પાકિસ્તાનના 'રફાલ તોડી પાડ્યા'ના દાવા પર ભારતીય સેનાએ શું કહ્યું?
રવિવારે સાંજે ભારતીય સેના તરફથી કરાયેલી પત્રકારપરિષદમાં રફાલ સંબંધિત એક સવાલ પર ઍૅરફોર્સ તરફથી ઍર માર્શલ એ.કે. ભારતીએ જવાબ આપ્યો હતો.
લાઇવ કવરેજ
અર્જુન પરમાર, જય શુક્લ
ભારત-પાકિસ્તાનના સીઝફાયર અંગે ભારતના વિદેશ સચિવે શું કહ્યું?
ઇમેજ સ્રોત, PIB/YouTube
ઇમેજ કૅપ્શન, વિક્રમ મિસરી
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ શનિવારે
એક સંક્ષિપ્ત નિવેદન દ્વારા બંને દેશો વચ્ચે સંઘર્ષવિરામ વિશે માહિતી આપી હતી.
વિક્રમ મિસરીએ કહ્યું, "પાકિસ્તાનના
ડાયરેક્ટર જનરલ મિલિટરી ઑપરેશન્સે (ડીજીએમઓ) ભારતીય સમય પ્રમાણે બપોરે ત્રણ વાગ્યા
35 મિનિટે
ભારતના ડીજીએમઓને કોલ કર્યો હતો."
"ભારતીય સમય મુજબ, સાંજે પાંચ વાગ્યાથી બંને દેશ જમીન, હવા તથા દરિયાઈ સૈન્યકાર્યવાહી બંધ કરી
દેશે. ફાયરિંગ તથા મિલિટરી કાર્યવાહી બંધ કરી દેશે."
"બંને પક્ષોને સૂચના મુજબ નિર્ણય લેવા માટે કહેવામાં આવ્યું હતું.
બંને દેશોના ડીજીએમઓ 12મી મેના બપોરે બાર વાગ્યે વાત કરશે."
ઉલ્લેખનીય છે કે આ પહેલાં અમેરિકાના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇસહાક ડારે સોશિયલ
મીડિયા પ્લૅટફૉર્મ્સ મારફત બંને દેશ વચ્ચે સંઘર્ષવિરામની જાહેરાત કરી હતી.
બ્રેકિંગ, ભારત અને પાકિસ્તાન વચ્ચે તાત્કાલિક અસરથી સંઘર્ષ વિરામ, અમેરિકાએ મધ્યસ્થી કરી
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રવર્તમાન તણાવનો અંત
આવતો જણાય છે. બંને દેશો તાત્કાલિક અસરથી પૂર્ણપણે સંઘર્ષવિરામ માટે સહમત થયા છે.
આ વાતની જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ ઉપર
લખ્યું, "યુએસએની મધ્યરાત્રિની મધ્યસ્થતાને પગલે ભારત અને પાકિસ્તાન
પૂર્ણપણે અને તાત્કાલિક સંઘર્ષવિરામ માટે સહમત થઈ ગયા છે. મને તેની જાહેરાત કરતા
ખુશી થાય છે. સામાન્ય વિવેક અને બુદ્ધિમતાનો ઉપયોગ કરવા બદલ બંને દેશોને અભિનંદન.
આ બાબત અંગે ધ્યાન આપવા બદલ આભાર!"
પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇસહાક ડારે
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અસરથી
સંઘર્ષવિરામ માટે સહમત થઈ ગયા છે. પાકિસ્તાને પોતાના સાર્વભૌમત્વ અને વિસ્તારનું
સમાધાન કર્યા વગર આ પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા ઇચ્છી છે."
અમેરિકાના સ્ટેટ સેક્રેટરી માર્કો રૂબિયોએ
ઍક્સ પર લખ્યું, 'ગત 48 કલાક દરમિયાન મેં અને ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે ભારતના વડા પ્રધાન
નરેન્દ્ર મોદી, પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ, ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર, પાકિસ્તાની સેનાના
વડા આસિમ મુનીર, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ, પાકિસ્તાનના
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અસીમ મલિક અને ભારત-પાકિસ્તાનના ઉચ્ચ અધિકારીઓ સાથે
વાટાઘાટ કરી હતી.'
'મને એ વાતની જાહેરાત કરતા ખુશી થાય છે કે ભારત અને પાકિસ્તાનની
સરકારો તાત્કાલિક અસરથી સંઘર્ષવિરામ માટે સહમત થયા છે. તેઓ બંને દેશ વચ્ચે
પ્રવર્તમાન મુદ્દાઓ ઉપર તટસ્થસ્થળે વાતચીત કરવા માટે સહમત થયા છે.'
'શાંતિ માટે વડા પ્રધાન મોદી, શરીફના શાણપણ, સાવધાની અને
મુત્સદ્દીપણાની અમે પ્રશંસા કરીએ છીએ.'
જોકે, ભારત સરકારના વિદેશ મંત્રાલયનાં સૂત્રોએ
બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે સીધી જ
વાટાઘાટ થઈ હતી, જેમાં તાત્કાલિક અસરથી ગોળીબાર અને સૈન્યકાર્યવાહી અટકાવવા માટે
સહમતિ સધાઈ હતી."
"શનિવારે બપોરે પાકિસ્તાની સેનાના ડીજીએમઓનો (ડાયરેક્ટર જનરલ મિલિટરી
ઑપરેશન્સ) કોલ આવ્યો હતો, એ પછી બંને વચ્ચે ચર્ચા થઈ હતી અને આ અંગે સહમતિ સધાઈ હતી."
"આ સિવાય અન્ય કોઈ મુદ્દે કે અન્ય કોઈ સ્થળે ચર્ચા અંગે કોઈ નિર્ણય
નથી લેવાયો."
આ પહેલાં અમેરિકાના સ્ટેટ સેક્રેટરી માર્કો રૂબિયોએ કહ્યું હતું કે તટસ્થ સ્થળોએ વાટાઘાટ માટે બંને દેશ સહમત થયા છે.
ભારતના નાગરિક વિસ્તારો પર હુમલા અંગે પાકિસ્તાનના વિદેશમંત્રીએ શું કહ્યું?
ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના માહિતી અને પ્રસારણમંત્રી અતાઉલ્લાહ તરારે હતું કે પાકિસ્તાને ઉશ્કેરણી નથી કરી અને પાકિસ્તાન જવાબ આપવાનો અધિકાર ધરાવે છે.
પાકિસ્તાનના માહિતી અને પ્રસારણમંત્રી
અતાઉલ્લાહ તરારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું, "પાકિસ્તાન
જવાબ આપવાનો પૂરેપૂરો અધિકાર ધરાવે છે."
અતાઉલ્લાહ તરારે કહ્યું, "પાકિસ્તાને
ઉશ્કેરણી નથી કરી અને પાકિસ્તાન જવાબ આપવાનો અધિકાર ધરાવે છે. આક્રમકતાનો જવાબ
આપવાનો પૂરેપૂરો અધિકાર (અમારા) દેશની સેના પાસે છે."
બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યના એક
રિપોર્ટ મુજબ, સ્થાનિક લોકોએ બીબીસીને જણાવ્યું કે જમ્મુ શહેરના રેહારી કૉલોનીમાં
હુમલાને કારણે અનેક ઘરોને નુકસાન થયું તથા અનેક ગાડીઓના કાચ તૂટી ગયા.
અતાઉલ્લાહ તરારે ભારતના નાગરિક
વિસ્તારોને ટાર્ગેટ કરવાની વાતને નકારી છે.
આ અંગે વધુ એક સવાલ પુછાતા અતાઉલ્લાહ
તરારે કહ્યું હતું, "પાકિસ્તાને માત્ર સૈન્યઠેકાણાં પર જ નિશાન સાધ્યું હતું."
શનિવારે ભારતે આરોપ મૂક્યો હતો કે
પાકિસ્તાન દ્વારા હાઇ સ્પીડ મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું, "પાકિસ્તાનની
પ્રવૃત્તિઓ સતત ઉશ્કેરણીજનક રહી છે. ભારતે આ ઉશ્કેરણીજનક હરકતોનો જવાબ આપ્યો
છે."
ભારતે પાકિસ્તાનની કઈ વાતોને નકારી
ઇમેજ સ્રોત, ANI
ઇમેજ કૅપ્શન, વિક્રમ મિસરી
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ શનિવારે
પત્રકારપરિષદને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે 'ભારત દ્વારા પાકિસ્તાનનાં મૂળભૂત માળખાં' પર
નુકસાન પહોંચાડવાના પાકિસ્તાનના કથનને 'ખોટાં' ગણાવ્યાં હતાં.
વિક્રમ મિસરીએ કહ્યું, "ભારતે
પાકિસ્તાનનાં મૂળભૂત માળખાં, પાવર સિસ્ટમ અને સાયબર સિસ્ટમ પર હુમલા કર્યા અને તેમને નષ્ટ કરી
દીધાના દાવા સંપૂર્ણપણે ખોટા છે."
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું, "હું
તમને અપીલ કરું છું, જે લોકો આને (પત્રકારપરિષદ) જોઈ રહ્યા છે, તેઓ મહેરબાની
પાકિસ્તાને ફેલાવેલી ખોટી વાતોથી ભ્રમિત ન થશો."
વિક્રમ મિસરીએ કહ્યું, "પાકિસ્તાની
અધિકારીઓ એવો હાસ્યાસ્પદ દાવો કરી રહ્યા છે કે ભારતના શ્રી અમૃતસર સાહિબ તરફ
મિસાઇલો છોડવામાં આવી છે. ભારતમાં ફાંટ પાડવાના આવા નબળા પ્રયાસો નિષ્ફળ જશે."
ભારતે અફઘાનિસ્તાન તરફ મિસાઇલ છોડી
હોવાનું પણ પાકિસ્તાને કહ્યું હતું. પાકિસ્તાનના આ કથનોને નકારતા વિક્રમ મિસરીએ
કહ્યું, "ફરીથી સંપૂર્ણપણે હાસ્યાસ્પદ દાવા થઈ રહ્યા છે કે ભારતની મિસાઇલોના
નિશાને અફઘાનિસ્તાન હતું."
"આ સંપૂર્ણપણે નિરાધાર આરોપ છે. હું માત્ર એટલું જ કહેવા માગું છું કે
અફઘાનિસ્તાનના લોકોને એ વાત યાદ અપાવવાની જરૂર નથી કે કયા દેશે અફઘાનિસ્તાનના લોકો
તથા તેના માળખાને ગત દોઢ વર્ષ દરમિયાન નિશાને લીધા છે."
ભુજ ઍરબેઝ પર પાકિસ્તાનના હુમલા બાદ કચ્છ જિલ્લા કલેક્ટરે લોકોને કઈ સલાહ આપી?
ઇમેજ સ્રોત, NARAN MAHESHWERI
ઇમેજ કૅપ્શન, કચ્છના આદિપુર પાસે તૂટી ગયેલા ડ્રૉનનો કાટમાળ મળી આવ્યો હતો.
ભુજના ઍરબેઝ પર હુમલા બાદ ભુજ સહિત કચ્છ જિલ્લાના તમામ વેપારીઓને તેમની દુકાનો
બંધ કરવાનો આગ્રહ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા કરવામાં આવ્યો હોવાની માહિતી
કચ્છ ખાતેના બીબીસી ગુજરાતી સહયોગી નારણ મહેશ્વરીએ આપી હતી.
ખાસ કરીને પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસે વેપારીઓ દુકાન બંધ રાખે અને કામ સિવાય લોકો રસ્તા પર બહાર ન નીકળે તેની તકેદારી રાખવાની સલાહ આપી છે.
બીજી તરફ બીબીસી સંવાદદાતા ગોપાલ કટેશિયાએ જણાવ્યું છે કે ગુજરાત સરકારના એક
ઉચ્ચ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યુ હતું કે પાકિસ્તાન દ્વારા શુક્રવાર અને
શનિવાર રાત્રે કચ્છ જિલ્લામાં હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો.
તેમણે માહિતી આપી હતી કે “ડ્રૉન કે મિસાઇલનો ઉપયોગ કરીને શુક્રવારે વહેલી સવારે
હુમલો કરવામાં આવ્યો હતો અને ભારતીય સેનાએ તેનો જવાબ આપ્યો હતો. કચ્છના અબડાસા
તાલુકામાં એક ગામ પાસેથી કેટલોક કાટમાળ મળી આવ્યો છે. સેના તેની તપાસ કરી રહી છે.”
આ અધિકારીએ જણાવ્યું છે કે આ હુમલામાં કોઈ જાનમાલ હાનિના સમાચાર નથી. સેનાના
કોઈ જવાન ઘાયલ થયાના સમાચાર નથી.”
દરમિયાન જિલ્લા કલેક્ટરે તમામ નાગરિકોને ઘરમાં સુરક્ષિત રહેવા અને આવશ્યક
કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. તેમણે રાત્રી દરમિયાન બ્લૅકઆઉટનું
પાલન કરવાનો આગ્રહ પણ જિલ્લાના લોકોને કર્યો છે. આ માહિતી તેમણે તેમના સોશિયલ
મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર શૅર કરી હતી.
ભારતે પાકિસ્તાનમાં કયાં ક્યાં કરી ઍરસ્ટ્રાઇક, ભારતની સેનાએ શું કહ્યું?
ઇમેજ સ્રોત, ANI
કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહે શનિવારે પ્રેસ બ્રીફિંગમાં ભારતની અને પાકિસ્તાન તરફ
કરવામાં આવેલા હુમલાઓની જાણકારી આપી.
તેમણે કહ્યું, “પાકિસ્તાન દ્વારા કેટલાંક સૈન્ય ઠેકાણાંઓને જાણીજોઈને નિશાન બનાવ્યાં બાદ
ભારતીય સેનાએ સુનિયોજિત રીતે જવાબી હુમલો કર્યો. ટૅક્નિકલ ઇન્સ્ટૉલેશન્સ, કમાન્ડ
ઍન્ડ કંટ્રોલ સ્ટેશન, રડાર સાઇટ્સ અને હથિયાર ભંડારને પસંદ કરીને તેને નિશાન
બનાવવામાં આવ્યાં.”
“રફીકી, મુરીદ, ચકલાલા, રહીમયાર ખાન, સુક્કુર તથા ચુનિયામાં સ્થિત પાકિસ્તાન
સૈન્ય ઠેકાણાંઓ પર સટીક હથિયારો વડે તથા ફાઇટર જેટથી પ્રહાર કરવામાં આવ્યો.”
વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહે જણાવ્યું કે ભારતે પાકિસ્તાનના પસરુરસ્થિત રડાર સાઇટ તથા
સિયાલકોટના ઍવિયેશન બેઝને પણ નિશાન બનાવ્યાં.
તેમણે કહ્યું કે ભારતે આ તમામ જવાબી કાર્યવાહી દરમિયાન સુનિશ્ચિત કર્યું કે
સામાન્ય લોકોને ઓછામાં ઓછું નુકસાન થાય.
ઇમેજ કૅપ્શન, કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું કે પંજાબના ઍરબેઝ પર રાત્રે લગભગ 1 વાગીને 40 મિનિટે હાઈ સ્પીડ મિસાઇલ છોડવામાં આવી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ચોથા દિવસે વિદેશ સચિવ વિક્રમ મિસરી સાથે ભારતીય ભૂમિદળનાં કર્નલ સોફિયા કુરેશી તથા ભારતીય વાયુદળનાં વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહે પ્રેસ કૉન્ફરન્સ કરી હતી.
આ પ્રેસ કૉન્ફરન્સમાં શુક્રવાર અને શનિવારની
રાત્રે પાકિસ્તાન સાથેની સરહદો પર કરવામાં આવેલી ભારતની કાર્યવાહીની વિગતો આપી હતી.
તેમાં કર્નલ સોફિયા કુરેશીએ માહિતી આપતાં જણાવ્યું, “પાકિસ્તાની સેનાએ પશ્ચિમના મોરચા પર આક્રમક ગતિવિધિઓ યથાવત્ રાખી છે. નિયંત્રણ
રેખા પર ડ્રૉનની ઘૂસણખોરી કરવામાં આવી છે તથા ભારે હથિયારોથી હુમલો કરવામાં આવી રહ્યો છે. શ્રીનગરથી
નલિયા સુધી 26 જગ્યાએ હવાઈ ઘૂસણખોરીની કોશિશ કરવામાં આવી જે પૈકી મહત્તમને નાકામ
કરી દેવામાં આવી.”
કર્નલ કુરેશીએ જણાવ્યું કે પાકિસ્તાને ઉધમપુર, ભુજ, પઠાનકોટ, બઠિંડા ઍરબેઝનાં સામાનને સીમિત ક્ષતિ પહોંચી છે. તથા ક્યાંક થોડાં કર્મચારીઓને નુકસાન પહોંચાડ્યું છે.
તેમણે કહ્યું કે પંજાબના ઍરબેઝ પર રાત્રે એક વાગીને 40 મિનિટે હાઈ સ્પીડ
મિસાઇલ છોડવામાં આવી હતી. કર્નલ કુરેશીએ કહ્યું કે ભારતે આ મિસાઇલને નિષ્ક્રિય કરી
દીધી.
પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું, “પાકિસ્તાનની ગતિવિધિઓ સતત ઉશ્કેરણીજનક રહી છે.
જવાબમાં ભારતે તેની ઉશ્કેરણીજનક ગતિવિધિઓનો જવાબ આપ્યો છે.”
જમ્મુના રહેણાક વિસ્તારમાં થયો હુમલો, સ્થાનિકો શું બોલ્યા?
ઇમેજ કૅપ્શન, જમ્મુના સ્થાનિકોનું કહેવું છે કે પહેલી વખત શહેરની વચ્ચે આવેલા આ રહેણાક વિસ્તારમાં હુમલો થયો છે.
શુક્રવારે રાત્રે પાકિસ્તાન તરફથી જમ્મુ શહેરના રેહારી કૉલોનીમાં પણ હુમલો
કરવામાં આવ્યો હતો.
સ્થાનિક લોકોએ બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યને જણાવ્યું કે આ હુમલાને કારણે
ઘણાં ઘરોને નુકસાન થયું છે. ઘણી કારના કાચ તૂટી ગયા છે.
લોકોનું કહેવું હતું કે પહેલી વખત શહેરની વચ્ચે આવેલા આ પ્રકારના રહેણાક
વિસ્તારમાં આ પ્રકારે બૉમ્બમારો થયો છે.
સ્થાનિક રાકેશ ગુપ્તાએ બીબીસીને જણાવ્યું, “એક જોરદાર વિસ્ફોટ થયો અને આખો
વિસ્તાર ધુમાડાથી ભરાઈ ગયો. ચારે તરફ ડર અને નાસભાગનો માહોલ હતો. પાકિસ્તાન સામાન્ય
લોકો પર કેમ હુમલો કરી રહ્યું છે?”
ઇમેજ કૅપ્શન, સ્થાનિક લોકોએ બીબીસીને જણાવ્યું કે આ હુમલાને કારણે ઘણાં ઘરોને નુકસાન થયું છે. ઘણી કારના કાચ તૂટી ગયા છે.
બીબીસીને જણાવવામાં આવ્યું કે કેટલાક લોકો ઘાયલ થયા છે જેમને હૉસ્પિટલમાં
સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.
બીબીસીની ટીમ ત્યાં હતી ત્યારે જ જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહ
પણ ત્યાં પહોચ્યા હતા. પરંતુ જ્યારે ઉપરથી ફાઇટર પ્લૅન ઊડવા લાગ્યાં એટલે તરત જ
તેમણે ત્યાંથી નીકળી જવું પડ્યું.
હવાઈ હુમલાની સાયરન વાગી અને લોકોને સ્થળ ખાલી કરવા માટે કહેવામાં આવ્યું.
ભારતે કહ્યું- પશ્ચિમી સરહદે ડ્રૉનથી કરવામાં આવ્યા હુમલા, પાકિસ્તાને કહ્યું- તેનાં ત્રણ ઍરબેઝ પર છોડી મિસાઇલ
ઇમેજ સ્રોત, ADGP/Indian Army
ઇમેજ કૅપ્શન, ભારતીય સેનાએ અમૃતસર છાવણી પરથી ઉડતાં ડ્રૉનને તોડી પાડ્યું હોવાનો દાવો કર્યો છે.
ભારત અને પાકિસ્તાને શુક્રવાર અને શનિવારની રાત્રે એકબીજા પર હુમલાની વાત કરી
છે.
ભારતીય સેનાએ કહ્યું છે કે પશ્ચિમી સરહદ પર પાકિસ્તાને હુમલો કર્યો છે જ્યારે
પાકિસ્તાની સેના પ્રવક્તાએ કહ્યું છે કે ભારતે તેનાં ત્રણ ઍરબેઝ પર મિસાઇલોથી હુમલો
કર્યો છે.
ભારતીય સેનાના ઍડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પબ્લિક ઇન્ફોર્મેશને કહ્યું છે કે
પાકિસ્તાન તરફથી ડ્રૉન અને અન્ય હથિયારો સાથે પશ્ચિમી સરહદ પર હુમલો કરવામાં આવી
રહ્યો છે.
તેમના નિવેદનમાં જણાવાયું છે, “આજે સવારે પાંચ વાગ્યે અમૃતસરના ખાસા કૅન્ટ પર ઘણાં
હથિયારોથી સજજ્ ડ્રૉન ઉડતાં દેખાયાં. અમારી ઍર ડિફેન્સ સિસ્ટમે તેમને નાકામ કરી
દીધાં.”
“ભારતની સંપ્રભુતાનું ઉલ્લંઘન કરનારા અને નાગરિકોના જીવને ખતરામાં મૂકનારા
પાકિસ્તાનના આ પ્રયાસને સ્વીકાર નહીં કરવામાં આવે.”
G-7 દેશોએ ભારત અને પાકિસ્તાનને કઈ અપીલ કરી?
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, G-7 દુનિયાના સાત દેશોનો સમૂહ છે, જેમાં કૅનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, બ્રિટન અને અમેરિકા જેવા દેશો સામેલ છે.
જી-7 દેશોએ ભારત અને પાકિસ્તાનને કહ્યું છે કે શાંતિ બનાવી રાખો અને પરસ્પર
વાતચીત કરો.
આ અપીલ ત્યારે આવી જ્યારે બંને દેશો વચ્ચે સૈન્ય ટકરાવ વધી રહ્યો છે અને તેને
કારણે તણાવ પેદા થયો છે.
કૅનેડા તરફથી જારી એક નિવેદનમાં કૅનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, અમેરિકા,
બ્રિટન અને યુરોપીય સંઘના વિદેશ મંત્રીઓએ 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના
પહલગામમાં પર્યટકો પર થયેલા હુમલાની નિંદા કરી છે.
આ સાથે જી-7 દેશોએ ભારત અને પાકિસ્તાન એમ બંનેને સંયમ વર્તવાની સલાહ આપી છે.
જી-7ના નિવેદનમા કહેવામાં આવ્યું, “અમે ઇચ્છીએ છીએ કે બંને દેશો તણાવ
વધારવાની જગ્યાએ પરસ્પર વાતચીત કરે અને કોઈ શાંતિપૂર્ણ હલ તરફ આગળ વધે.”
ભારત-પાકિસ્તાનના પ્રવાસ બાદ સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે શું કહ્યું?
ઇમેજ સ્રોત, @DrSJaishankar
ઇમેજ કૅપ્શન, પાકિસ્તાન સાથે સૈન્ય ટકરાવ વચ્ચે સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી અદેલ અલ-જુબેર ભારતના પ્રવાસે હતા.
સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે પોતાના વિદેશ રાજ્યમંત્રીના ભારત અને
પાકિસ્તાના પ્રવાસની જાણકારી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઍક્સ પર આપી અને આ
પ્રવાસને લઈને એક અધિકારીક નિવેદન બહાર પાડ્યું.
આ નિવેદનમાં કહેવાયું છે કે “સાઉદી અરેબિયાના
નેતૃત્વના નિર્દેશ પર વિદેશ મામલાના રાજ્યમંત્રી તથા જલવાયુ દૂત મહામહિમ અદેલ
અલ-જુબેરે 8થી 9મી મે, 2025ના રોજ ભારત અને પાકિસ્તાનનો પ્રવાસ કર્યો.”
સાઉદી અરેબિયાએ કહ્યું કે બંને દેશો વચ્ચે ચાલી રહેલા સૈન્ય ટકરાવને રોકવાનો
તથા તમામ વિવાદો પર વાતચીત અને કૂટનીતિક રીતે ઉકેલ લાવવાના ઉદ્દેશથી આ પ્રવાસ
કરવામાં આવ્યો હતો.
ભારતના પ્રવાસ દરમિયાન સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી અદેલ અલ-જુબેરે
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી.
ઇમેજ કૅપ્શન, જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહે કહ્યું છે કે પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં એક અધિકારીનું મોત થયું છે.
જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહે કહ્યું છે કે પાકિસ્તાન તરફથી થયેલા
ગોળીબારમાં એક અધિકારીનું મોત થયું છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “રાજૌરીથી દુ:ખદ ખબર. અમે જમ્મુ-કાશ્મીર પ્રશાસન સર્વિસના એક
સમર્પિત અધિકારીને ખોયા છે. કાલે તેઓ ડેપ્યુટી સીએમ સાથે જિલ્લામાં હતા. તેઓ મારી
અધ્યક્ષતામાં થયેલી ઑલાઇન બેઠકમાં સામેલ થયા હતા.”
ઓમર અબ્દુલ્લાહે જણાવ્યું કે પાકિસ્તાન તરફથી રાજૌરી શહેરમાં ગોળીબાર થઈ રહ્યો
છે.
તેમણે લખ્યું, “પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં રાજૌરી શહેરને ટાર્ગેટ કરવામાં
આવ્યું. આ દરમિયાન ઍડિશનલ જિલ્લા વિકાસ આયુક્ત રાજકુમાર થાપાના ઘરને નિશાન બનાવાતા
તેમનું મોત થયું.”
પાકિસ્તાને કહ્યું કે તેણે ભારત સામે જવાબી કાર્યવાહી કરવા 'ઑપરેશન બુનયાન મરસૂસ' લૉન્ચ કર્યું
ઇમેજ સ્રોત, ISPR
ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનની સેનાના જનસંપર્ક વિભાગ તથા આઈએસપીઆરના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાને ભારત પર કરવામાં આવી રહેલી જવાબી કાર્યવાહીને ‘ઑપરેશન બુનયાન મરસૂસ’ નામ આપ્યું છે.
પાકિસ્તાનની સરકારી ટીવી અને સેનાના જનસંપર્ક વિભાગે કહ્યું છે કે તેણે ભારત
સામે જવાબી હુમલો શરૂ કરી દીધો છે.
પાકિસ્તાને ભારત પર તેનાં ત્રણ ઍરબેઝને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો.
પાકિસ્તાનની સેનાના જનસંપર્ક વિભાગ તથા આઈએસપીઆરના જણાવ્યા પ્રમાણે,
પાકિસ્તાને જવાબી કાર્યવાહીને ‘ઑપરેશન બુનયાન મરસૂસ’ નામ આપ્યું છે.
ભારતે પાકિસ્તાનના આ દાવા પર કોઈ ટિપ્પણી કરી નથી.
પાકિસ્તાને કહ્યું ભારતે તેના ત્રણ મિલિટરી ઍરબેઝ પર હુમલો કર્યો
પાકિસ્તાનની સેનાના પ્રવક્તાએ કહ્યું છે કે ભારતે તેનાં ત્રણ મિલિટરી ઍરપૉર્ટ પર મિસાઇલ છોડી છે. ભારતે આ દાવા પર કોઈ ટિપ્પણી કરી નથી.
સરકારી ટીવી ચૅનલ પર પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ કહ્યું છે પાકિસ્તાની સેના તેનો જવાબ આપશે.
તેમણે દાવો કર્યો છે કે પાકિસ્તાનની સેનાના ઍર ડિફેન્સ સિસ્ટમે ભારતની મહત્તમ મિસાઇલને હવામાં જ તોડી પાડી હતી. તેમણે કહ્યું કે દેશની સેના ‘પૂર્ણ રૂપે તૈયાર છે.’
પાકિસ્તાને જે મિલિટરી ઍરપૉર્ટો નિશાન બનાવ્યાં હોવા બાબતે દાવો કર્યો છે તે પૈકી એક રાવલપિંડીનું નૂર ખાન છે. જે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદથી માત્ર 10 કિલોમીટર દૂર છે. જોકે, ભારત તરફથી આ દાવાઓ પર કંઈ કહેવામાં નથી આવી રહ્યું.
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ પ્રેસ કૉન્ફરન્સમાં મિસાઇલ હુમલાની વાત કરી છે.
બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે.
ભારત-પાકિસ્તાન તણાવ અંગે બધા સમાચાર તમે અહીં વાંચી શકશો
શુક્રવારે શું શું બન્યું એ વાંચવા માટે અહીં ક્લિક કરો.