શ્રીલંકા સામે બટલરે જે સદી ફટકારી એ મૅચની સરખામણી ભારતની મૅચ સાથે કરાય તો?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

વર્તમાન ટી20 ક્રિકેટ વર્લ્ડકપમાં કોઈ ટીમ 100નો આંક વટાવે તો તેને સન્માનજનક સ્કોર કહેવો પડે તેવી સ્થિતિ છે ત્યારે ઇંગ્લૅન્ડના જૉઝ બટલરે સોમવારે શ્રીલંકા સામે એકલા હાથે સદી ફટકારી દીધી અને ટી20 વર્લ્ડકપમાં હીરો પુરવાર થઈ ગયા.

શ્રીલંકા સામેની મૅચમાં ઇંગ્લૅન્ડના વિજયની તો અપેક્ષા રખાતી હતી પરંતુ આ વખતે જે રીતે તમામ મૅચોમાં બૉલરો વર્ચસ્વ જમાવી રહ્યા છે તે જોતાં 163 રનનો સ્કોર અપેક્ષિત નહોતો તો કોઈ બૅટ્સમૅન સદી ફટકારે તેની તો કલ્પના જ કરી શકાય તેમ નહોતી.

જૉઝ બટલરે 67 બૉલમાં 101 રનની અણનમ ઇનિંગ્સ દરમિયાન ઘણું બધું પુરવાર કરી દીધું.

ઉલ્લેખનીય બાબત એ રહી કે પાવર પ્લેમાં 35 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હોવા છતાં ઇંગ્લૅન્ડે 163 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો.

આઈપીએલ બદલે વર્લ્ડકપને પ્રાથમિકતા

રવિવારની ભારતની મૅચ અને આ મૅચની એક સરખામણી કરવાની લાલચ થાય તેવા સંજોગો હતા.

ન્યૂઝીલૅન્ડ સામે આઠ ઓવર બાદ ભારતનો સ્કોર ત્રણ વિકેટે 41 હતો અને ત્યાર બાદની 12 ઓવરમાં વિરાટ કોહલીની ટીમે 69 રન ઉમેર્યા હતા.

આ તરફ આઠ ઓવર બાદ ઇંગ્લૅન્ડે પણ 41 રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી અને બાકી રહેલી 12 ઓવરમાં તેણે 112 રન ઉમેરી દીધા અને બદલામાં માત્ર એક જ વિકેટ આપી. અહીં રમત પ્રત્યેની કે ટુર્નામેન્ટ પ્રત્યેની પ્રતિબદ્ધતા જોવા મળી.

એક તરફ બાયૉ-બબલ અને વધુ પડતા ક્રિકેટની ફરિયાદ થઈ રહી છે ત્યારે જૉઝ બટલરે આઈપીએલમાં નહીં રમીને ટી20 વર્લ્ડકપને પ્રાધાન્ય આપીને બ્રેક લીધો જે આજે તેની ટીમને કામ લાગી રહ્યો છે.

ટી20 વર્લ્ડકપમાં આમેય સદીનો દુકાળ રહે છે તેવામાં 2021ની મેગા ઇવેન્ટમાં પ્રથમ સદીની સાથે બટલરે ટુર્નામેન્ટની પ્રથમ સદી પણ નોંધાવી.

આ અગાઉ ઇંગ્લૅન્ડ માટે પણ માત્ર એક જ સદી ઍલેક્સ હેલ્સે છેક 2014માં ફટકારી હતી. યોગાનુયોગે એ વખતે પણ હરીફ ટીમ શ્રીલંકાની જ હતી.

એ દિવસે હેલ્સ 64 બૉલ રમ્યા હતા તો સોમવારે બટલર 67 બૉલ રમ્યા, બાકી બંનેએ છ-છ સિક્સર ફટકારી હતી.

સેમિફાઇનલમાં સ્થાન પાક્કું?

જૉઝ બટલરને 50 રન માટે 45 બૉલ રમવા પડ્યા હતા અને તેમાં માત્ર એક જ સિક્સર હતી પરંતુ અડધી સદી બાદ તેઓ પૂરા ખીલ્યા હતા.

14મી ઓવરમાં 50 રન પૂરા કર્યા બાદ 15મી ઓવરે પાસું પલટી નાખ્યું. અગાઉ ઇનિંગ્સના પ્રારંભે લાહિરુ કુમારાની એક ઓવરમાં બે ચોગ્ગા ફટકારનારા બટલરે 15મી ઓવરમાં ફરીથી કુમારાને જ ટાર્ગેટ બનાવ્યા હતા.

આ વખતે તેમણે ત્રીજા બૉલે ડીપ ઍક્સ્ટ્રા કવર પર સિક્સર ફટકારી દીધી. બે દિવસ અગાઉ સાઉથ આફ્રિકાના ડૅવિડ મિલરે આ જ બૉલરને નિશાન બનાવ્યા હતા અને આજે બટલરનો વારો હતો.

ઓવરના છેલ્લા બૉલે તેમણે બૉલરના માથા ઉપરથી સિકસર ફટકારી દીધી. આ બૉલે ઇંગ્લૅન્ડના 100 રન પૂરા થયા.

કુમારાએ એ ઓવરમાં 22 રન આપી દીધા કેમ કે ઓવરના પહેલા બૉલે ઇઓન મૉર્ગને પણ સિકસર ફટકારી હતી.

કુમારા માટે જ નહીં પરંતુ શ્રીલંકા માટે પણ મૅચની આ સૌથી મોંઘી ઓવર પુરવાર થઈ અને એ વખતે જ મૅચ ઇંગ્લૅન્ડના હાથમાં આવી ગઈ હતી.

ત્યાર પછી શનાકાનો વારો હતો. 18મી ઓવરમાં આ ઝડપી બૉલર સામે બટલર વધારે આક્રમક બન્યા હતા.

બીજા અને ત્રીજા બૉલે સિક્સર ફટકાર્યા બાદ ચોથા બોલે શનાકાએ ભૂલ કરી.

આવા જોરદાર ફૉર્મમાં રમતા બૅટ્સમૅનને લૅગ સ્ટમ્પની બહાર પિચ કરતો બૉલ ફેંક્યો અને બીજી સેકન્ડે બૉલ ફાઇન લૅગ બાઉન્ડ્રીની બહાર પહોંચી ગયો. છેલ્લી પાંચ ઓવરમાં બટલરે પાંચ સિકસર ફટકારી દીધી.

જ્યારે અન્ય બૅટ્સમૅન નિષ્ફળ રહ્યા હતા ત્યારે બટલરે એકલા હાથે મૅચને કેવી રીતે પોતાના પક્ષે કરી શકાય તેનું ઉદાહરણ પૂરું પાડ્યું, જેમાં તેમને સુકાની મૉર્ગનનો થોડો સાથ પણ મળ્યો.

જોકે, શ્રીલંકાનો સ્કોર જોતાં એમ કહી શકાય કે એકલા બટલર જ તેમના માટે પૂરતા હતા.

આ વિજય સાથે ઇંગ્લૅન્ડ સળંગ ચાર મૅચ જીતીને આઠ પોઇન્ટ સાથે મોખરાના ક્રમે રહ્યું છે અને હવે માત્ર ચમત્કાર જ તેને સેમિફાઇનલથી વંચિત રાખી શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો