ઇમરાન ખાન વડા પ્રધાન નહીં પણ કાર્યવાહક PMની પસંદગી ન થાય, ત્યાં સુધી પદ સંભાળશે

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે, પાકિસ્તાનમાં કાર્યવાહક વડા પ્રધાનની નિયુક્તિ ન થાય ત્યાં સુધી ઇમરાન ખાન જ વડા પ્રધાનપદ સંભાળશે. રવિવારે રાત્રે રાષ્ટ્રપતિ દ્વારા દેશની સંસદભંગ કરવામાં આવી એ બાદ ઇમરાન ખાન સત્તાવાર રીતે વડા પ્રધાન રહ્યા નથી.

ઇમરાન ખાને જ રવિવારે બપોરે રાષ્ટ્રપતિને બંધારણના અનુચ્છેદ 58 (1) અંતર્ગત સંસદભંગ કરવા અપીલ કરી હતી.

જયાર બાદ મોડી રાત્રે ઇમરાન ખાનના રાજનૈતિક સંચાર મામલાના સલાહકાર શાહબાઝ ગિલે એક ટ્વીટમાં કૅબિનેટ ડિવિઝનનું નૉટિફિકેશન જારી કર્યું હતું.

હવે પાકિસ્તાનમાં કાર્યવાહક વડા પ્રધાનની નિયુક્તિ બંધારણના અનુચ્છેદ 224 એ (4) અંતર્ગત થશે અને જ્યાં સુધી આ કાર્યવાહી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ઇમરાન ખાન જ વડા પ્રધાન તરીકે જવાબદારી નિભાવશે.

સુપ્રીમ કોર્ટમાં સોમવારે થશે સુનવણી

પાકિસ્તાનના ટોચની સમાચાર સંસ્થા ડૉનનાં એક અહેવાલ અનુસાર પાકિસ્તાનના સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ઉમર અતા બંદિયાલે રવિવારે પાકિસ્તાનમાં હાલમાં જારી રાજકીય વાદવિવાદના મામલાની સુનાવણી બાદ કહ્યું હતું કે વડા પ્રધાન ઇમરાન ખાન અને રાષ્ટ્રપતિ દ્વારા નેશનલ ઍસેમ્બ્લીના વિસર્જન અંગેના હુકમ કોર્ટના હુકમને આધીન રહેશે.

અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનની જગ્યાએ પાકિસ્તાનની નેશનલ ઍસેમ્બલીમાં પ્રસ્તાવને ગેરબંધારણીય ઠેરવી દેવાયા બાદ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ઍસેમ્બ્લી ભંગ કરવાની ભલામણ કરી હતી. જેને રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગઈ હતી.

જોકે તેના થોડાક જ વખત બાદ સમાચાર મળ્યા કે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલે સ્વસંજ્ઞાન લીધું હતું અને મામલાની સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો.

આ સમગ્ર મામલાની સુનાવણી પાકિસ્તાનના ચીફ જસ્ટિસ બંદિયાલ, જસ્ટિસ ઇજાઝુલ અહેસાન અને જસ્ટિસ મોહમ્મદ અલી મઝહરની ખંડપીઠે કરી હતી.

બેન્ચે સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખી છે.

બંધારણનો એ અનુચ્છેદ, જેના કારણે સંસદભંગ થઈ

ઇમરાન ખાન સરકાર સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ મતદાન પહેલાં જ નેશનલ ઍસેમ્બલીના ડેપ્યુટી સ્પીકરે ગેરબંધારણીય ગણાવીને ફગાવી દીધો હતો. જ્યાર બાદ ઇમરાન ખાને રાષ્ટ્રપતિ સમક્ષ સંસદભંગનો પ્રસ્તાવ મૂક્યો હતો.

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલવીએ વડા પ્રધાન ઇમરાન ખાનના પ્રસ્તાવ પર નેશનલ ઍસેમ્બલીને ભંગ કરવાની મંજૂરી આપી હતી.

રાષ્ટ્રપતિ દ્વારા જારી કરાયેલી પ્રેસ-રિલીઝ અનુસાર, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલવીએ આ મંજૂરી બંધારણના અનુચ્છેદ 58 (1) અંતર્ગત આપી હતી.

પાકિસ્તાની બંધારણના અનુચ્છેદ 58 અનુસાર, જો વડા પ્રધાન રાષ્ટ્રપતિને નેશનલ ઍસેમ્બલી ભંગ કરવાની સલાહ આપે છે તો રાષ્ટ્રપતિએ આ સલાહ માનવી પડે છે.

રાષ્ટ્રપતિએ વડા પ્રધાન તરફથી સલાહ આપ્યાના 48 કલાક બાદ સંસદ ભંગ માનવામાં આવશે.

ઇસ્લામાબાદમાં કલમ 144, સ્પીકર વિરુદ્ધ પણ અવિશ્વાસ પ્રસ્તાવ

પાકિસ્તાનમાં પીએમ ઇમરાન ખાન સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પહેલાં ઇસ્લામાબાદમાં કલમ 144 લાગુ કરાઈ દેવાઈ હતી.

સુરક્ષા અધિકારીઓ પ્રમાણે ઇસ્લામાબાદ પોલીસ, પંજાબ પોલીસ, રેન્જર્સ અને ટ્રાફિક પોલીસ સમગ્ર શહેરમાં હાજર છે.

એક અધિકારીએ જણાવ્યું કે "અમને કહેવામાં આવ્યું છે કે લોકોના એકઠા થવા પર અને વિરોધપ્રદર્શનની મંજૂરી નથી."

પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતા મરિયમ ઔરંગઝેબે 174 સાંસદોની યાદી જાહેર કરી હતી અને તેમનો દાવો છે કે આ સાંસદો ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવમાં તેમની સાથે છે.

સત્તામાં રહેવા માટે ઇમરાન ખાનની સરકારને ઓછામાં ઓછા 172 સાંસદોનું સમર્થન જોઈતું હતું. જ્યારે વિપક્ષને અવિશ્વાસ પ્રસ્તાવ મંજૂર કરાવવા માટે પણ 172 સાંસદોના સમર્થનની જરૂર હતી.

જોકે, વિપક્ષે નેશનલ ઍસેમ્બલીના સ્પીકર અસદ કૈસર વિરુદ્ધ પણ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો.

નિયમો અનુસાર, જો નેશનલ ઍસેમ્બલીના સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરાય તો તેઓ સત્ર બોલાવી કે સ્થગિત કરી શકતા નથી.

જેથી અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન માટેનું સત્ર ડૅપ્યુટી સ્પીકર કાસિમખાન સૂરીની અધ્યક્ષતામાં યોજાયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો