પાકિસ્તાને કહ્યું ભારતે ત્રણ મિલિટરી ઍરપૉર્ટ પર મિસાઇલથી હુમલો કર્યો

પાકિસ્તાનની સેનાના પ્રવક્તાએ કહ્યું છે કે ભારતે તેનાં ત્રણ મિલિટરી ઍરપૉર્ટ પર મિસાઇલ વડે હુમલો કર્યો છે. ભારતે આ દાવા પર કોઈ ટિપ્પણી કરી નથી.

લાઇવ કવરેજ

  1. પાકિસ્તાને કહ્યું ભારતે તેનાં ત્રણ મિલિટરી ઍરપૉર્ટ પર મિસાઇલથી હુમલો કર્યો

    પાકિસ્તાનની સેનાના પ્રવક્તાએ કહ્યું છે કે ભારતે તેનાં ત્રણ મિલિટરી ઍરપૉર્ટ પર મિસાઇલ છોડી છે. ભારતે આ દાવા પર કોઈ ટિપ્પણી કરી નથી.

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ પ્રેસ કૉન્ફરન્સમાં મિસાઇલ હુમલાની વાત કરી છે.

    પાકિસ્તાનની સેનાના પ્રવક્તાએ કહ્યું છે કે ભારતે તેનાં ત્રણ મિલિટરી ઍરપૉર્ટ પર મિસાઇલ છોડી છે. ભારતે આ દાવા પર કોઈ ટિપ્પણી કરી નથી.

    સરકારી ટીવી ચૅનલ પર પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ કહ્યું છે પાકિસ્તાની સેના તેનો જવાબ આપશે.

    તેમણે દાવો કર્યો છે કે પાકિસ્તાનની સેનાના ઍર ડિફેન્સ સિસ્ટમે ભારતની મહત્તમ મિસાઇલને હવામાં જ તોડી પાડી હતી. તેમણે કહ્યું કે દેશની સેના ‘પૂર્ણ રૂપે તૈયાર છે.’

    પાકિસ્તાને જે મિલિટરી ઍરપૉર્ટો નિશાન બનાવ્યાં હોવા બાબતે દાવો કર્યો છે તે પૈકી એક રાવલપિંડીનું નૂર ખાન છે. જે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદથી માત્ર 10 કિલોમીટર દૂર છે. જોકે, ભારત તરફથી આ દાવાઓ પર કંઈ કહેવામાં નથી આવી રહ્યું.

  2. ગુજરાતનાં 8 સહિત દેશનાં કુલ 32 ઍરપૉર્ટ પરથી નાગરિક ઉડાન 15મી મે સુધી બંધ : ડીજીસીએ

    ઍર ઇન્ડિયાએ સોશિયલ મીડિયા ઍક્સ પર જાણકારી આપી છે કે વિમાનન અધિકારીઓની અધિસૂચના બાદ જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર. અમૃતસર, ચંડીગઢ, ભુજ, જામનગર અને રાજકોટ માટે ઉડાન 15મી મે સુધી સવારે પાંચ વાગીને 29 મિનિટ સુધી રદ કરવામાં આવી છે.

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલય (ડીજીસીએ)એ દેશના ઉત્તર તથા પશ્ચિમ ભાગોમાં સ્થિત 32 ઍરપૉર્ટ પરથી નાગરિક ઉડાનો પર રોક લગાવી દીધી છે. જેમાં ગુજરાતનાં કુલ 8 ઍરપૉર્ટનો સમાવેશ થાય છે.

    ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલય (ડીજીસીએ)એ દેશના ઉત્તર તથા પશ્ચિમ ભાગોમાં સ્થિત 32 ઍરપૉર્ટ પરથી નાગરિક ઉડાનો પર રોક લગાવી દીધી છે. જેમાં ગુજરાતનાં કુલ 8 ઍરપૉર્ટનો સમાવેશ થાય છે.

    ભારતીય વિમાનપત્તન પ્રાધિકરણ (એએઆઈ) તથ સંંબંધિત વિમાનન પ્રાધિકરણોંને ઘણી ‘નૉટિસ ટુ ઍરમૅન (નૉટમ)’ જારી કરવામાં આવી છે જે અંતર્ગત 15મી મે સુધી સવારે પાંચ વાગીને 29 મિનિટ સુધી આ રોક જારી રહેશે.

    જેમાં ઉધમપુર, અંબાલા, અમૃતસર, અવંતીપુરા, બઠિંડા, ભુજ, બીકાનેર, ચંડીગઢ, હલવારા, હિંડન, જૈસલમેર, જમ્મુ, જામનગર, જોધપુર, કંડલા, કાંગડા, કેશોદ, કિશનગઢ, કુલ્લૂ મનાલી, લેહ, લુધિયાણા, મુંદ્રા, નલિયા, પઠાનકોટ, પટિયાલા, પોરબંદર, રાજકોટ, સરસાવા, શિમલા, શ્રીનગર, થોઈસ અને ઉત્તરલાઈ સામેલ છે.

    ઍર ઇન્ડિયાએ સોશિયલ મીડિયા ઍક્સ પર જાણકારી આપી છે કે વિમાનન અધિકારીઓની અધિસૂચના બાદ જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર. અમૃતસર, ચંડીગઢ, ભુજ, જામનગર અને રાજકોટ માટેની ઉડાન 15મી મે સુધી સવારે પાંચ વાગીને 29 મિનિટ સુધી રદ કરવામાં આવી છે.

  3. ભારતીય સેનાએ જણાવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયંત્રણ રેખા તથા આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના વિસ્તારોમાં બારામુલાથી ભુજ સુધી 26 સ્થળોએ ડ્રૉન દેખાયાં છે. આમાં એવાં ડ્રૉન્સ હોવાની પણ આશંકા છે કે જે નાગરિક તથા સૈન્ય ઠેકાણાં માટે ખતરારૂપ હતાં.

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

    બીબીસી સંવાદદાતા જુગલ પુરોહિત અનુસાર ભારતીય સેનાએ જણાવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયંત્રણ રેખા તથા આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના વિસ્તારોમાં બારામુલાથી ભુજ સુધી 26 સ્થળોએ ડ્રોન દેખાયાં છે.

    આમાં એવાં ડ્રોન્સ હોવાની પણ આશંકા છે કે જે નાગરિક તથા સૈન્ય ઠેકાણાં માટે ખતરારૂપ હતાં. જ્યાં ડ્રોન્સ દેખાયાં તેમાં બારામુલા, શ્રીનગર, અવંતિપોરા, નાગરોટા, જમ્મુ, ફિરોઝપુર, પઠાણકોટ, ફજિલકા, લાલગઢ જટ્ટા, જૈસલમેર, બાડમેર, ભુજ, કુઆરબેટ અને લખી નાળામાં પણ ડ્રોન્સ દેખાયાં છે.

    ફિરોઝપુરમાં એક સશસ્ત્ર ડ્રોનને કારણે સ્થાનિક પરિવારના સભ્યોને ગંભીર ઈજાઓ થઈ છે. ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે અને આ વિસ્તારની સુરક્ષા દળોએ તપાસ કરી છે.

    ભારતીય સેના હાઈ ઍલર્ટ પર છે અને બધા હવાઈ હુમલાના ખતરા પર નજર રાખવામાં આ રહી છે અને ડ્રોન-વિરોધી સિસ્ટમ ચાલુ છે.

    પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને સતત નજર રાખવામાં આવી છે અને જરૂર પડ્યે ત્વરિત કાર્યવાહી કરાઈ રહી છે.

    ખાસ કરીને સરહદ વિસ્તારમાં રહેતા નાગરિકોને અંદર જ રહેવાની સલાહ આપવામાં આવે છે, બહાર નીકળવા પર નિયંત્રણ રાખવું અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવેલા સુરક્ષાના નિર્દેશોનું કડકાઈથી પાલન કરવું. આ સાવચેતી જરૂરી છે, પણ ગભરાવવાની કોઈ જરૂર નથી.

  4. પંજાબના ફિરોઝપુરમાં રહેણાંક વિસ્તારમાં ડ્રોન પડ્યું, ત્રણ ઘાયલ

    પંજાબ, ફિરોજપુર, ડ્રોનહુમલો, પોલીસ પુષ્ટિ

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, એસએસપી ભૂપિંદરસિંહ સિદ્ધુએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં ડ્રોનહુમલામાં ત્રણ નાગરિક ઘાયલ થયાં હોવાની માહિતી આપી હતી

    શુક્રવારે મોડી સાંજે ભારતના જમ્મુ, સાંબા, પઠાણકોટ અને ફિરોઝપુરમાં ડ્રોન દેખાયા હતા. ગુરુવારે ભારતની વાયુ સુરક્ષા પ્રણાલીએ મોટાભાગના ડ્રોનને ધ્વસ્ત કરી દીધાં હતાં.

    જોકે, શુક્રવારે એક ડ્રોન પંજાબના ફિરોઝપુરમાં એક રહેણાક વિસ્તારમાં પડ્યું હતું, જેના કારણે ત્રણ લોકો દાઝી ગયા હતા.

    એસએસપી ભૂપિંદરસિંહ સિદ્ધુના જણાવ્યા પ્રમાણે, "ત્રણ લોકો ઘાયલ થવાની માહિતી મળી છે. તબીબો તેમની સારવાર કરી રહ્યા છે. મોટાભાગના ડ્રોન્સને ભારતીય સેનાએ તોડી પાડ્યા હતા."

    ઉલ્લેખનીય છે કે ગુરુવારે સાંજે ભારતીય વિદેશ મંત્રાલયે પત્રકારપરિષદ કરી હતી, જેમાં ભારતીય સેનાનાં પ્રવક્તા સોફિયા કુરૈશીએ કહ્યું હતું કે ગુરૂવારે રાત્રે કદાચ ભારતીય વાયુ સુરક્ષા પ્રણાલીને ચકાસવા માટે પાકિસ્તાન તરફથી 300-400 ડ્રોન મોકલવામાં આવ્યા હતા. જોકે, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ આ વાતનો ઇનકાર કર્યો હતો.

  5. ભારત-પાકિસ્તાન તણાવ : ગુજરાત સરકારના તમામ કર્મચારીઓની રજા રદ

    ભારત-પાકિસ્તાન તણાવ, ગુજરાત સરકારના કર્મચારીઓની રજા રદ

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

    ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રવર્તમાન તણાવને પગલે ગુજરાત સરકારે તમામ વિભાગ, વિભાગ હેઠળના બોર્ડ, નિગમ, પંચાયત, કૉર્પોરેશન, સ્વાયત્ત સંસ્થા કે અનુદાનિત સંસ્થાના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓની તમામ પ્રકારની રજાઓ રદ કરી દીધી છે.

    આ સિવાય અધિકારીઓ તથા કર્મચારીઓ વિભાગના વડા, ખાતાના વડા કે કચેરીના વડાની પૂર્વમંજૂરી વગર મુખ્યમથક નહીં છોડવા માટે જણાવવામાં આવ્યું છે.

    પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે, 'સાવચેતીના પગલાંરૂપે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા' આ નિર્ણય લેવામાં આવ્યો છે તથા 'અનિવાર્ય સંજોગો'માં રજા મળશે.

    જે અધિકારીઓ કે કર્મચારીઓ રજા ઉપર ગયા છે, તેમને તાત્કાલિક ફરજ પર પરત ફરવા જણાવવામાં આવ્યું છે.

    દરમિયાન રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સરહદી જિલ્લાના વહીવટીતંત્ર, પોલીસતંત્ર તથા ઉચ્ચઅધિકારીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગથી બેઠક કરી હતી.

    જેમાં અધિકારીઓને હોટલાઇન અને સેટેલાઇટ ફોન જેવી સંચારપ્રણાલીને દુરસ્ત રાખવા તાકિદ કરવામાં આવી હતી.

    સ્ટેટ ઇમર્જન્સી રુમમાં તેમણે બનાસકાંઠા, પાટણ, જામનગર અને કચ્છ જિલ્લાના અધિકારીઓ સાથે વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સાથે જ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટર તથા કંટ્રૉલરુમને સતત ચાલુ રાખવા તાકિદ કરી હતી.

    જિલ્લા વહીવટીતંત્રને ઈંધણનો સ્ટૉક કરી રાખવા તથા સરહદી ગામડાંને ખાલી કેવી રીતે કરાવવા તથા તેમના માટેના સલામત આશ્રયસ્થાનોની ઓળખ કરીને ખાવા-પીવા, દવા, ઈંધણની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

    ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને અફવાઓ ઉપર ધ્યાન ન આપવા તથા સરકારી અને સત્તાવાર સોશિયલ હેન્ડલ્સ પરથી જ માહિતી મેળવવા કહ્યું હતું.

    ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તમામ જિલ્લાની આરોગ્યવ્યવસ્થાની સમીક્ષા કરી હતી,, જેમાં સરહદી વિસ્તારના જિલ્લાની સજ્જતા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

    બનાસકાંઠાસ્થિત બીબીસી ગુજરાતીના સહયોગી પરેશ પઢિયાર જણાવે છે કે, વહીવટીતંત્ર દ્વારા ગામોમાં નિવાસી, બિનનિવાસી તથા સાર્વજનિક લાઇટોને બંધ કરવા સૂચના આપવામાં આવી છે, જેનો 24 સરહદી ગામોમાં અમલ થયો હતો.

    બીબીસી ગુજરાતીના સહયોગી સચીન પીઠવા જણાવે છે કે બોટાદમાં સુરક્ષાવ્યવસ્થા વધારી દેવામાં આવી છે તથા સાળંગપુર હનુમાન મંદિર ખાતે સાવચેતીના ચકાસણી કરવામાં આવી હતી.

    પાકિસ્તાનની સરહદે આવેલા આ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કચ્છમાં શુક્રવારે રાત્રે બ્લૅકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોમાં અકારણ ભયનું વાતાવરણ ન ફેલાય તે માટે ભારતીય ન્યાય સંહિતાની કલમ-163 હેઠળ કચ્છ-ગાંધીધામમાં ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

    જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરે તો હેડ કૉન્સ્ટેબલ તથા તેમની ઉપરના દરજ્જાના અધિકારીઓને કેસ દાખલ કરવાની સત્તા આપવામાં આવી છે.

    આગામી તા. 15મી મે સુધી રાજકોટ ઍરપૉર્ટને નાગરિક ઉડ્ડાણો માટે બંધ કરી દેવામાં આવ્યું છે.

    ઉલ્લેખનીય છે કે ગુજરાત પાકિસ્તાન સાથે હવાઈ, જમીન તથા દરિયાઈ એમ ત્રણેય પ્રકારની સરહદ ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય છે.

  6. બીબીસી વિશેષ ચર્ચા: ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, હવે આગળ શું થશે?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

    પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ આવી ગયો છે. ભારતે 'ઑપરેશન સિંદૂર' શરૂ કર્યા બાદ આ તણાવ વધી ગયો છે. ભારત અને પાકિસ્તાનમાં તણાવ વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ફરીથી ગોળીબારના સમાચારો મળી રહ્યા છે. સમગ્ર મુદ્દા અંગે જુઓ બીબીસીનો વિશેષ કાર્યક્રમ LIVE

  7. અમૃતસર અને ફિરોઝપુરમાં ભારે ધડાકા સંભળાયા, જમ્મુ, સાંબા અને પઠાણકોટમાં ડ્રોન દેખાયાં

    ન્યૂઝ એજન્સી પીટીઆઈએ ભારતીય સેનાના સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે જમ્મુ, સાંબા તથા પઠાણકોટમાં ડ્રોન દેખાયાં છે.

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, (સાંકેતિક તસવીર)

    ન્યૂઝ એજન્સી પીટીઆઈએ ભારતીય સેનાના સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે જમ્મુ, સાંબા તથા પઠાણકોટમાં ડ્રોન દેખાયાં છે.

    બીબીસીના સહયોગી રવિંદરસિંહ રૉબિને જણાવ્યું હતું કે અમૃતસહમાં ભારે ધડાકાના અવાજ સંભળાયા છે.

    પંજાબમાં બીબીસીના સ્થાનિક સહયોગીઓએ ફિરોઝપુરમાં ઓછામાં ઓછા ત્રણ વિસ્ફોટ સંભળાયા હોવાની પુષ્ટિ કરી હતી.

    ફિરોઝપુર વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીએ પણ પોતે ત્રણ વિસ્ફોટના અવાજ સાંભળ્યા હોવાના અહેવાલોની પુષ્ટિ કરી હતી.

    બીબીસી પત્રકાર નવજોત કૌરના જણાવ્યા પ્રમાણે, ડેપ્યુટી કમિશનર નિશાંત યાદવના આદેશને પગલે ચંદીગઢમાં સાંજે સાત વાગ્યે બધા બજાર બંધ કરાવી દેવાયા હતા.

  8. ભારત-પાકિસ્તાન તણાવ : જમ્મુ-કાશ્મીરના આ વિસ્તારોમાં ફરી ગોળીબાર શરૂ

    ભારત-પાકિસ્તાન તણાવ, જમ્મુ-કાશ્મીરમાં ગોળીબાર, બ્લૅકઆઉટ, તોપમારો, સાયરન,

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

    ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રવર્તમાન તણાવની વચ્ચે ફરી એક વખત ગોળીબાર થઈ રહ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે.

    શ્રીનગરસ્થિત બીબીસી સંવાદદાતા માજિદ જહાંગીરના જણાવ્યા પ્રમાણે, કુપવાડાના કરનાહ તથા તંગધાર, ઉરી તથા પૂંછમાં સાંજે લગભગ સાતેક વાગ્યા આસપાસથી ગોળીબાર શરૂ થઈ ગયો હતો.

    ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે, "ઉરી સેક્ટરમાં ગોળીબાર ઉપરાંત ધડાકાના અવાજ સંભળાય રહ્યા છે."

    આ સિવાય પઠાણકોટમાં હાજર બીબીસીની ટીમને ધડાકાના અવાજ સંભળાય રહ્યા છે.

    શુક્રવારે સાંજે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત પત્રકારપરિષદમાં ભારતીય સેનાનાં પ્રવક્તા સોફિયા કુરૈશીએ ગુરુવારે અલગ-અલગ સ્થળોએ થયેલા હુમલા અંગે માહિતી આપી હતી.

    કર્નલ સોફિયા કુરૈશીના જણાવ્યા પ્રમાણે, "પાકિસ્તાનની સેનાએ ગુરુવારે રાત્રે સેનાના મૂળભૂત માળખાને નિશાને લીધું હતું."

    તેમણે કહ્યું હતું કે પાકિસ્તાને 300-400 ડ્રોન છોડ્યાં હતાં. જોકે, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ આ વાતનો ઇનકાર કર્યો હતો.

  9. જમ્મુ-કાશ્મીરમાં ધડાકા અને સાયરનના અવાજ સંભળાય રહ્યા છે – ઓમર અબ્દુલ્લાહ

    ઉમર અબ્દુલ્લાહ, ભારત-પાકિસ્તાન તણાવ, સાયરન, જમ્મુમાં તોપમારો

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

    જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહના કહેવા પ્રમાણે, જમ્મુમાં બ્લૅકઆઉટ થઈ ગયું છે અને સાયરનના અવાજ સંભળાય રહ્યા છે.

    સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઓમર અબ્દુલ્લાહે લખ્યું, "જમ્મુમાં બ્લૅકઆઉટ છે થાત સમગ્ર શહેરમાં સાયરનનો અવાજ સંભળાય રહ્યો છે."

    વધુ એક પોસ્ટમાં જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રીએ લખ્યું, "હું જ્યાં છું, ત્યાં થોડા-થોડા સમયે ધડાકાના અવાજ સંભળાય રહ્યા છે, જે કદાચ ભારે તોપમારાનો અવાજ છે."

    તેમણે લખ્યું, "જમ્મુ તથા તેની આસપાસના લોકોને મારી નમ્ર અપીલ છે કે મહેરબાની કરીને રસ્તા ઉપર ન નીકળશો. ઘરમાં જ રહો અથવા તો નજીકના એવા સ્થળે પહોંચો કે જ્યાં આગામી થોડા કલાકો માટે તમે આરામથી રહી શકો."

    અબ્દુલ્લાહે લોકોને અફવાઓ ઉપર ધ્યાન ન આપવા તથા પાયાવિહોણી કે અપુષ્ટ વાતો ફેલાવવા પણ અપીલ કરી.

    આ પહેલાં ગુરુવારે રાત્રે પણ પાકિસ્તાનની સરહદે આવેલા જિલ્લાઓમાં બ્લૅકઆઉટ તથા ગોળીબારના સમાચાચર આવ્યા હતા.

    બીજી બાજુ, તણાવને પગલે અનેક જિલ્લામાં સાંજથી બ્લૅકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે.

  10. ભારત-પાકિસ્તાન તણાવ : પાકિસ્તાનની આર્થિકસ્થિતિ 'યુદ્ધ' સહન કરી શકે એમ છે?

    પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ, ભારત-પાકિસ્તાન તણાવ, આઈએમએફ, એડીબી,

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, અગાઉ વર્ષ 2025 દરમિયાન પાકિસ્તાનનું અર્થતંત્ર ત્રણ ટકાના દરે પ્રગતિ કરશે, એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી

    ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત સૈન્ય અને રાજકીય તણાવ પ્રવર્તમાન છે. હવે, આર્થિક મોરચે પણ પાકિસ્તાનની મુશ્કેલી વકરી શકે છે.

    પાકિસ્તાનનું અર્થતંત્ર ગાઢ સંકટમાંથી બહાર નીકળવા પ્રયાસ કરી રહ્યું છે, એવામાં ભારત સાથે તણાવ ઊભો થયો છે.

    વર્ષ 2023થી પાકિસ્તાનના કુલ ઘરેલુ ઉત્પાદનમાં (જીડીપી) માંડમાંડ થોડો વધારો થયો હતો. ઊંચો આયાતખર્ચ, વિદેશી મુદ્રાભંડારમાં ઘટાડો તથા અમર્યાદ મોંઘવારી તેના માટે કારણભૂત હતા.

    એશિયન ડેવલ્પમેન્ટ બૅન્કના (એડીબી) જણાવ્યા મુજબ, વર્ષ 2024માં પાકિસ્તાનનો જીડીપી વિકાસદર અઢી ટકા હતો, જે વર્ષ 2025 દરમિયાન વધીને ત્રણ ટકા થશે, એવી આશા સેવાઈ રહી હતી.

    જોકે, ભારત સાથેના સંઘર્ષને પગલે પાકિસ્તાનની આર્થિક પ્રગતિને આંચકો લાગી શકે છે. આ સંકટ પાકિસ્તાન માટે વધુ એક અડચણ ઊભી કરે એમ છે.

    અગાઉ એડીબીનું અનુમાન હતું કે આર્થિકસુધાર, સ્થિર મુદ્રાબજાર અને ખાનગીક્ષેત્રમાં ભારે રોકાણને કારણે તેની આર્થિકવૃદ્ધિ થશે, પરંતુ બદલાયેલી પરિસ્થિતિમાં આ અનુમાન ખોરવાય ગયું છે.

    ડૉલરની સરખામણીમાં પાકિસ્તાની રૂપિયામાં ઘટાડો થઈ રહ્યો છે, શૅરબજારના રોકાણકારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. યુદ્ધની આશંકાને પગલે રોકાણકારો કોઈ નવા પ્રોજેક્ટમાં નાણા રોકતા ખચકાય રહ્યા છે.

    જો બંને દેશો વચ્ચે પ્રવર્તમાન તણાવ વકરશે, તો આર્થિક સંતુલન સાધવાના પાકિસ્તાન સરકારના પ્રયાસ ઉપર તેની સીધી અસર પડશે.

    ક્રૅડિટ રેટિંગ એજન્સી મૂડીઝે ચેતવણી આપી છે કે વર્તમાન સંકટ 'આર્થિકસ્થિરતા તરફ આગળ વધવામાં અવરોધરૂપ' બની શકે છે.

    શુક્રવારે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળમાં (આઈએમએફ) પાકિસ્તાન અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે. આ સમીક્ષા બેઠકમાં પાકિસ્તાનને તેના સાત અબજ ડૉલરના બૅલઆઉટ પૅકેજનો આગામી હપ્તો આપવો કે નહીં, તેના અંગે નિર્ણય લેવામાં આવશે.

  11. રાજસ્થાન : પાકિસ્તાન બૉર્ડર નજીકના જિલ્લા હાઇ ઍલર્ટ પર, 12 કલાક રહેશે બ્લૅકઆઉટ, ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે રાજસ્થાનના સરહદી જિલ્લા હાઇ ઍલર્ટ પર છે.

    બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ભારત-પાકિસ્તાન તણાવ, રાજસ્થાન

    ઇમેજ સ્રોત, Mohar Singh

    ઇમેજ કૅપ્શન, લોકોએ બ્લૅકઆઉટ અનુસરવામાં માટે નાની નાની લાઇટો પણ કપડાં અને ટૅપ લગાડીને બંધ કરી દીધી છે

    ગુરુવારે મોડી રાત સુધી ચાલેલા ગોળીબાર બાદ બાઢમેર અને જેસલમેર જિલ્લામાં શુક્રવારે તંત્રે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે.

    પ્રશાસનની અપીલ પર બાઢમેર અને જેસલમેરના વેપારીઓએ સાંજે પાંચ વાગ્યાથી જ તમામ બજાર અને પ્રતિષ્ઠાન બંધ કરી દીધાં છે.

    બંને જિલ્લામાં સાંજે છ વાગ્યાથી માંડીને શનિવારે સવારે છ વાગ્યા સુધી 12 કલાકનો બ્લૅકઆઉટ રહેશે. લોકોને ઘરોમાં રહેવાની અપીલ પણ કરાઈ છે.

    બિકાનેર, શ્રીગંગાનગર અને ફલૌદી જિલ્લામાં સાંજના સાત વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી બ્લૅકઆઉટ રહેશે.

    બાઢમેરમાં વાહનો પર આખી રાત પાબંદી રહેશે. જ્યારે, ડિફેન્સ એરિયાના પાંચ કિલોમીટરના વ્યાપમાં સંપૂર્ણપણે પ્રવેશબંધી કરાઈ છે.

    બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ભારત-પાકિસ્તાન તણાવ, રાજસ્થાન

    ઇમેજ સ્રોત, Chandan Bhati

    ઇમેજ કૅપ્શન, જેસલમેરમાં સાંજે પાંચ વાગ્યાથી જ બજાર બંધ થઈ ગયા છે

    જેસલમેરમાં તમામ પ્રકારના સામાજિક કાર્યક્રમો પર પાબંદી લાદવામાં આવી છે. મેળા, સરઘસ, ધાર્મિક શોભાયાત્રા, રેલી, પ્રદર્શનો સહિત તમામ પ્રકારના કાર્યક્રમોના આયોજન પ્રતિબંધિત રહેશે.

    ઉત્તર પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શશિ કિરણ તરફથી અપાયેલી જાણકારી અનુસાર બાઢમેર અને જેસલમેરવાળી ઘણી ટ્રેનો પણ રદ કરાઈ છે.

    જોધપુરમાં બ્લૅકઆઉટ અંગે જિલ્લા વહીવટી તંત્રે આદેશ જાહેર કરી દીધા છે. ત્યાં રાત્રિના બાર વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી બ્લૅકઆઉટ રહેશે.

    રાજસ્થાનના મુખ્ય મંત્રી ભજનલાલ શર્માએ શુક્રવારે મુખ્ય મંત્રી કાર્યાલયમાં મંત્રિપરિષદની બેઠક કરી હતી.

    તેમણએ બેઠક બાદ નિવેદન જાહેર કરીને કહ્યું કે, રાજ્યની પશાસનિક વ્યવસ્થા અને આપત્તિ રાહત સંબંધિત તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરાઈ.

    સીએમે કહ્યું કે સરહદી જિલ્લામાં વધારાની ઍમ્બુલન્સ, અગ્નિશમન અને બ્લડ બૅંકની સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવાનું સુનિશ્ચિત કરાઈ રહ્યું છે.

  12. ભારત-પાકિસ્તાન તણાવ: રાત્રે પૂંછમાં ભારે ગોળીબાર પછી લોકો શું બોલ્યા?

    જમ્મુ-કાશ્મીરના પૂંછથી બીબીસી સંવાદદાતા રાઘવેન્દ્ર રાવ અને દેબલિન રોયના આ અહેવાલમાં જાણો કે પૂંછમાં ગઈકાલે રાત્રે થયેલા ભારે તોપમારા પછી ત્યાં હાલ કેવી સ્થિતિ છે?

    વીડિયો જોવા માટે નીચે ક્લિક કરો.

    વીડિયો કૅપ્શન, ભારત-પાકિસ્તાન તણાવ: પૂંછમાં ભારે ગોળીબાર, લોકો શું બોલ્યા?
  13. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પાકિસ્તાન વિશે શું કહ્યું?

    વિદેશ સચિવ વિક્રમ મિસરી

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, વિદેશ સચિવ વિક્રમ મિસરી

    કર્નલ સોફિયા કુરૈશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે પાકિસ્તાને કરેલા હુમલા અંગે માહિતી આપ્યા પછી વિદેશ સચિવ વિક્રમ મિસરીએ વધુ માહિતી આપી હતી.

    વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું હતું કે, “સાતમી મેના રોજ પાકિસ્તાને કરેલા ભયંકર તોપમારામાં પૂંછમાં નિયંત્રણરેખા પાસે આવેલી ક્રાઇસ્ટ સ્કૂલમાં શેલ પડ્યાં હતાં. આ શેલ શાળાના બે વિદ્યાર્થીઓનાં ઘર પર પણ પડ્યાં હતાં, જેમાં તેમનું મૃત્યું થયું છે અને તેમનાં માતાપિતાને ઈજાઓ થઈ છે.”

    તેમણે કહ્યું હતું કે, “પાકિસ્તાન પ્રાર્થનાસ્થળોને પણ નિશાન બનાવી રહ્યું છે જેમાં ગુરુદ્વારા, મંદિરો અને ચર્ચ પણ સામેલ છે.”

    વધુમાં માહિતી આપતા વિક્રમ મિસરીએ કહ્યું હતું કે, “વિદેશ મંત્રી જયશંકરે યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ સાથે વાતચીત કરી છે. તેમની વાતચીતનું કેન્દ્ર પહલગામ આતંકી હુમલા પછી ભારતે સાતમી મેના રોજ કરેલી કાર્યવાહી પર હતું.”

    “વાતચીતમાં વિદેશ મંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે ભારત પાકિસ્તાન તરફથી થનારા કોઈ પણ હુમલાના પ્રયત્નનો જવાબ આપશે. વિદેશ મંત્રીએ આજે યુકેના વિદેશ સચિવ સાથે પણ વાત કરી છે. ત્યાં પણ આતંકવાદ સામે ઝીરો ટૉલરન્સની નીતિ અંગે જ ચર્ચા થઈ છે. ”

  14. "પાકિસ્તાને 36 જગ્યાએ ગઈકાલે 300થી 400 ડ્રોન છોડ્યાં" – ભારતીય સેનાએ પ્રેસ કૉન્ફરન્સમાં બીજું શું કહ્યું?

    કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાંડર વ્યોમિકા સિંહે વિદેશ સચિવ વિક્રમ મિસરી સાથે એક પ્રેસ કૉન્ફરન્સ કરી હતી

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાંડર વ્યોમિકા સિંહે વિદેશ સચિવ વિક્રમ મિસરી સાથે એક પ્રેસ કૉન્ફરન્સ કરી હતી

    ભારતીય સેના અને વિદેશ મંત્રાલયની સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સમાં આજે સેના તરફથી મહત્ત્વની જાણકારી આપી હતી. કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે આ માહિતી આપી હતી.

    કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે, “ગઈકાલે 8-9મે 2025ની રાત્રિએ ભારતની સંપૂર્ણ પશ્ચિમી સરહદને નિશાન બનાવવાના ઉદ્દેશ્યથી પાકિસ્તાને ભારતીય હવાઈ સરહદનું ઉલ્લંઘન કર્યું છે. તેમનો ઉદ્દેશ્ય ભારતના મિલિટરી બેઝ પર ઍટેક કરવાનો હતો. ભારતે તેનો જવાબ આપ્યો છે.”

    તેમણે જણાવ્યું હતું કે, “ગઈકાલે પાકિસ્તાને ઓછામાં ઓછાં 36 સ્થળોએ 300થી 400 ડ્રોન છોડ્યાં હતાં. પ્રારંભિક તપાસમાં ખ્યાલ આવ્યો છે કે એ તુર્કીનાં અસીસગાર્ડ સૉંગર ડ્રૉન હતાં.”

    કર્નલ કુરેશીએ જણાવ્યું હતું કે, “પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના સરહદી જિલ્લાઓમાં સતત ભારે તોપમારો કર્યો હતો.”

    ભારતીય સેનાના જવાનોની જાનહાનિ થઈ હોવાનું તથા ઘાયલ થયા હોવાનું પણ સેનાએ સ્વીકાર્યું હતું. પરંતુ સેનાએ કોઈ આંકડો આપ્યો નહોતો.

    ભારતીય સેનાએ આરોપ લગાવ્યો હતો કે, “પાકિસ્તાન નાગરિક વિમાનોનો ઢાલની જેમ ઉપયોગ કરી રહ્યું છે. પણ ભારતીય વાયુસેનાએ સંયમ વર્ત્યો હતો.”

    જોકે, પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે બીબીસી સાથે ગુરુવારની વાતચીતમાં કહ્યું હતું કે આ હુમલામાં તેમનો કોઈ હાથ નથી. તેમણે કહ્યું હતું કે, "પાકિસ્તાન જો હુમલો કરશે તો સૌને ખબર પડી જશે."

    ભારત-પાકિસ્તાન તણાવ, બીબીસી ગુજરાતી

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, સોફિયા કુરૈશી
  15. આજનું કાર્ટૂન: ભારતના મીડિયાએ ચૅનલો પર કરેલું કવરેજ

    કાર્ટૂન, બીબીસી ગુજરાતી
  16. ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે આ સરહદી ગામ ખાલી થવા લાગ્યું, મહિલાઓ કેમ જવા રાજી નથી?

    ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તણાવભર્યા માહોલ વચ્ચે બંને દેશોની સરહદ પર આવેલા ગામોના લોકોમાં પણ ડર જોવા મળી રહ્યો છે.

    બીબીસી ગુજરાતીના સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા રાજસ્થાનના બાડમેર જિલ્લાના લાલપુર ગામે પહોંચ્યા હતા.

    બાડમેરનું આ ગામ પાકિસ્તાન સરહદ પાસે આવેલું છે.આ ગામના કેટલાક લોકો યુદ્ધના ડરથી સ્થળાંતર કરી ગયા છે. જોકે, કેટલાક એવા પણ પરિવાર હતા કે જે ગામ છોડવા માટે રાજી નથી.

    આ લોકોએ બીબીસી ગુજરાતી સાથે શું વાત કરી એ જુઓ આ વીડિયોમાં...

    વીડિયો જોવા માટે નીચે ક્લિક કરો.

    વીડિયો કૅપ્શન, ભારત-પાકિસ્તાન તણાવ: ગુજરાત નજીકના સરહદી ગામોમાં કેવો તણાવ છે?
  17. ઓમર અબ્દુલ્લાહે કહ્યું, "1971 પછી જમ્મુ પર આવો હુમલો નથી થયો" – પાકિસ્તાનને શું કહ્યું?

    ઓમર અબ્દુલ્લાહ, જમ્મુ-કાશ્મીર, બીબીસી ગુજરાતી

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, ઓમર અબ્દુલ્લાહ

    ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને લઈને જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહે પાકિસ્તાન પર પરિસ્થિતિ વધુ ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે.

    તેમણે પાકિસ્તાનને પોતાની બંદૂકો શાંત કરવાની સલાહ આપી છે.

    શુક્રવારે પત્રકારો સાથે વાત કરતા સીએમ અબ્દુલ્લાહે કહ્યું, "સૌથી મોટી વાત એ છે કે તેમણે (પાકિસ્તાને) નાગરિકોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. જે રીતે તેમણે જમ્મુ શહેર પર ડ્રોન હુમલા કર્યા. મને નથી લાગતું કે 1971ના યુદ્ધ પછી જમ્મુ શહેરને ક્યારેય આ રીતે નિશાન બનાવવામાં આવ્યું હોય."

    "પરંતુ આપણા સુરક્ષાદળોને શ્રેય જાય છે કે તેમણે આ બધા ડ્રોનને નિષ્ક્રિય કર્યા અને એક પણ ડ્રોન લક્ષ્ય સુધી પહોંચી શક્યું નહીં."

    તેમણે કહ્યું, " તેણે (પાકિસ્તાને) કાશ્મીરના અનંતનાગમાં દારૂગોળાના ડેપોને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ તેમાં પણ નિષ્ફળ ગયા."

    મુખ્ય મંત્રીએ દાવો કર્યો હતો કે, "આ પરિસ્થિતિ આપણે નથી ઊભી કરી. પહલગામમાં આપણા લોકો પર હુમલો કરવામાં આવ્યો, નિર્દોષ લોકો માર્યા ગયા. આપણે તેનો જવાબ આપવો પડ્યો."

    તેમણે કહ્યું, "પાકિસ્તાન તરફથી તણાવ વધારવાની કોશિશ થઈ રહી છે, આમાં પાકિસ્તાનને કોઈ ફાયદો નથી અને ન તો તેમને કોઈ સફળતા મળશે. જો તેઓ પોતાની બંદૂકો શાંત કરે તો તે વધુ સારું રહેશે."

    "ગઈકાલે રાત્રે જે બન્યું, તેના પરથી સ્પષ્ટ છે કે તેઓ માહોલ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે આવી સ્થિતિમાં, તેમને (પાકિસ્તાનને) જ સૌથી વધુ નુકસાન થશે."

    ઓમર અબ્દુલ્લાહ, જમ્મુ-કાશ્મીર

    ઇમેજ સ્રોત, Getty Images

  18. ગુજરાતમાં 15મે સુધી ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ, હર્ષ સંઘવીએ શું કહ્યું?

    હર્ષ સંઘવી, બીબીસી ગુજરાતી, ભારત-પાકિસ્તાન તણાવ

    ઇમેજ સ્રોત, HARSH SANGHAVI/X

    ઇમેજ કૅપ્શન, હર્ષ સંઘવી

    ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવની અસર ગુજરાતના સરહદી ગામડાંમાં પણ જોવા મળી રહી છે. ગુજરાતમાં પણ તેને લઈને સરકાર તકેદારી રાખી રહી છે.

    ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, “ગુજરાતમાં કોઈપણ કાર્યક્રમમાં કે ઇવેન્ટમાં 15મે સુધી કોઈ જગ્યાએ ફટાકડાં નહીં ફોડી શકાય અને ડ્રોન ઉડાવવા પર પણ પ્રતિબંધ છે. તમામ લોકોને આ ગાઇડલાઇન અનુસરવા માટે અને સહકાર આપવા માટે વિનંતી છે.”

    આ સિવાય હર્ષ સંઘવીએ જાણકારી આપી હતી કે ગુજરાત પોલીસે ચાર લોકો સામે એફઆઈઆર પણ નોંધી છે.

    તેમણે કહ્યું હતું કે, “સોશિયલ મીડિયાના માધ્યમથી દેશવિરોધી તથા સેનાનું મનોબળ ઘટાડી શકે તેવી પોસ્ટ કરનારા ચાર લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ પ્રકારની કોઈપણ હરકત ગુજરાતમાં ચલાવી નહીં લેવાય. જો આવી કોઈપણ પોસ્ટ દેખાય તો અમે કડકમાં કડક પગલાં ભરવાની સૂચના આપી છે.”

  19. IMF આજે પાકિસ્તાનને સાત અબજ ડૉલર આપવાની સમીક્ષા કરશે

    આઇએમએફ, બીબીસી ગુજરાતી, ભારત-પાકિસ્તાન

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇન્ટરનૅશનલ મૉનેટરી ફંડ (આઈએમએફ) આજે પાકિસ્તાનને 7 અબજ ડૉલરના બેલઆઉટ પૅકેજનો આગામી હપ્તો આપવા અંગે સમીક્ષા કરશે.

    ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધતો જાય છે ત્યારે આ બેઠક મળવાની છે.

    ભારતે તાજેતરમાં જ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાને તેના સૈન્ય ઠેકાણા પર ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા છે. જોકે, પાકિસ્તાને આ આરોપોનો રદિયો આપ્યો છે.

    ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ગુરુવારે જણાવ્યું હતું કે ભારત ફંડ આપવાના મુદ્દે પોતાનો પક્ષ રજૂ કરે છે. તેમણે કહ્યું કે આઈએમએફ બૉર્ડે 'ઉંડાણથી વિચારવું જોઈએ' અને છેલ્લા ત્રણ દાયકામાં બેલઆઉટ્સ કેટલા અસરકારક રહ્યા તે જોવું જોઈએ.

    આઈએમએફથી મળનારી રકમ પાકિસ્તાનના સંકટગ્રસ્ત અર્થતંત્ર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. લાંબા સમયથી ઊંચા ફુગાવા અને ધીમા વિકાસદરના કારણે પરેશાન રહ્યા પછી અર્થતંત્ર ધીમે ધીમે સુધરી રહ્યું છે.

    દરમિયાન ગુરુવારે વર્લ્ડ બૅન્કના વડા અજય બગ્ગાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વર્લ્ડ બૅન્કે 'સિંધુ જળસંધી સ્થગિત કરવાના મામલે' દખલગીરી કરવાનો ઇનકાર કર્યો હતો.

  20. ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે IPLને એક અઠવાડિયા માટે મુલતવી રખાઈ

    આઇપીએલ 2025, ક્રિકેટ, બીબીસી ગુજરાતી, ભારત-પાકિસ્તાન તણાવ

    ઇમેજ સ્રોત, Getty Images

    ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે, ઇન્ડિયન પ્રીમિયર લીગ- IPLને એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી છે.

    IPLએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટમાં આ માહિતી આપી છે.

    પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે , "IPL 2025 તાત્કાલિક અસરથી એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી છે."

    આઇપીએલના ઍક્સ અકાઉન્ટ પર લખવામાં આવ્યું છે કે, “આ મહત્ત્વપૂર્ણ સમયે બીસીસીઆઈ દૃઢતાથી દેશ સાથે છે. અમે ભારત સરકાર, ભારતની સેનાઓ તથા દેશના લોકોની સાથે છીએ. ક્રિકેટ બૉર્ડ ભારતીય સેનાની બહાદુરી, હિંમત અને નિ:સ્વાર્થભાવની સેવાને સલામ કરે છે. ઑપરેશન સિંદૂર હેઠળ તેમના અભૂતપૂર્વ સાહસથી તેઓ દેશનું માત્ર રક્ષણ જ કરી રહ્યા છે એવું નથી પરંતુ પ્રેરણા પણ પૂરી પાડી રહ્યા છે.”

    ગઈકાલે 8મે ના રોજ જમ્મુ અને પઠાણકોટમાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યા બાદ ધરમશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચેની IPL મૅચ અધવચ્ચે જ રદ કરવામાં આવી હતી.

    આઇપીએલમાં ફાઇનલ અને નૉકઆઉટ મૅચ સહિત કુલ 15 મૅચ રમાવાની બાકી હતી.

    અગાઉ, પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડે (PCB) પણ કહ્યું હતું કે, “પાકિસ્તાન સુપર લીગ (PSL) ની બાકીની મૅચ સંયુક્ત આરબ અમીરાત (UAE) માં યોજાશે.”

    પીએસએલમાં હજુ આઠ મૅચ રમવાની બાકી હતી, જે રાવલપિંડી, મુલતાન અને લાહોરમાં યોજાવાની હતી, પરંતુ હવે આ મૅચ યુએઈમાં યોજાશે.