You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

પાકિસ્તાને કહ્યું ભારતે ત્રણ મિલિટરી ઍરપૉર્ટ પર મિસાઇલથી હુમલો કર્યો

પાકિસ્તાનની સેનાના પ્રવક્તાએ કહ્યું છે કે ભારતે તેનાં ત્રણ મિલિટરી ઍરપૉર્ટ પર મિસાઇલ વડે હુમલો કર્યો છે. ભારતે આ દાવા પર કોઈ ટિપ્પણી કરી નથી.

લાઇવ કવરેજ

  1. ભારતના કયાં શહેરોમાં ગઈકાલે રાત્રે બ્લૅકઆઉટ કરવું પડ્યું, નકશાથી સમજો

    પાકિસ્તાન તરફથી થઈ રહેલા ડ્રોન અને મિસાઇલ હુમલાઓને કારણે ભારતના સરહદી રાજ્યોનાં શહેરોમાં ગઈકાલે રાત્રે લાંબા સમય સુધી બ્લૅકઆઉટ કરવામાં આવ્યું હતું.

    અનેક વિસ્તારોમાં હવાઈ હુમલાની ચેતવણીરૂપે સાયરન વગાડવામાં આવ્યું હતું અને લોકોને ઘરની અંદર જ રહેવાની અપીલ કરવામાં આવી હતી.

    નકશામાં જુઓ એ શહેરો જ્યાં બ્લૅકઆઉટ કરવામાં આવ્યું હતું.

  2. સંરક્ષણમંત્રી રાજનાથસિંહે સૈન્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી, તૈયારીની સમીક્ષા કરી

    પાકિસ્તાન સાથે તણાવ ચાલુ છે ત્યારે ભારતના સંરક્ષણમંત્રી રાજનાથસિંહે દેશના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ સાથે 9 મે, શુક્રવારે બેઠક યોજી હતી.

    સંરક્ષણમંત્રાલયના પબ્લિક રિલેશન વિભાગે આ બેઠકની માહિતી આપતાં કહ્યું કે, "સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે નવી દિલ્હીના સાઉથ બ્લૉક ખાતે પશ્ચિમી સરહદે સુરક્ષાની સ્થિતિ અને ભારતીય સશસ્ત્ર દળોની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું."

    આ બેઠકમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, આર્મીના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવીના વડા ઍડમિરલ દિનેશ ત્રિપાઠી, ઍરફોર્સના વડા ઍર ચીફ માર્શલ એ.પી. સિંહ અને સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહ સામેલ હતા.

    જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે ચરમપંથી હુમલો થયો હતો જેમાં 26 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ભારતે આ હુમલા માટે પાકિસ્તાનમાં તાલીમબદ્ધ આતંકવાદીઓને જવાબદાર ગણાવ્યા હતા, જ્યારે પાકિસ્તાને આ હુમલા સાથે કોઈ સંબંધ હોવાનો ઇનકાર કર્યો હતો.

    એ બાદ 6થી 7 મે, 2025ની રાતે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરનાં ઘણાં ઠેકાણાં પર હવાઈ હુમલા કર્યા હતા. ભારતે આ કાર્યવાહીને 'ઑપરેશન સિંદૂર' નામ આપ્યું છે.

    ભારતે પોતાની કાર્યવાહીને કેન્દ્રિત, સંતુલિત અને બિનઉશ્કેરણીજનક ગણાવી હતી. સાથે સાથે એમ પણ કહ્યું કે તેમણે પાકિસ્તાનનાં લશ્કરી ઠેકાણાંને નિશાન નથી બનાવ્યાં. જોકે, એ બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. બંને દેશ હવે એકમેક પર કાર્યવાહીની વાતો કરે છે.

  3. ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે વડા પ્રધાન મોદી સાથે શું વાત કરી?

    ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીક સોશિયલ મીડિયા એકાઉન્ટ ઍક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન હાલની ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવની પરિસ્થિતિ પર વાતચીત કરી હતી.

    તેમણે લખ્યું, “માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન તણાવની સ્થિતિમાં ગુજરાતની સરહદી રાજ્ય તરીકેની સજ્જતા તથા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આગોતરા આયોજનની વિગતો મેળવી હતી તથા આ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.”

    તેમણે વધુમાં લખ્યું કે “વડા પ્રધાને ખાસ કરીને પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા કચ્છ, બનાસકાઠા, પાટણ, જામનગર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં નાગરિકોની સુરક્ષા અને સલામતીના રાજ્ય સરકાર દ્વારા લેવાયેલાં પૂરતાં પગલાંઓની વિગતો પણ મેળવી હતી.”

  4. અમેરિકામાં ભારતના રાજદૂતે પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ પર શું કહ્યું?

    અમેરિકામાં ભારતના રાજદૂત વિનય ક્વાત્રાએ ગુરુવારે સીએનએન ન્યૂઝ ચૅનલને આપેલા ઇન્ટર્વ્યૂમાં પાકિસ્તાન સામે દેશની કાર્યવાહીને ‘આતંકવાદ સામેનું યુદ્ધ’ ગણાવી.

    તેમણે કહ્યું કે ભારત માત્ર પાકિસ્તાનની કાર્યવાહીનો જવાબ આપી રહ્યું છે.

    ભારતે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલા માટે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા પાકિસ્તાની પ્રશિક્ષિત ‘આતંકવાદીઓ’ને જવાબદાર ગણ્યા છે. ત્યાં પાકિસ્તાને આ હુમલામાં તેનો કોઈ સંબંધ હોવાનો ઇન્કાર કર્યો છે.

    વિનય ક્વાત્રાને પૂછવામાં આવ્યું કે શું ભારત પાકિસ્તાન સાથે ‘યુદ્ધ’માં છે. તો તેના પર તેમણે કહ્યું કે ‘ભારત આતંકવાદીઓ સામેના યુદ્ધ’માં છે.

    ક્વાત્રાથી એ પણ પૂછવામાં આવ્યું કે શું આ તણાવ પરમાણુ યુદ્ધના સ્તર પર આગળ વધવાની આશંકા છે. તેના પર ક્વાત્રાએ કહ્યું કે તે ‘પાકિસ્તાનને પૂછવું જોઈએ.’

  5. ભારત-પાકિસ્તાન વચ્ચે નિયંત્રણ રેખા પાસે થઈ રહેલા ગોળીબાર વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં રાતભર શું થયું?

    ભારતીય અધિકારીઓએ દાવો કર્યો છે કે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં ઉધમપુર, કાશ્મીરના ઘણા વિસ્તારોમાં તથા પંજાબના પઠાનકોટમાં દઝનો મિસાઇલો છોડી. તેમણે એ પણ દાવો કર્યો કે તે તમામને નિષ્ક્રિય કરી દેવામાં આવી.

    પાકિસ્તાને ભારત દ્વારા લગાવવામાં આવેલા આરોપોનું ખંડન કર્યું છે. ગુરુવારે મોડી રાત્રે ભારતીય સેનાના પ્રવક્તાએ એક નિવેદનમાં દાવો કર્યો કે પાકિસ્તાને 16 ભારતીય સંરક્ષણ પ્રતિષ્ઠાનો પર રૉકેટ અન મિસાઇલોથી હુમલો કર્યો, જેને આધુનિક ઉપકરણોની મદદથી નિષ્પ્રભાવી કરી દેવામાં આવ્યો.

    નિયંત્રણ રેખાની નજીક પુંછ ક્ષેત્રમાં કાલે આખી રાત ગોળીબાર થતો રહ્યો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને એક મહિલા ઘાયલ થઈ ગયાં હતાં.

    પુંછના પોલીસ અધિકારી નવીદ અહેમદે બીબીસીને જણાવ્યું કે ગોળીબારમાં લોહાલ બેલાના નાગરિક મુહમ્મદ અબરારનું મોત થયું અને બેલિયાંનાં શાહિદા અખ્તર નામનાં મહિલા ઘાયલ થયાં છે. જેમનો મંડી જિલ્લા હૉસ્પિટલમાં ઇલાજ થઈ રહ્યો છે.

    નિયંત્રણ રેખા પાસે વિસ્તારો જેવા કે બારામુલા, કુપવાડા અને બાંદીપુરામાં સ્થિતિ તણાવપૂર્ણ છે. કુપવાડાના કેટલાક સેક્ટરોમાં ગોળીબારને કારણે કેટલીક ઇમારતો ક્ષતિગ્રસ્ત થઈ હતી.

    ઉરીમાં સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ બીબીસી ઉર્દુને કહ્યું કે ગોળીબારમાં નરગિસ બેગમ નામનાં મહિલાનું મૃત્યુ થયું છે.

    આ સ્થિતિ દરમિયાન ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં રેડ-ઍલર્ટ જારી કર્યું અને નાગરિક પ્રશાસને બ્લૅકઆટની ઘોષણા કરી. જેને કારણે જમ્મુ-કાશ્મીરના તમામ વિસ્તારોમાં રાત્રે લગભગ વીજળી જતી રહી અને લોકો ભય વચ્ચે રહ્યા.

    પુંછમાં આખી રાત્રે ગોળીબાર બાદ આજે સવાલે પણ ગોળીબાર થયો, પરંતુ અત્યારસુધી કોઈ હતાહતની ખબર નથી. જમ્મુ-કાશ્મીરમાં તમામ શૈક્ષણિક સંસ્થાનો બે દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યાં છે અને પરીક્ષાઓ સ્થગિત કરી દેવામાં આવ્યા છે.

  6. ‘પાકિસ્તાની સેનાએ 8 અને 9મી મેની રાત્રે પશ્ચિમી સરહદ પર કર્યો હુમલો’ - ભારતીય સેનાએ કહ્યું

    ભારતીય સેનાના ઍડિશનલ લોકસૂચના મહાનિદેશાલય (એડીજી પીઆઈ)એ કહ્યું છે કે પાકિસ્તાની સેનાએ આઠ અને નવમી મેના રોજ અડધી રાત્રે આખી પશ્ચિમી સરહદ પર હુમલો કર્યો હતો.

    ભારતીય સેનાના એડીજી પીઆઈએ ઍક્સ પર એક વીડિયો શૅર કરીને લખ્યું, “પાકિસ્તાની શસસ્ત્ર દળોઓ આઠ અને નવમી મે, 2025ની અડધી રાત્રે પશ્ચિમી સરહદ પર ડ્રૉન અને અન્ય હથિયારોનો ઉપયોગ કરીને ઘણા હુમલાઓ કર્યા. પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર ઘણી વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન પણ કર્યું.”

    ભારતીય સેનાએ કહ્યું કે પાકિસ્તાની ડ્રૉન હુમલાને પ્રભાવી ઢંગથી નિષ્ક્રિય કરવામાં આવ્યા છે ને સંઘર્ષ વિરામ ઉલ્લંઘનનો મજબૂતીથી જવાબ આપવામાં આવી રહ્યો છે.

    શ્રીનગરમાં બીબીસી સંવાદદાતા માજિત જહાંગીરના જણાવ્યા પ્રમાણે ગુરુવારે રાત્રે લગભગ 11 વાગ્યે ઉરી સેક્ટરમાં ભારે બૉમ્બમારો થઈ રહ્યો હતો. સરહદ પાસે નાગરિક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા.

    બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યા જમ્મુ-કાશ્મીરના રાજૌરી વિસ્તારમાં હતાં. તેમણે કહ્યું કે આ વિસ્તારને બ્લૅકઆઉટ કરી દેવામાં આવ્યો છે.

    8મી મેના રોજ જમ્મુ-કાશ્મીરમાં વિસ્ફોટ અને બ્લૅકઆઉટના અહેવાલો બાદ કેટલાક સમય પછી બીબીસીએ પાકિસ્તાન સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ સાથે વાત કરી હતી. તેમણે જમ્મુ-કાશ્મીરમાં હુમલાની જવાબદારીથી ઇન્કાર કરી દીધો હતો.

  7. ગત રાત્રે હુમલા બાદ, આજે મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહ જમ્મુની મુલાકાતે

    જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહે જાણકારી આપી છે કે તેઓ આજે 9મી મેના રોજ સવારે જમ્મુ જઈ રહ્યા છે.

    સીએમ અબ્દુલ્લાહે ઍક્સ પર પોસ્ટ લખીને કહ્યું, “જમ્મુ શહેર અને તેની સાથે જોડાયેલા અન્ય ભાગોમાં કાલે રાત્રે થયેલા અસફળ પાકિસ્તાની ડ્રૉન હુમલા બાદ સ્થિતિની જાણકારી મેળવવા માટે જમ્મુ જઈ રહ્યો છું.”

    ભારતીય સંરક્ષણ મંત્રાલયના જનસંપર્ક કાર્યાલયએ કાલે એટલે કે 8મી મેના રોજ ઍક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરના મિલિટ્રી બેઝ પર પાકિસ્તાની ડ્રૉન તથા મિસાઇલથી હુમલો થયો હતો, જેને નાકામ કરી દેવાયો છે.

    પાકિસ્તાની સંરક્ષણ મંત્રીએ આ પ્રકારના કોઈ હુમલા તેણે કર્યાનો ઇન્કાર કર્યો છે.

    આઠમી મેની રાત્રે 8 વાગીને 45 મિનિટે જમ્મુ શહેરથી ઍર રેઇડની જાણકારી મળવાની શરૂ થઈ ગઈ હતી.

    જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ઉપસ્થિત બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યાએ જણાવ્યું હતું કે 8મેની સવારે તેઓ જમ્મુમાં હતાં. તેમણે ગામોની મુલાકાત લીધી તો ત્યાં લોકો સુરક્ષિત સ્થાનોએ જતા રહ્યા હતા.

    દિવ્યા આર્યાએ જણાવ્યું હતું કે “જમ્મુ શહેરમાં ઘણા વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. ત્યાર બાદ આખા વિસ્તારની લાઇટ જતી રહી હતી. માત્ર વૉટ્સઍપ કૉલ સેવા યથાવત્ હતી. લોકોએ કેટલાક વીડિયો મોકલ્યા. જેમાં બ્લૅકઆઉટ વચ્ચે આસમાનમાં નાની નાની રોશની દેખાઈ. જેને નિવાસીઓએ ડ્રૉન હોવાનો અંદાજો લગાવ્યો.”

  8. પાકિસ્તાન સુપર લીગની મૅચોનું વૅન્યૂ બદલાયું, હવે આ દેશમાં થશે બાકીની મૅચ

    ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(પીસીબી)એ કહ્યું છે કે પાકિસ્તાન સુપર લીગ(પીએસએલ)ની બાકીની મૅચ સંયુક્ત આરબ અમીરાત(યુએઈ)માં થશે.

    હવે પીએસએલની અંતિમ આઠ મૅચ જે પહેલાં રાવલપિંડી, મુલ્તાન અને લાહોરમાં થવાની હતી તે હવે યુએઈમાં આયોજીત કરવામાં આવશે.

    પીસીબી તરફથી જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ પ્રમાણે મૅચોનો શેડ્યૂલ, તારીખ અને જગ્યા યોગ્ય સમયે જણાવવામાં આવશે.

    ગુરુવારે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં થનારી પીએસએલની મૅચને રદ કરી દેવામાં આવી હતી. પાકિસ્તાની સેનાએ દાવો કર્યો હતો કે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ પાસે એક ફૂડ સ્ટ્રીટ પર ભારતીય ડ્રૉન પડ્યું છે.

    પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નક્વીએ આ મામલે નિવેદન આપ્યું છે.

    નક્વીએ કહ્યું, “પીસીબીએ અમારા ઘરના તથા વિદેશી મહેમાન ક્રિકેટરોને ભારતના સંભવિત હુમલાઓથી બચાવવા માટે બાકીની તમામ મૅચો સંયુક્ત આરબ અમીરાતમાં સ્થળાંતરિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.”

    મોહસિન નક્વીએ કહ્યું કે પીસીબી આ સુનિચ્છિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે લીગ લગાતાર આગળ વધે.

    આ પહેલા ભારતમા પણ ગુરુવારે હિમાચર પ્રદેશના ધર્મશાળામાં રમાઈ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)ની મૅચ વચ્ચે જ રદ કરી દીધી હતી. આ મૅચ પંજાબ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે રમાઈ રહી હતી.

  9. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ કહ્યું: યુદ્ધમાં વચ્ચે નહીં થાય અમેરિકા સામેલ

    અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસે ફૉક્સ ન્યૂઝ સાથેના એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું છે, “અમે જે કરી શકતા હતા એ તે કે બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા માટે તેમને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન. પરંતુ અમે મૂળ રૂપથી યુદ્ધમાં સામેલ નથી થવા જઈ રહ્યા. આ અમારું કામ નથી.”

    તેમણે કહ્યું છે, “આ વાતનો અમેરિકાનો આ મામલે કંટ્રોલ કરવાની ક્ષમતા સાથે કોઈ સંબંધ નથી. અમે કૂટનીતિક રીતે આ મુદ્દે પોતાના પ્રયાસો યથાવત્ રાખીશું.”

    તેમણે આ ઇન્ટર્વ્યૂમાં આશા વ્યક્ત કરી કે ભારત અને પાકિસ્તાનનો આ તણાવ એક વ્યાપક ક્ષેત્રીય યુદ્ધ કે પરમાણુ યુદ્ધમાં નહીં બદલાય.

    22 એપ્રિલના રોજ જ્યારે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ચરમપંથી હુમલો થયો હતો ત્યારે તે સમયે જેડી વેંસ તેમનાં પત્ની અને બાળકો ભારત પ્રવાસે આવ્યાં હતાં.

  10. ભારતે કહ્યું કે જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુર પર પાકિસ્તાની ઍટેક નિષ્ફળ, પાકિસ્તાને હુમલાની વાત ફગાવી

    ભારતે કહ્યું છે કે જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરના મિલિટરી સ્ટેશન પર પાકિસ્તાને ગુરુવાર રાત્રે હુમલો કર્યો છે, જેને નાકામ કરવામાં આવ્યો છે. ત્યારે પાકિસ્તાનના રક્ષામંત્રીએ હુમલાની જવાબદારી લેવાનો ઇનકાર કર્યો છે.

    ભારતના રક્ષા મંત્રાલય અનુસાર, "જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરના મિલિટરી સ્ટેશન પર પાકિસ્તાન તરફથી ડ્રોન અને મિસાઇલ હુમલો થયો છે. આ હુમલાને નિષ્ફળ કરવામાં આવ્યો છે. ભારત પોતાની સંપ્રભુતા અને પોતાના નાગરિકોની રક્ષા કરવા માટે કટિબદ્ધ છે."

    ભારતે કહ્યું કે આ બધી મિસાઇલોને ઍર ડિફેન્સ સિસ્ટમે સફળતાપૂર્વક રોકવામાં આવ્યો અને તેને નિષ્ફળ કર્યો છે. ત્યારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે જમ્મુ-કાશ્મીરમાં કોઈ પણ જવાબદારી લેવાનો ઇન્કાર કર્યો છે.

    ખ્વાજા આસિફે બીબીસીને કહ્યું કે, "અમે તેનાથી ઇન્કાર કરી રહ્યા છીએ, અમે હજુ સુધી કંઈ નથી કર્યું. જ્યારે પાકિસ્તાન હુમલો કરશે તો બધાને જાણ થઈ જશે."

    જમ્મુ-કાશ્મીરમાં વિસ્ફોટ અને બ્લૅક આઉટના રિપોર્ટ આવ્યા બાદ થોડી વાર પછી ખ્વાજા આસિફ બીબીસી સાથે વાત કરી રહ્યા હતા.

    શ્રીનગરથી બીબીસી સંવાદદાતા માજિદ જહાંગીર અનુસાર, ગુરુવાર રાત 11 વાગ્યાની આસપાસ ઉરી સેક્ટરમાં ભારે ગોળીબાર થઈ રહ્યો છે અને સરહદ પાસે નાગરિક વિસ્તારોને નિશાન બનાવાઈ રહ્યાં હતાં.

    અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ અને ભારતના વિદેશ મંત્રી સાથે ફોન પર વાત કરીને તણાવ ઘટાડવાની અપીલ કરી હતી.

    ત્યારે જમ્મુ-કાશ્મીરના રાજોરીમાં હાલ મોજૂદ બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યાએ જણાવ્યું કે ત્યાં સંપૂર્ણ બ્લૅકઆઉટ કરી દેવાયું છે.

  11. નાગરિક સેવાઓ માટે ભારતનાં 24 ઍરપૉર્ટ બંધ, માર્શલ તૈનાત

    પંજાબ, જમ્મુ કાશ્મીર, લદાખ, ગુજરાત, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશનાં મળીને કુલ 24 ઍરપૉર્ટને નાગરિક સેવાઓ માટે બંધ કરી દેવામાં આવ્યાં છે.

    નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યૂરો (બીસીએએસ) દ્વારા દેશની તમામ ઍરલાઇન અને ઍરપૉર્ટને સુરક્ષાની વ્યવસ્થા ચુસ્ત અને સઘન બનાવવાના નિર્દેશ આપ્યા છે.

    આ નિર્દેશ અનુસાર, તમામ ઍરપૉર્ટ પર તમામ મુસાફરોની સેકન્ડરી લૅડર પૉઇન્ટ ચૅકિંગ (એસએલપીસી) કરવામાં આવશે. ટર્મિનલની ઇમારતમાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યા છે.

    આ સાથે જ ઍર માર્શલ પણ તૈનાત કરવાની વાત કરવામાં આવી છે.

    ઍર ઇન્ડિયાએ બીસીએસનો હવાલો આપીને ઍક્સ પર જાણકારી આપી છે કે હવે સ્થાનિક મુસાફરોએ ત્રણ કલાક અગાઉ ઍરપૉર્ટ પર પહોંચવાનું રહેશે અને ફ્લાઇટના સમયની 75 મિનિટ પહેલાં ચૅક-ઇન બંધ થઈ જશે.

  12. જમ્મુ પર હુમલો : સરહદ પર તણાવની સ્થિતિને જોતાં કેટલાંક રાજ્યોમાં શાળા અને કૉલેજો બંધ

    ગુરુવારના રાત્રે 8 વાગીને 45 મિનિટ પર જમ્મુ શહેરથી ઍર રેડ્સની જાણકારી મળવાની શરૂ થઈ હતી. ત્યાર બાદ જમ્મુ, રાજોરી, ચંડીગઢ, અમૃતસર, ધર્મશાળા સહિત કેટલાંક શહેરોમાં બ્લૅકઆઉટ જાહેર કરાયું હતું.

    સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર, સરહદ નજીકનાં કેટલાંક રાજ્યોએ બ્લૅકઆઉટનો આદેશ આપ્યો છે અને શાળાઓ તથા શિક્ષણ સંસ્થાઓને બંધ કરવાની જાહેરાત કરી છે. સાથે જ પોલીસકર્મીઓ તથા વહીવટી અધિકારીઓની રજાઓ રદ કરી દીધી છે.

    જમ્મુ અને કાશ્મીરમાં સ્કૂલ તથા કૉલેજ સહિત બધાં શિક્ષણ સંસ્થાનોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

    સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર, પંજાબના શિક્ષણમંત્રી હરજોત સિંહ બૈંસે કહ્યું છે કે સરકારે રાજ્યની શાળાઓ, કૉલેજો અને વિશ્વવિદ્યાલયોને આવનારા ત્રણ દિવસો સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

    રાજસ્થાનમાં શ્રીગંગાનગર પોલીસે રેડ ઍલર્ટ જાહેર કર્યો છે અને બધાને ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવી છે

    પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને બિહારમાં સુરક્ષાને જોતાં પગલાં લેવાયાં છે.

    પાકિસ્તાન સાથે પંજાબની 532 કિલોમીટર લાંબી સરહદ છે, રાજસ્થાનની સરહદ 1070 કિલોમીટર લાંબી છે અને ગુજરાતની સરહદ 506 કિલોમીટર જેટલી લાંબી છે. પશ્ચિમ બંગાળની સરહદ બાંગ્લાદેશથી 2,217 કિલોમીટર જોડાયેલી છે.

  13. જમ્મુ-કાશ્મીર, પંજાબમાં બ્લૅકઆઉટ, કેવી છે સ્થિતિ?

    • વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો

    ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વકર્યો છે અને સ્થિતિ વધુ ખરાબ થઈ છે. જમ્મુમાં ઍરપૉર્ટ પર હુમલા પછી જમ્મુ-કાશ્મીરમાં બ્લૅકઆઉટ કરી દેવાયો છે.

    અત્યારે ત્યાં કેવી સ્થિતિ છે?

    રાજૌરીથી બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યા જણાવી રહ્યાં છે.

  14. જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરના મિલિટરી બેઝ પર પાકિસ્તાનનો મિસાઇલ અને ડ્રોન હુમલો : સંરક્ષણ મંત્રાલય

    ભારતના સંરક્ષણ મંત્રાલય અનુસાર, "જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરના મિલિટરી બેઝ પર પાકિસ્તાન તરફથી ડ્રોન અને મિસાઇલ હુમલા કરાયા છે. આ હુમલાને નાકામ કરી દેવાયા છે. કોઈ પણ પ્રકારની જાનમાલની હાનિ નથી થઈ. ભારત પોતાનું સાર્વભૌમત્વ અને પોતાના નાગરિકોના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે."

    બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના રાજોરીમાં હાલ હાજર બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યાએ જણાવ્યું કે ત્યાં સંપૂર્ણપણે બ્લૅકઆઉટ કરી દેવાયો છે.

    પાછલા અમુક કલાકોમાં પાકિસ્તાની ગોળીબારમાં જેટલા પણ લોકો ઈજાગ્રસ્ત થયા છે, એ આ જ વિસ્તારના છે. પૂંચમાં પણ સંપૂર્ણપણે બ્લૅકઆઉટ છે અને ત્યાં ઍર રેડ સાયરન સંભળાઈ રહ્યા છે.

    ભારતીય સૈન્ય પ્રમાણે જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરના મિલિટરી બેઝ પર પાકિસ્તાને મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા છે, જેને નાકામ કરી દેવાયા છે. આ હુમલામાં કોઈ નુકસાન નથી થયું.

    રાત્રે આઠ વાગ્યાને 45 મિનિટે જમ્મુ શહેરથી ઍર રેડ્સની જાણકારી મળવાનું શરૂ થયું હતું.

    રાજોરીમાં હાજર બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યે કહ્યું, "આજે સવારે અમે જમ્મુમાં જ હતાં, જ્યાં અમે એ ગામડાંની મુલાકાત લીધી જ્યાંથી લોકો પોતાના સામાન સહિત સુરક્ષિત સ્થળોએ જતા રહ્યા હતા. આ વિસ્તારો અને જમ્મુ શહેરમાં ઘણા ધડાકા સંભળાયા છે. ત્યાંના સ્થાનિકોએ જણાવ્યું કે પોણા નવ વાગ્યાની આસપાસ એક સાથે ઘણા ધડાકા થયા."

    તેમણે આગળ કહ્યું, "જે બાદ આખા વિસ્તારની વીજળી કાપી નાખવામાં આવી. અને માત્ર વૉટ્સઍૅપ કૉલની સેવા ચાલુ છે. સ્થાનિક નિવાસીઓએ કેટલાક વીડિયો મોકલ્યા છે, જ્યાં બ્લૅકઆઉટ વચ્ચે આકાશમાં ઝીણો ઝીણો પ્રકાશ દેખાઈ રહ્યો છે, જેનાથી એવો અંદાજ લગાવાઈ રહ્યો છે કે એ ડ્રોન છે."

  15. ભુજમાં સાંજથી વીજળી ગુલ

    બીબીસી ગુજરાતી સાથે રાત્રે 10 :15 વાગ્યે ફોન પર વાત કરતાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું કે આખા શહેરમાં એકાદ કલાકથી લાઇટ ગઈ છે.

    તેમણે જણાવ્યું કે, "સ્થાનિક વહીવટીતંત્ર તરફથી કોઈ ચેતવણી કે જાહેરાત તો નથી કરાઈ પરંતુ આખા શહેરમાં એક સાથે લાઇટ જતી રહી હોવાથી આ બ્લૅકઆઉટ હોય તેવું લાગી રહ્યું છે."

    ભુજ શહેરમાં રહેતા મહેન્દ્ર ટેંકે બીબીસીને જણાવ્યું કે ભુજમાં સાંજે વરસાદ પડ્યા પછી વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

    તેમણે કહ્યું કે, "સાંજે આઠ-સવા આઠ વાગ્યે વરસાદ બંધ થયો પરંતુ લાઇટ આવી નથી. આખા શહેરમાં ક્યાંય લાઇટ દેખાતી ન હોવાથી આ વરસાદને કારણે વીજપ્રવાહમાં વિક્ષેપ ન લગતા બ્લૅકઆઉટ હોય તેવું જણાઈ રહ્યું છે. જો કે અમને હજુ સુધી કોઈ સાયરન કે કોઈ લશ્કરી વિમાનોના અવાજ સંભળાયા નથી."

  16. કચ્છ-ભુજમાં અંધારપટ, બ્લૅકઆઉટ કરાયો, કલેક્ટરે શું જણાવ્યું

    ગુરુવારે રાત્રે જમ્મુ હવાઈમથક પર વિસ્ફોટના સમાચાર આવ્યા બાદ ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ, નલિયા, નખત્રાણા, લખપત તેમજ બનાસકાંઠાના પાકિસ્તાની સરહદની નિકટ આવેલા સુઈગામ અને વાવ તાલુકાનાં 24 ગામોમાં પણ પ્રશાસન દ્વારા બ્લૅક આઉટ કરાવવામાં આવ્યું છે.

    બીબીસી ગુજરાતીના બનાસકાંઠાના સહયોગી પરેશ પઢિયાર અને કચ્છના સહયોગી નારણ મહેશ્વરીએ આ માહિતી આપી હતી.

    નોંધનીય છે કે મંગળ-બુધવારની રાત્રે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં કથિત 'આતંકી ઠેકાણાં' પર હુમલો કર્યાની વિગતો આપ્યા બાદથી બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ વધુ વકરશે તેવી શક્યતા સેવાઈ રહી હતી.

    મળી રહેલ માહિતી અનુસાર કચ્છના કલેક્ટર આનંદ પટેલે સાવચેતીના ભાગરૂપે બ્લૅક આઉટના આદેશ આપ્યા છે. પ્રશાસન તરફથી કહેવાયું છે કે કચ્છ સરહદે હાલ કોઈ ખરાબ સ્થિતિ નથી, માત્ર સાવચેતી માટે બ્લૅક આઉટ કરાયું છે.

  17. ચંડીગઢમાં પણ ઍર રેડ સાયરન ઍક્ટિવેટ, બ્લૅકઆઉટ જાહેર કરાયું

    ચંડીગઢ પ્રશાસનનું કહેવું છે કે ત્યાં ઍર રેડ સાયરનને ઍક્ટિવેટ કરી દેવાયાં છે અને તાત્કાલિક અસરથી બ્લૅકઆઉટ લાગુ કરાવાઈ રહ્યું છે.

    આ દરમિયાન ધર્મશાલામાં ચાલી રહેલી આઇપીએલ મૅચને અધવચ્ચે જ અટકાવી દેવાઈ છે.

    ક્રિકઇન્ફો વેબસાઇટ પ્રમાણે પંજાબ કિંગ્સ ઇલેવન અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ધર્મશાળામાં રમાઈ રહેલા મૅચ રદ કરી દેવાઈ છે.

    રાજોરીના સૂચના અને જનસંપર્ક વિભાગે સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર લખ્યું છે કે, "સામાન્ય જનતાને વિનંતી છે કે તેઓ પોતપોતાના ક્ષેત્રમાં બ્લૅકઆઉટ સુનિશ્ચિત કરે. તમામ બાહ્ય લાઇટો બંધ કરી દે અને બારીઓને ઢાંકી દે, જેથી કોઈ પણ પ્રકારનો પ્રકાશ બહાર ન જઈ શકે."

  18. જમ્મુ ઍરપૉર્ટ પર વિસ્ફોટના સમાચાર - સૂત્ર

    જમ્મુ ઍરપૉર્ટ પર વિસ્ફોટના સમાચાર આવી રહ્યા છે. જમ્મુ શહેરના ગુજ્જર નગર પુલ પર હાજર એક પ્રત્યક્ષદર્શીએ બીબીસીને જણાવ્યું કે તેણે જમ્મુ ઍરપૉર્ટ પાસે 16 વસ્તુઓ પડતા જોઈ છે.

    એક સુરક્ષા સૂત્રએ એએફપી સમાચાર સંસ્થાને જણાવ્યું કે ઍરપૉર્ટ પર વિસ્ફોટ થયા છે.

    પ્રત્યક્ષદર્શીઓએ બીબીસીને જણાવ્યું કે બજાર બંધ થઈ ગયા છે અને તેમણે લોકોને ભાગતા જોયા, સાયરન વાગવા લાગ્યા અને આખા શહેરમાં વીજળી ગુલ થઈ ગઈ.

    બીબીસી અનુસાર,"અમે હાલ જ જમ્મુ-કાશ્મીરના જમ્મુ શહેરથી રિપોર્ટ પ્રાપ્ત થયા છે."

    એક પ્રત્યક્ષદર્શીએ બીબીસીને જણાવ્યું કે ત્યાં બ્લૅકઆઉટ છે અને ત્યાં સાયરનનો અવાજ આવી રહ્યો છે.

    ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, પાકિસ્તાન 'દારૂગોળા સાથેનાં ડ્રૉન્સ'થી જમ્મુને ટાર્ગેટ કરી રહ્યું છે. એજન્સી પ્રમાણે, ભારતીય સેના પણ તેનો પ્રતિકાર કરી રહી છે.

    બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યા અનુસાર જમ્મુનાં કેટલાંક સ્થળો પર વિસ્ફોટનો અવાજ લોકોએ સાંભળ્યો છે અને આખા શહેરમાં વિજળી ગુલ છે.

    કઠુઆમાં નાગરિકોએ બે જગ્યાઓ પર વિસ્ફોટનો અવાજ સાંભળ્યો છે અને અહીંની વિજળી કાપી નાખવામાં આવી છે. કઠુઆ જમ્મુથી દોઢ કલાક દૂર છે. આ સમયે બંને શહેરોમાં સંપૂર્ણ બ્લૅક આઉટ છે.