પાકિસ્તાનના વડા પ્રધાને પ્રતિક્રિયા આપી
ભારતના હુમલા મામલે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફની પ્રતિક્રિયા આવી છે. તેમણે ભારતના મિસાઇલ હુમલા વિશે નિવેદન આપતાં કહ્યું કે પાકિસ્તાનને વળતી કાર્યવાહી કરવાનો પૂરો હક છે.
શહબાઝ શરીફે સોશિયલ મીડિયા સાઇટ ઍક્સ પર લખ્યું, "દુશ્મને પાકિસ્તાનનાં પાંચ સ્થળો પર કાયરતાપૂર્ણ હુમલા કર્યા છે."
તેમણે ભારતના આ હુમલાને "ઍક્ટ ઑફ વૉર" ગણાવ્યો છે.
શહબાઝ શરીફે પોતાની પોસ્ટમાં વધુમાં લખ્યું છે, "પાકિસ્તાનને ભારતના આ ઍક્ટ ઑફ વૉરનો જડબાતોડ જવાબ આપવાનો પૂરો અધિકાર છે અને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. "
તેમણે જણાવ્યું કે પાકિસ્તાનની તમામ જનતા પાકિસ્તાની સેના સાથે ઊભી છે અને દેશનું મનોબળ મજબૂત છે.
પાકિસ્તાનના વડા પ્રધાને કહ્યું, "પાકિસ્તાન અને પાકિસ્તાની સેના સારી રીતે જાણે છે કે દુશ્મનોને કેવી રીતે પહોંચી વળવું. અમે દુશ્મનને ક્યારેય એના નાપાક ઈરાદામાં સફળ નહીં થવા દઈએ."