LIVE : ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં મિસાઇલથી હુમલો કર્યો

ભારત સરકારે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, ભારતીય સેનાએ 'ઑપરેશન સિંદૂર' શરૂ કર્યું છે. ભારત સરકારે પોતાના નિવેદનમાં કહ્યું છે, "આ ઑપરેશનમાં પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકી માળખાંને નિશાન બનાવાયાં છે, જ્યાંથી ભારત પર આતંકી હુમલાની યોજના બનાવાઈ હતી અને તેને પાર પાડવામાં આવ્યો હતો."

સારાંશ

  • ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં મિસાઇલથી હુમલો કર્યો
  • ભારતીય સેનાએ 'ઑપરેશન સિંદૂર' શરૂ કર્યું છે
  • પાકિસ્તાનના રક્ષામંત્રીએ કહ્યું કે ભારતે જે સ્થળોને નિશાન બનાવ્યાં તે રહેણાક વિસ્તારો છે
  • પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાનને વળતી કાર્યવાહી કરવાનો પૂરો હક છે

લાઇવ કવરેજ

  1. પાકિસ્તાનના વડા પ્રધાને પ્રતિક્રિયા આપી

    પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ

    ભારતના હુમલા મામલે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફની પ્રતિક્રિયા આવી છે. તેમણે ભારતના મિસાઇલ હુમલા વિશે નિવેદન આપતાં કહ્યું કે પાકિસ્તાનને વળતી કાર્યવાહી કરવાનો પૂરો હક છે.

    શહબાઝ શરીફે સોશિયલ મીડિયા સાઇટ ઍક્સ પર લખ્યું, "દુશ્મને પાકિસ્તાનનાં પાંચ સ્થળો પર કાયરતાપૂર્ણ હુમલા કર્યા છે."

    તેમણે ભારતના આ હુમલાને "ઍક્ટ ઑફ વૉર" ગણાવ્યો છે.

    શહબાઝ શરીફે પોતાની પોસ્ટમાં વધુમાં લખ્યું છે, "પાકિસ્તાનને ભારતના આ ઍક્ટ ઑફ વૉરનો જડબાતોડ જવાબ આપવાનો પૂરો અધિકાર છે અને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. "

    તેમણે જણાવ્યું કે પાકિસ્તાનની તમામ જનતા પાકિસ્તાની સેના સાથે ઊભી છે અને દેશનું મનોબળ મજબૂત છે.

    પાકિસ્તાનના વડા પ્રધાને કહ્યું, "પાકિસ્તાન અને પાકિસ્તાની સેના સારી રીતે જાણે છે કે દુશ્મનોને કેવી રીતે પહોંચી વળવું. અમે દુશ્મનને ક્યારેય એના નાપાક ઈરાદામાં સફળ નહીં થવા દઈએ."

  2. પાકિસ્તાનના રક્ષામંત્રીએ શું કહ્યું?

    પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ

    ભારતના હુમલા બાદ પાકિસ્તાનના રક્ષામંત્રીનું નિવેદન આવ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે પાકિસ્તાનની એક ખાનગી ટીવી ચૅનલ જિયો ન્યૂઝ સાથે વાત કરતાં કહ્યું છે કે ભારતે પોતાની જ ઍરસ્પેસમાંથી પાકિસ્તાન પર મિસાઇલો છોડી છે.

    પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે દાવો કર્યો છે કે ભારતે સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા છે.

    બીબીસી ઉર્દૂ સાથે વાત કરતા ખ્વાજા આસિફે કહ્યું કે, "જુઓ, તેઓ (ભારત) દાવો કરે છે કે તેમણે આતંકી ઠેકાણાંને નિશાન બનાવ્યાં છે. હું આંતરરાષ્ટ્રીય મીડિયાને કહીશ કે તેઓ અહીં આવીને જુઓ કે આ આતંકી ઠેકાણાં હતાં કે નાગરિકોની વસ્તી, જેમાં અમારી બે મસ્જિદો પણ હતી."

    "એક બાળકનું મોત થયું છે, એક મહિલાનું મોત થયું છે. મારી પાસે મૃત્યુના તાજા આંકડા નથી. પરંતુ જે સાત ટાર્ગેટની પુષ્ટિ થઈ છે તેમાંથી બે કાશ્મીરમાં અને પાંચ પાકિસ્તાનમાં છે. આ તમામ ટાર્ગેટ સિવિલ વસતી પર હતા."

    પાકિસ્તાની સેનાએ પણ પુષ્ટિ કરી છે કે ભારતીય હુમલામાં બે બાળકો સહિત સાત લોકોનાં મોત થયાં છે.

    ખ્વાજા આસિફે જિયો ન્યૂઝ સાથે વાત કરતાં જણાવ્યું કે જે સ્થળોને નિશાન બનાવાયાં છે, તે રહેણાક વિસ્તારો છે.

    બીબીસી હાલ હુમલાનાં સ્થળોની સ્વતંત્રરૂપે પુષ્ટિ નથી કરી શક્યું.

    ભારતીય સેનાનું કહેવું છે કે, "પાકિસ્તાને ફરી એક વાર સંઘર્ષ-વિરામ સમજૂતીનું ઉલ્લંઘન કર્યું છે."

    ઍક્સ પર કરવામાં આવેલી એક પોસ્ટમાં ભારતીય સેનાએ કહ્યું કે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના "પૂંછ-રાજૌરી ક્ષેત્રના ભીમ્બર ગલી વિસ્તારમાં ગોળીબાર કર્યો છે."

    નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે "ભારતીય સેના યોગ્ય રીતે તેનો જવાબ આપી રહી છે."

  3. ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં મિસાઇલથી હુમલો કર્યો

    ભારત-પાકિસ્તાન

    ઇમેજ સ્રોત, Getty Images

    ભારત સરકારે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, ભારતીય સેનાએ 'ઑપરેશન સિંદૂર' શરૂ કર્યું છે.

    ભારત સરકારે પોતાના નિવેદનમાં કહ્યું છે, "આ ઑપરેશનમાં પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકી માળખાંને નિશાન બનાવાયાં છે, જ્યાંથી ભારત પર આતંકી હુમલાની યોજના બનાવાઈ હતી અને તેને પાર પડાઈ હતી."

    નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે "કુલ નવ સ્થળોને નિશાન બનાવાયાં છે."

    પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે ભારતીય હુમલામાં બે બાળકો સહિત સાત લોકોનાં મોત થયાં છે.

    બીજી તરફ પાકિસ્તાનની સરકારી ટીવીએ પાકિસ્તાનની સેનાના પ્રવક્તાને ટાંકીને જણાવ્યું છે કે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ત્રણ સ્થળો પર મિસાઇલોથી હુમલો કર્યો છે.

    સમાચાર એજન્સી રૉઇટર્સ અનુસાર, પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં ભીષણ ગોળીબાર અને મોટા ધડાકાના અહેવાલો પણ મળી રહ્યા છે.

    ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર થયેલા હુમલા બાદ ખૂબ જ તણાવપૂર્ણ થઈ ગયા છે. એ હુમલામાં 26 લોકોનાં મોત થયાં હતાં.