કાબુલ : અફઘાનિસ્તાનમાં પ્રખ્યાત ગુરુદ્વારા પર હુમલો, 2નાં મોત

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના પ્રખ્યાત ગુરુદ્વારા કરતે પરવાનના પરિસરમાં શનિવારે સવારે ચરમપંથી હુમલો થયો છે.

જેમાં અધિકારીઓના કહેવા અનુસાર, એક નાગરિક અને એક તાલીબાન સુરક્ષાકર્મીનું મોત થયું છે અને અન્ય સાત લોકો ઘાયલ થયા છે.

તેમણે જણાવ્યું હતું કે કાબુલ પોલીસના પ્રવક્તા ખાલિદ ઝદરાને જણાવ્યું હતું કે હુમલો સમાપ્ત થઈ ગયો છે અને હુમલાખોરો માર્યા ગયા છે.

હુમલો શનિવારે સવારે થયો હતો. અગાઉ, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ નફી ટકૂરે બીબીસીને જણાવ્યું હતું કે ગુરુદ્વારાની બહાર ઘણા વિસ્ફોટ થયા હતા, ત્યારબાદ ઘણા સશસ્ત્ર ઉગ્રવાદીઓ ગુરુદ્વારા સંકુલની અંદર ઘુસી ગયા હતા.

ગુરુદ્વારાના સ્થાનિક અધિકારી ગુરનામસિંહે ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું કે બ્લાસ્ટ સમયે ગુરુદ્વારાની અંદર લગભગ 30 લોકો હાજર હતા. તેમણે કહ્યું, "કેટલા લોકો જીવિત કે માર્યા ગયા છે તેની અમને ખબર નથી. તાલિબાનના લોકો અમને અંદર દેતા નથી."

આ ગુરુદ્વારા અફઘાનિસ્તાનમાં બાકી રહેલું છેલ્લું ગુરુદ્વારા છે. અફઘાનિસ્તાનમાં શીખ સમુદાયના લોકોએ તાજેતરમાં જણાવ્યું હતું કે ત્યાં હાલ ફક્ત 140 શીખો જ બચ્યા છે, જ્યારે 1970ના દાયકામાં ત્યાં લગભગ એક લાખ શીખ રહેતા હતા.

ભારત સરકારે કાબુલમાં ગુરુદ્વારા પર હુમલાની નિંદા કરી છે અને કહ્યું છે કે ઘટના પર નજર રાખવામાં આવી રહી છે.

કેવી રીતે હુમલો થયો

અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ નફી ટકૂરે જણાવ્યું હતું કે હુમલો સ્થાનિક સમય અનુસાર સવારે સાડા છ વાગ્યે થયો હતો.

ટકુરે કહ્યું કે, હુમલાખોરોએ કરાતે પરવાન સંકુલમાં પ્રવેશતા પહેલા ત્યાં હાજર ગાર્ડ્સ પર હેન્ડ ગ્રેનેડથી હુમલો કર્યો હતો, જેના કારણે આગ ફાટી નીકળી અને બે લોકો ઘાયલ થયા હતા જેમને સુરક્ષિત રીતે બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

પ્રવક્તાએ કહ્યું કે હુમલાખોરો ભીડભાડવાળી જગ્યાએ કાર બૉમ્બ વિસ્ફોટ પણ કરવા માંગતા હતા.

તેમના કહેવા મુજબ, "ધર્મ અને દેશના દુશ્મનો ભીડભાડવાળી જગ્યા પર હુમલો કરવા માંગતા હતા પરંતુ તેઓ તેમના લક્ષ્ય સુધી પહોંચી શક્યા નહીં અને તે પહેલા જ કારને ઉડાવી દીધી હતી."

ટકૂરે કહ્યું કે હુમલાખોરોને ગુરુદ્વારામાં ઘેરી લેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જ સમગ્ર પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવામાં આવશે અને વિસ્તારને સામાન્ય સ્થિતિમાં લાવવામાં આવશે.

અફઘાનિસ્તાનની ન્યૂઝ ચેનલ ટોલો ન્યૂઝે આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે જેમાં વિસ્ફોટકોનો અવાજ સ્પષ્ટ રીતે સાંભળી શકાય છે.

કેટલાક સાક્ષીઓએ જણાવ્યું કે એક પછી એક અનેક વિસ્ફોટો સંભળાયા. વિસ્ફોટોના ધુમાડાથી આકાશ છવાઈ ગયું હતું.

ત્યારબાદ અફઘાન સુરક્ષા દળોએ પણ ચેતવણીના પગલા લેતા અનેક ગોળીઓ ચલાવી હતી. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને પોતાના નિયંત્રણમાં લઈ લીધો છે.

ભારત સરકારની પ્રતિક્રિયા

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને હુમલાની નિંદા કરી છે. તેમણે લખ્યું, "ગુરુદ્વારા કરાતે પરવાન પરના કાયરતાપૂર્ણ હુમલાની સખત શબ્દોમાં નિંદા થવી જોઈએ. હુમલા બાદ ઘટનાક્રમ પર નજર રાખવામાં આવી રહી છે. અમે લોકોની સલામતીને લઈને ચિંતિત છીએ."

ભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ અંગે એક નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું છે કે, "ભારત આ સ્થિતિ પર નજર રાખી રહ્યો છે અને વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે."

ભાજપ નેતા મનજિંદરસિંહ સિરસાએ પણ ટ્વીટ કર્યું છે. તેમણે દાવો કર્યો કે અફઘાન સૈનિકોએ કાબુલમાં બે ઉગ્રવાદીઓને ઠાર માર્યા છે. આ ઑપરેશનમાં ત્રણ સૈનિકો પણ ઘાયલ થયા છે.

તાલિબાનોના નિયંત્રણ બાદ હુમલામાં વધારો થયો છે - અફઘાન રાજદૂત

કાબુલમાં હુમલાના એક દિવસ પહેલા ભારતમાં અફઘાનિસ્તાનના પૂર્વ રાજદૂત ફરીદ મામુંદઝે કહ્યું હતું કે જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ નિયંત્રણ મેળવ્યું છે ત્યારથી દેશમાં ઉગ્રવાદી હુમલાઓમાં વધારો થયો છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, અફઘાનિસ્તાનના રાજદૂતે શુક્રવારે કહ્યું કે અફઘાનિસ્તાનના લોકો છેલ્લા કેટલાક વર્ષોના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. દેશ આર્થિક, રાજકીય અને સુરક્ષા સંકટનો સામનો કરી રહ્યો છે.

અફઘાનિસ્તાનમાં અગાઉની અશરફ ગની સરકાર દરમિયાન રાજદૂત ફરીદ મામુંદઝેને ભારતમાં રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું, "ગત વર્ષે ઑગસ્ટમાં સત્તા પરિવર્તનથી દેશમાં એક જટિલ માનવતાવાદી સંકટ, સુરક્ષા સંકટ અને રાજકીય સંકટ પેદા થયું છે. વર્તમાન પેઢી તેના અત્યાર સુધીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે."

તેમણે તાલિબાન સરકાર પર અનેક ઉગ્રવાદી સંગઠનો સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો છે.

ફરીદે દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેના હટાવી લેવાઈ અને તાલિબાનનું સત્તા પર નિયંત્રણ બાદ દેશમાં ઉગ્રવાદી પ્રવૃત્તિઓમાં વધારો થયો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો