ઍર ઇન્ડિયાના સીઈઓ અને એમડી કૅમ્પબેલ વિલસને જણાવ્યું હતું કે, "આ ઘટના પ્રત્યે હું ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ઍર
ઇન્ડિયા માટે આ કપરો દિવસ છે. અત્યારે ઘણા પ્રશ્નો છે, પરંતુ હાલ હું કોઈ જવાબ આપી
શકું તેમ નથી."
"ફલાઇટ એઆઈ 171 230 પૅસેન્જરો અને 12 ક્રૂ મૅમ્બર્સ સવાર હતા. જેમાં 160 ભારતીય, 53 બ્રિટીશ નાગરિક, સાત પૉર્ટુગીઝ નાગરિક અને એક કૅનેડિયન નાગરિક
હતા. ઈજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં ઍડિશનલ સપૉર્ટ માટે ઍર ઇન્ડિયાની
ટીમ કાર્યરત છે. તપાસ માટે હજુ સમય લાગશે, પણ અમે સ્પેશિયલ હૅલ્પલાઇન શરૂ કરી છે-1800
5691444. અમને પ્રમાણભૂત માહિતી
મળશે, ત્યારે અમે માહિતગાર કરતા રહીશું. ધન્યવાદ."
ઍર ઇન્ડિયાના ચૅરમૅન એન. ચંદ્રશેખરને ગુજરાતના અમદાવાદમાં થયેલા વિમાન
દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમનું નિવેદન ટાટા ગ્રૂપ દ્વારા સોશિયલ
મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર સત્તાવાર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યું છે. ઍર ઇન્ડિયા
એ ટાટા ગ્રૂપની કંપની છે.
ટાટા ગ્રૂપે ટ્વિટર પર ઍર ઇન્ડિયાના ચૅરમૅન એન ચંદ્રશેખરનને ટાંકીને કહ્યું ,
"ખૂબ જ દુઃખ સાથે હું
પુષ્ટિ કરું છું કે અમદાવાદથી લંડન ગેટવિક જતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 171 આજે અકસ્માતનો ભોગ બની છે. આ ભયાનક અકસ્માતમાં
અસરગ્રસ્ત લોકોના પરિવારો અને પ્રિયજનો સાથે અમારી ઊંડી સંવેદના છે."
એન. ચંદ્રશેખરને કહ્યું, "હાલમાં અમારી
પ્રાથમિકતા તમામ અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારોને સહાય પૂરી પાડવાની છે. અમે
ઘટનાસ્થળે હાજર ઇમરજન્સી રિસ્પૉન્સ ટીમોને મદદ કરવા અને અકસ્માતના પીડિતોને જરૂરી
મદદ પૂરી પાડવા માટે શક્ય તેટલા બધા પ્રયાસો કરી રહ્યા છીએ."
"વધુ અપડેટ્સ શેર કરવામાં આવશે. એક ઇમરજન્સી
સેન્ટર સક્રિય કરવામાં આવ્યું છે અને માહિતીની જરૂર હોય તેવા પરિવારો માટે સપોર્ટ
ટીમો પણ બનાવવામાં આવી છે.''
આ સિવાય ગ્રૂપે
દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયેલી બી.જે. મેડિકલ હોસ્ટેલને ફરીથી બાંધી આપવાનો
નિર્ધાર પણ વ્યક્ત કર્યો છે.