મહારાણી એલિઝાબેથ હવે નહીં રહે બારબાડોસનાં મહારાણી
કૅરેબિયન દેશ બારબાડોસે સોમવારે રાત્રે બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયનો રાષ્ટ્રનાં પ્રમુખ તરીકે ત્યાગ કર્યો છે અને પોતાને એક નવો પ્રજાસત્તાક દેશ જાહેર કર્યો છે.

ઇમેજ સ્રોત, PA MEDIA
બારબાડોસે આ સાથે અંદાજે 400 વર્ષ જૂના વસાહત તરીકેના સંબંધોને સમાપ્ત કર્યા અને દેશમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિપદની શપથ અપાવવામાં આવ્યા.
આ કૅરેબિયન દ્વીપ પર પ્રથમ અંગ્રેજી જહાજ 400 વર્ષ પહેલાં પહોંચ્યું હતું.
સમાચાર એજન્સી રૉયટર્સના અહેવાલ અનુસાર, રાજધાની બ્રિજટાઉનના ચૅમ્બરલેન બ્રિજ પર મધ્ય રાત્રિએ ઊમટેલી ભીડે નવા પ્રજાસત્તાક બનવાની ઉજવણી કરી હતી.
આ દરમિયાન હિરોઝ સ્ક્વેર પર 21 તોપોની સલામી આપવામાં આવી અને બારબાડોસનું રાષ્ટ્રીય ગીત ગાવામાં આવ્યું.
પ્રિન્સ ચાર્લ્સ રહ્યા ઉપસ્થિત

ઇમેજ સ્રોત, PA MEDIA
જ્યારે મહારાણી એલિઝાબેથને રાષ્ટ્રનાં પ્રમુખ તરીકે ત્યાગવામાં આવી રહ્યાં હતાં અને નવા બારબાડોસની જાહેરાત કરવામાં આવી રહી હતી ત્યારે બ્રિટિશતાજના વારસ પ્રિન્સ ચાર્લ્સ ત્યાં હાજર રહ્યા હતા.
બારબાડોસના આ પગલાએ હાલમાં પણ બ્રિટિશતાજ હેઠળના ભૂતપૂર્વ બ્રિટિશ દેશોને પણ વિચારવા પર મજબૂર કર્યા છે.
બારબાડોસનાં પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેનારાં સેંડ્રા મેસને કહ્યું કે, "આપણે પ્રજાસત્તાક બારબાડોસનો આત્મા અને તેના અસ્તિત્વને રજૂ કરવાં જોઈએ. આપણે એકબીજાના અને દેશના રખેવાળ છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પ્રસંગે હાજર રહેલા પ્રિન્સ ચાર્લ્સે પોતાનાં માતા મહારાણી એલિઝાબેથની શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું હતું કે, "આ ગણતંત્ર બનવું એ એક નવી શરૂઆત છે."
તેમણે વધુમાં કહ્યું કે, "આપણા ઇતિહાસના કાળા દિવસો અને ગુલામીનો ભયાનક અત્યાચાર હંમેશાં ઇતિહાસમાં એક ડાઘની જેમ રહેશે, પરંતુ આ દ્વીપના લોકોએ અસાધારણ દૃઢતા સાથે પોતાનો અલગ રસ્તો બનાવ્યો છે."
ગાયિકા રિહાના 'રાષ્ટ્રીય હીરો' ઘોષિત

ઇમેજ સ્રોત, PA Media
આ દરમિયાન બારબડિયન ડાન્સ અને સંગીતનું ખૂબ સરસ મિશ્રણ જોવા મળ્યું અને સંસ્થાનવાદની સમાપ્તિ પર ભાષણ પણ આપવામાં આવ્યાં.
વડા પ્રધાન મિયા મોટલીએ બારબડિયન ગાયિકા રિહાનાને 'રાષ્ટ્રીય હીરો' ઘોષિત કર્યાં હતાં.
બારબડોસને 55 વર્ષ પહેલા જ આઝાદી મળી ગઈ હતી, પરંતુ બ્રિટનનાં મહારાણી તેમનાં રાષ્ટ્રપ્રમુખ હતાં. ઇંગ્લૅન્ડ સાથે તેમના સંબંધ વર્ષ 1625થી શરૂ થયા હતા, જ્યારે કિંગ જેમ્સ પ્રથમનું જહાજ આ દ્વીપ પર પહોંચ્યું હતું.
બારબાડોસે ભલે મહારાણી એલિઝાબેથને રાષ્ટ્રનાં પ્રમુખ તરીકે ત્યાગી દીધાં છે, પરંતુ હજુ એવા 15 દેશો છે, જ્યાંનાં તેઓ મહારાણી છે. આ દેશોમાં બ્રિટન, ઑસ્ટ્રેલિયા, કૅનેડા અને જમૈકાનો સમાવેશ થાય છે.
ગુલામીના ઇતિહાસની ચર્ચા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
પ્રિન્સ ચાર્લ્સે પોતાના ભાષણમાં બન્ને દેશો વચ્ચે મિત્રતા જાળવી રાખવાની વાત પર ભાર મૂક્યો હતો. આ સાથે તેમણે ટ્રાન્સ-ઍટલાન્ટિક ગુલામોના વેપારના ભયાવહ ઇતિહાસને પણ યાદ કર્યો હતો.
બ્રિટને ગુલામીને ઇતિહાસનો પાપ ગણાવ્યો છે, પરંતુ બાર્બાડોસના કેટલાક લોકો બ્રિટન પાસેથી વળતરની પણ માગ કરી રહ્યા છે.
સામાજિક કાર્યકર્તા ડેવિડ ડેની દેશના પ્રજાસત્તાક બનવાની ઉજવણીમાં હાજર રહ્યા, પરંતુ તેમણે પ્રિન્સ ચાર્લ્સની ઉપસ્થિતિનો વિરોધ કર્યો હતો. તેમનું માનવું છે કે, શાહી પરિવારે વર્ષો સુધી ગુલામોના વેપારથી લાભ મેળવ્યો છે.
બ્રિજટાઉનમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં ડેનીએ કહ્યું કે," શાહી પરિવાર વળતર ચૂકવે તે માટે અમે આંદોલન ચાલુ રાખીશું."
અંગ્રેજો શરૂઆતમાં શ્વેત બ્રિટિશ લોકોને તમાકુ, કપાસ તેમજ ખાંડના ઉત્પાદન માટે મજૂરો તરીકે રાખતા હતા, પરંતુ થોડા જ દાયકામાં બારબાડોસ ઇંગ્લૅન્ડ માટે એક લાભકારી 'ગુલામ સમાજ' બની ગયું હતું.
બારબાડોસમાં વર્ષ 1627થી 1833 સુધીમાં આફ્રિકાથી અંદાજે છ લાખ ગુલામ લાવવામાં આવ્યા હતા. જેમની પાસેથી અંગ્રેજ માલિકો ખાંડનું ઉત્પાદન કરાવતા હતા.
ઍટલાન્ટિક ગુલામવેપારમાં યુરોપિયન દેશોએ 15મીથી 19મી સદી વચ્ચે એક કરોડથી વધુ આફ્રિકન લોકોનો ગુલામો સ્વરૂપે વેપાર કર્યો હતો.
બારબાડોસને શો ફેર પડશે?

ઇમેજ સ્રોત, PA Media
બારબાડોસ જોકે, કૉમનવેલ્થમાં એક પ્રજાસત્તાક દેશ તરીકે સામેલ રહેશે. કૉમનવેલ્થ એ 54 દેશોનું સંગઠન છે જેઓ ક્યારેક બ્રિટનનાં સંસ્થાન હતાં.
આ શાનદાર કાર્યક્રમથી અલગ કેટલાક બારબડિયનનું કહેવું છે કે તેમને એ વાતની સમજ નથી પડી રહી કે પ્રજાસત્તાકના સ્વરૂપમાં પરિવર્તનથી શું થશે અને તે કેટલું મહત્ત્વપૂર્ણ છે.
45 વર્ષીય સીન વિલિયમ્સ કહે છે કે તેમને સમજ નથી પડી રહી કે પ્રજાસત્તાક બનવાની શી આવશ્યકતા છે.
છેલ્લે મૉરિશિયસે મહારાણી એલિઝાબેથને પોતાનાં રાષ્ટ્રપ્રમુખ તરીકે ત્યાગ્યાં હતાં અને દેશને એક પ્રજાસત્તાક દેશ જાહેર કર્યો હતો.
બીબીસીનાં શાહી પરિવાર સંવાદદાતા ડેનિએલા રીલ્ફ કહે છે કે રાષ્ટ્રનાં પ્રમુખ હોવાના કારણે બારબાડોસમાં મહારાણીની વ્યાપક સ્તરે માત્ર સાંકેતિક ભૂમિકા હતી.
સરકારી ઇમારતોમાં તેમની તસવીરો હતી. બારબાડોસમાં ક્વીન એલિઝાબેથ હૉસ્પિટલ છે.
પોલીસ, ટપાલવિભાગના કર્મચારી અને જેલના અધિકારી પોતાની વરદી પર તાજનું બૅજ પહેરતાં હતાં જે હવેથી બદલાશે.
ડેનિએલા જણાવે છે કે પ્રજાસત્તાકવાદની ભાવના બારબાડોસમાં ઘણા સમયથી હતી. વડા પ્રધાન મિયા મોટલીએ આ અંગે જણાવ્યું કે આ દ્વીપ માટે એક તક છે કે તે પોતાની જાતને આત્મવિશ્વાસ સાથે રજૂ કરે.
બીબીસી સાથેના પોતાના ઇન્ટરવ્યૂમાં મોટલીએ કહ્યું હતું કે, "આ એ સમય છે જ્યારે અમારે અમારા સંસ્થાન તરીકેના ભૂતકાળને પાછળ મૂકવાની જરૂરિયાત છે."
તેમણે પોતાના લાંબા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સંસ્થાન તરીકેના વારસાને હઠાવી દેવાનો અર્થ 'વિરોધાત્મક કે પ્રતિરોધ' નથી.
તેમણે મહારાણી એલિઝાબેથ દ્વિતીય માટે પોતાના સન્માન વિશે વાત કરતાં કહ્યું કે હવે બ્રિટન સાથે એક નવા પ્રકારના સંબંધનો સમય છે, જ્યારે બંને દેશો એકબીજાના નિકટના સાથીદાર હશે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















