ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રવર્તમાન તણાવને પગલે
ગુજરાત સરકારે તમામ વિભાગ, વિભાગ હેઠળના બોર્ડ, નિગમ, પંચાયત, કૉર્પોરેશન, સ્વાયત્ત સંસ્થા કે અનુદાનિત સંસ્થાના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓની તમામ પ્રકારની રજાઓ રદ
કરી દીધી છે.
આ સિવાય અધિકારીઓ તથા કર્મચારીઓ વિભાગના વડા, ખાતાના
વડા કે કચેરીના વડાની પૂર્વમંજૂરી વગર મુખ્યમથક નહીં છોડવા માટે જણાવવામાં આવ્યું
છે.
પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે, 'સાવચેતીના પગલાંરૂપે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા' આ નિર્ણય લેવામાં આવ્યો છે તથા 'અનિવાર્ય સંજોગો'માં રજા મળશે.
જે અધિકારીઓ કે કર્મચારીઓ રજા ઉપર ગયા છે, તેમને તાત્કાલિક ફરજ પર પરત ફરવા જણાવવામાં આવ્યું છે.
દરમિયાન રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સરહદી જિલ્લાના વહીવટીતંત્ર, પોલીસતંત્ર તથા ઉચ્ચઅધિકારીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગથી બેઠક કરી હતી.
જેમાં અધિકારીઓને હોટલાઇન અને સેટેલાઇટ ફોન જેવી સંચારપ્રણાલીને દુરસ્ત રાખવા તાકિદ કરવામાં આવી હતી.
સ્ટેટ ઇમર્જન્સી રુમમાં તેમણે બનાસકાંઠા, પાટણ, જામનગર અને કચ્છ જિલ્લાના અધિકારીઓ સાથે વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સાથે જ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટર તથા કંટ્રૉલરુમને સતત ચાલુ રાખવા તાકિદ કરી હતી.
જિલ્લા વહીવટીતંત્રને ઈંધણનો સ્ટૉક કરી રાખવા તથા સરહદી ગામડાંને ખાલી કેવી રીતે કરાવવા તથા તેમના માટેના સલામત આશ્રયસ્થાનોની ઓળખ કરીને ખાવા-પીવા, દવા, ઈંધણની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને અફવાઓ ઉપર ધ્યાન ન આપવા તથા સરકારી અને સત્તાવાર સોશિયલ હેન્ડલ્સ પરથી જ માહિતી મેળવવા કહ્યું હતું.
ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તમામ જિલ્લાની આરોગ્યવ્યવસ્થાની સમીક્ષા કરી હતી,, જેમાં સરહદી વિસ્તારના જિલ્લાની સજ્જતા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
બનાસકાંઠાસ્થિત બીબીસી ગુજરાતીના સહયોગી પરેશ પઢિયાર જણાવે
છે કે, વહીવટીતંત્ર દ્વારા ગામોમાં નિવાસી, બિનનિવાસી તથા સાર્વજનિક લાઇટોને બંધ
કરવા સૂચના આપવામાં આવી છે, જેનો 24 સરહદી ગામોમાં અમલ થયો હતો.
બીબીસી ગુજરાતીના સહયોગી સચીન પીઠવા જણાવે છે કે
બોટાદમાં સુરક્ષાવ્યવસ્થા વધારી દેવામાં આવી છે તથા સાળંગપુર હનુમાન મંદિર ખાતે સાવચેતીના
ચકાસણી કરવામાં આવી હતી.
પાકિસ્તાનની સરહદે આવેલા આ જિલ્લા વહિવટીતંત્ર
દ્વારા કચ્છમાં શુક્રવારે રાત્રે બ્લૅકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોમાં અકારણ
ભયનું વાતાવરણ ન ફેલાય તે માટે ભારતીય ન્યાય સંહિતાની કલમ-163 હેઠળ કચ્છ-ગાંધીધામમાં
ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરે તો હેડ કૉન્સ્ટેબલ
તથા તેમની ઉપરના દરજ્જાના અધિકારીઓને કેસ દાખલ કરવાની સત્તા આપવામાં આવી છે.
આગામી તા. 15મી મે સુધી રાજકોટ ઍરપૉર્ટને નાગરિક
ઉડ્ડાણો માટે બંધ કરી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત પાકિસ્તાન સાથે હવાઈ, જમીન તથા દરિયાઈ એમ ત્રણેય પ્રકારની સરહદ ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય છે.