તુર્કી : કોલસાની ખાણમાં વિસ્ફોટ, મૃતકોની સંખ્યા 40થી વધુ થઈ

    • લેેખક, મર્લિન થૉમસ અને એલ્સા મૅશમેન
    • પદ, બીબીસી ન્યૂઝ
  • પ્રકાશિત
  • તુર્કીમાં 2014 બાદ બીજી ભયાનક ખાણ દુર્ઘટના
  • કોલસાની ખાણમાં વિસ્ફોટ થતાં 41 કામદારોનાં મૃત્યુ
  • હજી પણ સેંકડો કામદારો ખાણમાં ફસાયેલા
  • જમીનથી 300 મીટર નીચે થયો હતો વિસ્ફોટ

તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆને કહ્યું છે કે દેશના ઉત્તરમાં આવેલી કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 41 થઈ છે. બચાવકર્તાઓએ અંતિમ મૃતદેહને બહાર કાઢી લીધો છે.

રાષ્ટ્રપતિ અર્દોઆને બ્લૅક સીના તટ પર વસેલાં અમાસરા શહેરમાં ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમની સાથે સરકારના મહત્ત્વપૂર્ણ મંત્રીઓ અને અધિકારીઓ પણ સામેલ હતા.

તુર્કીના સ્વાસ્થ્યમંત્રી ફહાર્ટિન કોકાએ કહ્યું કે 11 લોકોને બચાવીને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

સમગ્ર રાત્રિ દરમિયાન રૅસ્ક્યૂ ઑપરેશન ચાલું રહ્યું હતું. બચાવકર્મીઓએ ખડકો ખોદીને ફસાયેલા કામદારોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

વીડિયો ફૂટેજ પરથી અંદાજ આવે છે કે કાળા સમુદ્રના તટ પર અમાસરામાં આવેલી આ ખાણમાંથી બચાવકર્મીઓ ઇજાગ્રસ્ત કામદારોને બહાર કાઢી રહ્યા છે.

ગુમ થયેલા લોકોના પરિવારજનો અને મિત્રો પોતાના સ્વજન વિશે માહિતી મેળવવા ખાણની આસપાસ એકઠાં થયેલા જોવા મળે છે.

કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ અંદાજે જમીનથી 300 મીટર નીચે થયો હતો. ગૃહમંત્રી સુલેમાન સોયલૂએ ઘટનાસ્થળ પર હાજર પત્રકારોને કહ્યું, "અંદાજે 49 લોકો 400થી 350 મીટર વચ્ચેના 'જોખમી' ક્ષેત્રમાં કામ કરી રહ્યા હતા. આ લોકોને બહાર કાઢી શકાયા નથી."

વિસ્ફોટ થવા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી. જોકે, સ્થાનિક અધિકારીઓએ તપાસ શરૂ કરી દીધી છે.

'કંઈ ખ્યાલ જ ન આવ્યો કે શું થયું'

તુર્કીના ઉર્જામંત્રીએ કહ્યું કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટ ફાયરડૅમ્પના કારણે થયો હતો, જે કોલસાની ખાણમાં મળી આવતા ઝેરી વાયુ મિથેનનું એક જ્વલનશીલ મિશ્રણ છે.

તેમણે કહ્યું, "અમે ખુબ જ ખેદજનક સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ખાણની અંદરનો કેટલોક ભાગ તૂટી ગયો છે. વિસ્ફોટ બાદ આગ લાગી ન હતી અને વૅન્ટિલેશન પણ યોગ્ય રીતે ચાલી રહ્યું હતું."

અમાસરાના મેયર રેકાઈ કાકિકે કહ્યું કે બચેલા કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વિસ્ફોટ બાદ જાતે બચીને બહાર આવેલા એક કામદારે કહ્યું, "ધૂળ અને ધુમાડાના કારણે કંઈ ખ્યાલ જ ન આવ્યો કે શું થયું."

આ ખાણ રાજ્ય સરકારની કંપની 'તુર્કી હાર્ડ કોલ ઍન્ટરપ્રાઇઝ'ની છે.

તુર્કીમાં 2014માં સૌથી મોટી ખાણ દુર્ઘટના સર્જાઈ હતી. જ્યારે પશ્ચિમમાં આવેલા શહેર સોમામાં વિસ્ફોટથી 301 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો