You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ભારતનું ઑપરેશન સિંદૂર: ઋષિ સુનકે પાકિસ્તાન પર હવાઈ હુમલાને યોગ્ય ઠેરવ્યા, શું કહ્યું?

ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં 'ઑપરેશન સિંદૂર' શરૂ કર્યું છે. તો પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાનને જવાબી કાર્યવાહી કરવાનો પૂરો અધિકાર છે. પરમાણુ હથિયારોથી સજ્જ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધતો જાય છે.

સારાંશ

  • ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં મિસાઇલથી હુમલો કર્યો
  • ભારતીય સેનાએ કરેલા 'ઑપરેશન સિંદૂર' પછી પાકિસ્તાને પણ સરહદે ભારે તોપમારો કર્યો
  • જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં નાગરિકોનાં મોતના બંને પક્ષોએ દાવા કર્યા
  • ભારતે આ કાર્યવાહીને પહલગામ હુમલાનો જવાબ ગણાવ્યો, તો પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાનને વળતી કાર્યવાહી કરવાનો પૂરો હક છે

લાઇવ કવરેજ

આર્જવ પારેખ

  1. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું, “અમારી કાર્યવાહી સંયમિત, જવાબદારીપૂર્ણ”

    ભારતીય સેનાની પ્રેસ કૉન્ફરન્સમાં ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં કરવામાં આવેલા હુમલા અંગે જાણકારી આપી હતી.

    તેમણે કહ્યું હતું કે, “22 એપ્રિલ, 2025 લશ્કર-એ-તોઇબા સાથે જોડાયેલા લોકો તથા પાકિસ્તાનીઓએ પહલગામમાં બર્બરતાપૂર્ણ હુમલો કર્યો હતો. આ હુમલામાં 25 ભારતીયો અને એક નેપાળી નાગરિકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. મુંબઈ હુમલા પછી આ સૌથી મોટો હુમલો હતો. લોકોને તેમના પરિવારજનોની સામે ગોળી મારવામાં આવી હતી.”

    તેમણે કહ્યું હતું કે, “આ હુમલો જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલી સામાન્ય સ્થિતિને પ્રભાવિત કરવા માટેનો હતો, ત્યાં થઈ રહેલા પર્યટનને રોકી દેવા માટેનો હતો. આ હુમલાનો મુખ્ય ઉદ્દેશ્ય જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલા વિકાસ અને પ્રગતિને રોકવા માટેનો હતો. જમ્મુ-કાશ્મીર અને દેશમાં રમખાણો ભડકાવવાનો પણ આ હુમલાનો ઉદ્દેશ્ય હતો.”

    વિક્રમ મિસરીએ કહ્યું હતું કે, “જે સમૂહ TRFએ આ હુમલાની જવાબદારી લીધી હતી તે યુએન દ્વારા પ્રતિબંધિત સંગઠન છે. આ હુમલાની તપાસથી એ સામે આવ્યું છે કે તેનો સીધો સંબંધ પાકિસ્તાન સાથે સાબિત થાય છે. અમે હુમલાખોરોની ઓળખ પણ કરી છે. તેના અમારી પાસે સ્પષ્ટ પુરાવાઓ છે.”

    “હુમલાના એક પખવાડિયા પછી પણ પાકિસ્તાને આતંકવાદી ઠેકાણાંઓ પર કોઈ પગલાં ભર્યાં નથી. આથી, આવા સીમાપાર હુમલાઓને રોકવા માટે આજે સવારે ભારતે પ્રતિકાર કર્યો છે. આ કાર્યવાહી કેન્દ્રિત, જવાબદારીપૂર્ણ અને સંયમિત છે.”

    વિક્રમ મિસરીએ કહ્યું હતું કે પહલગામ હુમલા પછી સંયુક્ત રાષ્ટ્રએ પણ આ સંદર્ભે એક નિવેદન જાહેર કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારતની કાર્યવાહીને આ જ સંદર્ભમાં જોવી જોઈએ.

  2. ભારતીય સેનાની પ્રેસ કૉન્ફરન્સ લાઇવ જુઓ

    LIVE: ભારતીય સેનાની પ્રેસ કૉન્ફરન્સ અહીં જુઓ લાઇવ... નીચેની લિંક પર ક્લિક કરો

  3. ઑપરેશન સિંદૂર: અમિત શાહે કહ્યું, "ભારતીય સેના પર ગર્વ છે"

    ભારતની સેનાના 'ઑપરેશન સિંદૂર' અંગે ગૃહમંત્રી અમિત શાહે ઍક્સ પર નિવેદન આપ્યું છે.

    તેમણે કહ્યું હતું કે, "આપણી સેના પર ગર્વ છે."

    અમિત શાહે કહ્યું હતું કે, "ઑપરેશન સિંદૂર એ પહલગામ હુમલામાં નાગરિકોની કરવામાં આવેલી નૃશંસ હત્યાનો ભારતનો જવાબ છે. મોદી સરકાર ભારત અને તેના નાગરિકો પર થયેલા કોઈ પણ હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. આતંકવાદનો જડમૂળથી સફાયો કરવા માટે ભારત કટિબદ્ધ છે."

  4. ભારતનો પાકિસ્તાન પર હુમલો: સવારે 10 વાગ્યા સુધીમાં શું-શું થયું?

    ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા પછી છેલ્લા કેટલાક કલાકોમાં ઘટનાક્રમ ઝડપથી બદલાઈ રહ્યો છે. જાણો અત્યાર સુધી શું-શું થયું છે..

    • જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલાનાં બે અઠવાડિયાં પછી, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં અનેક સ્થળોએ હુમલા કર્યા છે. ભારતે આ હુમલાઓને 'ઑપરેશન સિંદૂર' નામ આપ્યું છે.
    • ભારતે કહ્યું છે કે તેણે પાકિસ્તાનમાં નવ સ્થળોએ હુમલો કર્યો છે.
    • પાકિસ્તાનના વિદેશમંત્રી ઇસહાક ડારે હુમલામાં આઠ પાકિસ્તાની નાગરિકોના મોતની પુષ્ટિ કરી છે અને કહ્યું કે આ હુમલાઓમાં 35 અન્ય લોકો ઘાયલ થયા છે.
    • ભારતીય સેનાના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું છે કે કાશ્મીરમાં પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ત્રણ ભારતીય નાગરિકોનાં મોત થયાં છે.
    • પાકિસ્તાન અને ભારતે ઘણા વિસ્તારોમાં શાળાઓ અને કૉલેજો બંધ કરી દીધી છે.
    • ભારતીય સેના દ્વારા 'ઑપરેશન સિંદૂર' શરૂ કર્યા પછી, ઘણી ઍરલાઇન્સે મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરી છે.
  5. Analysis: શું ભારત અને પાકિસ્તાનના નેતાઓએ જોખમ લીધું છે?, અનબરાસન એથિરાજન, દક્ષિણ એશિયા ઍડિટર, બીબીસી વર્લ્ડ સર્વિસ

    પરમાણુ હથિયારોથી સજ્જ બે દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતો જાય છે.

    છેલ્લા કેટલાક દિવસોથી અટકળો હતી કે પાકિસ્તાન પર ભારત કોઈ સૈન્યકાર્યવાહી કરી શકે છે, પરંતુ જે પ્રમાણમાં આ હુમલા કરવામાં આવ્યા, તેનાથી લોકોને આશ્ચર્ય થયું છે.

    ભારતનું કહેવું છે કે તેણે પાકિસ્તાનમાં જે જગ્યા પર બૉમ્બમારો કર્યો છે તે કેટલાક ચરમપંથીઓ સાથે સાથે સંકળાયેલી હતી. પાકિસ્તાની સૈન્યથાણાં તેનાં નિશાન પર ન હતાં.

    પાકિસ્તાને કહ્યું છે કે તે જવાબી કાર્યવાહી કરશે. કાર્યવાહીના સ્વરૂપ પર જ ભારતની આગળની પ્રતિક્રિયા નિર્ભર રહેશે. બંને દેશોને લાગે છે કે તેઓ તણાવને વધતો અટકાવી શકે છે.

    પરંતુ પરિસ્થિતિ ગંભીર છે અને સૈન્યસંઘર્ષ હવે કઈ દિશામાં જશે તેનું અનુમાન લગાવવું મુશ્કેલ છે. ભૂતકાળમાં અમેરિકા અને બીજા દેશોએ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટાડવા પ્રયાસ કર્યા છે.

    હાલમાં ટ્રમ્પ વહીવટીતંત્રનું ધ્યાન બીજા વૈશ્વિક મુદ્દા પર છે. તેઓ હવે બંને દેશો વચ્ચે વધતા તણાવને ઘટાડવા કેવાં પગલાં લેશે તે જોવાનું રહે છે. આ દરમિયાન બંને દેશોના નેતા પોતાના નાગરિકોને એ દેખાડવા માગશે કે તેમણે નિર્ણાયક પગલાં લીધાં છે અને સફળ થયા છે. પરંતુ પરિસ્થિતિ ગમે ત્યારે નિયંત્રણ બહાર જઈ શકે છે.

  6. ભારતીય ઍરલાઇન્સ માટે ટ્રાવેલ ઍડવાઇઝરી જાહેર, અનેક ઉડાન રદ

    ભારતે ઑપરેશન સિંદૂર શરૂ કર્યા પછી અનેક ઍરલાઇન્સે ટ્રાવેલ ઍડવાઇઝરી જાહેર કરી છે.

    ઍર ઇન્ડિયા, સ્પાઈસજેટ અને ઇન્ડિગોએ ટ્રાવેલ ઍડવાઇઝરી બહાર પાડીને અનેક સેક્ટરમાં ઉડાનને અસર થવાની માહિતી આપી છે.

    ઍર ઇન્ડિયાએ ઍક્સ પર પોસ્ટમાં લખ્યું છે, "હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા 7 મેએ બપોરના 12 વાગ્યા સુધી જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ભુજ, જામનગર, ચંડીગઢ અને રાજકોટથી આવ-જા કરતી તમામ ફ્લાઈટ રદ કરવામાં આવી છે."

    ઍરલાઇને જણાવ્યું કે, "અમૃતસર જતી બે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને દિલ્હી તરફ વાળવામાં આવી છે."

    સ્પાઈસજેટે પોસ્ટ કરી છે કે, "હાલની સ્થિતિના કારણે ધર્મશાલા, લેહ, જમ્મુ, શ્રીનગર અને અમૃતસર સહિત ઉત્તર ભારતમાં કેટલાક વિસ્તારોમાં આગામી આદેશ સુધી ઍરપૉર્ટ બંધ કરવામાં આવ્યાં છે."

    ઇન્ડિગોએ ઍક્સ પર પોસ્ટ કરી, "હવાઈ ક્ષેત્રની બદલાયેલી પરિસ્થિતિના કારણે શ્રીનગર, જમ્મુ, અમૃતસર, લેહ, ચંડીગઢ અને ધર્મશાલાની અમારી ફ્લાઇટ્સને અસર થઈ છે."

    ત્રણેય ઍરલાઇન્સે પોતાના પ્રવાસીઓને ફ્લાઇટનું સ્ટેટસ ચેક કરીને પછી જ ઍરપપૉર્ટ પહોંચવા જણાવ્યું છે.

  7. પાકિસ્તાનના રક્ષામંત્રીએ શું કહ્યું?

    ભારતના હુમલા બાદ પાકિસ્તાનના રક્ષામંત્રીનું નિવેદન આવ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે પાકિસ્તાનની એક ખાનગી ટીવી ચૅનલ જિયો ન્યૂઝ સાથે વાત કરતાં કહ્યું છે કે ભારતે પોતાની જ ઍરસ્પેસમાંથી પાકિસ્તાન પર મિસાઇલો છોડી છે.

    પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે દાવો કર્યો છે કે ભારતે સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા છે.

    બીબીસી ઉર્દૂ સાથે વાત કરતા ખ્વાજા આસિફે કહ્યું કે, "જુઓ, તેઓ (ભારત) દાવો કરે છે કે તેમણે આતંકી ઠેકાણાંને નિશાન બનાવ્યાં છે. હું આંતરરાષ્ટ્રીય મીડિયાને કહીશ કે તેઓ અહીં આવીને જુઓ કે આ આતંકી ઠેકાણાં હતાં કે નાગરિકોની વસ્તી, જેમાં અમારી બે મસ્જિદો પણ હતી."

    "એક બાળકનું મોત થયું છે, એક મહિલાનું મોત થયું છે. મારી પાસે મૃત્યુના તાજા આંકડા નથી. પરંતુ જે સાત ટાર્ગેટની પુષ્ટિ થઈ છે તેમાંથી બે કાશ્મીરમાં અને પાંચ પાકિસ્તાનમાં છે. આ તમામ ટાર્ગેટ સિવિલ વસતી પર હતા."

    પાકિસ્તાની સેનાએ પણ પુષ્ટિ કરી છે કે ભારતીય હુમલામાં બે બાળકો સહિત સાત લોકોનાં મોત થયાં છે.

    ખ્વાજા આસિફે જિયો ન્યૂઝ સાથે વાત કરતાં જણાવ્યું કે જે સ્થળોને નિશાન બનાવાયાં છે, તે રહેણાક વિસ્તારો છે.

    બીબીસી હાલ હુમલાનાં સ્થળોની સ્વતંત્રરૂપે પુષ્ટિ નથી કરી શક્યું.

    ભારતીય સેનાનું કહેવું છે કે, "પાકિસ્તાને ફરી એક વાર સંઘર્ષ-વિરામ સમજૂતીનું ઉલ્લંઘન કર્યું છે."

    ઍક્સ પર કરવામાં આવેલી એક પોસ્ટમાં ભારતીય સેનાએ કહ્યું કે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના "પૂંછ-રાજૌરી ક્ષેત્રના ભીમ્બર ગલી વિસ્તારમાં ગોળીબાર કર્યો છે."

    નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે "ભારતીય સેના યોગ્ય રીતે તેનો જવાબ આપી રહી છે."

  8. ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં મિસાઇલથી હુમલો કર્યો

    ભારત સરકારે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, ભારતીય સેનાએ 'ઑપરેશન સિંદૂર' શરૂ કર્યું છે.

    ભારત સરકારે પોતાના નિવેદનમાં કહ્યું છે, "આ ઑપરેશનમાં પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકી માળખાંને નિશાન બનાવાયાં છે, જ્યાંથી ભારત પર આતંકી હુમલાની યોજના બનાવાઈ હતી અને તેને પાર પડાઈ હતી."

    નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે "કુલ નવ સ્થળોને નિશાન બનાવાયાં છે."

    પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે ભારતીય હુમલામાં બે બાળકો સહિત સાત લોકોનાં મોત થયાં છે.

    બીજી તરફ પાકિસ્તાનની સરકારી ટીવીએ પાકિસ્તાનની સેનાના પ્રવક્તાને ટાંકીને જણાવ્યું છે કે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ત્રણ સ્થળો પર મિસાઇલોથી હુમલો કર્યો છે.

    સમાચાર એજન્સી રૉઇટર્સ અનુસાર, પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં ભીષણ ગોળીબાર અને મોટા ધડાકાના અહેવાલો પણ મળી રહ્યા છે.

    ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર થયેલા હુમલા બાદ ખૂબ જ તણાવપૂર્ણ થઈ ગયા છે. એ હુમલામાં 26 લોકોનાં મોત થયાં હતાં.