You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

દિલ્હી વિધાનસભામાં 27 વર્ષ બાદ ભાજપનું પુનરાગમન, ભાજપે 48 બેઠક જીતી, આપ 22 પર સમેટાઈ

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આજે મતગણતરી થઈ રહી છે. ભાજપ સતત આગળ ચાલી રહ્યો છે અને આમ આદમી પાર્ટીના મોટા નેતાઓની હાર થઈ છે.

સારાંશ

  • દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં 70 બેઠકો પર આપ, ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે જંગ
  • આમ આદમી પાર્ટીને 2015 અને 2020ની વિધાનસભાની ચૂંટણીમાં એકતરફી રેકૉર્ડતોડ જીત મળી હતી
  • ભાજપ 26 વર્ષ પછી દિલ્હીની સત્તામાં કરી રહ્યો છે પુનરાગમન
  • આમ આદમી પાર્ટીના મોટા નેતાઓની થઈ હાર, પાર્ટીના ભવિષ્ય પર સવાલ

લાઇવ કવરેજ

આર્જવ પારેખ

  1. દિલ્હી વિધાનસભાની મતગણતરી વચ્ચે અણ્ણા હજારે કેજરીવાલ વિશે શું બોલ્યા?

    દિલ્હીની વિધાનસભા ચૂંટણીની મતગણતરી થઈ રહી છે જેમાં આમ આદમી પાર્ટી સતત પાછળ ચાલી રહી છે.

    તે દરમિયાન સામાજિક કાર્યકર અણ્ણા હજારેએ નિવેદન આપ્યું છે.

    તેમણે કહ્યું હતું કે, “ચૂંટણી લડવા અને જીતવા માટે ઉમેદવારના આચાર-વિચાર શુદ્ધ હોવા જરૂરી છે અને જીવન નિષ્કલંક હોવું જરૂરી છે. જો આવા ગુણ ઉમેદવારમાં હોય તો તેનાથી મતદારોને વિશ્વાસ આવે છે કે આ વ્યક્તિ અમારા માટે કંઇક કરી શકશે.”

    “હું વારંવાર કહેતો ગયો પણ તેમને સમજમાં ન આવ્યું. દારૂ, પૈસા ધન અને દોલતમાં તેઓ વહી ગયા. તેના કારણે તેઓ બદનામ થઈ ગયા. જેને કારણે પણ અન્ય લોકોને મોકો મળી ગયો. પરિણામે તેમને આજે ઓછા મત મળ્યા છે.”

    અણ્ણા હજારેએ કહ્યું હતું કે, “રાજકારણમાં આરોપ-પ્રત્યારોપ થતા રહે છે. પરંતુ તમારા પરના આરોપો ખોટા છે એવું તમારે પ્રજા સામે સાબિત કરવું પડે છે.”

    ઉલ્લેખનીય છે કે એક સમયે અરવિંદ કેજરીવાલ અણ્ણા હજારેની ટીમમાં હતા અને તેમણે દિલ્હીમાં ભ્રષ્ટાચાર સામે જનલોકપાલ બિલ માટે મોટું આંદોલન કર્યું હતું.

  2. 11 વાગ્યા સુધીની મતગણતરીમાં અરવિંદ કેજરીવાલ પાછળ, મોટા નેતાઓની શું છે પરિસ્થિતિ?

    આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓની સ્થિતિ:

    અરવિંદ કેજરીવાલ: નવી દિલ્હીથી 238 મતે પાછળ

    મનીષ સિસોદિયા: જંગપુરાથી 3773 મતે આગળ

    આતિશી: કાલકાજીથી 2800 મતે પાછળ

    સત્યેન્દર જૈન: શકૂરબસ્તીથી 8749 મતે પાછળ

    સૌરભ ભારદ્વાજ: ગ્રેટર કૈલાશથી 2721 મતે પાછળ

    ભાજપ ટોચના નેતાઓની સ્થિતિ:

    પરવેશ વર્મા: નવી દિલ્હીથી 238 મતે આગળ

    કપિલ મિશ્રા: કરાવલ નગરથી 20351 મતે આગળ

    વિજેન્દર ગુપ્તા: રોહિણીથી 6915 મતે આગળ

    કૉંગ્રેસના ટોચના નેતાઓની સ્થિતિ:

    સંદીપ દિક્ષીત: નવી દિલ્હીથી 12071 મતે પાછળ

    દેવેન્દર યાદવ: બાદલીથી 3933 મતે પાછળ

  3. શરૂઆતનાં વલણોમાં ભાજપની સરસાઈ અંગે ભાજપના નેતાઓએ શું કહ્યું?

    દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોમાં ભાજપ સતત આગળ ચાલી રહ્યો છે અને આમ આદમી પાર્ટી પર તેની સરસાઈ દેખાઈ રહી છે.

    સમાચાર એજન્સી એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં ભાજપના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું હતું કે, “અમે વલણોને આવકારીએ છીએ પણ અમે અંતિમ પરિણામની રાહ જોઈશું. અમે માનીએ છીએ કે લોકોએ ભ્રષ્ટાચારના વિરોધમાં મતદાન કર્યું છે અને ભાજપના ગુજ ગવર્નેન્સને સમર્થન આપ્યું છે.”

    ભાજપ નેતા નલિન કોહલીએ કહ્યું હતું કે, “વલણો સ્પષ્ટપણે ચિન્હિત કરી રહ્યાં છે કે દિલ્હીના લોકો હવે આમ આદમી પાર્ટી સાથે નથી.”

    તો કાલકાજીથી સતત આગળ ચાલી રહેલા ભાજપના ઉમેદવાર રમેશ બિધૂડીએ કહ્યું છે કે, “કાલકાજીથી મળી રહેલી સરસાઈ એ આશીર્વાદ સમાન છે. કેજરીવાલે દિલ્હીમાં છેલ્લાં 10 વર્ષમાં કોઈ કામ કર્યું નથી. હું માનું છું કે દિલ્હીમાં 'આપદા' જઈ રહી છે ભાજપ સત્તામાં આવી રહ્યો છે. અમે અહીં લોકોની સેવા માટે છીએ, મુખ્ય મંત્રી જેવા પદ માટે નથી.”

  4. દિલ્હી: મોટા ઉમેદવારોમાં કોણ આગળ, કોણ પાછળ?

    સવારે 10:46 સુધીના વલણોમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા આગળ ચાલી રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીના આતિશી અને સત્યેન્દર જૈન પાછળ ચાલી રહ્યા છે.

    કરાવલ નગરથી ભાજપના કપિલ મિશ્રા અને કાલકાજીથી ભાજપના રમેશ બિધૂડી આગળ છે.

    જ્યારે પટપડગંજથી આપના અવધ ઓઝા સતત પાછળ છે.

  5. પટપડગંજથી અવધ ઓઝા પાછળ, મનીષ સિસોદિયા અને આતિશી પણ પાછળ

    સવારે 10:20 સુધીની મતગણતરી અનુસાર...

    આમ આદમી પાર્ટીમાં ચૂંટણી પહેલાં જોડાયેલા અવધ ઓઝા સતત તેમની બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે.

    આ બેઠક પરથી ત્રણ રાઉન્ડની ગણતરી પછી ભાજપના રવિન્દરસિંહ નેગી 7229 મતે આગળ ચાલી રહ્યા છે.

    જંગપુરામાં પણ પહેલા રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. અહીંથી મનીષ સિસોદિયા 1314 મતે પાછળ છે.

    દિલ્હીનાં મુખ્ય મંત્રી આતિશી પણ બે રાઉન્ડની મતગણતરી પછી કાલકાજીથી 1342 મતે પાછળ છે.

  6. જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહે દિલ્હી ચૂંટણીનાં પરિણામો વિશે શું કહ્યું?

    દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોનાં વલણોમાં ભાજપ એ આમ આદમી પાર્ટી કરતાં આગળ જણાઈ રહ્યો છે.

    એ ટ્રૅન્ડને જોઇને જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ‍ઍક્સ પર સૂચક પોસ્ટ કરી છે.

    તેમણે એક મીમ પોસ્ટ કર્યું હતું જેમાં લખ્યું છે, "જી ભર કે લડો, સમાપ્ત કર દો એક દૂસરે કો."

  7. શરૂઆતની મતગણતરીમાં મોટા નેતાઓની શું છે પરિસ્થિતિ?

    સવારે 10 વાગ્યા સુધીનાં વલણોમાં આમ આદમી પાર્ટી, ભાજપ અને કૉંગ્રેસના મોટા નેતાઓની સ્થિતિ પર એક નજર...

    આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓની સ્થિતિ:

    અરવિંદ કેજરીવાલ: નવી દિલ્હીથી 254 મતે આગળ

    મનીષ સિસોદિયા: જંગપુરાથી મનીષ સિસોદિયા આગળ

    આતિશી: કાલકાજીથી 1149 મતે પાછળ

    સત્યેન્દર જૈન: શકૂરબસ્તીથી 2956 મતે પાછળ

    ભાજપ ટોચના નેતાઓની સ્થિતિ:

    પરવેશ વર્મા: નવી દિલ્હીથી 254 મતે પાછળ

    કપિલ મિશ્રા: કરાવલ નગરથી 6470 મતે આગળ

    વિજેન્દર ગુપ્તા: રોહિણીથી 1966 મતે પાછળ

    કૉંગ્રેસના ટોચના નેતાઓની સ્થિતિ:

    સંદીપ દીક્ષિત: નવી દિલ્હીથી 3937 મતે પાછળ

  8. દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામ: પહેલા રાઉન્ડની ગણતરી પછી અરવિંદ કેજરીવાલ 74 મતે પાછળ

    દિલ્હી વિધાનસભાની મતગણતરીમાં હવે અનેક બેઠકો પર ઇવીએમના મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે.

    નવી દિલ્હીમાં પહેલા રાઉન્ડની મતગણતરીના અંતે ભાજપના પ્રવેશ વર્મા 74 મતે આગળ છે.

    પરવેશ વર્માને 2272 તથા અરવિંદ કેજરીવાલને 2198 મતો મળ્યા છે. કૉંગ્રેસના સંદીપ દિક્ષીતને 404 મત મળ્યા છે.

  9. દિલ્હી: આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં કેવો છે માહોલ?

    LIVE: ફેસબુક પર લાઈવ જોવા માટે અહીં ક્લિક કરો

  10. દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામ: નવ વાગ્યા સુધીનાં વલણોમાં ભાજપ આગળ

    સવારે નવ વાગ્યા સુધીનાં વલણો પરથી પ્રતીત થઈ રહ્યું છે કે ભાજપ આમ આદમી પાર્ટી કરતાં ઘણો આગળ છે.

    સવારે 9:12 સુધીનાં વલણોમાં ભાજપ 44 બેઠકો પર તથા આમ આદમી પાર્ટી 25 બેઠકો પર આગળ છે જ્યારે કૉંગ્રેસ એક બેઠક પર આગળ છે.

  11. દિલ્હી ચૂંટણી પરિણામ: પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભાજપ આગળ

    સવારે 8:30 વાગ્યા સુધીમાં, આમ આદમી પાર્ટી 22 બેઠકો પર આગળ છે, જ્યારે ભાજપ 34 બેઠકો પર આગળ છે.

    આ ઉપરાંત કૉંગ્રેસ એક બેઠક પર આગળ છે.

    દિલ્હીમાં 70 વિધાનસભા બેઠકો છે અને કોઈપણ પક્ષને સરકાર બનાવવા માટે 36 બેઠકોની જરૂર હોય છે.

  12. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી શરૂ, થોડીવારમાં આવશે શરૂઆતી વલણો

    દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે.

    હાલમાં પોસ્ટલ બેલેટની ગણતરી થઈ રહી છે. થોડીવારમાં ઇવીએમ ખુલશે અને મતગણતરી આગળ વધશે.

    દિલ્હીમાં મુખ્ય સ્પર્ધા આપ, ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે છે.

    મોટાભાગના ઍક્ઝિટ પોલમાં ભાજપને જીત મળવાની આગાહી કરવામાં આવી છે. આ અંગે આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે એ દાવો ખોટો સાબિત થશે અને તેમને 50 થી વધુ બેઠકો મળશે. જ્યારે કૉંગ્રેસને પુનરાગમનની આશા છે.

  13. દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામ: તમામ બેઠકોની વિગતવાર અપડેટ્સ મેળવો, લાઇવ મેપ અને ગ્રાફિક્સ સાથે કઈ બેઠક પર કોણ આગળ, કોણ પાછળ?

  14. દિલ્હી: મતગણતરી પહેલાં આપ, ભાજપ અને કૉંગ્રેસના નેતાઓ શું બોલ્યા?

    દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરી પહેલાં કૉંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ નિવેદનો આપ્યાં છે. ત્રણેય પક્ષોએ જીતની આશા વ્યક્ત કરી છે.

    નવી દિલ્હી બેઠક પરના કૉંગ્રેસના ઉમેદવાર અને ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દિક્ષીતે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, "આપણે રાહ જોઈએ. મને આશા છે કે અમે સારું પ્રદર્શન કર્યું છે."

    "જો મતદારોના પ્રતિભાવ અનુસાર મતદાન થયું હશે તો સારાં પરિણામો મળશે."

    આમ આદમી પાર્ટીના નેતા અનુરાગ ઢાંડાએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, "લોકોએ હંમેશા અરવિંદ કેજરીવાલને ટેકો આપ્યો છે. તેઓ હજુ પણ તેમને સાથ આપશે. અરવિંદ કેજરીવાલ લોકોની લડાઈ લડી રહ્યા હતા."

    "આ એક એવી ચૂંટણી હતી જેમાં અરવિંદ કેજરીવાલ આખી સિસ્ટમ સામે લડી રહ્યા હતા. તેઓ ભાજપ, કૉંગ્રેસ, સીબીઆઈ, ઇડી, ચૂંટણીપંચ, ગુંડાઓ અને પૈસાની તાકાત સામે લડી રહ્યા હતા."

    અનુરાગ ઢાંડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે.

    દિલ્હીના કરોલબાગથી ભાજપના ઉમેદવાર દુષ્યંત ગૌતમે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે, "આખા દેશમાં ડબલ એન્જિન સરકાર ચાલતી જોઈને દિલ્હીએ પણ પોતાનું મન બનાવી લીધું છે. દિલ્હીમાં પણ ડબલ એન્જિનવાળી સરકાર ચાલશે."

  15. દિલ્હી: 1998થી ભાજપ જોઈ રહ્યો છે સત્તાની રાહ, કૉંગ્રેસ આ ચૂંટણીમાં ખાતું ખોલાવી શકશે કે કેમ?

    2015ની ચૂંટણીમાં દિલ્હીમાં ભાજપને માત્ર ત્રણ બેઠકો અને 2020ની ચૂંટણીમાં આઠ બેઠકો પર જીત મળી હતી.

    પરંતુ આ વખતે ભાજપને આશા છે કે તે દિલ્હીમાં સરકાર બનાવવામાં સફળ રહેશે.

    છેલ્લે ભાજપે દિલ્હીમાં 1993થી 98ના ગાળામાં શાસન કર્યું હતું, અને 1993ની ચૂંટણીમાં ભાજપને 70માંથી 49 બેઠકો મળી હતી.

    શીલા દીક્ષિતના નેતૃત્ત્વમાં કૉંગ્રેસે પણ દિલ્હીમાં 15 વર્ષ સુધી સતત શાસન કર્યું છે. 1998થી 2013 સુધી દિલ્હીમાં કૉંગ્રેસનું શાસન રહ્યું હતું.

    જોકે, દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ઉદય પછી કૉંગ્રેસ પક્ષ દિલ્હીના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયો છે અને છેલ્લી બે ચૂંટણીમાં એકપણ બેઠક જીતી શક્યો નથી.

  16. દિલ્હીના ઍક્ઝિટ પોલમાં ભાજપની જીતનું અનુમાન, પરિણામ પર સૌની નજર

    દિલ્હી વિધાનસભામાં કુલ 70 બેઠકો છે. અહીં સરકાર બનાવવા માટે 36 બેઠકો જીતવી જરૂરી છે.

    મોટાભાગની એજન્સીઓએ તેમના ઍક્ઝિટ પોલમાં ભાજપની સરકાર બનશે તેવી આગાહી કરી છે.

    મેટ્રાઇઝ એજન્સી પ્રમાણે આમ આદમી પાર્ટીને 32-37 બેઠક મળશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે જ્યારે ભાજપને પક્ષે 35થી 40 બેઠકો જશે તેવું અનુમાન છે. કૉંગ્રેસને 0થી 1 બેઠક મળી શકે છે.

    જેવીસીના અનુમાન પ્રમાણે આમ આદમી પાર્ટીને 22થી 31 બેઠકો મળે તેવી શક્યતા છે જ્યારે ભાજપને 39થી 45 બેઠકો મળે તેવી આગાહી કરવામાં આવી છે. કૉંગ્રેસને 0થી 2 બેઠકો મળી શકે છે.

    પી-માર્કના ઍક્ઝિટ પોલમાં પણ ભાજપને બહુમતી મળે તેવું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે. તેમાં ભાજપને 39થી 49 બેઠકો મળે તેવી આગાહી કરવામાં આવી છે. આ પોલમાં આમ આદમી પાર્ટીને 21થી 31 બેઠકો મળે તેવી આગાહી કરવામાં આવી છે.

    પીપલ્સ ઇન્સાઇટ પ્રમાણે પણ ભાજપને 40થી 44 બેઠકો મળશે તેવી આગાહી કરવામાં આવી છે. આ એજન્સીના સર્વે પ્રમાણે આમ આદમી પાર્ટીને 25-29 બેઠકો મળી શકે છે. કૉંગ્રેસને 0થી 2 બેઠકો મળી શકે છે.

    ચાણક્ય સ્ટ્રેટેજીસના અનુમાન પ્રમાણે આમ આદમી પાર્ટીને 25થી 28 બેઠકો તથા ભાજપને 39થી 44 બેઠકો મળી શકે છે. કૉંગ્રેસને ફાળે 2થી 3 બેઠકો જઈ શકે છે.

    જ્યારે અમુક ઍક્ઝિટ પોલ એવા છે જેમણે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તેવી આગાહી પણ કરી છે.

    માઇન્ડ બ્રિકના ઍક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને 44-49 બેઠકો મળશે તેવું અનુમાન છે. જ્યારેે ભાજપને ફાળે 21થી 25 બેઠકોનું અનુમાન છે.

    વીપ્રીસાઇડના સર્વેમાં આમ આદમી પાર્ટી 46થી 52 બેઠકો સાથે ફરીથી સરકાર બનાવશે તેવી આગાહી કરવામાં આવી છે. જ્યારે ભાજપને ફાળે 18થી 23 બેઠકો અને કૉંગ્રેસને ફાળે 0-1 બેઠક જઈ શકે છે.

  17. દિલ્હી: છેલ્લી બે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મેળવી હતી રેકૉર્ડ જીત, આ વખતે સત્તા બચાવી શકશે?

    દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સતત 2013થી આમ આદમી પાર્ટીનો દબદબો રહ્યો છે. સૌપ્રથમવાર 2013ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 28 બેઠકો મળી હતી અને તેમણે કૉંગ્રેસના ટેકાથી સરકાર બનાવી હતી અને કેજરીવાલ પહેલી વાર મુખ્ય મંત્રી બન્યા હતા.

    ત્યારબાદ યોજાયેલી 2015ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તમામ રેકૉર્ડ તોડતા 70માંથી 67 બેઠકો પર વિજય મેળવ્યો હતો. ભાજપને ફાળે માત્ર ત્રણ બેઠકો આવી હતી.

    2020ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 62 બેઠકો જીતીને ફરીથી સરકાર બનાવી હતી અને ભાજપને આઠ બેઠકો મળી હતી. 2015 અને 2020ની બંને ચૂંટણીમાં કૉંગ્રેસ ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ રહી હતી.

    જોકે, ત્રીજી વાર દિલ્હીમાં સરકાર બનાવ્યા બાદ આમ આદમી પાર્ટી માટે સરકાર ચલાવવી સરળ રહી ન હતી. કથિત દારૂનીતિ કૌભાંડમાં પાર્ટીના તમામ ટોચના નેતાઓ સામે આરોપો લાગ્યા હતા અને તેમને જેલમાં જવું પડ્યું હતું. જોકે, તેમને બાદમાં જામીન મળ્યા હતા.

    જામીન પર છૂટીને બહાર આવેલા અરવિંદ કેજરીવાલે તત્કાળ મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું અને કહ્યું હતું કે, "હવે દિલ્હીની પ્રજા ચૂંટણીમાં આદેશ કરશે એ પછી જ હું મુખ્ય મંત્રીની ખુરશી પર બેસીશ."

    જોકે, છેલ્લા એક દાયકા કરતાં પણ વધુ સમયથી સતત દિલ્હીની સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીને આ વખતે ભાજપ તરફથી પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.

    સરકાર સામે રહેલી ઍન્ટિ-ઇન્કમબન્સીને ખાળીને શું આમ આદમી પાર્ટી ચોથી વાર સરકાર બનાવી શકશે કે કેમ એ મોટો સવાલ છે. દિલ્હીની આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની હાર થાય તો તેમની રાષ્ટ્રીય વિસ્તારની યોજનાને મોટો ફટકો પડી શકે છે.

  18. નમસ્કાર...શુભ સવાર..., બીબીસી ગુજરાતીના આ લાઈવ પેજ પર આપનું સ્વાગત છે.

    આજે દિલ્હીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. થોડી જ વારમાં મતગણતરી શરૂ થશે. હું બીબીસી સંવાદદાતા આર્જવ પારેખ તમારા સુધી દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામને લગતા તમામ મહત્ત્વના સમાચારો પહોંચાડીશ.

    દિવસભર અમારા લાઈવ પેજ સાથે જોડાયેલા રહો.

    હાલમાં બીબીસી ગુજરાતીની વેબસાઇટ પર ઉપલબ્ધ કેટલાક મહત્ત્વના લેખ તમે નીચે આપેલી લિંક પર ક્લિક કરીને વાંચી શકો છો.

    અરવિંદ કેજરીવાલની સરકારે શું ખરેખર દિલ્હીમાં શિક્ષણની પરિસ્થિતિ પલટી છે? વાંચવા માટે અહીં ક્લિક કરો

    નવી દિલ્હી વિધાનસભા બેઠક પર અરવિંદ કેજરીવાલ માટે કેટલાં કપરાં ચઢાણ? વાંચવા માટે અહીં ક્લિક કરો

    કેજરીવાલ: આઈઆઈટીના શાંત વિદ્યાર્થીથી ભારતના રાજકારણના 'ઍંગ્રી યંગ મૅન' બનવા સુધીની કહાણી - વાંચવા માટે અહીં ક્લિક કરો

    દિલ્હીમાં ખરેખર મફત સેવાઓ મળે છે? અહીં વસતા ગુજરાતીઓએ શું કહ્યું?- વાંચવા માટે અહીં ક્લિક કરો