બાંગ્લાદેશના નડાઇલમાં હિંદુઓ પર કેમ, કેવી રીતે થયો હુમલો - ગ્રાઉન્ડ રિપોર્ટ

બાંગ્લાદેશના નડાઇલ જિલ્લામાં ફેસબુક પર ધાર્મિક અવમાનનાની કથિત પોસ્ટના આરોપમાં લોહાગઢ ઉપજિલ્લાના એક ગામમાં હિંદુ સંપ્રદાયનાં ઘરો અને મંદિર પર હુમલા અને આગચંપીની ઘટના

ઇમેજ સ્રોત, DIPANKAR ROY

ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેશના નડાઇલ જિલ્લામાં ફેસબુક પર ધાર્મિક અવમાનનાની કથિત પોસ્ટના આરોપમાં લોહાગઢ ઉપજિલ્લાના એક ગામમાં હિંદુ સંપ્રદાયનાં ઘરો અને મંદિર પર હુમલા અને આગચંપીની ઘટના
    • લેેખક, કાદિર કલ્લોલ
    • પદ, બીબીસી બાંગ્લા સેવા, ઢાકાથી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ
લાઇન
  • બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાની ઘટના બાદ નડાઇલ જિલ્લામાં તંગદિલી સર્જાઈ
  • સાંપ્રદાયિક હુમલા માટે કથિત ઇસ્લામવિરોધી ફેસબુક પોસ્ટને જવાબદાર ગણાવાઈ હતી
  • હિંસાનો ભોગ બનેલા લોકોનું કહેવુ છે કે હુમલો આયોજિત હોઈ શકે, હુમલાખોરો અલ્લાહ- ઉ- અકબર અને હિંદુઓને મારો જેવા નારા લગાવી રહ્યા હતા
લાઇન

બાંગ્લાદેશના નડાઇલ જિલ્લામાં ફેસબુક પર ધાર્મિક અવમાનનાની કથિત પોસ્ટના આરોપમાં લોહાગઢ ઉપજિલ્લાના એક ગામમાં હિંદુ સંપ્રદાયનાં ઘરો અને મંદિર પર હુમલા અને આગચંપીની ઘટનાના બે દિવસ બાદ, પાંચ સંદિગ્ધ આરોપીઓની ધરપકડ કરાઈ છે.

ગામમાં હિંદુ પરિવાર હજુ પણ આતંકમાં દિવસો પસાર કરી રહ્યા છે.

પરંતુ સાંપ્રદાયિક હુમલાની આટલી મોટી ઘટના પાછળ શું માત્ર એક ફેસબુક પોસ્ટ છે કે પછી રાજકીય કે બીજાં કારણો જવાબદાર હોઈ શકે છે, આ પ્રશ્નો પર ચર્ચા ચાલુ છે.

નડાઇલના અવામી લીગ સાંસદ અને બાંગ્લાદેશના રાષ્ટ્રીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર મશરફે બિન મુર્તજાએ કહ્યું છે કે, "સનાતન ધર્માવલંબીઓ પર હુમલાથી આ સંપ્રદાય માટે જ નહીં પરંતુ મારા માટે પણ મુશ્કેલો સર્જાઈ છે."

પાછલા શુક્રવારે નડાઇલના લોહાગઢ ઉપજિલ્લાના જે દીઘલિયા ગામમાં સાંપ્રદાયિક હુમલાની ઘટના બની તે હિંદુ બહુમતીવાળું છે.

સ્થાનિક યુનિયન પરિષદનાં એક ભૂતપૂર્વ સદસ્ય બ્યૂટી રાની મંડલે જણાવ્યું કે ગામમાં મુસ્લિમોનાં લગભગ 15 ઘરો છે. પરંતુ 110 હિંદુ પરિવાર ત્યાં રહે છે. તેમનું કહેવું છે કે હિંદુ સમુદાયના લોકો ઘણી પેઢીઓથી ગામમાં રહી રહ્યા છે. પરંતુ પહેલીવાર તેમના પર આવો હુમલો થયો છે.

હવે સુરક્ષાદળોની તહેનાતી છતાં એ લોકોમાં ભય અને આંતક સાથે જ ભરોસાનું સંકટ પણ પેદા થયું છે.

line

સુનિયોજિત ઘટના?

15 જુલાઈના રોજ થયેલ હિંસાના વિરોધમાં ઢાકામાં 18 જુલાઈના રોજ પ્રદર્શન થયું, આ પ્રદર્શનમાં તમામ સમુદાયોના લોકોએ ભાગ લીધો

ઇમેજ સ્રોત, MONIRUL ALAM/EPA-EFE/REX/SHUTTERSTOCK

ઇમેજ કૅપ્શન, 15 જુલાઈના રોજ થયેલ હિંસાના વિરોધમાં ઢાકામાં 18 જુલાઈના રોજ પ્રદર્શન થયું, આ પ્રદર્શનમાં તમામ સમુદાયોના લોકોએ ભાગ લીધો

બ્યૂટી રાની મંડલ કહે છે કે, "હુમલા બાદ મહિલાઓ, બાળકો અને યુવકો ઘરોમાં રહી નથી રહ્યાં. એ લોકો બીજા વિસ્તારોમાં તેમના સંબંધીઓ સાથે રહેવા જતાં રહ્યાં છે. હાલ માત્ર વૃદ્ધો જ ગામમાં રહી રહ્યા છે."

તેમનું કહેવું છે કે જ્યાં લોકો લાંબાગાળાથી સાંપ્રદાયિક સદ્ભાવ સાથે રહેતા આવ્યા છે ત્યાં માત્ર એક ફેસબુક પોસ્ટના કારણે હુમલાની આવી ઘટના ન થઈ શકે. તેમના મતાનુસાર ધર્મનો ઉપયોગ કરીને સુનિયોજિત રીતે આ ઘટનાને અંજામ અપાયો છે.

તેમણે કહ્યું, "શુક્રવારે સાંજે એવી અફવા ફેલાવવામાં આવી કે એક યુવકે પોતાની ફેસબુક પોસ્ટ દ્વારા ઇસ્લામનું અપમાન કર્યું છે. તેની પુષ્ટિ કે તેના વિરુદ્ધ કાર્યવાહીની કોઈ તક આપ્યા વિના જ સાંજે હુમલો કરી દેવાયો."

"શુક્રવારે સાંજે ફેસબુક પોસ્ટ દ્વારા ઇસ્લામ ધર્મના અપમાનની અફવા ફેલાવવામાં આવી. તેની થોડી વાર બાદ જ સાત-આઠ સો લોકોએ આવીને હુમલો કરી દીધો. હુમલાખોરોમાં યુવકો અને મદરસાના છાત્રો સિવાય પુખ્ત વયના લોકો પણ સામેલ હતા."

તેમણે જણાવ્યું કે હુમલાખોરો અલ્લાહ-ઉ-અકબરના નારા લગાવી રહ્યા હતા. આ સિવાય ભીડ 'હિંદુઓને મારો' જેવા નારા પોકારી રહી હતી.

જોકે નડાઇલના જિલ્લા પ્રશાસક મોહમ્મદ હબીબુર્રહમાનનું કહેવું છે કે, "સુરક્ષાદળોએ લાઠીચાર્જ સિવાય ટિયરગૅસ છોડીને હુમલાખોરોને વેરવિખેર કરી દીધા હતા. સ્થળ પરથી ભાગતી વખતે હુમલાખોરોએ અમુક જગ્યાઓએ તોડફોડ કરી હતી."

line

લોકોનાં મનમાં ઘણા સવાલ છે

પરંતુ હુમલાની આ ઘટનાએ ઘણા સવાલ પેદા કર્યા છે. રાજકીય વિસ્તારોમાં આ મુદ્દા પર ચર્ચા ચાલી રહી છે. ઘણાને લાગે છે કે ધર્મનો ઉપયોગ કરીને આ ઘટનાને અંજામ અપાયો છે.

લોહાગઢ ઉપજિલ્લા અને નડાઇલ સદરના એક વિસ્તારના સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર મશરફે મુર્તજાએ આ હુમલા પર ટિપ્પણી કરતાં ફેસબુક પોસ્ટ પર લખ્યું છે. તેમણે લખ્યું છે કે જો કોઈ તેમના પર હુમલો કરવા માગે છે તો પાછળથી હુમલો કરવાના સ્થાને સામે આવીને લડાઈ કરે.

જોકે, ઘણા લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે મુર્તજા આખરે આવી ટિપ્પ્ણી વડે શો સંકેત આપવા માગતા હતા? પરંતુ મશરફે આને એક ભૂલ ગણાવે છે.

મુર્તજાએ બીબીસીને જણાવ્યું કે, "નડાઇલમાં પહેલાં આવી સમસ્યાઓ ક્યારેય નથી સર્જાઈ. પરંતુ હવે આવી ઘટનાઓ વારંવાર થઈ રહી છે. હું આનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું. તેમાં કોઈ સંકેત આપવાનો સવાલ નથી."

તેઓ કહે છે કે એ વાતની ખબર પડે એ જરૂરી છે કે કયા સમૂહે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

નડાઇલમાં પહેલાં એક શિક્ષકને જૂતાંની માળા પહેરાવીને અપમાનિત કરવાની ઘટનાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું, "કોઈ મને નિશાન બનાવીને મુશ્કેલીમાં ફસાવવાના પ્રયાસ કરી રહ્યો છે."

પરંતુ મુર્તજાએ એ સ્પષ્ટ ન કર્યું કે એ કોણ હોઈ શકે છે. પૂર્વ ક્રિકેટરનું કહેવું છે કે, કોણ કરી રહ્યું છે, તેની તપાસ કરવી પડશે. જે ઘટનાઓ બની રહી છે તેને હું મારી ફેસબુક પોસ્ટ થકી સામે લાવી રહ્યો છું.

તેમણે કહ્યું, "આ ઘટનાઓનો ઉલ્લેખ કરતાં હું એ પણ કહી રહ્યો છું કે તમે લોકો ધાર્મિક મામલે મારા પર હુમલા ન કરો. જો હું તમારા નિશાન પર હોઉં તો મારા પર સીધો હુમલો કરો."

ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે ક્યાંક આ ઘટના સ્થાનિક સત્તાધારી પાર્ટીમાં આંતરિક વિવાદનું પરિણામ તો નથી?

પરંતુ નડાઇલ જિલ્લા અવામી લીગ અધ્યક્ષ સુભાષ બોઝે પોતાની પાર્ટીમાં આંતરિક કલહ હોવાના આરોપનો ઇનકાર કર્યો છે. તેઓ કહે છે કે, "અમારી પાર્ટીમાં કોઈ દ્વંદ્વ નથી. અમારી પાર્ટી કોઈ પણ સ્થિતિમાં સાંપ્રદાયિક હુમલા જેવી ઘટનાને અંજામ ન આપી શકે અને આ ઘટનામાં પણ અમારો કોઈ હાથ નથી."

line

પહેલાંની ઘટનાઓની જેમ એક જ પૅટર્ન મુજબ હુમલો?

બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં આ વર્ષે માર્ચમાં એક ઉત્તેજિત ભીડે કથિતપણે એક હિંદુ મંદિર પર હુમલો કર્યો અને મંદિરની ચાર દીવાલના એક ભાગને તોડી નાખ્યો

ઇમેજ સ્રોત, RADHAKANTA TEMPLE

ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં આ વર્ષે માર્ચમાં એક ઉત્તેજિત ભીડે કથિતપણે એક હિંદુ મંદિર પર હુમલો કર્યો અને મંદિરની ચાર દીવાલના એક ભાગને તોડી નાખ્યો

વિશ્લેષકોનું કહેવું છે કે સત્તાધારી પાર્ટી અન સરકારની નાકામીના કારણે દેશના વિભિન્ન વિસ્તારોમાં સાંપ્રદાયિક હુમલાની ઘટનાઓ બની રહી છે.

લેખક મોહિઉદ્દીન અહમદે કહ્યું, "દેશના વિભિન્ન વિસ્તારોમાં આ પહેલાં સાંપ્રદાયિક હુમલાની ઘટનાઓ અને નડાઇલના હુમલાની ઘટનામાં ઘણી સમાનતા છે. નડાઇલની ઘટના પણ એ જ પૅટર્ન પ્રમાણે બની છે."

તેમનું કહેવું હતું કે પહેલાંની ઘટનાઓમાં પણ ફેસબુક પર ધર્મની અવમાનનાના આરોપ લાગ્યા બાદ હિંદુઓનાં ઘરો અને મંદિરો પર હુમલા કરાયા હતા. નડાઇલની ઘટનાને પણ બરાબર એ જ પ્રમાણે અંજામ અપાયો છે.

તેમના મતાનુસાર પહેલાંની ઘટનાઓ મામલે સરકાર ઉચિત કાર્યવાહી ન કરી શકી. મોહિઉદ્દીન માને છે કે સત્તાધારી પાર્ટી કે સરકારના ટેકા વગર કોઈ દેશમાં સાંપ્રદાયિક હુમલાની ઘટના નથી થઈ શકતી.

આ દરમિયાન, નડાઇલ જિલ્લા પ્રશાસક હબીબુર્રહમાને જણાવ્યું કે તપાસસમિતિ એ વાતની તપાસ કરી રહી છે કે આ ઘટના પાછળ કોઈ સાજિશ કે બીજું કોઈ કારણ છે કે કેમ.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ