You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

અમદાવાદ પ્લેન ક્રૅશ : વિમાનમાં સવાર સિવાયના આઠ લોકોનાં મોત, અધિકારીએ પુષ્ટિ કરી

ઍર ઇન્ડિયા અનુસાર અમદાવાદમાં 12 જૂને થયેલા પ્લેન ક્રૅશમાં એક યાત્રીને છોડીને તમામ 241 લોકોનાં મોત થયાં છે. ટેકઑફ થયાના થોડા સમય બાદ જ વિમાન રહેણાક વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. વિમાનના બે ટુકડા થઈ ગયા હતા.

લાઇવ કવરેજ

  1. અમદાવાદ : દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનું એક બ્લૅક બૉક્સ મળ્યું

    ગુજરાતના અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનનું બ્લૅક બૉક્સ મળી ગયું છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરાપુએ આ વાતની જાણકારી આપી છે.

    રામમોહન નાયડુ કિંજરાપુએ એક્સ પર પોસ્ટ કર્યું, "ઍરક્રાફ્ટ ઍક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (એએઆઇબી)એ અમદાવાદમાં દુર્ઘટનાસ્થળેથી ફલાઇટ ડેટા રેકૉર્ડર (બ્લૅક બૉક્સ) 28 કલાકની અંદર શોધી કાઢ્યું છે. આ તપાસ માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આનાથી ઘટનાની તપાસમાં ઘણી મદદ મળશે."

    આ પહેલાં રૉયટર્સ, પીટીઆઈ અને એએફપી જેવી ન્યૂઝ એજન્સીઓએ જણાવ્યું હતું કે ગુરુવારે અમદાવાદ ખાતે થયેલી પ્લેન ક્રૅશની ઘટના બાદ વિમાનનું એક બ્લૅક બૉક્સ મળી ગયું છે.

    રૉયટર્સ અને એએફપી આ માહિતી પોલીસ પાસેથી મળી હોવાનું જણાવે છે.

    જ્યારે પીટીઆઈએ ભારત સરકારની ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોના હવાલાથી આ સમાચાર આપ્યા છે.

    નોંધનીય છે કે સામાન્ય રીતે પ્લેનમાં બે બ્લૅક બૉક્સ હોય છે. આ બ્લૅક બૉક્સ નાના પરંતુ મજબૂત ડેટા રેકૉર્ડર હોય છે. એકમાં કૉકપીટના અવાજ રેકૉર્ડ થાય છે, જેથી તપાસકર્તાઓ પાઇલટ શું બોલી રહ્યા છે એ અને અન્ય અસામાન્ય અવાજો સાંભળી શકે. આ સિવાય બીજું રેકૉર્ડર ઊંચાઈ અને ગતિ જેવા ફ્લાઇટ ડેટાને રેકૉર્ડ કરે છે.

  2. પોતાનાં પત્ની અને પૌત્રીના સમાચારની વાટ જોતા કૅફેટેરિયાના કર્મચારી પ્રહ્લાદ, યોગીતા લિમયે, અમદાવાદથી

    અમદાવાદ પ્લેન ક્રૅશ બાદ જ્યારે બીબીસીની ટીમે હૉસ્પિટલની મુલાકાત લીધી તો અમારી મુલાકાત ડૉક્ટરોની હૉસ્પિટલના કૅફેટેરિયામાં કામ કરતા 50 વર્ષીય પ્રહ્લાદ ઠાકોર સાથે થઈ.

    જ્યારે વિમાન ઇમારતથી અથડાયું, ત્યારે તેઓ લંચબૉક્સની ડિલિવરી કરી રહ્યા હતા. પરંંતુ તેમને ઘટનાસ્થળે હાજર પોતાનાં 45 વર્ષીય પત્ની સરલા ઠાકોર અને બે વર્ષીય પૌત્રી આદ્યા વિશે કોઈ સમાચાર નથી મળ્યા.

    ઠાકોરે ગઈ કાલે હૉસ્પિટલમાં પોતાનો ડીએનએ સૅમ્પલ જમા કરાવ્યો અને ડૉક્ટરોએ તેમને જણાવ્યું કે મૃતદેહોથી તેમના સૅમ્પલ મેળવવાની કામગીરીમાં 72 કલાક લાગશે.

    અમે અહીં લોકોને હૉસ્પિટલ આવતા જોઈ રહ્યા છીએ, જેમને એ નથી ખબર કે તેમના પરિવારજનો સાથે શું થયું, તેઓ માત્ર ડીએનએ ટેસ્ટ રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે.

  3. અમદાવાદ પ્લેન ક્રૅશ : બીજે મેડિકલ કૉલેજનાં ડીને ઘટના વખતની સ્થિતિ વિશે શું કહ્યું?

    ગુરુવારે અમદાવાદના મેઘાણીનગરસ્થિત બીજે મેડિકલ કૉલેજની હૉસ્ટેલ અને મેસ બિલ્ડિંગ પર 242 લોકોને લઈ જઈ રહેલું પ્લેન ક્રૅશ થયું હતું. આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. જોકે, એ લૅન્ડિંગના થોડા સમયમાં જ ક્રૅશ થયું હતું.

    હૉસ્ટેલ અને મેસ ખાતે અનેક ડૉક્ટર્સ હતા.

    આ દુર્ઘટનામાં કેટલા ડૉક્ટર્સ મૃત્યુ પામ્યા છે તેનો કયાસ લગાવવો અઘરો હતો.

    સમગ્ર બાબતે અમદાવાદ મેડિકલ કૉલેજનાં ડીને મીનાક્ષી પારેખે શું કહ્યું? જુઓ વીડિયો.

  4. અમદાવાદ પ્લેન ક્રૅશ સર્વાઇવરે કહ્યું, 'મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે કેવી રીતે હું જીવતો બચી ગયો'

    ગુરુવારે અમદવાદના મેઘાણીનગર ખાતે થયેલી પ્લેન ક્રૅશની ઘટનામાં વિમાનમાં સવાર 242 પૈકી માત્ર વિશ્વાસકુમાર રમેશ નામની વ્યક્તિ જીવિત બચી હતી. જ્યારે મુસાફરો અને ક્રૂ મેમ્બર સહિત બાકીના લોકોનાં મૃત્યુ થયાં હતાં.

    વિશ્વાસકુમાર એક બ્રિટિશ નાગરિક છે. તેઓ લંડન જઈ રહેલી બૉઇંગ 787 ફ્લાઇટની 11એ સીટ પર બેઠા હતા.

    ભારતના સરકારી બ્રૉડકાસ્ટર ડીડી ન્યૂઝે રમેશ સાથે વાતચીત કરી. તેઓ હાલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

    તેમણે કહ્યું કે, "મને હજુ સુધી વિશ્વાસ નથી થઈ રહ્યો કે હું કેવી રીતે જીવતો બચી ગયો."

    "પહેલા તો મને લાગ્યું કે હું મરવાનો છું. હું મારી આંખ ખોલી શક્યો, મેં મારો સીટ બેલ્ટ ખોલ્યો અને પ્લેનમાંથી નીકળવાનો પ્રયાસ કર્યો."

    રમેશે કહ્યું કે તેમની બેઠક બાજુનો પ્લેનનો ભાગ હૉસ્ટેલ બિલ્ડિંગને અથડાયો નહોતો અને ગ્રાઉન્ડ ફ્લોરથી નજીક હતો.

    તેમણે કહ્યું, "મારો દરવાજો તૂટી ગયો અને મને એક નાનકડી જગ્યા ખુલ્લી દેખાઈ. મેં પ્લેનમાંથી બહાર નીકળવાની કોશિશ કરી."

    સળગી રહેલા પ્લેનથી દૂર જઈ રહેલા રમેશનો વીડિયો તરત વાઇરલ થઈ ગયો. તેમણે કહ્યું કે તેમનો ડાબો હાથ દાઝી ગયો છે, ઘટનાસ્થળેથી બાદમાં તેમને તરત હૉસ્પિટલ લઈ જવાયા હતા.

    શુક્રવારે વહેલી સવારે વડા પ્રધાન મોદી પણ સિવિલ હૉસ્પિટલ ખાતે રમેશને મળ્યા. નોંધનીય છે કે હાલ ત્યાં તેમનો ઇલાજ ચાલી રહ્યો છે.

  5. ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીના પરિવારને મળ્યા પીએમ મોદી

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીના પરિવારની મુલાકાત લીધી. ગઈ કાલે અમદાવાદમાં થયેલા વિમાન અકસ્માતમાં વિજય રૂપાણીનું નિધન થયું.

    વડા પ્રધાન મોદીએ ઍક્સ પર લખ્યું, "વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત કલ્પનાથી પરે છે. હું તેમને દાયકાઓથી જાણતો હતો. અમે સાથે મળીને કામ કર્યું."

    "વિજયભાઈ વિનમ્ર અને મહેનતુ હતા, પાર્ટીની વિચારધારા પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હતા. તેમણે સંગઠનમાં વિભિન્ન જવાબદારીઓ સંભાળી અને ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે નિષ્ઠાપૂર્વક કામ કર્યું."

    વડા પ્રધાન મોદીએ લખ્યું, "તેમને જે ભૂમિકા સોંપાઈ, એ તેમણે સારી રીતે ભજવી. પછી ભલે એ રાજકોટ નગરનિગમમાં હોય, રાજ્યસભા સાંસદ તરીકે હોય, ગુજરાત ભાજપ અધ્યક્ષ તરીકે હોય કે રાજ્ય સરકારમાં કૅબિનેટ મંત્રી સ્વરૂપે હોય."

    વડા પ્રધાન મોદીએ વિજય રૂપાણીના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

    વડા પ્રધાન મોદી શુક્રવારે અમદાવાદમાં એ જગ્યાએ પણ પહોંચ્યાં, જ્યાં ગુરુવારે ઍર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241નાં મૃત્યુ થયાં છે.

    વિમાનમાં સવાર લોકો સિવાય ઓછામાં ઓછા વધુ આઠ લોકોનાં મૃત્યુ થયાં છે.

  6. અમદાવાદ પ્લેન ક્રૅશની ઘટના જ્યાં બની એ મેઘાણીનગરના રહેવાસીઓ કેમ ડરેલા છે?, ઇશાદ્રિતા લાહિરી, સેરાજ અલી, શૈલી ભટ્ટ

    અમદાવાદ પ્લેન ક્રૅશની ઘટનાએ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો છે. અમદાવાદના મેઘાણીનગરના રહેવાસીઓ હજુ પણ આઘાતમાંથી બહાર આવ્યા નથી.

    ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 તેમના ઘરની બાજુમાં આવેલા પોસ્ટ ગ્રૅજ્યુએટ મેડિકલ વિદ્યાર્થીઓ માટેની હૉસ્ટેલમાં ક્રૅશ થઈ ગઈ ત્યારે તેઓ આ ઘટનાના પ્રથમ સાક્ષી બન્યા હતા.

    ફોરેન્સિક ટીમો સ્થળની તપાસ કરી રહી હતી અને કાટમાળ સાફ કરી રહી હતી, ત્યારે અમે વિમાનનો એક મોટો ભાગ - જે તેની પૂંછડી જેવો લાગતો હતો અને જે હજુ પણ ઇમારતના માળખામાં ફસાયેલો છે, એ જોયો. તે દુર્ઘટનાની યાદ અપાવે છે જેને વિસ્તારના કોઈ પણ વ્યક્તિ ટૂંક સમયમાં ભૂલી નહીં શકે.

    બીબીસીએ અકસ્માત જોનારા અનેક લોકો સાથે વાત કરી જેઓ આ પ્લેન ક્રૅશની ઘટના નજરે જોઈ અને બાદમાં હૉસ્ટેલમાં રહેલા લોકોને મદદ કરવા માટે ઘટનાસ્થળે દોડી ગયા હતા.

    મેઘાણી નગરના રહેવાસી વિક્રમસિંહ પરમાર જણાવે છે કે, "લંચનો સમય હતો, ડાઇનિંગ એરિયા તરફ જતા હૉસ્ટેલર્સ ખુશખુશાલ હતા અને પછી અચાનક અકસ્માત સર્જાયો."

    અન્ય એક રહેવાસી નિખિલ કનુભાઈએ જણાવ્યું હતું કે અકસ્માતને કારણે ડાઇનિંગ એરિયામાં ગૅસ સિલિન્ડર ફાટ્યાં હતાં.

    તેમણે કહ્યું, "અમે ડાઇનિંગ ટેબલ પર કાટમાળ નીચે ફસાયેલા પાંચથી છ લોકોને જોઈ શક્યા નહીં. તેમાં એક મહિલા પણ હતી. અમે લગભગ સાત-આઠ લોકોને બચાવવામાં સફળ રહ્યા."

    એ કમનસીબ રાત ઘણી લાંબી હતી.

    "બધે ધુમાડો હતો અને જેટ ફ્યુઅલની ગંધ ગૂંગળામણ કરતી હતી. અમે પીડિત નહોતા પણ આખી રાત અમારી આંખમાંથી આંસુ વહેતાં રહ્યાં. હવે મને દરેક સમયે ડર લાગે છે. અમે ઍરપૉર્ટની ખૂબ નજીક રહીએ છીએ. જો આવી દુર્ઘટનાનો ભોગ બનીએ તો શું થાય?" સ્થાનિક રહેવાસી ગીતાબેન કહે છે.

  7. ઍર ઇન્ડિયાના બ્લૅક બૉક્સની શોધખોળ ચાલુ, વડા પ્રધાન મોદીએ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી

    અમદાવાદ પ્લેન ક્રૅશ અંગેની લૅટેસ્ટ અપડેટ્સ

    • વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં શુક્રવારે દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી. દુર્ઘટનામાં 240 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં.
    • ઍર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યા બાદ પીએમ મોદી દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને મળવા હૉસ્પિટલ ગયા.
    • મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં મૃતદેહોની ઓળખ કરી રહ્યા છે. અમદાવાદથી લંડન ગૅટવિક જઈ રહેલું ઍર ઇન્ડિયાનું વિમાન ગુરુવારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જ્યારે આ વિમાન ડૉક્ટરોની હૉસ્ટેલ સાથે અથડાતાં આ ઘટનામાં સવાર 242 લોકોમાંથી એકને બાદ કરતાં તમામનાં મૃત્યુ થયાં.
    • ઍર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં જીવિત બચેલા એકમાત્ર બ્રિટિશ નાગરિક વિશ્વાસકુમાર રમેશની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
    • ઍર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં 60 વર્ષીય કૅપ્ટન સુમિત સભરવાલનું પણ મૃત્યુ થયું છે. તેમને આઠ હજાર કલાક કરતાં વધુ ઉડાણનો અનુભવ હતો.
    • બ્રિટનમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બ્રિટિશ નાગરિકને ગ્લૂસેસ્ટર અને નૉર્થમ્પટનશાયરમાં શ્રદ્ધાંજલિ અપાઈ.
    • એક સિનિયર સ્વાસ્થ્ય અધિકારીએ બીબીસીને જણાવ્યું કે આ દુર્ઘટનામાં એ રહેણાક વિસ્તારના આઠ લોકોનાં પણ મૃત્યુ થયાં, જ્યાં વિમાન પડ્યું હતું.
    • તપાસ કરનારા હજુ પણ બે બ્લૅક બૉક્સ શોધી રહ્યા છે, જેથી વધુ જાણકારી મળી શકે.
  8. અમદાવાદ પ્લેન ક્રૅશ : પોલીસ કહ્યું, 'છ મૃતદેહો પરિવાજનોને સોંપાયા', એન્ડ્ર્યુ ક્લેરન્સ, અમદાવાદથી

    અમદાવાદ સિવિલના પોસ્ટમૉર્ટમ રૂમ ખાતે પોલીસ અધિકારીએ બીબીસીને જણાવ્યું કે અત્યાર સુધી પરિવારજનોને છ મૃતદેહો સોંપવામાં આવ્યા છે. આ મૃતદેહો એવા હતા, જેમની પરિવારજનોએ ચહેરો વગેરે જોઈને ઓળખ કરી હતી.

    અત્યાર સુધી ડીએનએ મૅચ કરીને કોઈ પણ મૃતદેહ રિલીઝ નથી કરાયો, કારણ કે તેમાં વધુ સમય લાગી શકે છે.

  9. અમદાવાદ પ્લેન ક્રૅશ : પરિવારના ચાર સભ્યો ગુમાવ્યા બાદ સ્વજનો શું બોલ્યા?

    'અમારો દીકરો ખૂબ સંઘર્ષ કરીને લંડન ગયો હતો' આ શબ્દો છે અમદાવાદ પ્લેન ક્રૅશ દુર્ઘટનામાં પોતાના પરિવારના ચાર સભ્યો ગુમાનારા રફિક મેમણના. તેઓ મૂળ મુંબઈના છે. તેમના પરિવારના સભ્યો ઈદ મનાવવા ભારત આવ્યા હતા.

    અમદાવાદથી લંડન જઈ રહેલું ઍર ઇન્ડિયાનું વિમાન 12 જૂન, ગુરુવારે અમદાવાદ ઍરપૉર્ટ પરથી ટેક-ઑફ થયા બાદ ગણતરીની સેકંડોમાં તૂટી પડ્યું હતું.

    ઍર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર આ પ્લેન ક્રૅશમાં એક મુસાફરને બાદ કરતાં તમામ 241 લોકોનાં મોત થયાં છે.

    આ મૃતકોમાં મુંબઈના વતની અને યુકેના નાગરિક એવા સૈયદ જાવેદ અલી, તેમનાં પત્ની અને બે સંતાનો પણ સામેલ છે.

    આ ચારેયના મૃતદેહ લેવા માટે અમદાવાદ આવેલા તેમના મામાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરીને પરિવારની વ્યથા પણ જણાવી છે.

  10. 'પિતાના અંતિમ સંસ્કાર કરીને મારો ભત્રીજો પરત ફરતો હતો,' અમદાવાદ પ્લેન ક્રૅશમાં સ્વજનોને ગુમાવનારાનું દુ:ખ, સમીરા હુસૈન, અમદાવાદથી

    અમદાવાદમાં હૉસ્પિટલની બહાર અમારી મુલાકાત આ દુ:ખી મહિલા સાથે થઈ. તેમના 25 વર્ષીય ભત્રીજાનું આ પ્લેન ક્રૅશમાં મૃત્યુ થયું છે.

    તેઓ બ્રિટનમાં રહેતા હતા અને પિતાના અંતિમ સંસ્કાર કરવા માટે ભારત આવ્યા હતા. તેમના પિતાનું નિધન 29 મેના રોજ થયું હતું.

    તેઓ પોતાનાં પત્ની પાસે પરત ફરી રહ્યા હતા, પરંતુ ગુરુવારે આ ઘટના બની ગઈ.

    હૉસ્પિટલમાં મહિલાઓની ચીસો ગુંજી રહી હતી. અહીં જે પરિવારના સભ્યો અને સ્વજનોની ઓળખ માટે હૉસ્પિટલ પહોંચેલા લોકોનાં આવાં ઘણાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.

  11. અમદાવાદ પ્લેન ક્રૅશમાં વિમાનમાં સવાર લોકો સિવાય અન્ય આઠનાં મૃત્યુ, અધિકારીએ કરી પુષ્ટિ, વિકાસ પાંડે, અમદાવાદથી

    ગુરુવારે અમદાવાદમાં ઍર ઇન્ડિયાનું વિમાન ક્રૅશ થતાં વિમાનમાં સવાર લોકો સિવાય અન્ય આઠ લોકોનાં મૃત્યુ થયાં છે.

    અમદાવાદમાં એક વરિષ્ઠ સ્વાસ્થ્ય અધિકારીએ બીબીસીને આ વાતની પુષ્ટિ કરી છે.

    એ પૈકી ચાર મેડિકલ સ્ટુડન્ટ્સ હતા, જેઓ એ ઇમારતો પૈકી એકમાં રહી રહ્યા હતા, જેનાથી વિમાન અથડાયું.

    અન્ય ચાર હૉસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના સંબંધીઓ હતા.

  12. અમદાવાદ પ્લેન ક્રૅશ : મૃત્યુ પામેલા 15 વર્ષીય આકાશના શું પિતાએ કહ્યું?

    અમદાવાદ પ્લેન ક્રૅશ દુર્ઘટના કવર કરવા પહોંચેલાં બીબીસી સંવાદદાતા યોગીતા લિમયેએ કેટલાક પીડિતો સાથે વાત કરી હતી.

    તેમણે લખ્યું કે જે હૉસ્પિટલમાં મૃતકો અને ઈજાગ્રસ્તોને લવાઈ રહ્યા છે, ત્યાં તેમને ઘણી હૃદયદ્રાવક કહાણીઓ જાણવા મળી રહી છે.

    જાણીએ તેમના જ શબ્દોમાં આવી એક કહાણી.

    હાલમાં જ અમે આકાશ નામના 15 વર્ષના એક છોકરાના મૃત્યુ અંગે સાંભળ્યું. આકાશ પ્લેન જ્યાં ક્રૅશ થયું એ જ ઇમારતમાં રહેતો હતો. આકાશ ઇમારતના કૅફેટેરિયામાં પાર્ટ-ટાઇમ નોકરી કરતો હતો.

    તેમનાં માતા સીતાબહેન પણ આ જ કૅફેટેરિયામાં કામ કરતાં હતાં. આકાશને બચાવવાના પ્રયાસમાં સીતાબહેન ગંભીર રીતે દાઝી ગયાં છે, હાલ હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.

    અમે આકાશના મોટા ભાઈ કલ્પેશને મળ્યા, તેઓ અત્યંત શોકાતુર હતા. તેઓ રડતાં રડતાં પોતાના નાના ભાઈ અને માતાની તસવીર જોઈ રહ્યા હતા.

    ઘટના સમયે સ્થળની નિકટ ઊભેલા આકાશના પિતાએ કહ્યું કે તેમણે મોટો ધડાકો સાંભળ્યો, પરંતુ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમણે આગાની જ્વાળાઓ અને ચારેકોરથી ધુમાડો ઊઠતો જોયો. તેમનાં પત્નીને હૉસ્પિટલ પહોંચાડી દેવાયાં હતાં. બાદમાં તેમણે સાંભળ્યું કે તેમનો પુત્ર આ ઘટનામાં નથી બચી શક્યો.

  13. ફુકેટથી દિલ્હી આવતું ઍર ઇન્ડિયાનું વિમાન 'બૉમ્બની ધમકી' બાદ પાછું ફર્યું

    શુક્રવારે સવારે થાઇલૅન્ડના દક્ષિણી ટાપુ ફુકેટથી નવી દિલ્હી તરફ આવતી ઍર ઇન્ડિયા ફ્લાઇટ (AI379) બૉમ્બની ધમકીના અહેવાલો બાદ પાછી વળી છે.

    ફુકેટ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટે જણાવ્યું કે પાઇલટે સ્થાનિક સમયાનુસાર સાડા નવ વાગ્યે ઍર ટ્રાફિક કંટ્રોલ સેન્ટરને ઍલર્ટ કર્યું હતું. પાઇલટે ઍલર્ટમાં જણાવ્યું હતું કે પ્લેનમાં બૉમ્બની ધમકી મળી છે, તેથી ફુકેટ ઍરપૉર્ટ પર ઇમરજન્સી લૅન્ડિંગની વિનંતી કરી હતી.

    156 મુસાફરોવાળા આ વિમાને સ્થાનિક સમયાનુસાર સવારે નવ વાગ્યાને 15 મિનિટે ઉડાણ ભરી હતી, જેની 15 મિનિટ બાદ ઍલર્ટ મળ્યું હતું. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટો પર પ્લેન સવારે 11 વાગ્યાને 38 મિનિટે લૅન્ડ થયું હોવાનું દેખાયું હતું.

    ફેસબુક પર ફુકેટ ઍરપૉર્ટે કહ્યું હતું કે તેમણે ઍરપૉર્ટ આકસ્મિક યોજના ઍક્ટિવેટ કરી હતી અને તેઓ વધુ અપડેટ્સ આપશે.

  14. અમદાવાદ પ્લેન ક્રૅશ : સિવિલ હૉસ્પિટલ બહાર કેવી પરિસ્થિતિ છે?

    ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, દુર્ઘટનાને કારણે તેમાં આગ લાગી ગઈ હતી. વિમાને ઉડાણ ભરી તેની ગણતરીની મિનિટોમાં તે ઍરપૉર્ટની બહારના વિસ્તારમાં ખાબક્યું હતું. વિમાન હજુ ઉડાણ ભરી રહ્યું હોય મુસાફરો તેમની સીટ પર જ હતા, જ્યાં તેમનાં મૃત્યુ થયાં હતાં. કેટલાંક મીડિયાગૃહો દ્વારા આ સંદર્ભની તસવીરો પ્રકાશિત કરવામાં આવી છે. મૃતદેહોને ઓળખી શકાય તેવી પરિસ્થિતિ ન હોવાને કારણે તેમના ડીએનએને સ્વજનોના ડીએનએ સાથે સરખાવવામાં આવી રહ્યા છે. આ પ્રક્રિયા અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખાતે હાથ ધરવામાં આવી છે.

    જ્યાં બહાર પરિવારજનો 'સ્વજનોનાં ફૂલ'ની રાહ જોઈ રહ્યા છે.

  15. 'એક મુસાફરનો બચાવ સમજાવવો મુશ્કેલ'

    અમદાવાદની વિમાન દુર્ઘટનામાં બ્રિટિશ નાગરિક વિશ્વાસકુમાર રમેશનો બચાવ થયો હતો. તેઓ બૉઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનની 11-એ નંબરની સીટમાં બેઠા હતા.

    ક્રૅનફિલ્ડ યુનિવર્સિટી ખાતે ઍવિએશન ઍન્ડ ધ ઍન્વાયર્મેન્ટ વિભાગના ઍસોસિયેટ પ્રોફેસર ગાય ગ્રૅટ્ટને બીબીસી ન્યૂઝનાઇટ કાર્યક્રમ દરમિયાન વાત કરતા કહ્યું, "આવું લગભગ ક્યારેય સાંભળવા નથી મળ્યું."

    તેઓ કહે છે કે "આધુનિક સમયના વિમાન ક્રૅશવર્થી બની રહે તે રીતે ડિઝાઇન કરવામાં આવે છે," મતલબ કે "જો વિમાન દુર્ઘટનાગ્રસ્ત થાય, તો બધાને બચી નીકળવાની શક્ય વધુ તક રહે."

    ગ્રૅટ્ટન ઉમેરે છે, "એટલે જ દુર્ઘટના સમયે આપણે સાંભળીએ છીએ કે કાં તો બધા મુસાફર બચી ગયા અથવા તો અકસ્માત એટલો બધો ભયાનક હતો કે કોઈ બચી ન શક્યું. આથી, એક (મુસાફરનું બચવું) ખરેખર અસામાન્ય બાબત છે."

    ગ્રૅટ્ટનના કહેવા પ્રમાણે, જો તેમને અટકળ કરવા માટે કહેવામાં આવે તો તેઓ કહેશે કે વિશ્વાસકુમાર રમેશ બેઠક ક્રમાંક 11-એ પર બેઠા હતા. પ્લેન ક્રૅશ થયું ત્યારે તેઓ પોતાની સીટ ઉપર બેઠા હોય અને સીટની સાથે "નડતર વગર બહાર ફેંકાયા" હોય. તેઓ ખરેખર "ખૂબ જ નસીબદાર નીવડ્યા છે."

  16. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હૉસ્પિટલ પહોંચ્યા

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે અમદાવાદ પહોંચ્યા હતા. તેઓ ઍરપૉર્ટ પરથી દુર્ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘટનાસ્થળનું જાતનિરીક્ષણ કર્યું હતું.

    સિવિલ હૉસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઍર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ-171ની દુર્ઘટનામાં ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી.

    ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડૂ કિંજારપ્પુ, રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી મુરલીધર મોહોલ તથા ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવી તેમની સાથે ઉપસ્થિત હતા.

    નૅશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સના અધિકારી હરિઓમ ગાંધીના કહેવા પ્રમાણે, પ્લેન ક્રૅશના સ્થળને સાફ કરવાની પ્રક્રિયા ચાલુ છે. એક વખત આ કામગીરી પૂર્ણ થશે એ પછી જ કેટલાં મૃત્યુ થયા છે, તેનો સ્પષ્ટ આંકડો આપી શકાશે.

  17. અમદાવાદ પ્લેન ક્રૅશની દુર્ઘટના જુઓ તસવીરમાં

    ઍર ઇન્ડિયા અનુસાર અમદાવાદમાં 12 જૂને થયેલા પ્લેન ક્રૅશમાં એક યાત્રીને છોડીને તમામ 241 લોકોનાં મોત થયાં છે.

    અમદાવાદ પ્લેન ક્રૅશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ ડીએનએ ટેસ્ટથી કરાશે અને

    અમદાવાદ સિવિલ હૉસ્પિટલ દ્વારા મૃતકોનાં સગાંના ડીએનએ સૅમ્પલ લેવાની વ્યવસ્થા કરાઈ છે.

    અમદાવાદથી લંડન જઈ રહેલું ઍર ઇન્ડિયાનું વિમાન ગુરુવારે અમદાવાદ ઍરપૉર્ટ પરથી ટેક-ઑફ થયા બાદ ગણતરીની સેકંડોમાં તૂટી પડ્યું હતું.

  18. અમદાવાદ પ્લેન ક્રૅશ : અત્યાર સુધીમાં શું શું થયું?

    • ઍર ઇન્ડિયા અનુસાર અમદાવાદમાં 12 જૂને થયેલા પ્લેન ક્રૅશમાં એક યાત્રીને છોડીને તમામ 241 લોકોનાં મોત થયાં છે
    • ટેકઑફ થયાના થોડા સમય બાદ જ વિમાન રહેણાક વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. વિમાનના બે ટુકડા થઈ ગયા હતા
    • અમદાવાદ ઍરપૉર્ટથી ટેક ઑફ કરતાં ક્રૅશ થયેલું ઍર ઇન્ડિયાનું વિમાન મેઘાણીનગરમાં બીજે મેડિકલ કૉલેજની ઇન્ટર્ન હૉસ્ટલ પર પડ્યું હતું, જેમાં મેડિકલ વિદ્યાર્થીઓેને ઈજા થઈ
    • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, "ગરમી અને વિમાનની અંદર રહેલા 1.25 લાખ લિટર ઇંધણને કારણે કોઈને બચાવવાની કોઈ શક્યતા નહોતી."
    • ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રીએ પત્રકારોને જણાવ્યું છે કે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે.
    • ટાટા ગ્રૂપે મૃતકોના પરિવારજનોને રૂપિયા એક કરોડ આપવાની જાહેરાત કરી
  19. ઍર ઇન્ડિયા અનુસાર અમદાવાદમાં 12 જૂને થયેલા પ્લેન ક્રૅશમાં એક યાત્રીને છોડીને તમામ 241 લોકોનાં મોત થયાં છે.

    ઍર ઇન્ડિયાએ 241 લોકોનાં મોતની પુષ્ટિ કરતા કહ્યું છે કે, "અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ઍર ઇન્ડિયા 171 12 જૂન 2025ના દિવસે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. 12 વર્ષ જૂનું બોઇંગ 787-8 ઍરક્રાફ્ટ અમદાવાદથી બપોરે 1 વાગીને 38 મિનિટ ઊડ્યું હતું જેમાં 230 યાત્રીઓ અને 12 ક્રૂ મેમ્બર્સ હતા. ટેક ઑફ કરતાં વિમાન ક્રૅશ થઈ ગયું હતું. અમને જણાવતા અફસોસ થાય છે કે 242 લોકોમાંથી 241 મોતની પુષ્ટિ થઈ છે. એકમાત્ર બચી જનાર યાત્રીની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે."

    "યાત્રીઓમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, સાત પોર્ટુગીઝ અને એક કૅનેડિયન નાગરિક હતો. બચી જનાર વ્યક્તિ ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક છે. મૃત્યુ પામનારાઓના પરિવારજનો માટે ઍર ઇન્ડિયા ઊંડી સંવેદનાઓ વ્યક્ત કરે છે."

    "ઍર ઇન્ડિયાએ કહ્યું છે કે અમારું ધ્યાન હાલ અસરગ્રસ્તો, તેમના પરિવારો અને સ્વજનોની જરૂરિયાતો પર કેન્દ્રિત છે. ઍર ઇન્ડિયા તરફથી કૅર ગિવર્સની એક ટીમ અત્યારે મુંબઈમાં છે. ઍર ઇન્ડિયા તપાસમાં તંત્રની મદદ કરી રહ્યું છે."

    "ઍર ઇન્ડિયાએ પૅસેન્જર હૉટલાઇન 1800 5691 444 પણ જાહેર કર્યો છે. ભારતની બહારથી ફોન કરવા માટે અહીં +91 8062779200 કૉલ કરો."

  20. અમદાવાદ પ્લેન ક્રૅશ : બીજે મેડિકલ કૉલેજમાં કેટલા વિદ્યાર્થીઓનાં મોત થયાં, ડીને જણાવ્યું

    અમદાવાદ ઍરપૉર્ટથી ટેક ઑફ કરતાં ક્રૅશ થયેલું ઍર ઇન્ડિયાનું વિમાન મેઘાણીનગરમાં બીજે મેડિકલ કૉલેજની ઇન્ટર્ન હૉસ્ટલ પર પડ્યું હતું જેમાં મેડિકલ વિદ્યાર્થીઓ પણ હતાહત થયા છે.

    આ અંગે માહિતી આપતા બીજે મેડિકલ કૉલેજનાં ડીન ડૉ મીનાક્ષી પરીખે કહ્યું કે, ત્યાં તો પરિસ્થિતિ એવી હતી કે કંઈ ખબર પડતી નહોતી કે કોઈ ઓળખ કરી શકાતી નહોતી. ટીમ્સ બનાવીને વિદ્યાર્થીઓને ફોન કરાવીને માહિતી મેળવી છે.

    તેમણે જણાવ્યું કે, ફર્સ્ટ યરમાં બધા વિદ્યાર્થીઓનો સંપર્ક થયો છે. પણ એમાં બેનાં મોત થયાં છે, ત્રણ ગંભીર છે અને 11ને સામાન્ય ઈજા થઈ છે. એમબીબીસીએના બીજા વર્ષના 249 વિદ્યાર્થીઓમાંથી બેનાં મૃત્યુ થયાં છે અને બે ગંભીર રીતે ઘાયલ છે અને ત્રણ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ થઈ છે. અને થર્ડ ફાઇનલના 150 વિદ્યાર્થીઓમાંથી બેનો સંપર્ક નથી થઈ શક્યો અને 248 વિદ્યાર્થીઓ સુરક્ષિત છે.

    સિવિલ હૉસ્પિટલમાંથી માહિતી મળી છે કે ઇન્ટર્ન વિદ્યાર્થીઓ સુરક્ષિત છે.

    તેમણે કહ્યું કે સ્ટાફના પરિવારની વાત કરીએ તો એક ડૉક્ટરનાં પત્ની ગુજરી ગયાં છે અને એક ડૉક્ટરના ત્રણ પરિવારજનો લાપતા છે. બાકી બે લોકોને ગંભીર ઈજાઓ થઈ છે અને સારવાર ચાલી રહી છે.