જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવી ગયાં, નૅશનલ કોન્ફરન્સ-કૉંગ્રેસના ગઠબંધનને બહુમતી

જમ્મુ-કાશ્મીરમાં લગભગ 10 વર્ષ પછી વિધાનસભા ચૂંટણી યોજાઈ. સુરક્ષાનાં કારણસર ત્રણ તબક્કામાં 90 બેઠક ઉપર મતદાન યોજાયું હતું. હરિયાણામાં ગત બે ટર્મથી ભાજપ સત્તા ઉપર છે. અહીં ભાજપ, કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, ઇન્ડિયન નૅશનલ લોકદળ તથા જનનાયક જનતા પાર્ટીની વચ્ચે મુખ્ય બહુપાંખિયો જંગ છે.

સારાંશ

  • લોકસભા ચૂંટણી 2024 પછી આ પહેલી મોટી ચૂંટણી છે
  • શરૂઆતની મતગણતરીમાં હરિયાણામાં કૉંગ્રેસ આગળ હતી, પછી ભાજપે સરસાઈ મેળવી હતી
  • જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ સૌથી મોટો પક્ષ બન્યો છે
  • બહુચર્ચિત ઉમેદવાર કુસ્તીબાજ વીનેશ ફોગાટની જીત થઈ છે
  • હરિયાણાના પૂર્વ ઉપ મુખ્ય મંત્રી દુષ્યંત ચૌટાલાની પાર્ટીએ ખરાબ પ્રદર્શન કર્યું છે

લાઇવ કવરેજ

આર્જવ પારેખ

  1. તસવીરોમાં જુઓ: હરિયાણામાં મતગણતરી દરમિયાન કેવો છે માહોલ?

    હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. મતગણતરીકેન્દ્રો પરની તસવીરો...

    હરિયાણા, જમ્મુ-કાશ્મીર, મતગણતરી

    ઇમેજ સ્રોત, MAYANK MOGIA/BBC

    ઇમેજ કૅપ્શન, હરિયાણામાં મતગણતરી
    હરિયાણા, જમ્મુ-કાશ્મીર, મતગણતરી

    ઇમેજ સ્રોત, MAYANK MOGIA/BBC

    હરિયાણા, જમ્મુ-કાશ્મીર, મતગણતરી

    ઇમેજ સ્રોત, MAYANK MOGIA/BBC

    ઇમેજ કૅપ્શન, હરિયાણામાં મતગણતરી કરી રહેલાં મતદાનકર્મીઓ
  2. 9 વાગ્યા સુધીનાં વલણો: શરૂઆતની મતગણતરીમાં હરિયાણામાં કૉંગ્રેસ આગળ

    હરિયાણા, જમ્મુ-કાશ્મીર ચૂંટણીપરિણામો

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, હરિયાણાના મુખ્ય મંત્રી નાયબસિંહ સૈની

    હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે.

    નવ વાગ્યા સુધીમાં થયેલી મતગણતરી પ્રમાણે હરિયાણામાં કૉંગ્રેસ 60 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 25 અને અન્ય પક્ષો પાંચ બેઠકો પર આગળ છે.

    પ્રારંભિક વલણો પ્રમાણે મુખ્ય મંત્રી નાયબસિંહ સૈની લાડવા બેઠકથી જ્યારે વીનેશ ફોગાટ જુલાના બેઠકથી આગળ ચાલી રહ્યાં છે.

    જમ્મુ-કાશ્મીરમાં કૉંગ્રેસ અને નેશનલ કૉન્ફરન્સ ગઠબંધનને 43 બેઠકો પર સરસાઈ મળી છે. જ્યારે ભાજપ 23 બેઠકો પર આગળ છે.

    મહેબૂબા મુફ્તીનો પક્ષ પીડીપી 4 બેઠકો પર જ્યારે અન્ય પક્ષો 5 બેઠકો પર આગળ છે.

  3. જમ્મુ-કાશ્મીર અને હરિયાણા ચૂંટણી માટે મતગણતરી શરૂ

    હરિયાણા અને જમ્મુ-કાશ્મીર ચૂંટણી પરિણામો

    ઇમેજ સ્રોત, ABHINAV GOYAL/BBC

    ઇમેજ કૅપ્શન, હરિયાણામાં કૉંગ્રેસ નેતા ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના ઘરની બહારનો માહોલ

    હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પરિણામો માટે મતગણતરી શરૂ થઈ ચૂકી છે.

    વિધાનસભા ચૂંટણી હેઠળ જમ્મુ-કાશ્મીરની કુલ 90 બેઠકો પર ત્રણ ચરણોમાં મતદાન થયું હતું. હરિયાણાની તમામ 90 બેઠકો પર 5 ઑક્ટોબરે મતદાન થયું હતું.

    ત્યારબાદ અનેક એજન્સીઓએ પોતાના ઍક્ઝિટ પોલ જાહેર કર્યા હતા.

    આ ઍક્ઝિટ પોલમાં હરિયાણામાં કૉંગ્રેસની સરકાર બનશે તેવું અનુમાન કરવામાં આવ્યું હતું. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં કૉંગ્રેસ અને નેશનલ કૉન્ફરન્સને બહુમતી મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

  4. જમ્મુ-કાશ્મીર ચૂંટણી: કલમ 370 હઠ્યા બાદ પહેલી ચૂંટણી, પરિણામો પર સૌની નજર

    જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી

    ઇમેજ સ્રોત, Getty Images

    જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ રહી છે, હાલમાં ત્યાં ઉપરાજ્યપાલનું શાસન હતું.

    કલમ 370 હઠાવ્યા બાદ ભાજપે જમ્મુ-કાશ્મીરમાં વિકાસના દાવાઓ કર્યા છે. વડા પ્રધાન મોદી અને અમિત શાહ સહિત ભાજપના મોટા નેતાઓએ ત્યાં ચૂંટણીપ્રચારમાં જમ્મુ-કાશ્મીરમાં વિકાસ અને શાંતિનો દાવો કરી લોકોને મત કરવા અપીલ કરી હતી.

    બીજી તરફ કૉંગ્રેસે જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કૉન્ફરન્સ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી છે.

    આ સિવાય પીડીપી, એન્જિનિયર રાશિદની અવામી ઇત્તેહાદ પાર્ટી તથા અન્ય સ્થાનિક પક્ષો પણ ચૂંટણી લડી રહ્યા છે.

    નેશનલ કોન્ફરન્સ અને પીડીપીનો ગઢ કાશ્મીરનો વિસ્તાર છે. ત્યાં બંને પાર્ટીઓ મજબૂત છે.

  5. હરિયાણા ચૂંટણી: ભાજપને હૅટ્રિકની આશા, કૉંગ્રેસને 10 વર્ષ બાદ સત્તામાં પુનરાગમનની તક

    હરિયાણા વિધાનસભા ચૂંટણી, જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી, ચૂંટણી પરિણામ

    ઇમેજ સ્રોત, Getty Images

    હરિયાણા વિધાનસભા ચૂંટણી બાદ આજે મતગણતરીનો દિવસ છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ છે.

    હરિયાણામાં ભાજપને એવો ભરોસો છે કે તે ત્રીજી વખત સત્તા મેળવવામાં સફળ થશે. મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ કહ્યું છે કે રાજ્યમાં ત્રીજી વખત કમળ ખીલશે.

    જ્યારે કૉંગ્રેસ દસ વર્ષ બાદ પુનરાગમન કરવાની આશા રાખી રહી છે. લોકસભા ચૂંટણી બાદ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ પહેલી મોટી સીધી સ્પર્ધા છે.

    આ ચૂંટણીમાં મુખ્ય પક્ષો ભાજપ, કૉંગ્રેસ, ઇન્ડિયન નેશનલ લોકદળ, બહુજન સમાજ પાર્ટી, આમ આદમી પાર્ટી અને જનનાયક જનતા પાર્ટી વચ્ચે મુકાબલો હતો.

    રાજ્યમાં ચૂંટણીના થોડા મહિનાઓ પહેલાં જ ભાજપે મનોહરલાલ ખટ્ટરને હઠાવીને નાયબસિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવ્યા હતા.

  6. નમસ્કાર, બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજ પર તમારું સ્વાગત છે. હું બીબીસી સંવાદદાતા આર્જવ પારેખ વિધાનસભાની ચૂંટણીના પરિણામોના મુખ્ય સમાચારો લઈને હાજર છું.

    જમ્મુ-કાશ્મીર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીના મહત્ત્વના સમાચારો અને અપડેટ્સ તમને અહીં મળી રહેશે.

    આજે હરિયાણાની 90 બેઠકો અને જમ્મુ-કાશ્મીરની 90 બેઠકોના ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા છે.