અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ઍરસ્ટ્રાઇક, ઓછામાં ઓછા 47 લોકોનાં મૃત્યુ

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

પૂર્વ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન ઍરસ્ટ્રાઇક કરી રહ્યું છે. સમાચાર સંસ્થા એએફપીના રિપોર્ટ પ્રમાણે અધિકારીઓનું કહેવું છે કે અફઘાનિસ્તાનના ખોશ્ત અને કુનારમાં આ હુમલાના કારણે ઓછામાં ઓછા 47 લોકોનાં મૃત્યુ થયાં છે.

ખોશ્તના અધિકારી શબીર અહમદ ઉસ્માનીએ કહ્યું કે પાકિસ્તાનની ઍરસ્ટ્રાઇકમાં 41 સામાન્ય નાગરિકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 22 લોકોને ઈજા થઈ છે.

તેમના કહેવા પ્રમાણે મૃતકો પૈકી મોટાભાગનાં બાળકો અને સ્ત્રીઓ છે.

ખોશ્તના અન્ય બે અધિકારીઓએ પણ મૃતકોની સંખ્યા અંગે ખરાઈ કરી છે.

અફઘાનિસ્તાનના અન્ય એક અધિકારીએ કહ્યું કે કુનાર પ્રાંતમાં 6 લોકોનાં મૃત્યુ થયાં છે.

પાકિસ્તાને શું કહ્યું?

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે પાકિસ્તાનની અંદર 'આતંક' ફેલાવવા માટે અફઘાનિસ્તાનનો ઉપયોગ થઈ રહ્યો છે.

મંત્રાલયનું કહેવું છે કે છેલ્લા થોડા મહિનામાં પાકિસ્તાને વારંવાર અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને પાક-અફઘાન સરહદના વિસ્તારને સુરક્ષિત કરવા કહ્યું હતું.

આ પહેલાં અફઘાનિસ્તાનમાં તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે આરોપ મૂક્યો હતો કે પાકિસ્તાની સૈન્ય જેટ વિમાનોએ શનિવારે સવારે અફઘાનિસ્તાનમાં હુમલા કર્યા હતા, જેના પગલે ઘણું નુકસાન થયું હતું.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના નિવેદન પ્રમાણે પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) સહિત અન્ય ઉગ્રવાદી સંગઠન પાકિસ્તાનની સરહદ પર હુમલા કરતાં રહ્યાં છે.

જેમાં અનેક પાકિસ્તાની સૈનિકોનાં મૃત્યુ થયાંનો પણ પાકિસ્તાન દાવો કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો