You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ભવાનીપુરથી મમતા બેનરજીની હાર, સુવેન્દુ અધિકારીની 15 હજાર મતોથી જીત

પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ, પુડુચેરી અને આસામનાં ચૂંટણી પરિણામો આજે જાહેર થઈ રહ્યાં છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની સત્તા રહેશે કે જશે તેના પર સૌની નજર છે. બાકી રાજ્યોમાં શું થશે?

સારાંશ

  • પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આસામ, કેરળ અને પુડ્ડુચેરીની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આજે જાહેર થઈ રહ્યાં છે.
  • પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી મુશ્કેલીમાં, ભાજપની મોટી સરસાઈ
  • આસામમાં હિમંતા બિસ્વા સરમાનો દબદબો યથાવત્ , કેરળમાં કૉંગ્રેસનું 'કમબૅક' થવાના એંધાણ
  • તામિલનાડુમાં મોટો ઊલટફેર, વિજયની પાર્ટી સૌથી મોટી પાર્ટી બની

લાઇવ કવરેજ

આર્જવ પારેખ

  1. પશ્ચિમ બંગાળમાં ભાજપ મોટી લીડ તરફ, મમતા બેનરજીનું શું થશે?

    પશ્ચિમ બંગાળમાં વલણો દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ શાસક તૃણમૂલ કૉંગ્રેસ (TMC) કરતાં ઘણો આગળ છે.

    ડેટાનેટ અનુસાર, એક વાગ્યા સુધીમાં ટીએમસી 96 બેઠકો પર અને ભાજપ 191 બેઠકો પર આગળ છે.

    294 બેઠકોવાળી વિધાનસભામાં બહુમતી મેળવવા માટે 148 બેઠકો જરૂરી છે, જેનો અર્થ એ છે કે ભારતીય જનતા પાર્ટીએ વલણોમાં બહુમતીનો આંકડો પાર કરી લીધો છે.

    ટીએમસી 2011થી રાજ્યમાં સતત સત્તામાં છે, અને મમતા બેનરજી છેલ્લાં 15 વર્ષથી મુખ્ય મંત્રી છે. જો ભાજપ જીતશે, તો આ પહેલી વાર બનશે કે તે રાજ્યમાં સરકાર બનાવશે.

  2. મમતા બેનરજી ભવાનીપુરથી સતત આગળ, બપોરે 12 વાગ્યે મોટા ચહેરાઓની શું સ્થિતિ છે?

    મમતા બેનરજી:

    પાંચ રાઉન્ડની ગણતરી પછી મમતા બેનરજી ભવાનીપુરથી 16706 મતે આગળ છે. સુવેન્દુ અધિકારીને 9236 મત મળ્યા છે.

    હિમંતા બિસ્વા સરમા:

    આસામની જાલુકબારી બેઠક પરથી પાંચ રાઉન્ડની ગણતરી પછી હિમંતા બિસ્વા સરમા 17214 મતે આગળ ચાલી રહ્યા છે.

    એમકે સ્ટાલિન :

    તામિલનાડુની કોલાથુર બેઠક પરથી મુખ્ય મંત્રી એમકે સ્ટાલિન પાછળ ચાલી રહ્યા છે. તેમની સામે ટીવીકેના વીએસ બાબુ ચૂંટણી લડી રહ્યા છે.

    વીએસ બાબુ આઠ રાઉન્ડની મતગણતરી પછી 6504 મતે આગળ છે.

    પી. વિજયન

    કેરળના મુખ્ય મંત્રી પી.વિજયન ધર્માદમ બેઠક પરથી સાત રાઉન્ડની મતગણતરી પછી 1536 મતે આગળ ચાલી રહ્યા છે.

    તેમની સામે કૉંગ્રેસના વીપી અબ્દુલ રશીદ ચૂંટણી લડી રહ્યા છે.

    સુવેન્દુ અધિકારી:

    ભવાનીપુરથી પાછળ ચાલી રહેલા સુવેન્દુ અધિકારી નંદીગ્રામથી આગળ ચાલી રહ્યા છે.

    બે રાઉન્ડની મતગણતરી પછી તેઓ 3135 મતે આગળ છે.

    તેમની સામે તૃણમૂલ કૉંગ્રેસના પબિત્ર કર ચૂંટણી લડી રહ્યા છે.

    અભિનેતા વિજય:

    તિરુચિરાપલ્લી ઇસ્ટ બેઠક પરથી અભિનેતા વિજય 6499 મતે આગળ છે.

    તેમની સામે ડીએમકેના એસ. ઇનિગો ઇરુડાયારાજ ચૂંટણી લડી રહ્યા છે, જેમને ચાર રાઉન્ડની ગણતરી પછી 10080 મત મળ્યા છે.

  3. પશ્ચિમ બંગાળ : ભાજપના કાર્યકર્તાઓએ ઉજવણી શરૂ કરી, જુઓ તસવીરોમાં

    પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓએ ઉજવણી શરૂ કરી દીધી છે. જ્યારે તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકર્તાઓમાં નિરાશાનો માહોલ છે.

    તસવીરોમાં જુઓ...

  4. આસામમાં હિમંતા બિસ્વા સરમાનો દબદબો યથાવત્ , ભાજપ કેટલી બેઠકો પર આગળ?

    પોણા બાર સુધીનાં વલણોમાં આસામમાં ભાજપને ભારે બહુમતી મળશે તેવું દેખાઈ રહ્યું છે.

    આસામમાં ભાજપ ગઠબંધન એ 99 બેઠકો પર આગળ છે જ્યારે કૉંગ્રેસ ગઠબંધન માત્ર 25 બેઠકો પર આગળ છે.

    એઆઈયુડીએફ માત્ર બે બેઠકો પર આગળ છે.

    આસામમાં બહુમતી માટે 64 બેઠકોની જરૂર છે.

  5. પશ્ચિમ બંગાળ: પીએમ મોદીએ ઝાલમુડી ખાધી હતી તે બેઠક પર ભાજપના શું છે હાલ?

    પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. શરૂઆતનાં વલણો દર્શાવે છે કે ભાજપ, તૃણમૂલ કૉંગ્રેસથી આગળ છે.

    ચૂંટણી પ્રચાર દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઝાલમુડી (એક પ્રકારની ભેળ) ખાધી હતી, તે ઝાડગ્રામ બેઠક પર ભાજપ આગળ છે.

    હાલમાં, સાત રાઉન્ડ પછી ભાજપના ઉમેદવાર લક્ષ્મીકાંત સાવ અહીંથી 10,388 મતો સાથે આગળ છે.

    ભાજપને 41,600 મત મળેલ છે. જ્યારે સાત રાઉન્ડ પછી ટીએમસીના મંગલ સારેનને 31212 મતો મળ્યા છે.

    જોકે, આ શરૂઆતનાં વલણો છે અને વિવિધ તબક્કામાં મતગણતરી આગળ વધતાં બદલાઈ શકે છે.

  6. કેરળમાં કૉંગ્રેસનું ‘કમબૅક’, જુઓ કેટલી બેઠકો પર આગળ?

    કેરળમાં દેશની એકમાત્ર ડાબેરી સરકાર સત્તા ગુમાવે તેવાં એંધાણ છે.

    સવારે 11:25ની સ્થિતિ અનુસાર ડેટાનેટે આપેલા આંકડાઓમાં ડાબેરી ગઠબંધન માત્ર 41 બેઠકો પર આગળ છે.

    કૉંગ્રેસનું યુડીએફ ગઠબંધન 97 બેઠકો પર આગળ છે.

    કેરળમાં સરકાર બનાવવા માટે 71 બેઠકોની જરૂર છે.

  7. પશ્ચિમ બંગાળ: ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું, “અમે સરકાર બનાવીશું...”

    પશ્ચિમ બંગાળમાં 293 વિધાનસભા બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. શરૂઆતનાં વલણો દર્શાવે છે કે શાસક પક્ષ તૃણમૂલ કૉંગ્રેસ પાછળ ચાલી રહ્યો છે, જ્યારે ભાજપની લીડ લગભગ જળવાઈ રહી છે.

    11 વાગ્યા સુધીમાં ભાજપ 153 બેઠકો પર અને ટીએમસી 124 બેઠકો પર આગળ છે. કૉંગ્રેસ અને ડાબેરી ગઠબંધન એક બેઠક પર આગળ છે.

    દરમિયાન, ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ દાવો કર્યો છે કે 'પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બનાવશે.'

    નોંધનીય છે કે સુવેન્દુ અધિકારી બે મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે તેમને નંદીગ્રામથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ભવાનીપુરમાં તેઓ મુખ્ય મંત્રી મમતા બેનરજીને પણ પડકાર આપી રહ્યા છે.

  8. 11 વાગ્યા સુધીનાં વલણો: પશ્ચિમ બંગાળમાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત, અન્ય રાજ્યોમાં શું છે સ્થિતિ?

    સવારે 11 વાગ્યા સુધીમાં તમામ રાજ્યોનાં ચૂંટણી પરિણામોનાં પ્રાથમિક વલણો આવવાં લાગ્યાં છે. ત્યાં બનનારી સરકારની સ્થિતિ ધીરે-ધીરે સ્પષ્ટ થઈ રહી છે.

    પશ્ચિમ બંગાળ:

    પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસ 122 બેઠકો પર, તથા ભાજપ 149 બેઠકો પર આગળ છે. કૉંગ્રેસ છ બેઠકો પર આગળ છે.

    તામિલનાડુ:

    તામિલનાડુમાં સત્તાધારી પક્ષ ડીએમકે માત્ર 51 બેઠકો પર આગળ છે. એઆઈડીએમકે ગઠબંધન 75 બેઠકો પર આગળ છે.

    વિજયની પાર્ટી ટીવીકે મોટો ઊલટફેર કરી શકે તેવી સ્થિતિમાં છે અને તે 107 બેઠકો પર આગળ છે. તે એકલા હાથે સરકાર બનાવી શકવા તરફ આગળ વધી રહી છે.

    આસામ:

    આસામમાં નવ વાગ્યા સુધીમાં ભાજપ ગઠબંધન 98 બેઠકો તથા કૉંગ્રેસ ગઠબંધન 26 બેઠકો પર આગળ છે.

    એઆઇયુડીએફ બે બેઠકો પર આગળ છે.

    કેરળ:

    કેરળમાં ડાબેરી ગઠબંધનની સત્તા જઈ શકે છે. 11 વાગ્યાની સ્થિતિ અનુસાર, તે માત્ર 41 બેઠકો પર આગળ છે. કૉંગ્રેસ ગઠબંધન 98 બેઠકો પર આગળ છે.

    એનડીએ માત્ર એક બેઠક પર આગળ છે.

    પુડુચેરી:

    પુડુચેરીમાં એનડીએ ગઠબંધન 22 બેઠકો પર તથા કૉંગ્રેસ ગઠબંધન ચાર બેઠકો પર આગળ છે. અન્ય ચાર બેઠકો પર આગળ છે.

  9. તામિલનાડુનાં પરિણામોમાં મોટા ઊલટફેરનાં એંધાણ, અભિનેતા વિજયે સૌને ચોંકાવ્યા

    તામિલનાડુના સવારે સાડા 10 વાગ્યા સુધીનાં વલણોમાં અભિનેતા વિજયનો પક્ષ સૌથી મોટો પક્ષ બનીને ઊભરી આવ્યો છે અને સત્તાપરિવર્તનનાં એંધાણ દેખાઈ રહ્યાં છે.

    ડેટાનેટ અનુસાર, તામિલનાડુમાં અભિનેતા વિજયનો પક્ષ 104 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે.

    ડીએમકે ગઠબંધન 64 બેઠકો પર તથા એઆઈએડીએમકે ગઠબંધન 63 બેઠકો પર આગળ છે.

    તામિલનાડુમાં બહુમતી માટે 118 બેઠકોની જરૂર છે.

  10. પહેલા રાઉન્ડની ગણતરી પછી ભવાનીપુરથી મમતા બેનરજી આગળ

    ભારતનાં ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર, ભવાનીપુરમાં મમતા બેનરજી પહેલા રાઉન્ડની મતગણતરી પછી 1966 મતે આગળ છે.

    મમતા બેનરજીને 3666 મત મળ્યા છે.

    ભાજપના સુવેંદુ અધિકારીને 1670 મત મળ્યા છે, અને તેઓ બીજા નંબરે છે.

    ભવાનીપુરમાં મતગણતરી કેન્દ્ર બહાર કેવો માહોલ છે? બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા ભવાનીપુરથી LIVE

  11. 10 વાગ્યા સુધીનાં વલણો: પશ્ચિમ બંગાળમાં કોની સ્થિતિ વધારે મજબૂત?

    સવારે 10 વાગ્યા સુધીમાં તમામ રાજ્યોના ચૂંટણી પરિણામોનાં પ્રાથમિક વલણો આવવા લાગ્યાં છે.

    પશ્ચિમ બંગાળ:

    પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસ 127 બેઠકો પર, તથા ભાજપ 148 બેઠકો પર આગળ છે. કૉંગ્રેસ ચાર બેઠકો પર આગળ છે.

    તામિલનાડુ:

    તામિલનાડુમાં સત્તાધારી પક્ષ ડીએમકે 94 બેઠકો પર આગળ છે. એઆઈડીએમકે ગઠબંધન 66 બેઠકો પર આગળ છે.

    વિજયનો પક્ષ ટીવીકે પણ ઊલટફેર કરી શકે તેવી સ્થિતિમાં છે અને તે 55 બેઠકો પર આગળ છે. એનટીકે તથા અન્ય બે બેઠકો પર આગળ છે.

    કેરળ:

    કેરળમાં ડાબેરી ગઠબંધન 46 બેઠકો પર તથા કૉંગ્રેસનું યુડીએફ ગઠબંધન 91 બેઠકો પર આગળ છે. એનડીએ ત્રણ બેઠકો પર આગળ છે.

    આસામ:

    આસામમાં નવ વાગ્યા સુધીમાં ભાજપ ગઠબંધન 89 બેઠકો તથા કૉંગ્રેસ ગઠબંધન 29 બેઠકો પર આગળ છે.

    એઆઇયુડીએફ અને અન્ય એક બેઠક પર આગળ છે.

  12. પશ્ચિમ બંગાળ: મતગણતરી કેન્દ્રો બહાર ભારે સુરક્ષા-વ્યવસ્થા, જુઓ તસવીરો

    પશ્ચિમ બંગાળમાં મતગણતરી કેન્દ્રોની બહાર ભારે સુરક્ષા-વ્યવસ્થા છે. તસવીરોમાં જુઓ મતગણતરી કેન્દ્રોની બહાર કેવી સ્થિતિ છે?

  13. નવ વાગ્યા સુધીનાં વલણો: કયા રાજ્યમાં કોણ આગળ, કોણ પાછળ?

    સવારે નવ વાગ્યા સુધીમાં તમામ રાજ્યોનાં ચૂંટણી પરિણામોનાં પ્રાથમિક વલણો આવવા લાગ્યાં છે.

    પશ્ચિમ બંગાળ:

    પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસ 107 બેઠકો પર, તથા ભાજપ 118 બેઠકો પર આગળ છે. કૉંગ્રેસ ચાર બેઠકો પર આગળ છે.

    કેરળ:

    કેરળમાં ડાબેરી ગઠબંધન 33 બેઠકો પર તથા કૉંગ્રેસનું યુડીએફ ગઠબંધન 45 બેઠકો પર આગળ છે. એનડીએ 12 બેઠકો પર આગળ છે.

    જ્યારે અન્ય એક બેઠક પર આગળ છે.

    તામિલનાડુ:

    તામિલનાડુમાં સત્તાધારી પક્ષ ડીએમકે 67 બેઠકો પર આગળ છે. એઆઈડીએમકે ગઠબંધન 27 બેઠકો પર આગળ છે.

    વિજયનો પક્ષ ટીવીકે 13 બેઠક પર તથા એનટીકે અને અન્ય 2 બેઠકો પર આગળ છે.

    આસામ:

    આસામમાં નવ વાગ્યા સુધીમાં ભાજપ ગઠબંધન 59 બેઠકો તથા કૉંગ્રેસ ગઠબંધન 18 બેઠકો પર આગળ છે.

    એઆઇયુડીએફ બે બેઠકો પર આગળ છે, જ્યારે અન્ય એક બેઠક પર આગળ છે.

    પુડુચેરી:

    પુડુચેરીમાં એનડીએ ગઠબંધન 19 બેઠકો પર તથા કૉંગ્રેસ ગઠબંધન ત્રણ બેઠકો પર આગળ છે. અન્ય પાંચ બેઠક પર આગળ છે.

  14. ગુજરાત: ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીનું પણ આજે આવશે પરિણામ

    ગુજરાતની ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ મતગણતરી શરૂ થઈ ગઈ છે.

    ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થયું હોવાથી ત્યાં પેટાચૂંટણી થઈ હતી.

    ભાજપે ત્યાં ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી હતી. કૉંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણને ટિકિટ આપી હતી.

    આમ આદમી પાર્ટીએ અહીં ઉમેદવાર ઉતાર્યા ન હતા.

  15. ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં મતગણતરી શરૂ

    આસામ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે.

    ભારતનાં ચૂંટણીપંચની અધિકૃત વેબસાઇટ અનુસાર, મતગણતરી શરૂ થઈ ગઈ છે.

    સુરક્ષાવ્યવસ્થાઓ વચ્ચે હજારો કર્મચારીઓ મતગણતરી કરશે.

    થોડી વારમાં જ પ્રાથમિક વલણો આવવાં લાગશે.

  16. ઍક્ઝિટ પોલમાં કોની સરકાર બનવાનું અનુમાન કરાયું છે?

    મોટા ભાગના ઍક્ઝિટ પોલનાં તારણોમાં પશ્ચિમ બંગાળમાં અલગ-અલગ ચિત્ર છે. તેમાં પીપલ્સ પલ્સના ઍક્ઝિટ પોલ સિવાયના ઍક્ઝિટ પોલ પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર તરફ ઇશારો કરે છે.

    આસામમાં મહત્તમ ઍક્ઝિટ પોલમાં ભાજપ ગઠબંધનને બહુમત પ્રાપ્ત થતો હોવાનું જણાવાઈ રહ્યું છે.

    કેરળમાં મોટા ભાગના ઍક્ઝિટ પોલ યુડીએફની સરકાર બનવાનું અનુમાન કરી રહ્યા છે.

    તામિલનાડુમાં વિધાનસભાની 234 બેઠકો છે અને અહીં બહુમતનો આંકડો 118 છે. ત્યાં મહત્તમ ઍક્ઝિટ પોલ ડીએમકેની સરકાર ફરીથી સત્તામાં આવી રહી છે તે તરફ અનુમાન કરી રહ્યા છે, પરંતુ ઍક્સિસ માય ઇન્ડિયા ઍક્ઝિટ પોલમાં ટીવીકેને 98-120 બેઠકો આપવામાં આવી છે.

    કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં બહુમતનો આંકડો 16 છે.ત્યાં ઍક્ઝિટ પોલ ભાજપ ગઠબંધનને બહુમત આપી રહ્યા છે.

  17. આજે પશ્ચિમ બંગાળ સહિત પાંચ વિધાનસભાનાં પરિણામ આવશે

    ગત મહિને ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આજે જાહેર કરવામાં આવશે.

    આસામ, કેરળ અને પુડુચેરીમાં નવ એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થયું હતું. તામિલનાડુમાં પણ 23 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થયું હતું.

    જ્યારે પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલના રોજ બે તબક્કામાં મતદાન થયું હતું.

    મોટા ભાગના લોકો પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પર નજર રાખી રહ્યાં છે, કારણ કે રાજ્યમાં ઘણા ઍક્ઝિટ પોલમાં શાસક પક્ષ તૃણમૂલ કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે હરીફાઈ રહેશે તેવું અનુમાન કરાયું છે.

    પશ્ચિમ બંગાળ:

    પશ્ચિમ બંગાળ વિધાનસભાની 294 બેઠકોમાંથી 293 બેઠકોનાં પરિણામો સોમવારે જાહેર કરવામાં આવશે, કેમ કે ચૂંટણીપંચે ફાલ્ટા બેઠક પર ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે.

    ફાલ્ટા વિધાનસભા બેઠકનાં 285 મતદાનમથકો પર 21 મેના રોજ મતદાન થશે, જ્યારે તેનાં પરિણામો 24 મેના રોજ જાહેર કરવામાં આવશે.

    પશ્ચિમ બંગાળમાં બહુમતીનો આંકડો 148 બેઠકોનો છે. તૃણમૂલ કૉંગ્રેસ છેલ્લાં 15 વર્ષથી રાજ્યમાં સત્તામાં છે. ભાજપને આશા છે કે તે આ વખતે તૃણમૂલ કૉંગ્રેસને સત્તામાંથી બહાર કરશે.

    આસામ:

    126 બેઠકોવાળી આસામ વિધાનસભામાં વિજયી થવા માટે 64 બેઠકો લાવવી જરૂરી છે.

    મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમા ભાજપ માટે સતત ત્રીજી વખત જીતનો દાવો કરી રહ્યા છે. તે જ સમયે, કૉંગ્રેસનો દાવો છે કે તે રાજ્યમાં સત્તામાં પાછી ફરશે.

    જોકે, આસામમાં મોટા ભાગના ઍક્ઝિટ પોલમાં ભાજપ ગઠબંધન આગળ હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

    કેરળ:

    140 બેઠકોવાળી કેરળ વિધાનસભામાં ડાબેરી સરકાર સતત 10 વર્ષથી સત્તામાં છે.

    અત્યાર સુધી, કેરળ વિધાનસભાની ચૂંટણીઓમાં મોટા ભાગે બે-તરફી સ્પર્ધા જોવા મળી છે. ઍક્ઝિટ પોલમાં પણ શાસક એલડીએફ અને વિપક્ષ યુડીએફ વચ્ચે સ્પર્ધા દર્શાવવામાં આવી છે, જ્યારે મોટા ભાગના ઍક્ઝિટ પોલમાં યુડીએફ આગળ હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

    તામિલનાડુ:

    આ વખતે તામિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ડીએમકે અને એઆઈડીએમકે ગઠબંધન ઉપરાંત ત્રીજા પક્ષે પણ પોતાની મજબૂત હાજરી દર્શાવી છે.

    આ ત્રીજો પક્ષ પ્રખ્યાત તમિલ સિનેમાના અભિનેતા વિજયનો ટીવીકે છે. તામિલનાડુ વિધાનસભાની 234 બેઠકો માટે 23 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થયું હતું.

    અહીં બહુમતી લાવવા 118 બેઠકો લાવવી જરૂરી છે.

    પુડુચેરી:

    પુડુચેરીમાં ભાજપની આગેવાની હેઠળનું એનડીએ ગઠબંધન પહેલેથી જ સત્તામાં છે.

    પુડુચેરી વિધાનસભાની 30 બેઠકો માટે બહુમતીનો આંકડો 16 છે.

    મોટા ભાગના ઍક્ઝિટ પોલમાં ભાજપની આગેવાનીવાળા ગઠબંધનને લીડ મળશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

  18. નમસ્કાર...બીબીસી ગુજરાતીના લાઇવ પેજ પર આપનું સ્વાગત છે..., હું બીબીસી સંવાદદાતા આર્જવ પારેખ આજે દિવસભર આપને ચૂંટણીનાં પરિણામોની મહત્ત્વની અપડેટ્સ આપતો રહીશ.

    પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ અને પુડ્ડુચેરીનાં ચૂંટણીપરિણામો આજે જાહેર થઈ રહ્યાં છે. પાંચ રાજ્યોમાં કોની સરકાર બનશે? કોણ કેટલી બેઠકો પર આગળ?

    ઇન્ફોગ્રાફિક્સ સાથે તમામ મહત્ત્વની અપડેટ્સ આજે બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજ પર તમને મળતી રહેશે. દિવસભર અમારી સાથે જોડાયેલા રહો.