હામિદ કરઝઈ : અફઘાનિસ્તાનના એ નેતા જેમણે તાલિબાન, મુજાહિદ્દીન અને અમેરિકા, ત્રણેયને સાચવ્યા
- લેેખક, ગ્રિગોર એટાનેસ્યાન
- પદ, બીબીસી ન્યૂઝ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 8 મિનિટ
તાલિબાન કાબુલમાં પ્રવેશે એ પહેલાં જ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘની દેશ છોડીને ભાગી ગયા હતા, પરંતુ છેલ્લા બે દાયકાથી અફઘાનિસ્તાનના લોકપ્રિય નેતા રહેલા પૂર્વરાષ્ટ્રપતિ હામિદ કરઝઈ ત્યાં જ રહ્યા છે.
આ વાત મહત્ત્વની એટલા માટે છે કે, તાલિબાને અગાઉ અનેક વખત એમની હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. કરઝઈને ટાર્ગેટ કરીને કરાયેલા તાલિબાન હુમલાઓમાં એમના કેટલાય સહયોગી મૃત્યુ પામ્યા છે.
80ના દાયકામાં કરઝઈએ સોવિયેટ રશિયા સામે બાથ ભીડી હતી. 90ના દાયકામાં તેઓ મુજાહિદ્દીનની સરકારમાં રહ્યા.

ઇમેજ સ્રોત, AFP
હામિદ કરઝઈએ તાલિબાનને પણ સમર્થન આપ્યું હતું, પરંતુ જ્યારે તાલિબાનોએ એમના પિતાની હત્યા કરી એ પછી તાલિબાનો સાથેના સંબંધોમાં તેમણે દિશા બદલી નાખી હતી.
તાલિબાન હારી ગયા પછી કરઝઈએ અમેરિકાના સહકારથી અફઘાનિસ્તાનમાં સત્તાનાં સૂત્રો સંભાળ્યાં હતાં, પરંતુ એક સમય એવો પણ આવ્યો જ્યારે તેઓ અમેરિકાની નજરમાંથી ઊતરી ગયા.
15 ઑગસ્ટે તાલિબાનો જ્યારે કાબુલને કબજે કરવા દાખલ થઈ રહ્યા હતા; ત્યારે વિદેશી સૈનિકો અને નાગરિકો, રાજકીય નેતાઓ અને મોટી સંખ્યામાં અફઘાન પ્રજા એ જ એરપૉર્ટ પર અસમંજસભરી સ્થિતિમાં અફરાતફરી મચાવતા દેશ છોડી રહ્યા હતા, જેનું નામ પૂર્વરાષ્ટ્રપતિ કરઝઈના નામે છે.
જોકે હામિદ કરઝઈએ નિશ્ચય કર્યો છે કે તેઓ આ શહેર (કાબુલ) અને આ દેશના રાજકારણમાં જ રહેશે.

તાલિબાન અને મુજાહિદ્દીનની સાથે

ઇમેજ સ્રોત, Reuters
હામિદ કરઝઈ પશ્તુનોના દુર્રાની વંશના છે, જેઓ પાપલઝઈ તરીકે પણ ઓળખાય છે. અફઘાનિસ્તાનને એકછત્ર નીચે સંગઠિત રાખવામાં તેમના વંશની મુખ્ય ભૂમિકા રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના નેતા અહમદશાહ દુર્રાની અફઘાનિસ્તાન પર રાજ કરનાર દુર્રાની સામ્રાજ્યના પહેલા શાહ હતા, જેમણે 1747માં કંદહારમાં પોતાના સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો.
હામિદ કરઝઈના પિતા અબ્દુલ અહદ કરઝઈ અફઘાનિસ્તાનના છેલ્લા બાદશાહ ઝહિરશાહના વિશ્વાસુઓમાંના નજીકના એક સાથી હતા.
તેઓ અફઘાન સંસદના ડેપ્યુટી સ્પીકર પણ હતા. હામિદ કરઝઈનું વલણ રાજાશાહી ટકાવી રાખવા તરફનું હતું. એટલે તો, સત્તામાં આવ્યા પછી તેમણે રાજાશાહી ધ્વજને અપનાવ્યો અને ઝહિરશાહને 'રાષ્ટ્રપિતાનો દરજ્જો' આપવાનું એલાન કર્યું હતું.
સોવિયેટ સેના જ્યારે અફઘાનિસ્તાન પહોંચી હતી ત્યારે કરઝઈ પરિવાર દેશ છોડીને પાકિસ્તાનના ક્વેટા શહેરમાં જતો રહ્યો હતો અને ત્યાંથી તેઓ સોવિયેટ સંઘ માટેનો પોતાનો વિરોધ પ્રગટ કરતા રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ ઘટના પછી, હામિદ કરઝઈ મુજાહિદ્દીનના એક સંગઠન સાથે જોડાયા હતા. જો કે તેમણે યુદ્ધમાં ભાગ નહોતો લીધો પરંતુ પ્રેસ સચિવ અને દુભાષિયાની કામગીરી કરતા હતા.
નોંધવું જોઈએ કે, તેમણે ભારતમાં શૈક્ષણિક અભ્યાસ કર્યો હતો અને તેઓ હિન્દી, અંગ્રેજી, ઉર્દૂ, ફ્રેન્ચ, પશ્તો અને દારી જેવી ઘણી બધી બોલીના જાણકાર છે અને તે ભાષાઓ પરની તેમની પકડ સારી છે.

ઇમેજ સ્રોત, Chip Somodevilla
1992માં રશિયન રાષ્ટ્રપતિ બોરિસ યેલ્તસિને અફઘાનિસ્તાનની તત્કાલીન સરકારને હથિયારનો સપ્લાય બંધ કરી દીધો. એ પછી મુજાહિદ્દીને કાબુલ પર કબજો કરી લીધો.
આને પગલે તે સમયના અફઘાન રાષ્ટ્રપતિ મોહમ્મદ નજીબુલ્લાહ ભાગીને સંયુક્ત રાષ્ટ્રની કચેરીના શરણે ગયા હતા.
અહીં તેઓ તાલિબાનો કાબુલ પર કબજો કરવા આવ્યા, ત્યાં સુધી એટલે કે લગભગ ચાર વર્ષ સંતાયેલા રહ્યા હતા. તાલિબાને તેમની હત્યા કરીને તેમના મૃતદેહને રાષ્ટ્રપતિ ભવનની સામે ટ્રાફિક લાઇટના થાંભલે લટકાવી દીધો હતો.
મુજાહિદ્દીનીઓની સરકારમાં હામિદ કરઝઈને ઉપવિદેશમંત્રી બનાવાયા હતા, પરંતુ જુદાં જુદાં રાજકીય જૂથો વચ્ચેના મતભેદને કારણે કરઝઈએ કાબુલ છોડવું પડ્યું હતું.
1996ના વર્ષમાં તેમણે પાકિસ્તાનના પોતાના પિતાના ઘરેથી તાલિબાનને સત્તા પર આવતા જોયા. દેશના નવા શાસકો માટે તેમને સહાનુભૂતિ પણ હતી અને એક સમયે તો સંયુક્ત રાષ્ટ્રમાં તાલિબાનના અનૌપચારિક રાજદૂત તરીકે તેમને મોકલવાનો વિચાર પણ કરાયો હતો.
1998માં હામિદ કરઝઈએ કહેલું કે, "તાલિબાનોમાં કેટલાક સારા લોકો પણ હતા, કેટલાક ઉદારવાદી અને દેશપ્રેમી લોકો હતા, પરંતુ આરબો અને પાકિસ્તાનીઓએ તેમને ખરાબ કરી નાખ્યા."

તાલિબાનના વિરોધમાં પશ્ચિમના શક્તિશાળી દેશો સાથે

ઇમેજ સ્રોત, Reuters
1999ના વર્ષે હામિદના પિતાની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા પાછળ તાલિબાનનો હાથ હોવાનું કહેવાતું હતું. ત્યાં સુધીમાં તો તેમના મોટાભાઈ અમેરિકામાં સેટલ થઈ ગયા હતા. અમેરિકામાં તેમની અફઘાન રેસ્ટોરાં ચેઇન છે.
દરમિયાન, હામિદ કરઝઈને એના કબીલાના નેતા નીમી દેવામાં આવ્યા હતા. હામિદે એ પછીનાં કેટલાંક વરસો પશ્ચિમી દેશો સાથે સંપર્ક-સંબંધ વધારવામાં વિતાવ્યાં હતાં
પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ફરજ બજાવી ચૂકેલા કેટલાક રાજકીય લોકોએ જણાવ્યું કે, હામિદ કરઝઈ પશ્ચિમી દેશોની એલચી કચેરીઓમાં જઈને તાલિબાનના વિરોધ માટે સમર્થન મેળવવાનું અભિયાન ચલાવતા હતા.
2001માં અમેરિકાએ જ્યારે અફઘાનિસ્તાન પર હુમલો કર્યો, ત્યારે કરઝઈ પોતાના વફાદાર લડવૈયાઓને લઈને પોતાના દેશમાં પાછા ફર્યા હતા.
એવું મનાય છે કે ત્યાં સુધીમાં એમને અમેરિકા તરફથી સમર્થન પ્રાપ્ત થઈ ગયું હતું અને ખાસ તો ઇસ્લામાબાદનો સીઆઇએ બ્યૂરો એમના સાથસહકારમાં હતો.
2001માં પાંચમી ડિસેમ્બરે તેમનું જૂથ ભૂલથી અમેરિકન દળોના ગોળીબાર વચ્ચે ફસાયું હતું. જોકે, સામાન્ય ઈજાઓ થવા સાથે તેઓ બચી ગયા હતા, પરંતુ એ હુમલામાં તેમના કેટલાક સાથીઓનાં મૃત્યુ થયાં હતાં.

એ જ દિવસે જર્મનીના બૉન શહેરમાં સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખપદે એક કૉન્ફરન્સ યોજાઈ હતી અને તેમાં અફઘાનિસ્તાનનાં રાજકીય લોકોએ ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, એ કૉન્ફરન્સમાં હામિદ કરઝઈની વચગાળાની સરકારના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
કરઝઈએ યાદ કરતાં જણાવેલું કે આ માહિતી તેમને અગાઉથી બીબીસીના એક પત્રકારે આપી હતી.
તેમણે અખબાર ન્યૂયૉર્કરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવેલું કે, "હૉસ્પિટલમાં એક નર્સ લોહીથી લથપથ મારો ચહેરો સાફ કરતી હતી, ત્યારે જ ફોનની રિંગ વાગી અને મેં એ ફોન ઉપાડ્યો તો સામેના છેડે બીબીસી સંવાદદાતા લીસ ડ્યુસેટ હતાં."
"તેમની પાસે બૉનથી આવેલા મારા માટેના સમાચાર હતા. તેમણે કહ્યું કે તમને સરકારના પ્રમુખ તરીકે પસંદ કરાયા છે."
એ પછીના ઉનાળે તેમને અફઘાનિસ્તાનના કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવી દેવાયા.

કરઝઈનો દાયકો

ઇમેજ સ્રોત, Getty Images
હામિદ કરઝઈએ 13 વર્ષ સુધી દેશની શાસનધુરા સાચવી-સંભાળી. 2001ના અંતમાં તેઓ કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા, 2004માં રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં તેમની જીત થઈ અને 2009માં તેઓ ફરી ચૂંટાયા.
કરઝઈના સમયમાં અફઘાનિસ્તાન ભાગલા પડી ગયેલો છૂટોછવાયો જણાતો દેશ બની ગયો હતો, જેમાં ક્ષત્રપો મુખ્ય ભૂમિકામાં હતા અને આ ક્ષત્રપો પોતાનાં વફાદાર કુળોના પીઠબળને કારણે શક્તિશાળી બન્યા હતા.
કરઝઈ સરકારનું સત્તાક્ષેત્ર એટલું બધું સીમિત હતું કે કેટલાક લોકો મજાકમાં તેમને 'કાબુલના મેયર' કહેતા હતા. દાયકાઓ સુધી ચાલેલી આંતરિક લડાઈઓને કારણે અફઘાન સૂબાઓ પર વૉરલૉર્ડ્સનું વર્ચસ્વ હતું, જેમના પોતાના લડવૈયા હતા.
અમેરિકાએ આ બધાં શક્તિશાળી જૂથોનો ઉપયોગ તાલિબાનને હરાવવા માટે 2001માં કર્યો હતો; અને જ્યારે યુદ્ધ પૂરું થયું ત્યારે એમને કરઝઈની સાથે સત્તામાં ભાગીદારી મળી હતી.
જેમનું નામ યુદ્ધગુનાઓમાં પ્રખ્યાત છે તે, કમાન્ડર અબ્દુલ રશીદ દોસ્તમ કરઝઈ કૅબિનેટમાં મંત્રી બનેલા. તેનાથી બિલકુલ વિપરીત, કરઝઈ એક રાજનેતા હતા, કોઈ ફિલ્ડ કમાન્ડર નહોતા.
તેમની સત્તાનો આધારસ્રોત અમેરિકા અને નેટોના સદસ્ય દેશોના સૈનિકો હતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
સંશોધકો જણાવે છે કે ત્રીસ વર્ષ પહેલાં સોવિયેટ સંઘે અફઘાનિસ્તાનમાં જે કર્યું હતું, અમેરિકાએ એ જ રાહે ત્યાં એવી સરકાર બેસાડી કે જે કઠપૂતળીની જેમ કોઈના ઇશારે કામ કરે.
નિયુક્ત થયેલી સરકારની સમાંતરે અમેરિકન સલાહકારો અને અફઘાનિસ્તાન પુનર્નિર્માણ ટીમના સદસ્યો કાબુલમાં એકઠા થઈ ગયા. વિશેષજ્ઞો આ લોકોને 'શૅડો ગવર્નમેન્ટ' (પરદા પાછળ રહીને સરકારને નિયંત્રિત કરનાર, ચલાવનાર) કહે છે.
અમેરિકા નવી સરકારનાં દરેક પગલાંને પોતાના નિયંત્રણમાં રાખવા ઇચ્છતું હતું. ઘણી વાર જીવલેણ હુમલામાં સપડાયેલા અને તેમાંથી હેમખેમ બચેલા કરઝઈ મહિનાઓથી રાષ્ટ્રપતિ ભવનમાંથી બહાર નહોતા નીકળ્યા.
એક પ્રાઇવેટ મિલિટરી કંપનીના અમેરિકન અંગરક્ષકો તેમની સલામતી માટે સતત તેમની સાથે રહેતા હતા.
કેટલાક લોકોએ તેમના આ વલણને, પોતાના જ લોકો પર તેમને ભરોસો નથી, એના સંકેતરૂપ ગણાવ્યું છે.
કરઝઈ માટે થોડા સમયમાં જ વિદેશી સહાય બોજ બની ગઈ હતી પરંતુ અમેરિકા સાથેના તેમના સંબંધો સારા રહ્યા હતા. કરઝઈના મિત્ર અને અફઘાન મૂળના અમેરિકન નાગરિક જાલમાઈ ખલીલજાદની અફઘાનિસ્તાનમાં અમેરિકાના રાજદૂત તરીકે નિમણૂક થઈ હતી.
આ જ ખલીલજાદ 80ના દાયકામાં મુદાહિદ્દીનીઓ અને અમેરિકા વચ્ચેના સંપર્ક માટે સૂત્રધારની ભૂમિકામાં હતો.
ખલીલજાદે અફઘાનિસ્તાનમાં એક નવું બંધારણ તૈયાર કરવાના કામમાં ભાગ લીધો હતો. આ બંધારણ એવું હતું કે જેમાં અફઘાનિસ્તાનમાં અમેરિકન નીતિઓને વધારે પ્રમાણમાં લાગુ કરાઈ હોય એમ લાગતું હતું.
પત્રકારો જાલમાઈ ખલીલજાદને 'વાઇસરૉય' કહેતા હતા અને એવો રિપૉર્ટ પણ મળેલો કે અમેરિકન રાજદૂત સાથે રાષ્ટ્રપતિ અઠવાડિયાના ત્રણ દિવસ ભોજન કરે છે.
2005ના વર્ષમાં ખલીલજાદને ઇરાકના રાજદૂત બનાવાયા, પરંતુ ખલીલજાદ પછી આવેલા નવા અમેરિકન રાજદૂત માટે ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ હતી; અને અમેરિકન રાજનેતાઓ પરનો કરઝઈનો ભરોસો ડગુમગુ થવા લાગ્યો હતો.
એ જ વરસે કરઝઈ અમેરિકાની મુલાકાતે ગયા હતા. ત્યાં એમણે વિદેશી સૈનિકોની કમાન પોતાના હસ્તક કરવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો. એનું કારણ એ હતું કે અમેરિકન સૈનિકોએ બે અફઘાન કેદીઓને માર મારીને મારી નાખ્યા હતા.

કરઝઈ, ઇંગ્લૅન્ડ અને અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images
અફઘાનિસ્તાનમાં એવું મનાય છે કે, સૌથી મુશ્કેલ કામ નશીલા પદાર્થોના સ્મગ્લિંગ વિરુદ્ધની લડાઈ છે. અમેરિકાએ હેલમંડની જવાબદારી બ્રિટનને સોંપી હતી.
કરઝઈએ શેરા કબીલાના નેતા મોહમ્મદ અખુંદજાદાને હેલમંડના ગવર્નર બનાવ્યા હતા.
ઇંગ્લૅન્ડને એવી શંકા હતી કે અખુંદજાદા નશીલા પદાર્થોની હેરાફેરીમાં સક્રિય છે. આ દરમિયાન 2005માં જ અખુંદજાદાના ઘરમાંથી નશીલા પદાર્થનો નવ ટન જેટલો જથ્થો પકડાયો હતો.
બ્રિટનના કહેવાથી મોહમ્મદ અખુંદજાદાને હેલમંડના ગવર્નરપદેથી હઠાવી દેવાયા.
કરઝઈએ એમને ફરીથી ગવર્નર બનાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બ્રિટને એવું ન થવા દીધું. એના પછી તરત જ હેલમંડમાં આંતરરાષ્ટ્રીય દળો અને તાલિબાન વચ્ચે ભીષણ સંઘર્ષનો સિલસિલો શરૂ થયો હતો.
પછીથી મોહમ્મદ અખુંદજાદે એ સ્વીકારેલું કે તેણે પોતાના 3000 લડવૈયાને તાલિબાન પાસે મોકલી દીધા હતા, કેમ કે તેઓ પોતે એમ નહોતા કરી શકતા. પશ્ચિમી દેશોને કરઝઈના સાવકા ભાઈ અહમદ વલી પર સંદેહ હતો કે તે નશીલા પદાર્થોનું સ્મગ્લિંગ કરે છે.
મીડિયા રિપૉર્ટોમાં અહમદ વલીનું નામ અફીણ અને હેરોઇનની હેરાફેરીમાં જાણીતું હતું. અમેરિકાના રાજકારણીઓએ પોતાનો સંદેશ કરઝઈને પણ મોકલ્યો હતો. અહમદ વલી પર અમેરિકામાં કાનૂની મુકદ્દમો ચાલતો હતો. 2011માં એક બૉડીગાર્ડે તેને ગોળી મારી દીધી હતી.
મોહમ્મદ અખુંદજાદ અને અહમદ વલી પર 2009માં અફઘાનની ચૂંટણીમાં ગોલમાલ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ એ ચૂંટણી હતી જેમાં કરઝઈ ચૂંટાઈને બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા હતા.
અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્રના વિશેષ પ્રતિનિધિ રહી ચૂકેલા પીટર ગૉલબ્રાયથે ચૂંટણીમાં મોટા પ્રમાણમાં ગરબડ થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો, પરંતુ આવા બયાન પછી તેમને તેમના પદ પરથી હઠાવી દેવાયા હતા.
આના બરાબર એક વર્ષ પહેલાં, અમેરિકામાં પણ રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ હતી અને કરઝઈના સંબંધો અમેરિકાની નવી સરકાર સાથે પહેલાં જેવા નહોતા. એ કારણે જ કદાચ, કાબુલમાં શપથગ્રહણ સમારોહમાં ઓબામા સરકારની ટીમે ભાગ નહોતો લીધો.
2008માં હિલેરી ક્લિન્ટને અફઘાનિસ્તાનને ડ્રગ સ્ટેટ જાહેર કરીને કરઝઈ સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો હતો.
આ પછી કરઝઈ અમેરિકાનું દોસ્ત નહીં પણ વિરોધી બની ગયું. તેમણે અમેરિકા અને બ્રિટન પર સામ્રાજ્યવાદી વલણો ધરાવતા હોવાનો આરોપ મૂક્યો હતો.
તેમણે કહ્યું કે પશ્ચિમના શક્તિશાળી દેશો ગુપચુપ રીતે તાલિબાન સાથે સાઠગાંઠ કરે છે.

કાબુલનું પતન

ઇમેજ સ્રોત, EPA
સત્તા છોડ્યા પછી કરઝઈ સુરક્ષા સાથે કાબુલમાં જ એક સરકારી ઇમારતમાં રહેવા લાગ્યા હતા અને જૂના માલિકો સામેની તેમની ફરિયાદો ચાલુ હતી.
એમણે કહ્યું કે, અલ-કાયદાએ ક્યારેય અફઘાનિસ્તાન સાથે કામ નથી કર્યું અને એણે અફઘાનિસ્તાનની ધરતી પરથી 11 સપ્ટેમ્બરનો હુમલો નથી કર્યો.
એમણે કહ્યું હતું કે ઇસ્લામિક સ્ટેટ અમેરિકાનું સાધન છે અને તેઓ અમેરિકા અને આઆએસ વચ્ચે કોઈ તફાવત નથી જોતા.
2018માં કરઝઈએ ટ્રમ્પ સરકાર અને તાલિબાન વચ્ચે થતી વાતચીતને સમર્થન આપ્યું હતું. કદાચ એનું કારણ એ હતું કે એમનો જૂનો મિત્ર ખલીલજાદ આ વાતચીત માટે જવાબદાર હતો.
કરઝઈએ તાલિબાનનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. અફઘાનિસ્તાનના ભવિષ્ય વિશે 2019માં મોસ્કોમાં યોજાયેલી એક કૉન્ફરન્સમાં તેમણે ભાગ લીધો હતો, જેમાં તાલિબાનના નેતાઓ પણ હાજર હતા.
એ વખતે હામિદ કરઝઈએ કહેલું કે, "તાલિબાન પણ અફઘાન છે. તેમણે પણ બીજા અફઘાનો કરતાં ઓછું નથી ગુમાવ્યું."
"તેમનાં બાળકોએ પણ જીવ ખોયો છે; એમનાં ઘર પણ ભાંગીતૂટીને ઉજ્જડ થયાં છે; એમના પર પણ બૉમ્બમારો કરાયો છે; ગોળીઓ છોડાઈ છે; તેમનાં ઘરોમાં પણ તપાસ કરાઈ છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
કાબુલમાં તાલિબાનના પ્રવેશ અને રાષ્ટ્રપતિ ઘનીના દેશમાંથી પલાયન પછી પણ કરઝઈ ત્યાં જ ઉપસ્થિત છે. તેમના રાજકીય વિરોધી અબ્દુલ્લા અબ્દુલ્લા પણ કાબુલમાં જ છે.
મળતી માહિતી અનુસાર, એક સમાવેશી સરકારના નિર્માણ માટે તાલિબાન કરઝઈ અને અબ્દુલ્લા બંને સાથે વાતચીત કરી રહ્યું છે.
કરઝઈએ પોતાના ઘરની બહાર ઊભા રહી એક વીડિયો સંદેશ રેકૉર્ડ કર્યો હતો. તેમની દીકરીઓ તેમની પડખે ઊભી હતી. તેમણે વચન આપ્યું હતું કે તેઓ કાબુલ નહીં છોડે અને સત્તાનું શાંતિપૂર્ણ હસ્તાંતરણ કરાવવા માટેના પ્રયાસો કરશે.
તાલિબાને હક્કાની નેટવર્કના અનસ હક્કાની અને કરઝઈ સાથેની એક મુલાકાતની તસવીરો પોસ્ટ કરી છે.
દરમિયાનમાં, સીએનએન ટેલિવિઝનના એક રિપૉર્ટમાં દાવો કરાયો છે કે કરઝઈ અને અબ્દુલ્લા અબ્દુલ્લાને ઘરમાં જ નજરકેદ કરાયા છે. પણ, આ સમાચારનું ખંડન થવામાં વધારે વાર નહીં લાગે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો























