You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ભવાનીપુરથી મમતા બેનરજીની હાર, સુવેન્દુ અધિકારીની 15 હજાર મતોથી જીત

પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ, પુડુચેરી અને આસામનાં ચૂંટણી પરિણામો આજે જાહેર થઈ રહ્યાં છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની સત્તા રહેશે કે જશે તેના પર સૌની નજર છે. બાકી રાજ્યોમાં શું થશે?

સારાંશ

  • પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આસામ, કેરળ અને પુડ્ડુચેરીની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આજે જાહેર થઈ રહ્યાં છે.
  • પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી મુશ્કેલીમાં, ભાજપની મોટી સરસાઈ
  • આસામમાં હિમંતા બિસ્વા સરમાનો દબદબો યથાવત્ , કેરળમાં કૉંગ્રેસનું 'કમબૅક' થવાના એંધાણ
  • તામિલનાડુમાં મોટો ઊલટફેર, વિજયની પાર્ટી સૌથી મોટી પાર્ટી બની

લાઇવ કવરેજ

આર્જવ પારેખ

  1. ભવાનીપુરથી મમતા બેનરજીની હાર, સુવેન્દુ અધિકારીની 15 હજાર મતોથી જીત

    પશ્ચિમ બંગાળના ભવાનીપુરમાં ઊલટફેર થયો છે. પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીને ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ હરાવ્યા છે. ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર, સુવેન્દુ અધિકારીને 79,917 જ્યારે કે મમતા બેનરજીને 58,812 મત મળ્યા હતા.

    ચૂંટણીપંચ પ્રમાણે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપે વિધિવત વિજચ મેળવી લીધો છે. રાત્રે 9-50 વાગ્યા સુધીમાં ભાજપે 294 બેઠકો પૈકી 186 બેઠકો પર વિજય મેળવ્યો છે. બીજી તરફ તૃણમૂલે 64 બેઠકો જીતી છે. જ્યારે કે કૉંગ્રેસે બે બેઠકો જીતી છે.

  2. ‘ભાજપે 100થી વધુ સીટોની લૂંટ ચલાવી, જીત અનૈતિક’, મમતા બેનરજીએ લગાવ્યો આરોપ

    પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસ પર ભાજપની બઢત બાદ મુખ્ય મંત્રી મમતા બેનરજીએ ભાજપ પર ‘વોટલૂંટ’નો આરોપ લગાવ્યો.

    તેમણે પત્રકારોને જણાવ્યું, “ભાજપે 100 કરતાં વધારે બેઠકોની લૂંટ ચલાવી છે. ભાજપે છેતરપિંડી કરી છે. ચૂંટણીપંચ હવે ભાજપપંચ બની ગયું છે. અમે સમયે-સમયે તેની ફરિયાદ કરી છે. પરંતુ અમને સાંભળનારું કોઈ નથી.”

    તેમણે કહ્યું, “ભાજપની જીત અનૈતિક છે. ચૂંટણીપંચે વડા પ્રધાન અને ગૃહમંત્રી સાથે મળીને જે કામ કર્યું છે તે અનૈતિક છે. તેમણે જબરજસ્તી એસઆઈઆર કર્યું, અત્યાચાર કર્યો, કાઉન્ટિંગ એજન્ટોની ધરપકડ કરી, અમે ફરી આવીશું.”

  3. પશ્ચિમ બંગાળમાં ભાજપની વિજયી લીડ પર અમિત શાહે શું કહ્યું?

    વલણોમાં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળતી દેખાઈ રહી છે. તેણે તૃણમૂલ કૉંગ્રેસ પર મોટી લીડ મેળવી છે.

    પશ્ચિમ બંગાળમાં મળેલી આ લીડ પર ભાજપ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “પશ્ચિમ બંગાળમાં ભાજપને મળેલી આ ઐતિહાસિક જીત અમારા અસંખ્ય કાર્યકર્તાઓના ત્યાગ, સંઘર્ષ અને બલિદાનને કારણે છે. આ એ પરિવારોની ધીરજની જીત છે જેમણે હિંસા સહન કરીને પણ ભગવો ધ્યજ ન છોડ્યો.”

    તેમણે લખ્યું, “ભાજપની શૂન્યથી આજે પ્રચંડ બહુમત સુધી પહોંચવાની કઠિન યાત્રામાં જે કાર્યકર્તાઓએ પોતાના પ્રાણની આહૂતિ આપી છે, હિંસા સહન કરી છે, યાતના ભોગવી છે અને છતાં પોતાની વિચારધારા છોડી નથી, તે તમામ કાર્યકર્તાઓને અને તેમના પરિજનોને હું નમન કરું છું. બંગાળની જનતાએ આ પ્રચંડ બહુમતથી ભાજપના એ તમામ શહીદ કાર્યકર્તાઓને શ્રદ્ધાંજલિ આપી છે.”

  4. પશ્ચિમ બંગાળ, આસામમાં જીત પછી મોદીએ કહ્યું, "હું ચૂંટણીપંચનો પણ આભાર માનું છું..."

    પશ્ચિમ બંગાળ, આસામની ચૂંટણીમાં ભાજપની 'મોટી જીત' પછી વડા પ્રધાન મોદીએ દિલ્હીમાં ભાજપ કાર્યાલયથી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.

    તેમણે કહ્યું હતું કે, "આજનો દિવસ ઐતિહાસિક અને અભૂતપૂર્વ છે. જ્યારે વર્ષોની સાધના સિદ્ધિમાં બદલાય છે ત્યારે ચહેરા પર જે ખુશી દેખાય છે એ ખુશી દેશભરના ભાજપના કાર્યકર્તાઓના ચહેરા પર દેખાઈ રહી છે."

    "આ ભારતની મહાન લોકશાહી પર ભરોસાનો દિવસ છે. આ સ્થિરતાના સંકલ્પમાં ભરોસાની વાત છે. હું બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ અને પુડુચેરીની જનતાનો અને ભાજપના કાર્યકર્તાઓનો હ્રદયથી ધન્યવાદ કરું છું."

    આ સિવાય તેમણે કહ્યું હતું કે, "પાંચ પ્રદેશોની જનતાએ સમગ્ર વિશ્વને દેખાડ્યું છે કે ભારત 'મધર ઑફ ડેમોક્રેસી' કેમ છે. આજે માત્ર ભારતનું લોકતંત્ર જ જીત્યું નથી, બંધારણ પણ જીત્યું છે. બંધારણીય સંસ્થાઓ પણ જીતી છે. પશ્ચિમ બંગાળમાં 93 ટકા મતદાન થવું એ જ સૌથી ઐતિહાસિક વાત હતી. આ જીતમાં મહિલાઓની ભાગીદારી પણ ઘણી વધારે રહી છે."

    આ ભાષણમાં પીએમ મોદીએ ચૂંટણીપંચ અને ચૂંટણી કર્મચારીઓ તથા સુરક્ષા કર્મચારીઓનો પણ આભાર માનતા કહ્યું હતું કે તેમણે લોકશાહીને બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેમની કામગીરીને વર્ષો સુધી યાદ રખાશે.

    વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, "હવે ગંગોત્રીથી લઈને ગંગાસાગર સુધી બધે કમળ જ કમળ ખીલ્યું છે. મા ગંગા પછી બ્રહ્મપુત્રા અને મા કામાખ્યાનો પણ આપણા પર આશીર્વાદ રહ્યો છે."

  5. આજનું કાર્ટૂન...

    પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પરિણામ 2026

  6. "એવો સબક શીખવાડ્યો..." પશ્ચિમ બંગાળમાં ભાજપને મળેલી સફળતા પછી મોદી અને અમિત શાહે શું કહ્યું?

    પશ્ચિમ બંગાળમાં આવેલાં ચૂંટણી પરિણામો પછી વડા પ્રધાન મોદી અને અમિત શાહે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આ અંગે લખ્યું હતું.

    વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, “પશ્ચિમ બંગાળમાં ભાજપની રેકૉર્ડ જીત એ અગણિત કાર્યકર્તાઓએ પેઢીઓથી કરેલા સંધર્ષ અને પ્રયત્નોનું પરિણામ છે. હું તેમને સલામ કરું છું. વર્ષો સુધી તેમણે જમીન પર મહેનત કરી, તમામ પ્રકારના અવરોધો સામે અમારા વિકાસના ઍજન્ડાને જાળવી રાખ્યો. તેઓ પક્ષની ખરી તાકાત છે.”

    અમિત શાહે કહ્યું હતું કે, “બંગાળના લોકોએ ઘૂસણખોરો અને તેમના હિતેચ્છુઓને એવો સબક શીખવાડ્યો છે કે જેને તુષ્ટિકરણનું રાજકારણ કરનારી પાર્ટીઓ તેને ક્યારેય ભૂલી નહીં શકે. બંગાળે જે આશા અને આકાંક્ષાઓ સાથે મોદીજીના નેતૃત્વ પર જે વિશ્વાસ દર્શાવ્યો છે તેને અમે ચોક્કસ પૂર્ણ કરીશું.”

    તેમણે એમ પણ કહ્યું હતું કે, “ચૈતન્ય મહાપ્રભુ, સ્વામી વિવેકાનંદ, કવિગુરૂ ટાગોર, નેતાજી સુભાષચંદ્ર બોઝ અને ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી જેવા મહાપુરુષોની પાવન ભૂમિ બંગાળનું ખોવાયેલું ગૌરવ પાછું મેળવવા અને ‘સોનાર બાંગ્લા’નું સ્વપ્ન સાકાર કરવા માટે ભાજપ દિવસ-રાત એક કરી દેશે.”

  7. તામિલનાડુના મુખ્ય મંત્રી એમ.કે. સ્ટાલિનની હાર, અભિનેતા વિજયનું શું થયું?

    તામિલનાડુના મુખ્ય મંત્રી એમ.કે. સ્ટાલિનની હાર થઈ ગઈ છે.

    તામિલનાડુનાં આજે આવેલાં ચૂંટણી પરિણામોમાં સૌને ચોંકાવનારી પાર્ટી ટીવીકેના ઉમેદવાર વી.એસ.બાબુએ તેમને હરાવી દીધા છે.

    ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર, કોલાથુર બેઠક પરથી એમ.કે.સ્ટાલિનને કુલ 74202 મત મળ્યા હતા તથા વી.એસ.બાબુને 82997 મત મળ્યા હતા. આમ, સ્ટાલિનની 8795 મતે હાર થઈ છે.

    એમ.કે. સ્ટાલિન 2021માં મુખ્ય મંત્રી બન્યા હતા. તેમની પાર્ટી ડીએમકે પણ સત્તા ગુમાવી રહી છે.

    ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર, વિજયની ટીવીકે પાર્ટી 109 બેઠક પર આગળ છે, જ્યારે ડીએમકે માત્ર 60 બેઠકો પર જ આગળ છે.

    ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર, એમ.કે.સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનની 7140 મતે આગળ છે. ચેપોક-તિરુવલ્લિકેની બેઠક પર તમામ 17 રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. બીજા નંબરે ટીવીકેના ઉમેદવાર છે.

    ટીવીકેના અભિનેતા વિજયની બેઠક તિરૂચિરાપલ્લી ઇસ્ટ પર 16 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને વિજય 20808 મતે આગળ છે. હજુ છ રાઉન્ડની મતગણતરી બાકી છે.

  8. કેરળમાં કૉંગ્રેસની જીત અંગે પ્રિયંકા ગાંધીએ શું કહ્યું?

    કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કેરળ વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ નેતૃત્વ હેઠળના યુડીએફ ગઠબંધનને મળેલી ભારે લીડ બદલ રાજ્યના મતદારોનો આભાર માન્યો છે.

    તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ X પર લખ્યું કે, "કેરળનાં મારાં બધાં ભાઈઓ અને બહેનો, તમારા વિશ્વાસ અને અપાર સમર્થન બદલ આભાર. તમે અમારામાં જે વિશ્વાસ મૂક્યો છે તે યુડીએફ માટે માર્ગદર્શક બળ બનશે કારણ કે અમે તમારા બધા માટે વધુ સારું ભવિષ્ય બનાવવા માટે સખત મહેનત કરીએ છીએ."

    તેમણે લખ્યું, "હું વાયનાડમાં મારા પરિવારના લોકોને કહેવા માગું છું કે તમે ફરી એકવાર યુડીએફ પર પ્રચંડ જનાદેશ સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સાતમાંથી સાત બેઠકો જિતાડી છે. હવે તમારી પાસે આઠ પ્રતિનિધિઓ છે જે વાયનાડના વિકાસ માટે સાથે મળીને કામ કરશે. અમે તમારી અપેક્ષાઓ પર ખરા ઊતરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું."

    અહીં ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ નેતૃત્વ હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ)ને કેરળમાં પ્રચંડ વિજય મળતો દેખાઈ રહ્યો છે. કેરળમાં 140 વિધાનસભા બેઠકો છે, જેમાં તેના ઉમેદવારો 102 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે.

    હાલમાં દેશની એકમાત્ર ડાબેરી ગઠબંધનની સરકાર હવે સત્તા પરથી જશે એવું પ્રતીત થઈ રહ્યું છે.

  9. પાંચ રાજ્યોની સાત બેઠકો પર પેટાચૂંટણી, ક્યાં કોણ જીત્યું?

    ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, નાગાલૅન્ડ અને ત્રિપુરાની કુલ સાત વિધાનસભા બેઠકો પર થયેલી પેટાચૂંટણીનાં પણ આજે પરિણામો જાહેર થયાં છે.

    ઉમરેઠ, ગુજરાત : ભાજપના હર્ષદ પરમારની 30743 મતે જીત

    બાગલકોટ, કર્ણાટક : કૉંગ્રેસના ઉમેશ મેતીની 22332 મતે જીત

    દાવાનગેરે દક્ષિણ, કર્ણાટક : કૉંગ્રેસના સમર્થ મલ્લિકાર્જુનની 5708 મતે જીત

    બારામતી, મહારાષ્ટ્ર: એનસીપી (અજિત પવાર)ના સુનેત્રા પવાર 2.09 લાખ મતે આગળ, એક રાઉન્ડની ગણતરી બાકી, જીત નિશ્ચિત

    રાહુરી, મહારાષ્ટ્ર: ભાજપના અક્ષય કરદિલેની 112587 મતે જીત

    કૉરિડાંગ, નાગાલૅન્ડ: ભાજપના દાઓચીઅર ઇમચેનની 3123 મતે જીત

    ધર્મનગર, ત્રિપુરા: ભાજપના ઝહર ચક્રવર્તીની 18290 મતે જીત

  10. પશ્ચિમ બંગાળમાં ભાજપ 'જીત' તરફ, કોલકાતામાં રહેતા ગુજરાતીઓ શું બોલ્યા?

    સાંજે પાંચ વાગ્યા સુધીમાં તમામ રાજ્યોમાં હવે મોટે ભાગે સ્થિતિ સ્પષ્ટ થવા લાગી છે કે કોની સરકાર બનવા જઈ રહી છે.

    પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસ 87 બેઠકો પર, તથા ભાજપ 200 બેઠકો પર આગળ છે. ડાબેરી પક્ષો ત્રણ બેઠકો પર આગળ છે. કૉંગ્રેસ શૂન્ય બેઠકો પર આગળ છે. ભાજપની સરસાઈ સતત વધી રહી છે અને સ્થિતિ મજબૂત થઈ રહી છે.

    બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાએ કોલકાતામાં રહેતા ગુજરાતીઓ સાથે વાત કરી હતી.

  11. મમતા બેનરજીના ઘરની બહાર લાગ્યા 'જય શ્રી રામ'ના નારા, ચૂંટણીપંચે સુરક્ષા વધારી

    કોલકાતાના કાલીઘાટ વિસ્તારમાં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીના નિવાસસ્થાનની આસપાસ સુરક્ષા કડક કરવામાં આવી હતી.

    સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, રાજ્યના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ચૂંટણીપંચના નિર્દેશો પછી આ પગલું લેવામાં આવ્યું છે.

    પીટીઆઈ અનુસાર, કેટલાક લોકો મમતા બેનરજીના ઘર પાસે પહોંચ્યા અને ‘જય શ્રી રામ’ ના નારા લગાવ્યા. આ પછી ચૂંટણીપંચે આ સૂચનાઓ આપી.

    ચૂંટણીપંચના નિર્દેશ બાદ રાજ્યના સચિવાલય 'નબન્ના' ની આસપાસ પણ સુરક્ષા-વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી.

    ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર, સાંજે સાડા ચાર સુધીમાં પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ભાજપ 199 બેઠકો પર આગળ હતું, જ્યારે ટીએમસી 88 બેઠકો પર આગળ હતી.

  12. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે બંગાળમાં ભાજપના પ્રદર્શન વિશે શું કહ્યું?

    પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રદર્શન વિશે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપી છે.

    તેમણે કહ્યું હતું કે, "આ પ્રચંડ વિજય એ વડા પ્રધાન મોદીના કુશળ નેતૃત્વમાં ભાજપની વિકાસોન્મુખ રાજનીતિની જીત છે. પશ્ચિમ બંગાળની જાગૃત જનતાએ ભય અને ભ્રષ્ટાચારના રાજકારણને સ્પષ્ટપણે નકારીને વિકાસ અને જનકલ્યાણના માર્ગને પ્રબળ સમર્થન આપ્યું છે."

    આ સાથે જ ભાજપના કાર્યકર્તાઓએ નીડરતા અને સમર્પણ સાથે દરેક લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો તેને પણ તેમણે બિરદાવ્યો હતો.

    અહીં ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતની ગુજરાતમાં પણ અનેક જગ્યાએ ભાજપના કાર્યકર્તાઓ ઉજવણી કરી રહ્યા છે.

  13. મમતા બેનરજીના ઘરની બહાર કેવો માહોલ છે? લોકો શું બોલ્યા?

    પશ્ચિમ બંગાળમાં ભાજપે તૃણમૂલ કૉંગ્રેસ પર મોટી સરસાઈ હાંસલ કરી લીધી છે. મમતા બેનરજીનો પક્ષ તૃણમૂલ કૉંગ્રેસ સતત પછડાટ ખાઈ રહ્યો છે.

    તૃણમૂલ કૉંગ્રેસ 94 બેઠકો પર આગળ છે જ્યારે ભાજપ 193 બેઠકો પર આગળ છે. બે બેઠકોનાં અંતિમ પરિણામો જાહેર થઈ ગયાં છે. બંને પક્ષોને ફાળે એક-એક બેઠક ગઈ છે.

    મમતા બેનરજીના ઘરની બહાર કેવો માહોલ છે? બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાએ લોકો સાથે વાતચીત કરી હતી.

    વીડિયો જોવા માટે નીચે ક્લિક કરો.

  14. તામિલનાડુ: પરિણામો વિશે હાર તરફ જઈ રહેલા પક્ષ ‘ડીએમકે’એ શું કહ્યું?

    તામિલનાડુ વિધાનસભા ચૂંટણી પરિણામોના વલણોમાં સત્તાધારી પક્ષ ડીએમકેનું નબળું પ્રદર્શન દેખાઈ રહ્યું છે.

    આ પ્રદર્શન અંગે ડીએમકેના સંગઠન સચિવ આરએસ ભારતીએ બીબીસી તામિલને જણાવ્યું હતું કે પાર્ટીએ રાજ્યમાં સંપૂર્ણ જવાબદારી સાથે પોતાની ફરજ બજાવી છે.

    તેમણે કહ્યું, "મને લાગે છે કે ત્રિશંકુ વિધાનસભા થશે. હું આ પરિણામને એક શાંત ક્રાંતિ તરીકે જોઉં છું."

    ડીએમકે અને એમ.કે. સ્ટાલિન દ્વારા આક્રમક ચૂંટણી પ્રચાર છતાં આવું પરિણામ મળતાં તેમણે બીબીસીને કહ્યું, "ડીએમકેએ પોતાની જવાબદારી નિભાવી છે. લોકો તેમનું કર્તવ્ય અદા કરવામાં નિષ્ફળ ગયા. અમારે આ પરિણામ પાછળનાં કારણોનું વિશ્લેષણ કરવું પડશે."

    ડેટાનેટ અનુસાર, બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ડીએમકે ગઠબંધન 65 બેઠકો પર આગળ છે. જ્યારે વિજયનો પક્ષ ટીવીકે 108 બેઠકો પર આગળ છે. એઆઈડીએમકે ગઠબંધન પણ 61 બેઠકો પર આગળ છે.

  15. આસામ કૉંગ્રેસના મોટા નેતા ગૌરવ ગોગોઈની હાર

    આસામની જોરહાટ બેઠક પરથી કૉંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈની હાર થઈ છે.

    ભાજપના હિતેન્દ્રનાથ ગોસ્વામીએ તેમને 23182 મતે હરાવી દીધા છે. ગૌરવ ગોગોઈ કૉંગ્રેસના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર મનાતા હતા.

    અહીં ઉલ્લેખનીય છે કે ગૌરવ ગોગોઈ જોરહાટ લોકસભા બેઠક પરથી 2024માં સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને તેમને 1.44 લાખ મતે જીત મળી હતી.

    પરંતુ હવે આ જ લોકસભા બેઠક હેઠળ આવતી જોરહાટ વિધાનસભા બેઠકથી તેમની હાર થઈ ગઈ છે.

  16. 'થલપતિ' વિજય કોણ છે જેમણે પહેલી જ વારમાં આટલી મોટી જીત મેળવી?

    દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર જૉસેફ વિજયે તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં સૌને ચોંકાવી દીધા છે. શરૂઆતી પરિણામોમાં વિજયની પાર્ટી સૌથી આગળ ચાલી રહી છે.

    અત્યાર સુધીમાં તેમની પાર્ટી 111 બેઠકો પરથી આગળ ચાલી રહી છે અને બહુમતીથી સાત બેઠક દૂર છે.

    એમજીઆર તરીકે પ્રસિદ્ધ એમજી રામચંદ્રન તથા જયલલિતાની સફળ કારકિર્દીથી લઈને રજનીકાંત, કમલ હાસન, ખૂશ્બુ અને વિજયકાંતના મિશ્ર પ્રયોગો સુધી તામિલનાડુ વારંવાર લોકપ્રિય ફિલ્મ સ્ટાર્સને ફુલ-ટાઇમ રાજકારણી બનતાં જોતું આવ્યું છે. તેમાં એમજીઆર અને જયલલિતા તો મુખ્ય મંત્રી પણ બની ચૂક્યાં છે.

    હવે "થલપતિ વિજય" (સેનાપતિ વિજય)ના હુલામણા નામે જાણીતા તામિલ સુપરસ્ટાર સી. જૉસેફ વિજયનું નામ પણ આ યાદીમાં સામેલ થઈ ગયું છે.

  17. બપોરે બે વાગ્યાની સ્થિતિ: કોણ કેટલી બેઠકો પર આગળ?

    બપોરે બે વાગ્યા સુધીમાં તમામ રાજ્યોમાં હવે મોટે ભાગે સ્થિતિ સ્પષ્ટ થવા લાગી છે કે કોની સરકાર બનવા જઈ રહી છે.

    પશ્ચિમ બંગાળ:

    પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસ 94 બેઠકો પર, તથા ભાજપ 194 બેઠકો પર આગળ છે. ડાબેરી પક્ષો ત્રણ બેઠકો પર આગળ છે. કૉંગ્રેસ શૂન્ય બેઠકો પર આગળ છે.

    ભાજપની સરસાઈ સતત વધી રહી છે અને સ્થિતિ મજબૂત થઈ રહી છે.

    કેરળ:

    કેરળમાં ડાબેરી ગઠબંધન 39 બેઠકો પર તથા કૉંગ્રેસનું યુડીએફ ગઠબંધન 99 બેઠકો પર આગળ છે. એનડીએ બે બેઠકો પર આગળ છે.

    તામિલનાડુ:

    તામિલનાડુમાં સત્તાધારી પક્ષ ડીએમકે 60 બેઠકો પર આગળ છે. એઆઈએડીએમકે ગઠબંધન 64 બેઠકો પર આગળ છે.

    વિજયનો પક્ષ ટીવીકે સૌથી મોટો પક્ષ બની ગયો છે. તે 110 બેઠકો પર આગળ છે.

    આસામ:

    આસામમાં નવ વાગ્યા સુધીમાં ભાજપ ગઠબંધન 97 બેઠકો તથા કૉંગ્રેસ ગઠબંધન 27 બેઠકો પર આગળ છે.

    એઆઇયુડીએફ બે બેઠક પર આગળ છે.

    પુડુચેરી:

    પુડુચેરીમાં એનડીએ ગઠબંધન 16 બેઠકો પર તથા કૉંગ્રેસ ગઠબંધન 11 બેઠકો પર આગળ છે. અન્ય ત્રણ બેઠકો પર આગળ છે.

  18. ગુજરાત: ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય

    ગુજરાતની આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના હર્ષદ પરમારનો 30743 મતોથી વિજય થયો છે.

    ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થયું હોવાથી ત્યાં પેટાચૂંટણી થઈ હતી.

    ભાજપે ત્યાં ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી હતી. કૉંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણને ટિકિટ આપી હતી.

    ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર, તમામ રાઉન્ડના અંતે હર્ષદ પરમારને 85500 મત મળ્યા છે. કૉંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણને 54757 મત મળ્યા હતા.

    કૉંગ્રેસના ઉમેદવારે હાર માટે ઇવીએમને જવાબદાર ઠેરવ્યું હતું. જોકે, ચૂંટણીપંચે આ લખાય છે ત્યાં સુધી આ મુદ્દે કોઈ જવાબ આપ્યો નથી. જ્યારે ભાજપના હર્ષદ પરમાર વિજય બાદ ભાવુક થયા હતા. આ જીત તેમણે દિવંગત પિતા ગોવિંદ પરમારને સમર્પિત કરી હોવાનું જણાવ્યું હતું.

  19. પાંચેય રાજ્યોના મુખ્ય મંત્રીની શું સ્થિતિ છે? સ્ટાલિન સતત પાછળ...

    પશ્ચિમ બંગાળ:

    રાજ્યનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે. આઠ રાઉન્ડની મતગણતરી પછી મમતા બેનરજી 15494 મતે આગળ છે. તેમની સામે ભાજપના સુવેન્દુ અધિકારી ચૂંટણી લડી રહ્યા છે.

    તામિલનાડુ:

    રાજ્યના મુખ્ય મંત્રી અને ડીએમકેના સર્વેસર્વા એમ.કે.સ્ટાલિન કોલાથુરથી સતત પાછળ ચાલી રહ્યા છે.

    10 રાઉન્ડની મતગણતરી પછી અહીંથી ટીવીકેના વી.એસ.બાબુ 7975 મતથી આગળ ચાલી રહ્યા છે.

    કેરળ:

    રાજ્યના મુખ્ય મંત્રી પી. વિજયન ધર્માદમ બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે.

    10 રાઉન્ડની મતગણતરી પછી પી. વિજયન 2792 મતે આગળ ચાલી રહ્યા છે. તેમની સામે કૉંગ્રેસના વી.પી. અબ્દુલ રશીદ ચૂંટણી લડી રહ્યા છે.

    આસામ:

    જાલુકબારી બેઠક પરથી મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમા 36694 મતોથી આગળ ચાલી રહ્યા છે.

    આઠ રાઉન્ડની ગણતરી પછી તેમની જીત લગભગ નિશ્ચિત મનાઈ રહી છે.

    પુડુચેરી:

    પુડુચેરીના મુખ્ય મંત્રી એન. રંગાસામીએ તો થટ્ટનચવડી બેઠક પરથી જીત મેળવી લીધી છે.

    ઑલ ઇન્ડિયા એન.આર. કૉંગ્રેસના તરફથી તેઓ લડી રહ્યા હતા અને તેમણે એનએમકે પાર્ટીના ઉમેદવારને હરાવી દીધા છે.

  20. “અમે જીતીશું...” મતગણતરી વચ્ચે મમતા બેનરજીએ ચૂંટણીપંચ પર શું આરોપ લગાવ્યો?

    મતગણતરી વચ્ચે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ તેમના ફેસબુક પર એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે.

    તેમણે કહ્યું છે કે, "ચૂંટણીપંચ તેની મનમાની કરી રહ્યું છે. 70-100 બેઠકોની જાણકારી આપી રહ્યું નથી."

    મમતા બેનરજીએ આરોપ લગાવ્યો હતો કે, "ભાજપનો આ પ્લાન છે. કેટલીક જગ્યાએ 2-3 રાઉન્ડની ગણતરી બાદ લગભગ 100 જગ્યાએ ગણતરી બંધ કરી દેવામાં આવી છે."

    તેઓ કહે છે, "અમારી ઑફિસો તોડવામાં આવી રહી છે, તેની પર કબજો કરવામાં આવી રહ્યો છે. તમે જોયું કે કઈ રીતે એસઆઈઆર દ્વારા મતોની ચોરી કરવામાં આવી છે જેથી બેઠકો જીતી શકાય. હજુ પણ 70-100 બેઠકો એવી છે જ્યાં અમે આગળ છીએ પરંતુ કહેવામાં આવી રહ્યું નથી."

    "હું પાર્ટીના કાર્યકર્તાઓને કહેવા માગું છું કે દુઃખી થવાની જરૂર નથી. 3-4 રાઉન્ડ થયા છે અને 14-18 રાઉન્ડ બાદ આપણે જીતીશું. રાહ જુઓ. અમે બધા તમારી સાથે છીએ. આપણે બધા વાઘની જેમ લડીશું. "

    અહીં ઉલ્લેખનીય છે કે એક વાગ્યા સુધીમાં તૃણમૂલ કૉંગ્રેસ પક્ષ માત્ર 98 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે, જ્યારે ભાજપ 191 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે.