. મહારાષ્ટ્રમાં 288 બેઠક ઉપર મતદાન

    મહારાષ્ટ્રમાં 288 બેઠક ઉપર 3,227 ઉમેદવારના રાજકીય ભાવિ ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીનમાં કેદ થઈ જશે.

  14. હરિયાણા વિધાનસભા ચૂંટણીની આંકડાકીય માહિતી

    હરિયાણમાં હાલ ભાજપની સરકાર છે અને મનોહરલાલ ખટ્ટર રાજ્યના મુખ્ય મંત્રી તરીકે પાંચ વર્ષથી સરકાર ચલાવી રહ્યા છે.

    ભાજપનું અહીં શિરોમણી અકાલી દળ સાથે ગઠબંધન હતું પરંતુ ચૂંટણી પહેલાં જ આ ગઠબંધન તૂટી ગયું છે.

    આ વખતે ભાજપ એકલા હાથે હરિયાણાની ચૂંટણી લડી રહ્યો છે.

    હરિયાણા વિધાનસભાની કુલ 90 બેઠકો પર મતદાન થવાનું છે. જેમાં 17 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે. રાજ્યમાં અનુસૂચિત જનજાતિ માટે કોઈ બેઠક અનામત નથી.

    હરિયાણામાં આ વખતે 1,82,98,714 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

    હાલ સત્તામાં રહેલા રહેલા ભાજપ સામે કૉંગ્રેસ, ઇન્ડિયન નેશનલ લોકદળ અને નવી જનનાયક જનતા પાર્ટી મેદાનમાં છે.

    2014માં થયેલી હરિયાણાની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 47, કૉંગ્રેસને 15, ઇન્ડિયન નેશનલ લોકદળને 19 બેઠકો મળી હતી.

  15. મહારાષ્ટ્ર વિધાનસભાની આંકડાકીય માહિતી

    મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ 288 બેઠકો પર મતદાન થવાનું છે. જેમાં 29 અનુસૂચિત જાતી 25 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવી છે.

    2014માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 122, શિવસેનાએ 63, કૉંગ્રેસે 42 અને એનસીપીએ 41 બેઠકો પર વિજય મેળવ્યો હતો.

    આ મતદાનમાં કુલ 8,95,62,706 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

    આ ચૂંટણીમાં કુલ 1.8 લાખ બૅલેટિંગ યુનિટ્સનો ઉપયોગ થશે. જ્યારે 1.28 લાખ કન્ટ્રોલ યુનિટ્સ અને 1.39 લાખ વીવીપીએટીનો ઉપયોગ કરવામાં આવશે.

    2014માં મહારાષ્ટ્રમાં કુલ 90,403 મતદાનમથકો હતાં. જ્યારે આ વખતે 95,473 મતદાનમથકો હશે.

    ભાજપ અને શિવસેના અહીં ગઠબંધનમાં સરકાર ચલાવે છે અને રાજ્યમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય મંત્રી છે.

    અહીં મુખ્ય સ્પર્ધા ભાજપ અને શિવસેનાના ગઠબંધન સામે એનસીપી અને કૉંગ્રેસના ગઠબંધનની છે.

  16. મહારાષ્ટ્ર અને હરિયાણામાં મતદાન

    મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની બેઠકો માટે 21 ઑક્ટોબરના રોજ મતદાન થવાનું છે.

    ચૂંટણીપંચે 21 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીઓની તારીખો જાહેર કરી હતી.

    આ સાથે જ ચૂંટણીપંચે ગુજરાતમાં 6 બેઠકો પરની પેટાચૂંટણીની પણ જાહેર કરી હતી.

    24 ઑક્ટોબરના રોજ મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાસભા ચૂંટણીઓનાં પરિણામ જાહેર થશે.