અમિત શાહને મળવા પહોંચ્યા પંજાબના પૂર્વ CM કૅપ્ટન અમરિંદરસિંહ - BBC TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે કે પંજાબના પૂર્વ મુખ્ય મંત્રી અમરિંદરસિંહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા છે.

ગઈ કાલે કૅપ્ટન અમરિંદરસિંહ ચંડીગઢથી દિલ્હી આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ અહીં કપૂરથલા હાઉસમાં પંજાબ સીએમનું નિવાસસ્થાન ખાલી કરવા માટે આવ્યા છે.

જોકે, તેઓ ભાજપના નેતાઓને મળશે એવી ગઈ કાલથી જ અટકળો બાંધવામાં આવી રહી છે.

કૅપ્ટન અમરિંદરસિંહ કે ભાજપ તરફથી આ મુલાકાત અંગે કોઈ જાણકારી આપવામાં નથી આવી.

વિશ્વના લગભગ 46 ટકા લોકોને કોરોનાની રસી મળી ગઈ, 'ન્યૂયૉર્ક ટાઇમ્સ'નો દાવો

'ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સ' પ્રમાણે વિશ્વના સાડા ત્રણ અબજ લોકોને કોરોના વાઇરસના સંક્રમણ સામે રક્ષણ આપતી રસી આપી દેવાઈ છે, જે દુનિયાની લગભગ 45.9 ટકા વસતી છે.

દુનિયાના 45.9 ટકા લોકોને રસીનો પહેલો ડોઝ આપી દેવાયો છે, જ્યારે 34 ટકા લોકોને રસીના બંને ડોઝ મળી ગયા છે. સાથે જ દુનિયાના 0.4 ટકા લોકોએ રસીના બુસ્ટર ડોઝ લઈ લીધા છે.

રસીકરણનો ઊંચો દર ધરાવતા દેશોમાં પ્રથમ ક્રમે યુએઈ છે, અહીંના 95 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ મળી ગયો છે.

જ્યારે આ યાદીમાં બીજા ક્રમે પોર્ટુગલ છે, જ્યાં 87 ટકા લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે અને 84 ટકા લોકોનું સંપૂર્ણ રસીકરણ થઈ ગયું છે.

અફઘાનિસ્તાનની ફ્લાઇટ્સ શરૂ કરવા તાલિબાનની ભારતને રજૂઆત

અફઘાનિસ્તાનમાં તાલિબાનની નવી સરકાર હેઠળની અફઘાનિસ્તાન સિવિલ ઍવિયેશન ઑથોરિટીએ ભારતના ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ ઍવિયેશનને અફઘાનિસ્તાનની ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા કહ્યું છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે દિલ્હીથી અફઘાનિસ્તાનની ફ્લાઇટ્સ શરૂ કરવા અંગે રજૂઆત કરાઈ છે. આ અંગે ડીજીસીએ અરુણકુમારનું કહેવું છે કે "અમને પત્ર મળ્યો છે અને નાગરિક ઉડ્ડયનમંત્રાલય આ અંગે નિર્ણય લેશે."

અફઘાનિસ્તાનના કાબુલને તાલિબાને કબજે કર્યું, એ પછી અફઘાનિસ્તાનની ઍરસ્પેસને 'નિરંકુશ' ઘોષિત કરવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો