You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટોક્યો ઑલિમ્પિક: મીરાબાઈ ચાનુએ ભારતને પ્રથમ મેડલ અપાવ્યા બાદ શું કહ્યું?
ભારતીય વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ટોક્યો ઑલિમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો છે.
ચાનુ ઑલિમ્પિક વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જિતનારાં પ્રથમ ભારતીય ઍથ્લીટ બની ગયાં છે.
તેમણે 49 કિલો વજનની શ્રેણીમાં આ મેડલ મેળવ્યો છે.
આ વર્ગમાં ચીનના હાઉ જહુઈએ ગોલ્ડ અને ઇન્ડોનેશિયાના વીંડી અસાહે બૉન્ઝ મેડલ જિત્યા છે.
ચાનુએ 202 કિલો વજન ઊંચકીને ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે.
મીરાબાઈએ આનંદને વ્યક્ત કરતાં સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કર્યું છે.
મીરાબાઈએ કહ્યું, "મારા માટે આ એક સપનાનું સાકાર થવા જેવું છે. મેડલને હું મારા દેશને સમર્પિત કરું છું. કરોડો ભારતીયોએ મારા માટે પ્રાર્થના કરી અને મારી આ સફરમાં સાથે રહ્યા. આ માટે હું આભારી છું."
"હું મારા પરિવારનો આભાર વ્યક્ત કરું છું, ખાસ કરીને મારી માતાનો, જેણે ઘણું ત્યાગ કર્યું અને મારા પર વિશ્વાસ રાખ્યો. હું મારી સરકાર, ખેલ મંત્રાલય, આઈઓએ, વેઇટલિફ્ટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા, રેલવે, ઓજીક્યુ, પ્રાયોજકો અને માર્કેટિંગ એજન્સી ઓઈઓએસનો સમર્થન આપવા બદલ આભાર વ્યક્ત કરું છું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"સતત મહેનત, પ્રેરણા અને તાલીમ માટે મારા કોચ વિજય શર્મા સર અને અન્ય સ્ટાફનો હું વિશેષ આભાર વ્યક્ત કરું છું. ફરી એક વાર દેશવાસીઓનો આભાર. જય હિંદ"
વડા પ્રધાન અને રાષ્ટ્રપતિએ આપ્યાં અભિનંદન
મેડલ જિત્યા બાદ ચાનુ સોશિયલ મીડિયામાં છવાઈ ગયાં છે. સામાન્યથી લઈને ખાસ વ્યક્તિ તેમને અભિનંદન આપી રહી છે અને તેમનો આભાર માની રહી છે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટ્વીટ કરીને તેમને અભિનંદન આપ્યાં છે.
પીએમ મોદીએ મીરાબાઈ ચાનુ સાથેની એક તસવીર ટ્વીટ કરીને લખ્યું, "ભારતની ટોક્યો ઑલિમ્પિકમાં આનાથી ખુશનુમા શરૂઆત કોઈ ન હોઈ શકે. ભારત મીરાબાઈ ચાનુના શાનદાર પ્રદર્શનથી બહુ ખુશ છે."
ટોક્યો ઑલિમ્પિકમાં સૌરભ ચૌધરી મેડલ ન જીતી શકતાં શું બોલ્યા?
એક તરફ ભારતનાં મીરાબાઈ ચાનુએ ટોક્યો ઑલિમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો છે, ત્યારે બીજી તરફ 10 મીટર ઍર પિસ્ટલ મેન્સ ઇવેન્ટમાં સૌરભ ચૌધરી સાતમા સ્થાન પર રહ્યા છે.
સૌરભ ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં 586 પૉઇન્ટ્સ સાથે ટૉપ પર રહ્યા હતા. ક્લૉલિફાઇંગ રાઉન્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ફાઇનલમાં પહોંચતાં સૌરભ પાસેથી મેડલી આશા બંધાઈ હતી.
19 વર્ષીય સૌરભ જો મેડલ જીતવામાં સફળ થાત તો તેઓ ઑલિમ્પિકમાં મેડલ જીતનારા પાંચમા ભારતીય શૂટર હોત.
ફાઇનલમાં સાતમા સ્થાને રહ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં સૌરભે કહ્યું કે અમે પૂરી કોશિશ કરી હતી.
સૌરભે કહ્યું કે તેઓ કોઈ દબાણમાં નહોતા, પણ એટલું ચોક્કસ છે કે ક્યારેક લય જળવાય છે અને ક્યારેક લય તૂટી જાય છે.
આ અગાઉ રાજ્યવર્ધન સિંહ રાઠોડ, અભિનવ બિંદ્રા, ગગન નારંગ અને વિજય કુમાર ઑલિમ્પિકમાં મેડલ જીતી ચૂક્યા છે.
દીપિકા કુમારી અને પ્રવીણ જાધવની જોડીની ક્વાર્ટર ફાઇનલમાં હાર
ટોક્યો ઑલિમ્પિક 2020ના તીરંદાજીના મિક્સ્ડ ડબલ્સમાં ભારતનાં દીપિકા કુમારી અને પ્રવીણ જાધવની જોડીની ક્વાર્ટર ફાઇનલમાં હાર થઈ છે.
ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયાના એન સૈન અને કિમ જે દેઓકની જોડીએ તેમને 6-2થી હરાવ્યા હતા.
એન સેન અને કિમ જેએ સમગ્ર મેચ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું, જેના કારણે ભારતીય જોડી સામે જીતવું પડકાર હતો. પહેલા બે સેટમાં દક્ષિણ કોરિયાની જોડી ભારતીય જોડી પર હાવી રહી હતી.
જોકે, દીપિકા અને પ્રવીણએ ત્રીજા સેટમાં પુનરાગમન કર્યું અને સ્કોર 4.2 સુધી પહોંચાડી દીધો હતો. પરંતુ ચોથા સેટમાં એન સેન અને કિમની જોડીએ કુલ 36 પૉઇન્ટ્સ મેળવ્યા અને મૅચ જીતી લીધી.
ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે, આ અગાઉ શનિવારે દીપિકા કુમારી અને પ્રવીણ જાધવની ટીમે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં લિન ચિયા-એન અને તાંગ ચિહ-ચુનની ચાઇનીઝ-તાઇપેઈ જોડીને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
ભારતનો હૉકીમાં રોમાંચક વિજય
ભારતે ટોક્યો ઑલિમ્પિકમાં પુરુષ હૉકીમાં રોમાંચક જીતથી શરૂઆત કરી છે. પૂલ એની સ્પર્ધામાં ભારતે ન્યૂઝીલૅન્ડને 3-2થી હરાવ્યું.
એક તરફ હરમનપ્રીત સિંહના પેનલ્ટી કૉર્નર પર કરેલા બે ગોલની ભારતના વિજયમાં મહત્ત્વની ભૂમિકા રહી છે ત્યારે ગોલકીપર પી. શ્રીજેશના શાનદાર બચાવને કારણે ટીમ આગળના રાઉન્ડમાં પહોંચવામાં સફળ રહી.
મૅચની અંતિમ ક્ષણોમાં પણ ન્યૂઝીલૅન્ડની ટીમ બરાબરી કરવાની સ્થિતિમાં પહોંચી ગઈ હતી. કેન રસેલે ગોલ કરવા માટે ડાબી બાજુથી જોરદાર શૉટ ફટકાર્યો હતો, પણ પી. શ્રીજેશે કૂદકો મારીને ગોલ થવાથી બચાવી લીધો. તેની થોડી સેકન્ડ બાદ તેમણે વધુ એક શ્રેષ્ઠ બચાવ કરી ભારતની લીડ જાળવી રાખી.
ભારત તરફથી મૅચનો પ્રથમ ગોલ રૂપિંદરપાલ સિંહે પેનલ્ટી સ્ટ્રૉકમાં કર્યો હતો.
ભારતીય હૉકી ટીમની હવે પછીની મૅચ વિશ્વની પ્રથમ ક્રમાંકની ઑસ્ટ્રેલિયન ટીમ સાથે થશે. આ મૅચ રવિવારે ભારતીય સમય મુજબ બપોરે ત્રણ વાગ્યો રમાશે. ઑસ્ટ્રેલિયાએ પોતાની પહેલી મૅચમાં જાપાનને 5-3થી હરાવ્યું હતું.
ઑલિમ્પિક ઇતિહાસની સૌથી સફળ ટીમ તરીકે ભારતનું નામ નોંધાયેલું છે, પરંતુ ઑલિમ્પિક ગેમ્સમાં ભારતે 41 વર્ષ પહેલાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ટોક્યો ઑલિમ્પિકનો પ્રથમ ગોલ્ડ મેડલ
શનિવારે ટોક્યો ઑલિમ્પિકના પ્રથમ ગોલ્ડ મેડલનો નિર્ણય પણ થયો. ચીનનાં યાંગ કિયાને 10 મીટર ઍર રાઇફલમાં નવો ઑલિમ્પિક રેકૉર્ડ બનાવીને પહેલો ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો